ભૂતકાળ અને ભવિષ્યની જરાય ચિંતા કર્યા વગર વર્તમાનમાં જીવતાં શીખો

01 January, 2026 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીવનનો સાચો આનંદ એ શું હતું કે શું હશેમાં નહીં, પણ શું છે એને મન ભરીને માણવામાં છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કોઈ મને પૂછે કે ૨૦૨૫થી તમે શું શીખ્યા તો મારો જવાબ હશે વર્તમાનમાં જીવતાં શીખી. મારી દીકરી અમેરિકા ભણવા ગઈ અને મેં તો વિચાર્યું પણ નહોતું કે મને પણ અમેરિકા જવાની તક મળશે. મને તો વીઝા મળશે કે નહીં એની પણ મૂંઝવણ હતી, પણ અનાયાસ મને મારી દીકરીની કૉન્વોકેશન સેરેમનીમાં ભાગ લેવાની તક મળી. દરેક દેશમાં લોકોની રહેણીકરણી અલગ હોય એ સ્વાભાવિક છે પણ મને અમેરિકાના લોકોનું જીવન બહુ શાંતિભર્યું લાગ્યું. જે તક મળે એને તરત જ ઝડપી લે અને એને મન મૂકીને માણી લે અને આગળ વધે. આ જ તેમના જીવનનો મંત્ર. ન ભૂતકાળનો ભય, ન ભવિષ્યની ચિંતા, ફક્ત વર્તમાનમાં જીવવાવાળા લોકો. જોકે આપણા દેશનું ચિત્ર અમેરિકા કરતાં થોડું અલગ છે. અહીં લોકો પોતાના મનનું કરવા પહેલાં એ વિચારે છે કે લોકો શું કહેશે? સમાજ કેવી રીતે વર્તશે? જો હું આવું કરીશ તો ભવિષ્યમાં કેવું પરિણામ આવશે? એવા ઘણા વિચારો કરે છે અને એમાં ગૂંચવાઈ જાય છે અને હંમેશાં મેન્ટલી અને ઇમોશનલી સ્ટ્રગલ કરતા રહે છે. કોઈ ગમતી ચીજ ટ્રાય કરી અને એનું પરિણામ ન આવે તો એમાં ગૂંચવાઈ જાય અને પછી નકારાત્મક થઈ જાય અને ઓવરથિન્ક કરે એનો શું અર્થ છે? એ જાણતાં-અજાણતાં તમારી હેલ્થને જ હાનિ પહોંચાડે છે એ ખબર હોવા છતાં એમાંથી બહાર નીકળવાની કોશિશ કરવાને બદલે એમાં અટવાયેલા રહીએ છીએ. જ્યારે આ વલણ બદલાશે ત્યારે તમને જીવનની સાચી સુંદરતા અને સકારાત્મક દૃષ્ટિકોણ મળશે.

જીવનનો સાચો આનંદ એ શું હતું કે શું હશેમાં નહીં, પણ શું છે એને મન ભરીને માણવામાં છે. દુનિયાના ડર અને ભવિષ્યની ચિંતા છોડીને જ્યારે તમે તમારી ખુશી માટે જીવતાં શીખશો ત્યારે જ જીવન ખીલી ઊઠશે. સાચું સુખ ક્યાંય બહાર નહીં પણ વર્તમાન પરિસ્થિતિને સ્વીકારીને આજમાં જીવવાની કળામાં છુપાયેલું છે. 

 

- વૈશાલી લિમ્બાચિયા (વૈશાલી લિમ્બાચિયા ઘાટકોપરની રામજી આસર વિદ્યાલય હાઈ સ્કૂલનાં સિનિયર શિક્ષિકા છે.)

columnists exclusive gujarati mid day