28 December, 2025 03:21 PM IST | Mumbai | Rashmin Shah
સરગમ બૅન્ડ
પુરુષોની ઇજારાશાહી સમાન બૅન્ડ વગાડવાનું કામ બિહારના આદિવાસી ગામ ઢિબરાની મહિલાઓ કરે છે. લગ્નમાં વરઘોડાની આગળ ૧૦ મહિલાઓનું સરગમ બૅન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતું હોય ત્યારે ભલભલા લોકોના પગ થંભી જાય અને કાં તો પગમાં થરકાટ આવી જાય. વાંચો ભલભલાને નચાવી દેતી આ મહિલા બૅન્ડની સર્જનયાત્રા
વાત છે બિહારના પટનાથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર આવેલા ઢિબરા નામના ગામની. ગામમાં લગ્ન છે, વરરાજાની જાન જઈ રહી છે અને એ જાન જોવા માટે રસ્તા પરથી પસાર થતા લોકો અવાચક બનીને ઊભા રહી ગયા છે. ના, વરરાજા કોઈ નવી સ્ટાઇલથી ઘોડે નથી ચડ્યા કે નથી તેનામાં કોઈ ખોડખાંપણ. બધું નૉર્મલ જ છે પણ એ વરઘોડાની આગળ જે બૅન્ડ ચાલે છે, લોકોને એનું કૌતુક છે.
એ બૅન્ડમાં ૧૦ મહિલાઓ છે. પોતાના બાવડાની પૂરેપૂરી તાકાત વાપરવાની સાથે તેઓ ઢોલ-નગારાં અને ત્રાંસ પર હાથ ઠપકારે છે. પુરુષોને પણ શરમ આવે એવી તેમની તાકાત છે અને પુરુષોના પણ પગ થિરકવા માંડે એવા તાલ સાથે બૅન્ડનું મ્યુઝિક રેલાય છે. બિહારનું આ પહેલું અને એકમાત્ર મહિલા બૅન્ડ છે. આપણે ત્યાં અમુક કામોને કાયમ માટે પુરુષોની ઇજારાશાહી ગણવામાં આવી છે. એ અમુક કામોમાં મ્યુઝિક બૅન્ડ પર પણ પુરુષોનું જ આધિપત્ય રહ્યું છે, પણ એ આધિપત્ય તોડવાનું કામ બિહારના ઘિબરા નામના ગામની મહિલાઓએ કર્યું. ૧૦ મહિલાઓ એકત્રિત થઈ અને તેમણે વિધિવત મ્યુઝિકલ વાદ્યો વગાડવાની તાલીમ લઈને બૅન્ડ શરૂ કર્યું, જેને નામ આપ્યું સરગમ બૅન્ડ. સરગમ બૅન્ડના એક મેમ્બર એવાં કંચનબહેન કહે છે, ‘એક સમય હતો જ્યારે અમને રાત પડ્યે શું આવક આવશે એની ખબર નહોતી, પણ હવે એવો સમય આવી ગયો છે કે અમને પહેલેથી જ ખબર પડી જાય છે કે આ મહિને અમારી કમાણી શું હશે.’
સરગમ બૅન્ડની વાહવાહી ઘિબરાથી બહાર નીકળીને છેક પટના સુધી પહોંચી છે અને એટલે જ તો પટના સહિત આજુબાજુનાં ગામમાંથી પણ તેમને મૅરેજમાં બૅન્ડ વગાડવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ગયા મહિને બિહાર વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે નરેન્દ્ર મોદી પણ આ બૅન્ડની મહિલા સદસ્યોને મળવાના હતા, પણ સિક્યૉરિટી પર્પઝથી તેમની યાત્રાનો રૂટ ચેન્જ કરવામાં આવ્યો એટલે બૅન્ડ અને મોદીની મીટિંગ ટળી ગઈ.
મહિલાઓને પગભર કરવા ઉપરાંત ખરા અર્થમાં પુરુષસમોવડી સાબિત કરતું આ સરગમ બૅન્ડ કેવી રીતે શરૂ થયું એ જાણવા જેવું છે.
ધિના ધિન ધા...
બિહારના આ ઢિબરા ગામની વસ્તી અંદાજે અઢી હજાર માથાંની. ગામ આખું ખેતી આધારિત. મહિલાઓના ગામમાં બે જ કામ. એક, તે ઘર સંભાળે અને બીજું, ખેતરે જઈને મજૂરી કરે. મજૂરી પણ કેવી તો કહે, પાણી વાળવાની, નિંદામણ દૂર કરવાની. ટૂંકમાં નગણ્ય કહેવાય એવું કામ તેમના ભાગમાં આવે. પરિણામે મહિલાઓનું મૂલ્ય ગામમાં શૂન્ય સમાન. એવામાં ગામમાં એક સિસ્ટર આવ્યાં. સિસ્ટરે આવીને જોયું કે આર્થિક રીતે પછાત એવા આ ગામને ઊભું કરવા, ગામમાં શિક્ષણનું મહત્ત્વ વધારવા જો કંઈ કરવું હોય તો સૌથી પહેલું કામ ગામની મહિલાઓને કામ શીખવવું પડશે.
આપણે આ જે સિસ્ટરની વાત કરીએ છીએ તેમનું નામ સુધા વર્ગિસ. પહેલાં સિસ્ટર તરીકે પૉપ્યુલર થયેલાં આ સુધા વર્ગિસ અત્યારે તો ઑલમોસ્ટ અડધા બિહારનાં સુધા દીદી છે. સુધાદીદી નારી ગુંજન નામની એક સંસ્થા ચલાવે છે; આ સંસ્થા મહિલાઓને આર્થિક, શારીરિક અને માનસિક રીતે પગભર થવામાં મદદ કરે છે. નારી ગુંજન અને તેમનાં સામાજિક કાર્યોને જોઈને ૨૦૦૬માં ભારત સરકારે સુધા વર્ગિસને પદ્મશ્રીથી સન્માનિત પણ કર્યાં તો ૨૦૧૮માં અમિતાભ બચ્ચને તેમને ‘કૌન બનેગા કરોડપતિ’માં ખાસ આમંત્રિત પણ કર્યાં. સરગમ બૅન્ડ વિશે વાત કરતાં સુધાદીદી કહે છે, ‘આ જે ગામ છે એ ગામના લોકોને પછાત અને દલિત માનવામાં આવતા એટલે સૌથી પહેલાં તો તેમને માનસિક રીતે પગભર કરવા જરૂરી હતા, ગામની મહિલાઓ સાથે વાત કરી તો તેમની વાતો પરથી પણ સમજાતું હતું કે તે અંદરથી બહુ તૂટી ગઈ છે એટલે અમે ત્યાં જઈને નિયમિત રીતે તેમની સાથે વાતો કરવાનું, તેમને સાંત્વન આપવાનું કામ શરૂ કર્યું.’
હિંમત આવતી ગઈ અને મહિલાઓ દિલથી ખૂલવા પણ માંડી. સુધાદીદી અને તેમની નારી ગુંજન સંસ્થાની મહિલાઓ બેથી ત્રણ મહિના નિયમિત રીતે ઢિબરા ગામે જતાં રહ્યાં. આ સમયગાળા દરમ્યાન તેમણે એક વાત ઑબ્ઝર્વ કરી કે ગામમાં જ્યાં પણ લગ્ન થતાં ત્યાં બૅન્ડ આવતું અને બૅન્ડ આવે એટલે ગામની મહિલાઓ દોડી-દોડીને એ બૅન્ડ જોવા ઊભી રહી જતી. સુધાદીદી કહે છે, ‘બસ, અમને સૂઝી આવ્યું કે આ મહિલાઓની આ જ સાચી દિશા છે અને હું તો મારા જાતઅનુભવે એ પણ જાણું કે કામ એ કરવું જે કરવું તમને ગમતું હોય.’
સુધાદીદીએ મહિલાઓ સામે તેમના બૅન્ડની વાત મૂકી અને બધી મહિલાઓ ગાયબ.
ઢેન્ટેણેન
વર્ષ હતું ૨૦૧૬-’૧૭નું. એ સમયે સુધાદીદી આ મહિલાઓ જે સમુદાયમાંથી આવે છે એ રામદાસ સમુદાય માટે કામ કરતાં હતાં. રામદાસ સમુદાયની ગણના આદિવાસીઓમાં થાય છે. આ સમુદાયમાં શિક્ષણનું કોઈ મહત્ત્વ નથી તો સાથોસાથ એવી માન્યતા પણ છે કે મહિલાઓ પુરુષોની ચાકરી કરવા માટે જ જન્મી છે. સુધાદીદી વાતને કન્ટિન્યુ કરતાં કહે છે, ‘બૅન્ડ પ્રત્યેનું તેમનું વળગણ જોઈને આ વિચાર આવ્યો, પણ બૅન્ડ માટે તેમની માન્યતા એવી હતી કે ઘણુંબધું શીખવું પડે. શીખવવાનું કામ સહેલું છે પણ મનમાં બંધાયેલી ગ્રંથિ દૂર કરવાનું અઘરું છે. આ મહિલાઓના મનમાં એવું પણ કે આ કામ પુરુષોનું છે, આ કામ તેમનાથી કેમ થશે. તેમને સમજાવવામાં થોડા દિવસો ગયા પછી પણ તેમનો ખચકાટ અકબંધ હતો.’
અલબત્ત, એ ખચકાટ ધીમે-ધીમે ઓસરવાનું શરૂ થયું અને બે મહિલા આગળ આવી કે હું એ બૅન્ડમાં જોડાઈશ. પછી તો શું જોઈએ, બેની ૪ અને ચારની ૮ મહિલા અને આઠની ૧૨ લેડી બૅન્ડમાં જોડાઈ. અત્યારનું સરગમ બૅન્ડ ૧૦ મહિલાઓનું છે, પણ બૅન્ડ પાસે ૬ મહિલાઓ ઑલરેડી ટ્રેઇન્ડ અને તૈયાર છે, જેનો ઉપયોગ બૅન્ક તરીકે કરવામાં આવે છે. ઍનીવેઝ, વાત કરીએ સરગમ બૅન્ડના શરૂઆતના દિવસોની.
બૅન્ડ સાથે જોડાનારી મહિલાઓને વિધિવત્ ટ્રેઇનિંગ આપવાનું શરૂ થયું. નૅચરલી, મહિલાઓએ બૅન્ડ અને એમાં રહેલાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોયાં હતાં પણ એ ક્યારેય વગાડ્યાં નહોતાં એટલે શરૂઆતમાં તેમને બહુ પ્રૉબ્લેમ થયો. તે પણ હિંમત હારી તો ઘરના પુરુષ સભ્યોએ પણ તેમની હિંમત તોડી. બૅન્ડ સાથે જોડાયેલી સંગીબહેન કહે છે, ‘અમને ઘરેથી ના પાડતાં તો દીદી ઘરે આવી અમારા ઘરનાઓને સમજાવે અને તેમને મનાવીને અમને લઈ જાય. કોઈ વાર એવું બને કે ઘરમાં કામ વધારે હોય તો દીદી અમને શીખવવાનો સમય બદલી નાખે.’
ક્રાન્તિ તો જ આવે, જો એમાં લાગણી ઉમેરાય.
સરગમ બૅન્ડ લાગણીથી બન્યું છે. એ બનતું હતું ત્યારે કોઈને મનમાં નહોતું કે એને આટલી સરાહના મળશે. ઊલટું, દરેકના મનમાં ડર હતો કે સંઘ, સૉરી, બૅન્ડ કાશીએ પહોંચશે કે નહીં; પણ બૅન્ડ કાશીએ પહોંચ્યું અને એવું પહોંચ્યું કે એનાં પડઘમ સૌકોઈના કાન ખોલી ગયાં.
ઢિંકચિકા ચિકા ચિકા...
સરગમ બૅન્ડને પ્રોફેશનલી શરૂ થયાને હજી માંડ પાંચેક વર્ષ થયાં છે પણ આ પાંચ વર્ષમાં એવી નોબત આવી ગઈ છે કે માત્ર મૅરેજ જ નહીં, હવે તો લોકો બર્થ-ડેમાં પણ એને બોલાવે છે તો પૉલિટિકલ ફંક્શન્સમાં પણ એને બોલાવવામાં આવે છે. સરગમ બૅન્ડ જ્યાં પણ જાય છે ત્યાં લોકોની આંખો ખુલ્લી રહી જાય છે. પુરુષોને શરમાવે એવી એનર્જી સાથે બૅન્ડનાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતી મહિલા, શરીર પર એકસરખી સાડીઓ અને એકરસ મ્યુઝિકનો તાલ. શરૂઆતમાં મહિલા બૅન્ડ જોઈને કેટલાક પુરુષો છાકટા થતા પણ બૅન્ડ સાથે જોડાયેલી મહિલાઓમાંથી કેટલીક મહિલાઓ સ્વરક્ષણનાં લેસન પણ લઈ ચૂકી હોવાથી બાકીની મહિલાઓ એનો ડર રહેતો નથી.
સ્વરક્ષણ માટે કરાટે અને જુડો શીખવવાનું કામ પણ સુધાદીદી હસ્તક જ થયું છે. ઍક્ચ્યુઅલી સુધાદીદીએ બિહારના ઉત્થાન માટે પુષ્કળ કામ કર્યું છે. બિહારના અંતરિયાળ કહેવાય એવાં ૩૦૦ ગામોમાં સુધાદીદીની નારી ગુંજન સંસ્થાના ૪પ અલગ-અલગ પ્રોજેક્ટ્સ ચાલે છે જેમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું ઉત્કૃષ્ટ કામ થાય છે. ફરી વાત કરીએ સરગમ બૅન્ડની. સરગમ બૅન્ડના આરંભના દિવસોમાં એવું પણ બનતું કે બૅન્ડ સાથે જવાનું હોય અને ઘરેથી પતિએ જવાની ના પાડી દીધી હોય. ઓળખાણ જાહેર નહીં કરવાની શરતે સુધાદીદી એક કિસ્સો કહે છે, ‘બૅન્ડ માટે સવારે ૮ વાગ્યે જવાનું હતું પણ પતિએ ના પાડી એટલે બૅન્ડની મેઇન ડ્રમ-આર્ટિસ્ટ બૅન્ડ સાથે જોડાઈ નહીં. મને વાત કર્યા વિના બાકીની ૯ મહિલાઓ એ ડ્રમ-આર્ટિસ્ટના ઘરે પહોંચી ગઈ અને તેમણે ત્યાં જ બૅન્ડ વગાડવાનું શરૂ કરી દીધું. આજુબાજુના લોકો બહાર આવી ગયા. ધીમે-ધીમે બીજા લોકો પણ આવી ગયા. બધા એકબીજાને પૂછે કે આ ઘરમાં કોનાં મૅરેજ છે. તપાસ કરતાં સાચું કારણ ખબર પડી તો એકઠી થયેલી મહિલાઓ પેલાના ઘરમાં ગઈ અને પતિને સમજાવવા માંડી કે બિચારી આટલું સરસ કામ કરે છે તો કરવા દે. પેલો એટલો શરમાયો કે બહાર આવી, બૅન્ડ બંધ કરવા માટે બધાને હાથ જોડીને ઊભો રહી ગયો અને પોતાની પત્નીને જવા દીધી.’
આ ઘટના પછી સુધાદીદીના હૈયે ટાઢક થઈ કે તેમનું જે કામ હતું એ પૂર્ણપણે તે મહિલાઓ સુધી પહોંચ્યું છે. એક સમય હતો કે ગામની આ મહિલાઓ ખેતમજૂરી મેળવવા માટે આજુબાજુનાં ગામોમાં ભટકતી રહેતી, કામ માટે કરગરતી અને ઘણી વાર તો કામના નામે તેમની સાથે દુર્વ્યવહાર પણ થતો. આ જે મહિલાઓ છે એ મહિલાઓ બિહારના આદિવાસી પરિવારમાંથી આવે છે. આદિવાસીઓને આમ પણ કામ મળવું મુશ્કેલ હોય એટલે કામ મળે ત્યારે એ બાપડી મજબૂરીને કારણે ચૂપ રહેતી, પણ સરગમ બૅન્ડે પુરવાર કર્યું કે જીવન જીવવા માટે અનેક રસ્તાઓ છે એટલે ક્યારેય કોઈ મજબૂરીને આધીન થવું નહીં. સુધાદીદી કહે છે, ‘સરગમ બૅન્ડ પછી આજુબાજુનાં બીજાં ગામોની મહિલાઓ પણ હવે આગળ આવવાનું શરૂ થયું છે. હું તેમને આ જ બૅન્ડનો કૉન્ટૅક્ટ કરવાનું કહું છું અને સરગમ બૅન્ડને પણ કહું છું, તમે આ બહેનોને પણ તૈયાર કરો જેથી તે સ્વમાનભેર જીવન જીવવાનો તમારા જેવો જ રસ્તો અપનાવે.’
સ્વમાનનો આ સુરીલો રસ્તો ખરેખર બહુ સરસ છે.