ચાલો છૂટાં પડીએ : ડિવૉર્સી સેલિબ્રિટીને ધ્યાનમાં રાખવાને બદલે જીવનભર સાથ આપનારા સ્નેહને યાદ રાખો

23 January, 2022 06:14 PM IST  |  Mumbai | Manoj Joshi

એક પછી એક સેલિબ્રિટી એકબીજાથી છૂટી પડવાના નિર્ણય લેવા માંડી છે, પણ એ નિર્ણયોની સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ છે કે એમાં સહમતી છે અને સહમતી સાથે લેવામાં આવનારાં તમામ પગલાં પીડા કાપવાનું કામ કરે છે.

પ્રતીકાત્મક તસવીર

આમ તો આ ​િવષય આપણી ચર્ચાનો ન હોવો જોઈએ, પણ જે પ્રકારે છેલ્લા એક વીકમાં ડિવૉર્સના કેસ સાંભળવા મળ્યા છે કે પછી દંપતીના છૂટાં પડવાના સમાચાર સાંભળવા મળ્યા છે એને જોતાં લાગે છે કે પૅન્ડેમિક દરમ્યાન કોરોના જ નહીં, આ બીમારીએ પણ માઝા મૂકી છે અને હદ તો ત્યારે થાય છે જ્યારે સાંભળવા મળે કે સામાન્ય લોકો પણ છૂટાં પડવા માટે ડિવૉર્સ લેનારી સેલિબ્રિટીના દાખલા આપે છે. છૂટાં પડવું કે અનિવાર્ય હોય અને છૂટાં પડવું કે એકબીજાનો સાથ છોડવો એ કોઈ મોટી વાત નથી, પણ છૂટાં પડવાનું જે કારણ છે એ કારણ કેટલું વાજબી છે એ પણ જાણવું અને જોવું જોઈએ.
સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તો અત્યારે રીતસરની જ્વાળા ફાટી છે. એક પછી એક સેલિબ્રિટી એકબીજાથી છૂટી પડવાના નિર્ણય લેવા માંડી છે, પણ એ નિર્ણયોની સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ છે કે એમાં સહમતી છે અને સહમતી સાથે લેવામાં આવનારાં તમામ પગલાં પીડા કાપવાનું કામ કરે છે. સાથે રહીને દુખી થવા કરતાં બહેતર છે કે દૂર રહીને સુખી થાઓ. સીધો હિસાબ છે, સીધી લાગણી અને એકબીજા માટે સીધી માગણી પણ છે. ધનુષ અને ઐશ્વર્યા રજનીકાત્ન છૂટાં પડે છે ત્યારે ક્યાંય દૂર-દૂર સુધી એ બન્નેની માનસિકતા પર શંકા નથી ઊપજતી, પણ એની સામે જ્યારે આસપાસમાં રહેલાં કોઈને છૂટાં પડવાનાં કારણો સાંભળીએ છીએ ત્યારે અરેરાટી જન્મી જાય છે અને રૂંવાડાં ઊભાં થઈ જાય છે.
કામ થતું નથી, કામ કરવું નથી કે પછી કામ થતું હોય એ જોવાતું નથી જેવાં ક્ષુલ્લક કારણો પણ વિચ્છેદ થતા લગ્નજીવનમાં જોવા મળે છે તો સાથોસાથ એવાં કારણો પણ જોવા મળે છે કે દીકરો માબાપને વધારે મહત્ત્વ આપે છે અને એ મહત્ત્વ જોઈને વાઇફને સનેપાત ઊપડે છે. ભલામાણસ, વિચાર તો કરો, આ જ કામ જો તમારો ભાઈ કરતો હોત તો તમને કેટલું સારું લાગતું હોત, પણ એ જ કામ તમારો પતિ કરે છે તો તમને દુઃખ થઈ રહ્યું છે. પત્નીને આ ઘરમાં રહીને પણ માબાપનું જ પેટમાં બળ્યા કરે છે અને એને લીધે અમારો સંસાર હવે વાજબી રીતે કામ નથી કરતો. આવું પણ કારણ ધરવામાં આવે છે અને આવું કારણ જ્યારે પણ સાંભળવા મળ્યું છે ત્યારે પૂછવાનું મન થઈ આવ્યું છે કે જો આ જ કામ તમારી બહેન કરે અને તમારા બનેવી આ મુદ્દો ઉપાડે તો તમને કેવી પીડા થાય છે, કેવી ખીજ ચડે છે તો પછી અત્યારે તમારે માટે થનારી એવી જ પીડા ક્યાં ખોટી પુરવાર થાય છે? 
હજી પણ એ જ વાત કહું છું કે છૂટાં પડવું ખોટું નથી, પણ સાથે રહેવું એનાથી વધારે અનિવાર્ય હોય એવા તબક્કે તકલીફ આપનારાં કારણોનો છેદ ઊડતો થઈ જાય એ બહુ જરૂરી છે. યાદ રાખજો કે જે પરિવારમાં પત્ની સાસુ-સસરાની ફરિયાદ લઈને ઊભી રહે છે એ પત્ની પોતાનું જ ભવિષ્ય ડામાડોળ કરતી હોય છે અને જે પરિવારમાં દીકરો પોતાની વાઇફ પ્રત્યે બેદરકાર રહેતો હોય છે એ દીકરો પોતાનાં જ સંતાનોના ભવિષ્યમાં અંધકાર પાથરતો હોય છે.

columnist manoj joshi