ડ્રાઇવિંગ છે આમનો ડ્રાઇવિંગ ફોર્સ

01 June, 2022 10:27 AM IST  |  Mumbai | Jigisha Jain

આજે મળીએ એવી સિનિયર મહિલાઓને જે મુંબઈમાં જ નહીં, આખી દુનિયામાં ડ્રાઇવ કરે છે. એનાથી આ ઉંમરે પણ તેમનો આત્મવિશ્વાસ અંબરને આંબે છે

અનિલા રંગવાલા

૬૦-૭૦ વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ જેવું મલ્ટિટાસ્કિંગ કામ અઘરું બનતું હોય છે, જેને લીધે ઉંમરની સાથે લોકો ડ્રાઇવિંગ છોડી દેતા હોય છે; પરંતુ આજે મળીએ એવી સિનિયર મહિલાઓને જે મુંબઈમાં જ નહીં, આખી દુનિયામાં ડ્રાઇવ કરે છે. એનાથી આ ઉંમરે પણ તેમનો આત્મવિશ્વાસ અંબરને આંબે છે

શિવાજી પાર્કની આસપાસના બસ કે રિક્ષા સ્ટૅન્ડ પાસે કોઈ લેડીઝ રિક્ષા માટે હેરાન થતી હોય કે કોઈ વૃદ્ધ માજી દેરાસરથી ઘરે ચાલીને જતાં હોય તો તેમને પાછળથી કિયા સોનેટ SUVમાં એક પૂરા ધોળા વાળવાળાં પણ સ્ટાઇલિશ દેખાતાં બહેન હસતા મોઢે લિફ્ટ ઑફર કરતાં જડી આવશે. ઘણી વખત આઉટ ઑફ ધ વે જઈને કોઈને ૫-૭ કિલોમીટર દૂર પણ ડ્રૉપ કરી આવે તો નવાઈ નહીં. આ બહેન છે ૭૬ વર્ષનાં દાદરમાં રહેતાં સુશીલા શાહ, જે આ ઉંમરે પણ SUV શાનથી ફેરવે છે. મુંબઈના ટ્રાફિકવાળા રસ્તાઓ પર જ નહીં, મહાબળેશ્વરના ગોળ-ગોળ અઘરા વળાંકોવાળા ડેન્જર રસ્તાઓ પર પણ એ એટલી જ સિફતથી ડ્રાઇવ કરી જાણે છે. અમેરિકા હોય કે કૅનેડા, ટ્રાફિક અને ડ્રાઇવિંગના બદલાયેલા નિયમો તેમને ડ્રાઇવ કરતાં રોકતા નથી. ડ્રાઇવિંગના પૅશનને તેઓ ૨૦૧૫માં વિમેન્સ રૅલી ટુ ધ વૅલી નામની કાર રૅલી સુધી લઈ ગયેલાં જેમાં સિનિયર સિટિઝન કૅટેગરીમાં તેમણે પહેલું ઇનામ પણ જીત્યું હતું. સુશીલાબહેન નાનાં હતાં ત્યારે નાઇરોબી રહેતાં. ત્યાં જ તેમણે ૧૮ વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ શીખ્યું અને પછી મુંબઈ આવ્યાં. જીવનની પહેલી ગાડી તેમને તેમના પિતાએ અપાવડાવી હતી અને એ હતી મૉરિસ માઇનર. એના વિશે વાત કરતાં સુશીલાબહેન કહે છે, ‘મારા પિતા અનોખી માટીના જ બનેલા. એમની પાસે એ સમયે મર્સિડીઝ હતી જે તેઓ મને રવિવારે ચલાવવા આપતા. હાલમાં અમારા પરિવારમાં બાળકો અને એમનાં બાળકો થઈને ૯ જણ છે. એ બધાને ગાડી ચલાવતાં આવડે છે. જ્યારે મારા દીકરાઓનાં લગ્ન થવાનાં હતાં ત્યારે મેં મારી બન્ને વહુને કહેલું કે લગ્ન પહેલાં તમે ગાડી ચલાવતાં શીખી જ જજો. આ આગ્રહનું એ જ કારણ હતું કે તેઓ સેલ્ફ-ડિપેન્ડન્ટ બને. એ જરૂરી છે એવું હું માનું છું.’ 
આવડત 
સામાન્ય રીતે ઉંમરને લીધે એકદમ કોઈ જગ્યાએ ફસાઈ જાય તો ગાડી કાઢવામાં કે કોઈ શાર્પ ટર્ન લેવા જેવા નિર્ણય લેવાના હોય કે તરત બ્રેક લગાવવાની હોય તો તકલીફ પડી શકે છે. પરંતુ સુશીલાબહેનને એવું કશું જ થતું નથી. ઊલટું તેમના ફ્રેન્ડ સર્કલમાં બધાએ આ કારણોસર ડ્રાઇવિંગ મૂકી દીધું પણ સુશીલાબહેન કહે છે કે મને કોઈ જ પ્રૉબ્લેમ નથી એટલે હું તો ગાડી ફેરવીશ. ઊલટું બધા ફ્રેન્ડ્સને ક્યાંય પણ જવું હોય તો સુશીલાબહેન જ એમનાં સારથિ હોય છે. એમનાં બાળકોનાં બાળકોને પણ લેવા-મૂકવાની જવાબદારી એમણે ઘણાં વર્ષો નિભાવી. GPSની મદદથી કોઈ પણ અજાણી જગ્યાએ પણ પહોંચી શકાય એટલાં અપ-ડેટ એમણે પોતાની જાતને રાખ્યાં છે. 
પતિને ખુદ શીખવ્યું 
અંધેરીમાં રહેતાં ૭૩ વર્ષનાં અનિલા રંગવાલા પોતે જ્યારે ૨૦ વર્ષનાં હતાં ત્યારથી જ ડ્રાઇવિંગ કરે છે. અનિલાબહેનનાં બન્નેને મોટાં બહેનો પણ ગાડી ચલાવતાં હતાં એટલે એમને પણ શીખવી જ હતી. એમના પિતા એમના મોટા સપોર્ટર હતા. એ વિશે વાત કરતાં અનિલાબહેન કહે છે, ‘એ સમયમાં ક્યાં સ્ત્રીઓ ગાડી ચલાવતી, પણ મારા પપ્પા તો અમને બધી બહેનોને કહેતા કે તમે ચલાવો. એક પણ કામની ના ક્યારેય એમણે નથી પાડી. મારાં લગ્ન થયા પછી મારા પતિને કાર ચલાવતાં નહોતી આવડતી, મેં તેમને શીખવ્યું. લગ્ન પછીનાં ઘણાં વર્ષો અમને ખૂબ મજા પડતી. ગાડી લઈને નીકળી પડીએ. થોડી હું ચાલવું, થોડી એ ચલાવે એમ ખૂબ ફરીએ. હવે એમણે ગાડી ચલાવવાનું છોડી દીધું છે. તેમને હવે ફાવતી નથી. એમને જોઈને મને લાગે છે કે હું તો છોડીશ જ નહીં, કારણ કે એક વખત જો ગાડી છોડી દીધી તો ફરીથી ચાલુ કરવી અઘરી છે. આ ઉંમર જ એવી છે જે વસ્તુ છૂટતી જાય એ ફરી પકડવી અઘરી એટલે હું મારું ડ્રાઇવિંગ નથી છોડવા માગતી. મને ઊલટું હવે વધુ મજા આવે છે. પહેલાં મારા પતિ મને બધે લઈ જતા, હવે હું એમને લઈ જાઉં છું.’ 
હૅમરેજ પણ ન રોકી શક્યું 
અનિલાબહેનને આજથી ૭-૮ વર્ષ પહેલાં બ્રેઇન હૅમરેજ થયેલું. એ પછી ઘરમાં બધા કાર ચલાવવાની અને એકલા બહાર જવાની એમને ના પાડતા. એ દિવસો યાદ કરીને અનિલાબહેન કહે છે, ‘હું એમની કાળજીને માન તો આપતી. મને સમજાતું કે તેઓ મારા ભલા માટે કહે છે પરંતુ કોઈ રોગ કે કોઈ પરિસ્થિતિ મને પરવશ બનાવે એ મને નહીં ગમે. ક્યાંય પણ જવું હોય તો બીજા કોઈ લઈ જાય તો જ જઈ શકાય એ પ્રકારનું પરાવલંબન મને જોઈતું જ નહોતું. એટલે બ્રેઇન હૅમરેજ પછી ૩ મહિના માંડ રાહ જોઈ. ૩ મહિના પછી હું ઘરના લોકોથી છુપાવીને પણ ગાડી લઈ નીકળી જતી. ગાડી ચલાવવાથી ઊલટું મને આત્મબળ મળ્યું. મારો આત્મવિશ્વાસ વધ્યો કે ના, હું કરી શકીશ. મારા ઘરના લોકો પણ સમજી ગયા કે આને બાંધીને નહીં રાખી શકાય. એ દિવસ પછીથી આજનો દિવસ છે, મેં સ્ટિયરિંગ છોડ્યું નથી.’
મજબૂરીથી મજા સુધી 
ખારમાં રહેતાં ૬૩ વર્ષનાં કમલા હરિયા ગુડકા કુલ મળીને ૮ દેશોમાં ડ્રાઇવિંગ કરી ચૂક્યાં છે જેમાં ભારત, યુએસએ, કૅનેડા, કમ્બોડિયા, ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, શ્રીલંકા, યુએઈનો સમાવેશ થાય છે. ડ્રાઇવિંગ એમના જીવનમાં શોખ નહીં પરંતુ મજબૂરી બનીને આવ્યું હતું પરંતુ એમણે એ મજબૂરીને પોતાની મજામાં બદલી નાખી એ એમની ગરવાઈ છે. કમલાબહેન જ્યારે ૨૫ વર્ષનાં હતાં ત્યારે તેમના પહેલા પતિનો દેહાંત થયો અને તેમને ભારતથી યુએસ કમાવા માટે જવું પડ્યું. અમેરિકામાં તેઓ જ્યાં રહેતાં હતાં ત્યાંથી ટૅક્સીનાં ભાડાં એમને પોસાય એમ નહોતા. જો એમ કરીએ તો અડધો પગાર તો એમાં જ જતો રહે એટલે નછૂટકે ડ્રાઇવિંગ તો શીખવું જ પડશે એમ સમજીને તેમણે ૩ મહિનાની અંદર ડ્રાઇવિંગ શીખ્યું અને ત્યાંનું લાઇસન્સ લઈ લીધું. બસ, પછી તો કાર એમના માટે મજાનું સાધન બની ગઈ. આજની તારીખે તેઓ કોઈ પણ પ્રકારની કાર ચલાવી શકે છે અને ઊલટું એમને જુદી-જુદી કાર ચલાવવી ખૂબ ગમે છે. તેઓ હાલમાં મુંબઈમાં જ સ્થાયી થયાં છે પરંતુ જ્યારે બાળકોને મળવા અમેરિકા જાય ત્યારે પોતે પહેલાં એક રેન્ટલ કાર લઈ લે. એ વિશે વાત કરતાં કમલાબહેન કહે છે, ‘ત્યાં જઈને બાળકોને હેરાન કરવાં મને ગમે નહીં. એટલે હું મારી કારની વ્યવસ્થા કરું અને પછી જ્યાં જવું હોય ત્યાં જવા ફ્રી થઈ જઈએ.’
ટ્રાવેલ બન્યું સરળ 
કમલાબહેને પાછળથી બીજાં લગ્ન કર્યાં અને તેમના પતિને હાલમાં ઑલ્ઝાઇમર્સ છે. પરંતુ એ તેમને લઈને કારમાં આખું જગત ફરે છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મને જો કાર ચલાવતાં ન આવડતી હોત તો ઑલ્ઝાઇમર્સ સાથે હું મારા પતિને અડધી દુનિયા ન ફેરવી શકી હોત. ડ્રાઇવિંગને લીધે ટ્રાવેલ ખૂબ સરળ અને સહજ લાગે છે. બે વર્ષ પહેલાં અમે મુંબઈથી જામનગર અને જામનગરથી વાપી બાય રોડ ટ્રાવેલ કરવા ગયાં હતાં.’

 હવે મારા પતિએ ગાડી ચલાવવાનું છોડી દીધું છે. તેમને હવે ફાવતી નથી. પણ હું ડ્રાઇવિંગ નથી છોડવા માગતી. કેમ કે છોડ્યા પછી ફરી શરૂ કરવાનું અઘરું છે. ઊલટું મને હવે વધુ મજા આવે છે. પહેલાં મારા પતિ મને બધે લઈ જતા, હવે હું એમને લઈ જાઉં છું - અનિલા રંગવાલા

columnists Jigisha Jain