15 April, 2026 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લેટ ઇટ ગોના મંત્રને અપનાવીને લાઇફને રીસેટ કરો
આપણને ડગલે ને પગલે એક મફત સલાહ મળતી રહે છે: લેટ ઇટ ગો. સાંભળવામાં આ શબ્દો જેટલા હળવા અને આશ્વાસન આપનારા લાગે છે, જીવનમાં ઉતારવા એટલા જ પડકારજનક હોય છે. જ્યારે પણ કોઈ સહજતાથી આ સલાહ આપે ત્યારે મનમાં એક પ્રશ્ન અચૂક જાગે કે જે વાત કે સ્મૃતિને મુક્ત કરવાની છે એને મેં આટલી મજબૂતીથી પકડી જ કેમ રાખી છે? હકીકતમાં કોઈ પણ વળગણને આઝાદ કરતાં પહેલાં એ સમજવું અનિવાર્ય છે કે આપણી ભીતરની કઈ કમી કે કયો ડર આપણને એ પકડી રાખવા મજબૂર કરે છે.
આપણી મનોવૃત્તિઓ ક્યારેક આશ્ચર્ય પમાડે એવી વિચિત્ર હોય છે. આપણે ઘણી વાર એકનું એક ગીત કલાકો સુધી લૂપમાં સાંભળ્યા કરીએ છીએ, જાણે એના સૂર આપણને ક્યાંક બાંધી રાખતા હોય. મન પણ કોઈ જૂની, કડવી ઘટનાને પકડી લે છે અને પછી એનું એવું બારીક વિશ્લેષણ કર્યા કરે છે જેનો કોઈ અંત હોતો નથી. શરીર થાકેલું હોય, આંખોમાં ઊંઘનો ભાર હોય છતાં આપણે મોડી રાત સુધી સ્માર્ટફોનની સ્ક્રીન સ્ક્રોલ કરતા રહીએ છીએ એક અજ્ઞાત શૂન્યતાને ભરવા માટે. એકલતા સાલે છે, હૃદય ભારે હોય છે છતાં કોઈ પ્રિયજનને ફોન કરીને દિલ હળવું કરવાની સાદી પ્રક્રિયા આપણને હિમાલય ચડવા જેટલી દુષ્કર લાગે છે. આ મગજની જડતા જ આપણને લેટ ગો કરતા અટકાવે છે.
ટેક્નિકલ દૃષ્ટિએ જોઈએ તો જતું કરવું એ દુનિયાનું સૌથી સરળ કાર્ય હોવું જોઈએ કારણ કે એમાં કંઈ જ કરવાનું નથી, માત્ર પકડ ઢીલી કરવાની છે. છતાં મનુષ્યના સ્વભાવ માટે આ સૌથી મોટો આંતરિક સંઘર્ષ છે. જોકે જે ક્ષણે એ વળગણ છૂટે છે ત્યારે આખી સૃષ્ટિનું ફિલ્ટર બદલાઈ જાય છે. અચાનક આસપાસનાં વૃક્ષો વધુ હરિયાળાં ભાસે છે, સવારની કૉફીની સુગંધ વધુ તાજગીસભર લાગે છે અને જે પ્રશ્નો આપણને અત્યાર સુધી ગૂંગળાવતા હતા એ સાવ નજીવા અને તુચ્છ લાગવા માંડે છે.
લેટિંગ ગો એ એક એવું ઔષધ છે જે માનસિક સ્વાસ્થ્યના દરેક મર્જનું સમાધાન છે. જોકે વિટંબણા એ છે કે દુનિયાનું કોઈ પુસ્તક, કોઈ આધ્યાત્મિક શિબિર કે કોઈ મોંઘા થેરપિસ્ટ તમને ત્યાં સુધી મુક્તિ નથી શીખવી શકતા જ્યાં સુધી તમે સ્વયં અંદરથી તૈયાર ન હો. અહીં એક અટપટો કોયડો સર્જાય છે : મુક્ત થવાની તૈયારી કરવા માટે મનનું શાંત હોવું જરૂરી છે અને મન ત્યારે જ શાંત થાય જ્યારે તમે અશાંતિ પેદા કરનારા વિચારોને જતા કરો.
આ ચક્રવ્યૂહમાં આપણે અટવાયેલા રહીએ છીએ ત્યાં સુધી એ જ કંટાળાજનક સર્કલમાં જીવ્યા કરીએ છીએ, પરંતુ જે દિવસે આપણે એ જીદ છોડી દઈએ છીએ ત્યારે બધું જ આપોઆપ ગોઠવાઈ જાય છે. જગત તો એનું એ જ હોય છે; બસ, આપણી ભીતર બધું થોડું વધુ હળવું, વધુ તેજસ્વી અને જીવવા જેવું બની જાય છે. ત્યારે જ તમે સાચા અર્થમાં પૂર્ણતાને પામો છો.