જુઓ રામને સૌ બનાવી ગયા

19 July, 2026 02:16 PM IST  |  Mumbai | Hiten Anandpara

આ ધન્યતા અળપાય છે જ્યારે મંદિરમાં થતી ચોરીને કારણે તેનો અપાર વિશ્વાસ તૂટે છે. ત્યારે મિતા ગોર મેવાડાની પંક્તિઓમાં તાદૃશ થતો આક્રોશ ફૂટે એ સ્વાભાવિક છે...

ફાઇલ તસવીર

અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ સતયુગના સપના સાથે થયું અને માત્ર બેએક વર્ષમાં એને કળિયુગનું ગ્રહણ લાગી ગયું. મંદિર આસ્થાનું કેન્દ્ર હોય છે. લાખેણી મૂડી જેવી શ્રદ્ધા લઈને ભક્ત અહીં નતમસ્તક થવા આવે છે. ભાવવશ દાનપેટીમાં યથાશક્તિ ભેટ ધરાવીને તે જાતને ધન્ય માને છે. આ ધન્યતા અળપાય છે જ્યારે મંદિરમાં થતી ચોરીને કારણે તેનો અપાર વિશ્વાસ તૂટે છે. ત્યારે મિતા ગોર મેવાડાની પંક્તિઓમાં તાદૃશ થતો આક્રોશ ફૂટે એ સ્વાભાવિક છે...

સાક્ષી છે સરયુનાં જળ, સાક્ષી બધા પથ્થર

અવતાર લઈને આવ્યાતા સ્થળે રઘુવર

આજે થઈ કલંકિત, રામજન્મભૂમિ

ઢોંગી, ધુતારા પહેરી, ભગવો વસે છે અંદર

ભગવાં કપડાં પહેરીને કરતૂતો આચરનારા ઢોંગી બાબાઓના કલુષિત કિસ્સાઓ સમયાંતરે પ્રકાશિત થતા રહ્યા છે. આવા કિસ્સાઓમાં એકલદોકલ વ્યક્તિ મુખ્ય હોય છે. રામ મંદિરમાં જે ચોરી થતી રહી એમાં અનેક લોકોની મિલીભગત બહાર આવી છે. સવાલ એ છે કે CCTV કૅમેરાની સામે બખૂબી ગોમલાલ થતી રહી છતાં વાતનો પર્દાફાશ થતાં ખાસ્સી વાર કેમ લાગી. ઘનશ્યામ કુબાવત આ કરામતને આલેખે છે...

પથ્થર નથી દેવ એમાં બિરાજે

તમે ભૂલ્યા કણેકણ હરિ છે

તમે ધન ઉપર કુંડળી મારી બેઠા

મદારી નથી પણ જાદુગરી છે

‘રામ નામ જપના, પરાયા માલ અપના’ ઉક્તિને સાર્થક કરે એવો દાખલો આપણા માટે શરમજનક છે. રામ માત્ર આરાધ્ય નથી, તે આપણી આસ્થાનું પ્રતિબિંબ છે અને આપણી શ્રદ્ધાનું સ્થાન છે. વળી જે રામ મંદિર માટે વર્ષો સુધી અદાલતી લડત ચાલી એને ભ્રષ્ટ કરવાની પેરવી અંદરના માણસોએ જ કરી. જેનું કામ સાચવવાનું હતું તેનું કામ પડાવવાનું બની ગયું. મૃદુલ શુક્લ વિરોધાભાસને વ્યક્ત કરે છે...

એક લૂંટારો બન્યો ઋષિ, હતી જૂની કથા

લૂંટ સંતોએ ચલાવી, ઘોર કળયુગની વ્યથા

સત્ય વેચી દીધું સૌએ, દાનની ચોરી કરી

રામની સામે અયોધ્યામાં પડી કેવી પ્રથા?

રામ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓએ ભેટમાં મળેલી યાદી પ્રદર્શિત કરી છતાં એ ભક્તોને પ્રભાવિત ન કરી શકી. તપાસમાં બહાર આવ્યું છે કે ભેટની સામે આપવામાં આવતી રસીદ નકલી હતી. આપણે સામાન્ય રીતે ધર્માદા રસીદ સાચવીને રાખતા નથી. બસમાં કે ટ્રેનમાં કોઈ ખિસ્સાકાતરુ હાથચાલાકી કરી જાય એમ પેટીકાતરુઓ પણ કાર્યરત હશે એવો અંદેશો તરત ન આવે. અતુલ દવે ખેદ સાથે આશ્ચર્ય વ્યક્ત કરે છે...

ખુદ તમારા મંદિરે એવા પ્રભારી શી રીતે!

ના ધરાવે સહેજ પણ ઈમાનદારી શી રીતે!

હોય છે સઘળે નજર ઈશ્વર તમારી તો પછી

હાથ અજમાવી ગયા સૌ કારભારી શી રીતે!

કારભારીઓને કારણે થતી ગોબાચારી ક્યારેક જાણબહાર તો ક્યારેક જાણ સાથે થતી હોય છે. ચોરીની શૃંખલામાં નાના-મોટા કેટલાય લોકો સંડોવાયેલા હોઈ શકે છે. નાની માછલી પકડાય અને મોટી માછલી છૂટી જાય એવું રામ મંદિરના કિસ્સામાં ન થાય તો સારું. સવાલ માત્ર ભક્તોની આસ્થાનો નથી, સવાલ દેશની છબિનો પણ છે. મનીષા દુધાત કહે છે એ ભયસ્થાન અશક્ય નથી...

ધર્મનાં મૂલ્યો સુધારી નહીં શકો તો

દેશની તો આબરૂ પણ ચાલી જાશે

રામનો ડર એમને જો નહીં બતાવો

તો પછી રામને પણ ચોરી જાશે

મૂર્તિઓની ચોરી થાય એની આપણે ત્યાં નવાઈ નથી. તાજેતરમાં કર્ણાટકના વિજયપુરા જિલ્લાના બસરાકોડ ગામમાં શ્રી પવાડા બસવેશ્વર મંદિરના ગર્ભગૃહમાંથી ૩૨ કિલો વજનની ચાંદીની મૂર્તિ સાથે ચાંદીની અન્ય સામગ્રી ચોરાઈ ગઈ જેની કુલ કિંમત અંદાજે ૧.૨૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. બદરીનાથ મંદિરમાં પણ દાનપેટીની રકમમાં ચોરીનો આરોપ મુકાયો છે. અલ્પા વસાની પંક્તિઓમાં આપણે ભોટ પુરવાર થઈએ તો કમને સ્વીકારવું પડશે...

ચરણ દૂધ, ઘીથી પખાળી ગયા

ને શ્રદ્ધા હતી તે ધરાવી ગયા

પછી ચીભડાં, વાડ ખાઈ ગઈ

જુઓ રામને સૌ બનાવી ગયા

લાસ્ટ લાઇન

પ્રભુ રામ આવે, તો ધક્કો થવાનો

ઉપરથી, સફરનોય ખર્ચો થવાનો

              ‘જણાવો, તમે ક્યાં હતા આટલા યુગ?’

              -અનેક આવા પ્રશ્નોનો ઢગલો થવાનો

હશે રોજ દર્શનની લાંબી કતારો

છે અટકળ, કે અબજોનો વકરો થવાનો

              ચઢાવોય પૂરો ચડાવે નહીં, ’ને

              પૂછે કોઈ તો, ખેલ જબરો થવાનો

નથી કોઈને રામનું કામ કરવું

છતાં, ‘રામ કોના?’ - ઝઘડો થવાનો

              અને રામ કહેશે કે અહીં ફાવશે નહીં

              તો, કોયડો ખૂબ અઘરો થવાનો

લખ્યું મેં સઘળુંયનિઃસ્વાર્થભાવે

હવે જોઈએ - કેવો ભડકો થવાનો

- ડૉ. ધીરજ એસ. બલદાણિયા ‘નિઃસ્વાર્થ’

 

columnists ram mandir ayodhya religious places