ઉત્તરાયણનો સૂર્ય અને પૃથ્વીનો મકર પ્રવેશ : એક અદ્ભુત ખગોળીય ઘટના

18 January, 2026 11:46 AM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

પૃથ્વીના ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવ નામના વિસ્તારમાં જે પ્રજા ત્યારે વસતી હતી એ પ્રજા પશુપાલન કરતી હતી અને ઉત્તર ધ્રુવની અસહ્ય ઠંડીમાં જ્યારે શિયાળો શરૂ થતો ત્યારે પોતાનાં પશુઓના ઘાસચારાની શોધમાં આ લોકો ઉત્તર ધ્રુવના પ્રદેશમાંથી નીચે ઉતરી જતા.

પ્રતિકાત્મક તસવીર

‘ટાઇમ કૅપ્સ્યુલ’ નામના વૈજ્ઞાનિક ઉપકરણ વિશે હજી આપણે કંઈ ઝાઝું જાણતા નથી. વિજ્ઞાનનું આ એક એવું સ્વપ્નું છે જેમાં દાખલ થઈને તમે ભૂતકાળમાં જે ધાર્યું હોય એ બધું જોઈ શકો. એટલે કે ટાઇમ કૅપ્સ્યુલમાં પ્રવેશીને આપણે ધારીએ તો નરસિંહ મહેતાને જોઈ શકીએ, એક હજાર વર્ષ જૂના સોમનાથ મંદિરને જોઈ શકીએ અથવા તો એથીયે ભૂતકાળમાં જે કાંઈ બન્યું હોય એ જોઈ શકાય. આ અદ્ભુત વાત છે. હજીયે માત્ર કલ્પના જ છે પણ જો એ કલ્પના વ્યવહારિક થઈ જાય તો જુઓ આ એક દૃશ્ય –

કોઈ એક નાનું સરખું ગામડું. એક ઠંડી સવાર. ગામને પાદર સ્ત્રીઓનું ટોળું, હાથમાં થાળી અને એ થાળીમાં પૂજાપો તથા ખાદ્ય પદાર્થો ભરેલા હોય, સામેની દિશાએથી પાલતુ પશુઓનું ધણ – ખાસ કરીને ગાયો આવી રહ્યું હોય અને સ્ત્રીઓ એને વધાવી રહી હોય. બધા હરખથી ઘેલા થયા હોય કેમ કે આ પશુઓ અને પશુ સાથેના પુરુષો લાંબા વખતે ઘરે પાછા ફરી રહ્યા છે. 
સમજાયું? કંઈ ન સમજાયું? તો વાંચી લો આ વાત –

ભારત નામના આપણા દેશના મૂળ વતનીઓ કોણ કહેવાય એ વિશે ક્યારેક ખેંચતાણ થાય છે. આર્યો કહેવાતી આ પ્રજા મૂળથી જ ગંગાજમુનાના આ પ્રદેશમાં વસતી હતી એવો એક મત. બીજો મત એવોય ખરો કે પોતાને દ્રવિડ અથવા અનાર્ય તરીકે ઓળખાતી એક પ્રજા અહીં જ વસતી હતી અને કહેવાતા આર્યોએ ઉત્તર ધ્રુવમાંથી આવીને આ દ્રવિડોને દક્ષિણમાં મોકલ્યા અને પોતાનો વસવાટ શરૂ કર્યો. આ વિશે મતમતાંતર છે પણ તમે ઉપર જે દૃશ્ય જોયું એ ટાઇમ કૅપ્સ્યુલની વાત અહીં સંકળાઈ જાય છે. 
પૃથ્વીના ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવ નામના વિસ્તારમાં જે પ્રજા ત્યારે વસતી હતી એ પ્રજા પશુપાલન કરતી હતી અને ઉત્તર ધ્રુવની અસહ્ય ઠંડીમાં જ્યારે શિયાળો શરૂ થતો ત્યારે પોતાનાં પશુઓના ઘાસચારાની શોધમાં આ લોકો ઉત્તર ધ્રુવના પ્રદેશમાંથી નીચે ઉતરી જતા. આમ ઠંડા દિવસો પૂરા થાય ત્યારે તેઓ ઉત્તર ધ્રુવના પોતાના મૂળ વસવાટમાં પાછા ફરતા અને ત્યારે તેમના પરિવારજનો – ખાસ કરીને મહિલાઓ એ આગમનને વધાવી લેવા ગામને પાદરે જતી, તેમને સત્કારતી અને આ દિવસને ઠંડીની વિદાય અને ઉષ્ણતાના આગમન તરીકે સહુ ઓળખતા અને આ દિવસનું નામ એટલે મકર સંક્રાન્તિ. 
મકર સંક્રાન્તિ એ આમ તો ખગોળશાસ્ત્રીય નામ છે. સૂર્ય ઉત્તર દિશામાં પ્રવેશે અને પૃથ્વી મકર રાશિમાં દાખલ થાય. આ દિવસ એટલે મકર સંક્રાન્તિ. ઉત્તર ધ્રુવના વસનારા આ પશુપાલકો ઉત્તર ધ્રુવથી નીચે ઊતરી આવ્યા અને ગંગાજમનાના વિશાલ રમણીય પ્રદેશમાં તેમણે વસવાટ શરૂ કર્યો. આ વસવાટની સાથે જ તેઓ મકર સંક્રાન્ત પર્વનો ઉત્સવ પણ લેતા આવ્યા એવી એક ધારણા દેશમાં ક્યાંક-ક્યાંક પ્રવર્તે છે ખરી. દેશના વસાહતીઓ મૂળે આર્યો જ હતા, તેઓ ક્યાંયથી આવ્યા નથી, અહીં જ હતા અને અહીં જ તેમણે ખગોળશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ઉત્તર તરફ સૂર્યની ગતિ અને મકર રાશિમાં પૃથ્વીના પરિભ્રમણનો પ્રવેશ આ વાત તેમનું વિજ્ઞાન જાણતું હતું. તેમણે ક્યાંય આ વિશે અગાઉ કોઈને પૂછ્યું નથી. તેઓ વૈજ્ઞાનિક દૃષ્ટિએ સમૃદ્ધ હતા અને આ મકર સંક્રાન્તિ એટલે તેમનો પોતાનો આગવો ઉત્સવ. તહેવારો અને પર્વો તો પ્રત્યેક પ્રજા સમયાંતરે ઊજવતી જ હોય છે. આપણા હિન્દુ પંચાંગમાં જે તહેવારો મનાયા છે એમાં દિવાળી સૌથી મોટો ઉત્સવ ગણાયો છે. આ સત્ય સ્વીકાર્યા પછી પણ એટલું તો કહેવું જ પડશે કે આ મકર સંક્રાન્તિ નિમિત્તે જે ઉત્સાહ અને ઉમંગ દેશમાં પથરાઈ જાય છે એ ક્યારેક દિવાળીનેય ઝાંખો પાડે છે. 

લોકમાન્ય ટિળક શું કહે છે? 

આર્યોના આગમન વિશે ખગોળશાસ્ત્રના વિદ્વાનો જુદો-જુદો મત આપીને ભલે જુદી-જુદી વાત કરતા હોય પણ લોકમાન્ય ટિળક પોતાના ગીતા રહસ્ય નામના ગ્રંથમાં આની વાત પણ કરે છે. ગીતા વિશે ટિળકજી કૃષ્ણ અને અર્જુન વિશે વાત કરતાં-કરતાં એવો પણ સંકેત આપી દે છે કે ભારતના આધુનિક વસાહતીઓ કદાચ ઉત્તર ધ્રુવથી જ આવ્યા હોય કેમ કે મકર સંક્રાન્તિ ઉત્તર ધ્રુવનું પર્વ છે. શિયાળાની ઠંડી શરૂ થાય એટલે પોતાના પશુધન સાથે તેમના ઘાસચારા માટે ઉષ્ણ પ્રદેશમાં વસવાટ કરવો અને એ પછી જેવી ઠંડીની ઋતુ પૂરી થાય એટલે પોતાના ઘર તરફ પાછા ફરવું આવો વ્યવહાર કદાચ ઉત્તર ધ્રુવ તરફ હોય. અને ત્યાં વસતી એ પ્રજા પોતાને આર્ય કહેવડાવતી હોય એ સંભવ છે. સમયાંતરે આ આર્યો ઉત્તર ધ્રુવથી નીચે ઊતરીને ગંગાજમનાના ફળદ્રુપ અને વસવાટ માટે ઋતુઓની દૃષ્ટિએ ભારે સંતુલિત એવા પ્રદેશમાં આવ્યા હોય. અહીં તેમણે વસવાટ શરૂ કર્યો અને અહીં વસતી મૂળ પ્રજા આ આર્યો સામે લાંબો વખત રહી શકી નહીં અને દક્ષિણ તરફ તેમણે પ્રયાણ કર્યું. આજે પણ આ દક્ષિણ તરફ વસવાટ કરતી પ્રજાને ઉત્તરમાં વસતી પ્રજા અનાર્ય કે દસ્યુ કહીને ઓળખે છે ખરી. જોકે આ સાચું હોવાની સંભાવના બિલકુલ નથી, માત્ર એક માન્યતા છે પણ આ માન્યતાને આપણે ભારે ઉત્સાહપૂર્વક ઊજવતા મકર સંક્રાન્તિ પર્વ સાથે સાંકળી લેવા જેવી છે, માત્ર એક માન્યતા પૂરતી જ. 

જુઓ આ ખગોળશાસ્ત્ર 

આ બ્રહ્માંડ અનાદિ અને અનંત છે. એમાં નવી-નવી શોધખોળો સદૈવ થતી જ રહેવાની. આ આપણી સૂર્યની ગ્રહમાળામાં થોડાં વર્ષો પહેલાં સાત ગ્રહ હતા, પછી આઠ થયા અને પછી નવી-નવી શોધખોળ થતાં નવ થયા. આમ બ્રહ્માંડમાં શું છે, કેવું છે, કેટલું છે એ બધા વિશે આપણે જે માનતા હોઈએ એ નવી-નવી શોધખોળના આધારે ક્યારેક બદલાતું રહેવાનું જ. આપણે જેને આજે  મકર સંક્રાન્તિ અથવા ઉત્તરાયણ કહીએ છીએ એ પર્વ પણ થોડાંક વર્ષો પહેલાં બે જુદા-જુદા દિવસના અંતરે ઊજવાતું રહ્યું હતું. ખગોળશાસ્ત્રે હવે એને એક કરી નાખ્યું છે. સૂર્યની ઉત્તર તરફની ગતિ અને પૃથ્વીનો મકરમાં પ્રવેશ તો એનો એ જ રહ્યો છે અને એમ છતાં આપણા માટે હવે એ એક જ દિવસે મળી ગયા છે. 
મકર સંક્રાન્તિ અને ઉત્તરાયણ એ બે માત્ર દિવસ નથી, બ્રહ્માંડની એક એવી અદ્ભુત ઘટના છે એ ઘટના માણસજાતે બીજી તમામ માન્યતાઓ દૂર હડસેલીને ઊજવવા જેવી છે.

makar sankranti columnists festivals uttaran lifestyle news gujarati mid day dinkar joshi