તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ

10 February, 2026 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રેમ પરીઓના દેશમાં લઈ જાય છે પણ જિંદગી પરીકથા જેવી હોતી નથી. સામો પ્રેમ મળે જ એવું જરૂરી નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રેમને સામી અપેક્ષા ન હોય. એ તો સહજ થઈ જાય. એકતરફીય હોય. દેવદાસની પારોની જેમ. અધિકારપૂર્વકનો પ્રેમ હતો તેનો. પ્રેમ તો તને જ કરીશ. તો ચંદ્રમુખીના પ્રેમમાં સમર્પણ હતું. ખૂબ દુઃખ આપે આવો એકપક્ષીય પ્રેમ. કળીએ-કળીએ રોજ કપાય હૃદય. છતાંય કપાતું જતું હૃદય પ્રેમ કરવાનું બંધ ન કરે, ન કરી શકે. એના વશમાં જ ક્યાં હોય છે? યાદ છે પેલું નાઇન્ટિંગલ પક્ષી? આખી રાત ગાતું રહ્યું, છાતી પર કાંટો ભોંકાતો રહ્યો, લોહી નીકળતું રહ્યું છતાં પારાવાર પીડાની પરવા ન કરી એણે. કારણ કે સફેદ ફૂલને લાલ કરવું હતું, લોહીથી જેથી એનો યુવાન મિત્ર તેની પ્રેમિકાને પ્રતીકરૂપે આપી શકે. 

પ્રેમ પરીઓના દેશમાં લઈ જાય છે પણ જિંદગી પરીકથા જેવી હોતી નથી. સામો પ્રેમ મળે જ એવું જરૂરી નથી. પ્રેમિકાએ પ્રસ્તાવનો સ્વીકાર ન કર્યો. યુવક નાસીપાસ થઈ ગયો. રાત આખી તડપી-તડપી પક્ષીએ પોતાના લોહીથી લાલ કરેલા ફૂલને સહજમાં ફેંકી દીધું. ને સવારે તો પક્ષી પણ મૃત પડ્યું હતું. યુવકના પ્રેમને પ્રતિસાદ ન મળ્યો. તો શું નાઇન્ટિંગલનું બલિદાન એળે ગયું એમ કહીશું? ક્યારેક જિંદગી કેવી કઠોર થઈ જતી હોય છે : જિસકી રોશની કે લિએ હમને અપને આશિયાને જલાએ, વો હી અબ કહતે હૈં કિ તુમ તો બેઘર હો.

છતાં પ્રેમ કેવું અનોખું તત્ત્વ છે! સામો પ્રેમ મળવાનો નથી એની ખાતરી છે છતાં મન રહી નથી શકતું. મનમાં વસેલી રાણીને બીજાની સાથે જોઈ પણ નથી શકતું. ખબર છે કે એના પર આપણો કોઈ હક નથી, કાબૂ નથી, માલિકી નથી. તો પણ તુમ્હેં કોઈ ઔર દેખે તો જલતા હૈ દિલ, બડી મુશ્કિલોં સે ફિર સંભલતા હે દિલ.

દિલની દુનિયાના નિયમો જુદા જ હોય છે. કહે છે કે રાધા કૃષ્ણથી ઉમરમાં મોટી હતી છતાં પ્રેમ કરતી હતી. રાધા વગરના માધવની કલ્પના જ ન થઈ શકે. બહુ સુંદર કલ્પના કરી છે કોઈએ કે `ર` અને `ધ` ની સાથે કાનો પહેલેથી જ વણાયો છે. કાના વગર રાધાનો ઉચ્ચાર પણ થઈ નથી શકતો. એવો દિવ્ય છે આ પ્રેમ! ચિત્રકારે પણ એને પોતાના ચિત્રમાં કેવી સુંદર રીતે અમર કર્યો છે. યુગલસ્વરૂપનાં બે ચરણોમાંથી એક માધવનું તો બીજું રાધાનું. કવિ, ચિત્રકાર, ગીતકાર, નૃત્યકાર, શિલ્પકાર, અરે કોઈ પણ કલાકાર જ્યાં સુધી રાધાકૃષ્ણ પર રચના ન કરે ત્યાં સુધી અધૂરપ અનુભવે છે, વિરહ અનુભવે છે.

વ્રજમાં તો વણલખ્યો નિયમ છે કે કોઈ રચનાકાર કવિ તરીકે માન્ય નથી થતો જ્યાં સુધી તેણે રાધાને કેન્દ્રમાં રાખી રચના ન કરી હોય. વ્રજના તો કણ-કણમાં રાધા છે. તો રોમ-રોમમાંથી જ્યાં સુધી રાધા ન પ્રગટે ત્યાં સુધી એ કવિ કેવો! પ્રેમ ન જુએ જાતપાત, ન ઉંમર, ન રંગરૂપ. કેવી અનોખી છે આ રમત. બન્ને પોતાનું દિલ હારી જાય છે ને તેથી જ બન્ને જીતી જાય છે. ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન. એક જન્મ માટેનું આ બંધન નથી. તો ઉંમરની સીમા કેવી રીતે હોઈ શકે? રાધાનો પ્રેમ એક જન્મનો તો નહીં હોય, યુગોથી વિસ્તરતો હશેને. તેથી જ તો ગોરી રાધિકાને એનાથી નાનો કાળો કા`ન સાંવરિયો લાગ્યો. કહે છે વેદની ઋચાઓ જ ગોપી બનીને વ્રજમાં પ્રગટી હતી. અહાહા! કેવું સુંદર કવિ કલ્પન! શબ્દોને જ રૂપ આપી દીધું. અમૂર્તને મૂર્ત કરી વ્રજને છલકાવી દીધું. શબ્દોને શ્વસતા કરી ગોકુળને ગાતું કરી દીધું. રાધાની વાત લખવા બેસોને તો એમાં શબ્દોય પ્રાસ સાધી લે આપોઆપ. અનાયાસ વહે કાલિન્દીના નીરની જેમ. જમુનાના જળની શિકરો પણ ઊછળી-ઊછળીને કહે વાતા`તા ક્યાં વનમાળી. કદંબની શાખે-શાખે મોરલીના સૂર સંભળાયછે તમને? ગોકુળની ગલીઓમાં બંસરીના બોલ તમને સતત સંભળાયા કરે તો તમે સાચા પ્રેમી. ગાયના ભાંભરવામાંય તમને ‘કા’ થી વિસ્તરી ‘ના’ સુધીનો સ્વર સંભળાય ત્યારે તમે સાચા પ્રેમી. મોગરાની માળામાં રાધા પરોવાયેલી દેખાય તો તમે સાચા પ્રેમી. રાતરાણીની સુગંધમાં રાધા સરકતી દેખાય તો તમે સાચા પ્રેમી. 

બરસાનાના લોકોની તો વાત શરૂ થાય રાધે-રાધેથી અને સંવાદ પૂરો થાય એ પણ રાધે-રાધેથી. રમણરેતીમાં રગદોળાવ તો જગત આખું રમણીય લાગે. નિર્મળ પ્રેમ કેવો હોય એ જગત આખાના સાહિત્યને શીખવવા રાધાકૃષ્ણનો પ્રેમ સમજાવવો પડે. જે સમજે તે જર્મન કવિ ગટેની માફક માથે પુસ્તક મૂકીને નાચે. વાંચતાં-વાંચતાં આંખમાંથી અવિરત અશ્રુઓ સરી પડે અને જ્ઞાનની પોથીઓ પીગળી જાય, ઉદ્ધવની માફક. ગોપીઓ પાસે દસ-વીસ મન તો હતાં નહીં કે એક કાનો લઈ ગયો તો બીજાથી ઉદ્ધવની જ્ઞાનની વાતો સાંભળે.

ઉધો મન ન દસ બીસ,

એક હુતો તો ગયો સ્યામ સંગ,

કો અવરૌધે ઈસ.

કાનો પણ મથુરાની કંચનનગરીમાં એવો જ વિરહ અનુભવે છે. નિર્મોહી મોહન પણ વ્યાકુળ થઈ ગયો છે. મહેલની અટારીએથી કહે છે, 

ઉધો, મોહે વ્રજ વિસરત નાહી, વૃંદાવન ગોકુલતન આવત સઘન તૃનન કી છાંહી

વૃન્દાવન ગોકુલ તરફથી આવતી સઘન વૃક્ષલતાઓની છાંય મને બોલાવે છે. માતા જશુમતીએ શીકે ટાંગ્યાં માખણ મને બોલાવે છે. માતા તો હિત સાથ ખવાવત. અબ કૌન ખિલાવે? ગોપબાલ સાથે ખેલતાં-ખેલતાં દિન આખો ક્યાં સરી જતો હતો એની ખબર પણ પડતી નહોતી. વાત્સલ્યપ્રેમ અને મિત્રપ્રેમ એ નિર્વ્યાજ પ્રેમનાં બીજાં સ્વરૂપો.

     બાય ધ વે, તમને ખબર છે સૂરદાસ જ્યારે ગાવા બેસતા ત્યારે બાલકૃષ્ણ પલાંઠી વાળીને સામે બેસી જતા? એને કયો પ્રેમ કહીશું? કહે છે પ્રેમ આંધળો હોય છે, તો અંધ સૂરદાસના પ્રેમને કેવો કહીશું?

 

- યોગેશ શાહ (યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ છે અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)

love tips columnists exclusive gujarati mid day