01 November, 2026 08:34 AM IST | Mumbai | Rajani Mehta
આનંદ-મિલિંદ સાથે સમીર.
Failure in fact is success in progress.
- Albert Einstein
નિષ્ફળતા જ સફળતાની જનેતા છે એમ કહેવાય છે. નિષ્ફળ જવા કરતાં નિષ્ફળ થયા બાદ પુરુષાર્થ ન કરવો એ મોટી નિષ્ફળતા છે. ઘણી વખત એવું બનતું હોય છે જ્યારે આપણે થાકી-હારીને પ્રયત્ન કરવાનું છોડી દઈએ ત્યારે આપણને ખબર નથી હોતી કે સફળતા હાથવેંત દૂર છે.
સંગીતકાર શ્યામ સાગરે જે રીતે પોતાની કાબેલિયત પર શક કરીને તોછડું વર્તન કર્યું એનાથી દુખી થયેલા સમીરે પોતાની જાતને સંભાળી. નિષ્ફળતાને ખંખેરીને, હિંમત હાર્યા વિના તેમણે આગળ વધવાનું નક્કી કર્યું. ઘોર અંધારામાં આકાશમાં વીજળીનો ચમકારો થાય અને આપણને માર્ગ દેખાય એમ હતાશાની એ ઘડીમાં સમીરને એક વ્યક્તિનું સ્મરણ થયું અને તે તેને મળવા પહોંચી ગયા. એ વાત કરતાં તે કહે છે...
મને યાદ આવ્યું કે ઉષા ખન્ના નજીક ખારમાં પંદરમા રોડ પર રહે છે. પિતાજીનાં ઘણાં ગીતો તેમણે કમ્પોઝ કર્યાં છે. હું પણ તેમને મળ્યો હતો. મનમાં થયું કે તેમને મળીને વાત કરું. નસીબજોગે તે ઘરમાં જ હતાં. મેં કહ્યું, આન્ટી, મૈં ભી ગાને લિખતા હૂં, આપ સુનેંગે? તેમણે હા પાડી. તેમને થોડાં ગીતોનાં મુખડાં સંભળાવ્યાં. એમાંથી તેમને ૩ પસંદ આવ્યાં. કહે, આ મુખડાં અહીં મૂકીને જા, એનો ક્યાંક ઉપયોગ કરીશ.
થોડા દિવસ પછી મને ફોન આવ્યો. કહે, મારી ફિલ્મમાં એક સિચુએશન છે, એમાં એક ગીત ફિટ બેસે છે, પરમ દિવસે રેકૉર્ડિંગમાં આવી જજે.
આમ મારા નામે જે પ્રથમ ગીત રેકૉર્ડ થયું એ હતું ‘ગોરી પરેશાન હૈ, કાલી પરેશાન હૈ, અરે ઘરવાલે સે ઘરવાલી પરેશાન હૈ’. (ફિલ્મ : ‘બેખબર, ૧૯૮૨, અલકા યાજ્ઞિક)
lll
આમ શરૂ થઈ ગીતકાર સમીરની ગીતયાત્રા. જોકે હજી તો મંઝિલનો પ્રથમ પડાવ પાર કર્યો હતો. નિર્માતાઓ અને સંગીતકારોની મુલાકાતનો સિલસિલો ચાલુ હતો. સંગીતકાર ચિત્રગુપ્ત સાથે મુલાકાત થતી એટલે તેમના યુવાન પુત્રો આનંદ અને મિલિંદ સાથે દોસ્તી થઈ. તે બન્ને સંગીતકાર બનવાનાં સપનાં સેવતા હતા. ફુરસદના સમયમાં સમીર ભોજપુરીમાં ગીતો લખતા, જેને આનંદ-મિલિંદ સ્વરબદ્ધ કરતા. આ રીતે તેમની પાસે લગભગ ૧૦૦ ગીતોની બૅન્ક તૈયાર થઈ ગઈ.
કવિકર્મ સતત થયા કરે તો જ કલમ ધારદાર થાય. લખવાનો પણ સતત રિયાઝ થવો જોઈએ, તો જ કશુંક નોંધપાત્ર સર્જન થાય. સમીરને છૂટીછવાઈ ફિલ્મોમાં કામ મળતું. કામ મળે કે ન મળે, લખવાનું સતત ચાલતું રહ્યું. કોઈએ સમીરને સલાહ આપી કે પિતા પાસે થોડાં ગીત લખાવ અને તારા નામે વેચ. સંગીતકાર લક્ષ્મીકાંતે ચેતવણી આપતાં કહ્યું હતું, ‘ઐસા સોચના ભી મત. બાપ કી દુકાન બાપ કી હોતી હૈ ઔર બેટે કી દુકાન બેટે કી હોતી હૈ.’ સમીરે એ પ્રલોભન ટાળ્યું. ભલે સંઘર્ષ કરવો પડે, સફળતા તો મારા નામે જ મેળવીશ એ તેમનો પાક્કો નિર્ધાર હતો.
મન્સૂર ખાનની ડિરેક્ટ કરેલી પ્રથમ ફિલ્મ હતી ‘કયામત સે કયામત તક’. પિતા નાસિર હુસેન એક સફળ પ્રોડ્યુસર-ડિરેક્ટર હતા એટલે સ્વાભાવિક છે પુત્રને ફિલ્મોમાં રસ હોય. પિતાએ એક શરત મૂકી કે પહેલાં એક વિડિયો-ફિલ્મ બનાવ, જો મને પસંદ આવશે તો સ્વતંત્ર ડિરેક્ટર તરીકે ફિલ્મ આપીશ. એ દિવસોમાં સમીર, આનંદ-મિલિંદ અને મન્સૂર પોતપોતાની કારકિર્દી જમાવવાના પ્રયત્ન કરતા નવયુવાન મિત્રો હતા.
મન્સૂર ખાને ડિરેક્ટ કરેલી વિડિયો-ફિલ્મ (જેમાં સમીરનાં ગીતો અને આનંદ-મિલિંદનું સંગીત હતું) પિતા નાસિર હુસેનને ગમી. તેમણે ‘કયામત સે કયામત’ શરૂ કરી અને જવાબદારી આપી મન્સૂર ખાનને. તેની ઇચ્છા હતી કે સમીર અને આનંદ-મિલિંદ ફિલ્મમાં સાથે જોડાય, પણ પિતાએ શરત મૂકી કે ‘કાં તો ગીતકાર નવો લે અથવા સંગીતકાર. એક પસંદગી તું કર, પછી બીજા માટે હું કોઈ જાણીતા નામનો વિચાર કરું.’
મન્સૂર ખાન માટે ધર્મસંકટ ઊભું થયું. સૌ મિત્રો હતા. કોને પડતા મૂકે? સમીરે દરિયાદિલી દેખાડતાં કહ્યું, ‘તમારી ફિલ્મોમાં મજરૂહસાહેબ ફિક્સ હોય છે. હું તેમનો મોટો ચાહક છું. ભલે તે ગીતો લખે. આનંદ-મિલિંદને મોકો આપો.’ આમ સમીરે ફિલ્મ જતી કરી.
ફિલ્મ હિટ થઈ અને આનંદ-મિલિંદનું નામ થઈ ગયું. ઇન્દ્રકુમારની ‘દિલ’ શરૂ થવાની હતી ત્યારે આમિર ખાને કહ્યું કે સંગીતકાર તરીકે મારે આનંદ-મિલિંદ જોઈએ છે. બન્ને ભાઈઓએ ગીતકાર તરીકે સમીરનું નામ સજેસ્ટ કર્યું, પણ ઇન્દ્રકુમાર રાજી નહોતા. તેમને મજરૂહ સુલતાનપુરી અથવા આનંદ બક્ષી જોઈતા હતા. આનંદ-મિલિંદે કહ્યું, ‘અમે સમીરનાં એક-બે ગીત કમ્પોઝ કરીએ છીએ. તમે સાંભળો પછી નિર્ણય કરજો.’
જેવું ઇન્દ્રકુમારે ‘ખંભે જૈસી ખડી હૈ, લડકી હૈ યા છડી હૈ’ સાંભળ્યું કે તરત રાજી થઈ ગયા અને સમીરને સાઇન કર્યા. ફિલ્મના ‘ઓ પ્રિયા પ્રિયા, કયું ભૂલા દિયા’ (અનુરાધા પૌડવાલ/સુરેશ વાડકર), ‘મુઝે નીંદ ન આએ, મુઝે ચૈન ન આએ’ (અનુરાધા પૌડવાલ/ઉદિત નારાયણ) અને બીજાં ગીતો અત્યંત લોકપ્રિય થયાં. ફિલ્મ ‘દિલ’ (૧૯૯૦)થી સમીરની ગણના ટોચના ગીતકારોમાં થવા લાગી.
lll
‘સંગીતકાર નદીમ-શ્રવણની જોડી સાથે તમે અત્યંત લોકપ્રિય ગીતો આપ્યાં. તેમની સાથે પ્રથમ મુલાકાત ક્યારે થઈ?’ મારા આ પ્રશ્નનો જવાબ આપતાં સમીર કહે છે...
એ દિવસોમાં હું સંગીતકારોને મળવા જતો અને કહેતો કે મારાં ગીતો સાંભળો, પણ મોટા ભાગે કોઈ તૈયાર ન થાય. હું આ જોડીને મળવા ગયો ત્યારે નદીમે કહ્યું કે અમારી પાસે આઠ-દસ સૉન્ગ-રાઇટર છે, અમને હવે કોઈની જરૂર નથી. હું સાવ નિરાશ થઈ ગયો. એમ છતાં મેં કહ્યું કે મારાં બે-ચાર ગીતો સાંભળો તો આપને ખ્યાલ આવશે કે મારું રાઇટિંગ કેવું છે. તો નદીમ કહે કે અમે એક લાઇનમાં ફસાઈ ગયા છીએ - ‘પ્યાર સે ભી ઝ્યાદા તુઝે પ્યાર કરતા હૂં...’, આની પછીની લાઇન નથી મળતી, જો તું લખી શકે તો કહે.
મનમાં થયું કે તેમની પાસે આઠ-દસ સૉન્ગ-રાઇટર છે, તે નથી લખી શક્યા તો મારે આ ચૅલેન્જ સ્વીકારી લેવી જોઈએ. ત્યાંથી નીકળ્યો અને રસ્તામાં જ મને આ પંક્તિ મળી - ‘યાદ તુઝે પલ મેં સૌ બાર કરતા હૂં...’ હું પાછો ગયો. મારી લાઇન સાંભળતાં જ નદીમ ઊછળી પડ્યો અને ભેટીને કહે, મેરા રાઇટર આ ગયા.
ફિલ્મ ‘ઇલાકા’ (૧૯૮૯) માટે મિથુન ચક્રવર્તી અને માધુરી દીક્ષિત પર આ ગીતનું ફિલ્માંકન થયું જેને સ્વર આપ્યો આશા ભોસલે અને મોહમ્મદ અઝીઝે. આમ અમારો સથવારો શરૂ થયો. એ જોડી સાથે કામ કરવાની ખૂબ મજા આવી. એ સમય અમારી કારકિર્દીનો સુવર્ણકાળ હતો, જેમાં અમને ખૂબ માન-સન્માન અને અવૉર્ડ્સ મળ્યા.
lll
ગીતકાર સમીરની જીવનસફરમાં આવા અનેક રોમાંચક વળાકો આવ્યા છે. તેમની એક ફિલ્મ છે ‘આશિકી’. આ ફિલ્મે સમીર અને નદીમ-શ્રવણની જિંદગીને એક એવો આયામ આપ્યો જે અભૂતપૂર્વ છે. કોઈએ કલ્પના ન કરી હોય એટલી સફળતા આ ફિલ્મને મળી એનું કારણ હતું ફિલ્મનું સંગીત. ફિલ્મનાં ગીતો આજ પર્યંત શ્રોતાઓના ગળામાં માળો બાંધીને બેઠાં છે.
આ ફિલ્મના નિર્માણ પાછળની ઘટના યાદ કરતાં સમીર મને કહે છે, ‘નદીમ-શ્રવણની ફિલ્મ ‘બાપ નંબરી, બેટા દસ નંબરી’ના એક રેકૉર્ડિંગમાં અનુરાધા પૌડવાલ આવી હતી. તેને અમારું કામ ગમ્યું એટલે તેણે કહ્યું કે ગુલશનકુમારને મળો, તે નવી ટૅલન્ટને ખૂબ પ્રોત્સાહન આપે છે, હું તમારી ઓળખાણ કરાવીશ. અમે એ દિવસોમાં અમારાં ગીતોની બૅન્ક બનાવીને રાખતા હતા. અમે સૌ ગુલશનકુમારને મળવા ગયા. અમારાં ગીતો તેમને ગમ્યાં. તેમણે કહ્યું કે હમણાં મારી પાસે કોઈ ફિલ્મ નથી એટલે આપણે આ ગીતોનું પ્રાઇવેટ આલબમ રેકૉર્ડ કરીએ.
અમે સૌથી પ્રથમ ગીત રેકૉર્ડ કર્યું ‘મૈં દુનિયા ભૂલા દૂંગા તેરી ચાહત મેં’. ત્યાર બાદ બીજાં ગીતો રેકૉર્ડ થયાં. આ આલબમનું નામ રાખ્યું ‘ચાહત’. એક દિવસ પ્રોડ્યુસર-ડિરેક્ટર મહેશ ભટ્ટ આવ્યા અને તેમણે આ આલબમ સાંભળ્યું. તે ખૂબ ઇમ્પ્રેસ થઈ ગયા. ગુલશનકુમારને પૂછ્યું કે ગીતકાર અને સંગીતકાર કોણ છે? ખબર પડતાં અમને ખૂબ અભિનંદન આપ્યાં.
તે બોલ્યા, મને લાગે છે કે આ ગીતો પરથી હું એક ફિલ્મ બનાવું, આટલું સારું મ્યુઝિક કેવળ આલબમમાં સીમિત થઈને રહેશે તો લોકો સુધી પહોંચશે નહીં. તેમણે ગીતોની આસપાસ એક સ્ટોરી બનાવી અને ફિલ્મનું ટાઇટલ રાખ્યું ‘આશિકી’. (આવું જ ફિલ્મ ‘એક મુસાફિર એક હસીના’માં બન્યું હતું.) મને કહે કે એક ટાઇટલ સૉન્ગ લખ. આમ લખાયું ‘સાંસો કી ઝરૂરત હૈ જૈસે ઝિંદગી કે લિએ, બસ એક સનમ ચાહિએ આશિકી કે લિએ...’
નવા કલાકારો રાહુલ રૉય અને અનુ અગ્રવાલને લઈને બનેલી ‘આશિકી’ રિલીઝ માટે તૈયાર હતી ત્યારે ગુલશન કુમારે એક એવી શંકા વ્યક્ત કરી કે સૌને લાગ્યું કે આ ફિલ્મ કદી રિલીઝ નહીં થાય. એ વાત આવતા રવિવારે.