04 February, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું છે. લગ્નગાળો પણ પૂર‘બહાર’માં છે. ગરમાળાનાં ફૂલ પણ થોડા વખતમાં ખીલી ઊઠશે અને નવવધૂના સોનેરી શૃંગાર સમા એના ગુચ્છાભેર પીળાં ફૂલોથી વૃક્ષો છલકાઈ ઊઠશે. આજે સરસ્વતીવંદના કરી ‘વિદ્યારંભે કરિષ્યામિ’ની આપણી મૂળ પરંપરા છે. આ ઋતુમાં પ્રયાગના ત્રિવેણી સંગમસ્થળે જ્યાં સરસ્વતી નદીરૂપે ગંગા અને યમુનાને મળે છે એના સ્નાનનું મહત્ત્વ છે. મહારાષ્ટ્રમાં આ ઋતુમાં જ માઘી ગણેશોત્સવનું ઘણું મહત્ત્વ છે. વિદ્યાની દેવી સરસ્વતી અને મહાભારતના લહિયા ગણેશજી, બન્નેના પૂજનનો કેવો સુભગ સમન્વય! કેવા-કેવા સુંદર સંકેતો આપણી સંસ્કૃતિએ આપ્યા છે! વીણાવાદિની જ્ઞાન સાથે-સાથે કળાની પણ દેવી છે. જ્ઞાન શુષ્ક ન હોવું જોઈએ. કેવી ઉદાત્ત કલ્પના! સૂરજનાં સોનેરી કિરણોમાં સરસવના પાકનાં પીળાં ફૂલો ખેતરને ઢાંકી રહ્યાં છે. કલ્પનાની પાંખે આંખોના કૅમેરામાં, પીળી બિછાતના આ દૃશ્યને કેદ કરી લો, મન બાગ-બાગ થઈ જશે.
કોઈ પણ ઘરાનાના ગાયક હોય, હિન્દુ હોય કે મુસ્લિમ; તેમનાં ગીત-સંગીતની દેવી તો સરસ્વતી જ! પંડિત ભીમસેન જોશી જ્યારે ‘રંગ સુગંધ અબીર ચડાવત’ના આલાપ છેડે કે કિશોરી આમોનકર ‘પિયા મોરી માન રે માન રે બિનતી’ના આલાપ છેડે ત્યારે રોમેરોમ કેસૂડો ખીલી ઊઠે. વસંત રાગ પર આધારિત લતા-રફીનું ગીત ‘મન કી બીન મતવારી બાજે’ (ફિલ્મ: શબાબ) અને મન્ના ડેનું ‘કેતકી ગુલાબ જુહી ચંપક બન ફૂલે’ ફક્ત સાંભળવા જેવાં જ નહીં, જોવા જેવાં પણ ગીત છે. હૈયામાં કોયલ ગુંજી ઊઠી હોય તો ગુજરાતી સુગમ સંગીતની કોકિલાને પણ યાદ કરી લઈએ. કેસૂડાનાં વૃક્ષો જાણે કેસરિયાળો સાફો પહેરીને ઊભેલા વરરાજા જેવા લાગે ત્યારે પ્રીતઘેલી નાયિકાને સખી કહે છે, ‘અલી! તારું હૈયું કેસૂડાનું ફૂલ.’ ક્ષેમુ દિવેટિયાના સ્વરાંકનમાં હંસા દવેના મખમલી અવાજમાં આ ગીત સાંભળી રોમૅન્ટિક ન થાઓ તો જ નવાઈ. ઉમાશંકર જોશીનું પેલું અતિ પ્રખ્યાત ગીત ‘કોકિલ પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની’ ને અજિત-નિરુપમા શેઠે અમર કરી દીધું છે. અંબોડે લગાવીને કે સુગંધી ફૂલોની માળા પહેરીને કે કલાઈએ બાંધીને કે જૅકેટના બટનમાં લગાવી પ્રફુલ્લિત રહેવાની પ્રથા પરથી જ તો અરોમા થેરપી નહીં આવી હોય? ફૂલો અને સંગીત અને સખ્યના ત્રિવેણી સંગમસ્નાન માટે તો ‘માહીં પડ્યા તે મહાસુખ માણે.’ વસંત તમને સંત નહીં જ થવા દે.