05 June, 2026 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાધના દોશી કાઠિયાવાડ મહિલા મંડળ, મલાડનાં મંત્રી છે
ઘણી વાર સમાજમાં એવી માન્યતા હોય છે કે મહિલા મંડળો એટલે માત્ર ગેટ-ટુગેધર, કિટી પાર્ટી કે હસવા-રમવાની જગ્યા; પરંતુ જો તમે એને ઊંડાણપૂર્વક જુઓ તો સમજાશે કે આજના દોડધામ અને માનસિક તનાવવાળા યુગમાં આ મહિલા મંડળો ખરેખર તો સ્ત્રીઓ માટે મૉડર્ન કમ્યુનિટી સપોર્ટ સેન્ટર બની ચૂક્યાં છે.
સૌરાષ્ટ્ર સમાજ મહિલા મંડળનાં પ્રમુખ તરીકે હું હંમેશાં એક વાત પર ભાર મૂકું છું કે અમારો હેતુ માત્ર કાર્યક્રમો કરવાનો નથી. અમે દર બે મહિને એક એવો પ્રોગ્રામ ગોઠવીએ છીએ જેમાં બહેનો ઘરના બધા પ્રૉબ્લેમ્સ, ટેન્શન અને રોજિંદી ચિંતાઓ ઘરના ઉંબરે છોડીને બહાર આવે છે. અમારું એક જ લક્ષ્ય હોય છે કે અહીં આવીને મહિલાઓ એન્જૉય કરે, ખડખડાટ હસે અને પોતાની ટૅલન્ટ બહાર લાવે.
આ વાત પાછળ એક બહુ મોટું સત્ય છુપાયેલું છે. એક સ્ત્રી આખો દિવસ પરિવાર, બાળકો, રસોડું અને ઘરની જવાબદારીઓમાં એટલી વ્યસ્ત રહે છે કે તે ઘણી વાર પોતાનું અસ્તિત્વ જ ભૂલી જાય છે. ઘરના નાના-મોટા પ્રશ્નો તેના મન પર સતત હાવી રહે છે. આવા સમયે દર બે મહિને મળતું આ હળવું વાતાવરણ તેમના માટે મેડિટેશન કે રીચાર્જ થેરપી જેવું કામ કરે છે. બે કલાક માટે ઘરના પ્રશ્નો ભૂલીને જ્યારે તે પોતાની સખીઓ સાથે ડાન્સ કરે છે, સિન્ગિંગ કરે છે કે કોઈ ગેમ રમે છે ત્યારે તેનું મન એકદમ હળવું થઈ જાય છે.
બીજો મહત્ત્વનો મુદ્દો છે ટૅલન્ટ ખીલવવાનો. લગ્ન પછી ઘણી સ્ત્રીઓની કલા, તેમની હૉબીઝ ક્યાંક દબાઈ જાય છે. કોઈને સારું ગાતાં આવડતું હોય, કોઈને સુંદર મેંદી મૂકતાં આવડતી હોય કે કોઈ સ્ટેજ પર બોલવામાં હોશિયાર હોય. અમારું મહિલા મંડળ તેમને એવું સુરક્ષિત પ્લૅટફૉર્મ પૂરું પાડે છે જ્યાં કોઈ તેમને જજ નથી કરતું. અહીં તેમની ટૅલન્ટને સ્ટેજ મળે છે, સખીઓની તાળીઓ મળે છે અને સૌથી અગત્યનું ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મળે છે.
આજની મૉડર્ન ભાષામાં જેને લોકો વિમેન સપોર્ટિંગ વિમેન કહે છે એ અમે વર્ષોથી સહજતાથી કરતા આવ્યા છીએ. એકબીજા સાથે સુખ-દુઃખ વહેંચવાનું અને એકબીજાની હિંમત બનવાનું આનાથી મોટું કોઈ માધ્યમ હોઈ ન શકે.
હું મક્કમતાથી માનું છું કે સ્ત્રી જો અંદરથી ખુશ હશે, માનસિક રીતે ફ્રેશ હશે તો તે આખા ઘરને વધુ સારી રીતે ખુશ રાખી શકશે. ઘરની ચિંતાઓ ભૂલીને, પોતાની ટૅલન્ટ સાથે મુક્ત આકાશમાં ખીલવું એ જ તો સાચા અર્થમાં અમારું મહિલા સશક્તીકરણ છે.