✕

આ તો ઘીનો દીવો છે

29 November, 2026 10:16 AM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

હવે આ સમયનો સદુપયોગ થાય જ છે એ શી રીતે નક્કી કરવાનું. સમય એટલે ૨૪ કલાકનો જ એક દિવસ છે અને આ સમયખંડને આપણે પેલો જવાબ આપતી વખતે યાદ રાખવો જોઈએ. સમય છે, પણ સદુપયોગ કરવાનો.

પ્રતીકાત્મક તસવીર

હમણાં સમયની સદ્દ્કૃપા થઈ છે એટલે ઘરે કોઈ એવો ફોન કરીને પૂછે કે ‘તમે અત્યારે થોડોક સમય ફાળવી શકે એમ છો?’ ત્યારે મારે તેમને ન સમજાય એવો જવાબ વાળવો પડે છે, ‘આજકાલ હું સમય સિવાય કંઈ ફાળવતો જ નથી. મારી પાસે સમય છે પણ એ સમયનો જો સદુપયોગ થઈ શકતો હોય તો જ.’ હવે આ સમયનો સદુપયોગ થાય જ છે એ શી રીતે નક્કી કરવાનું. સમય એટલે ૨૪ કલાકનો જ એક દિવસ છે અને આ સમયખંડને આપણે પેલો જવાબ આપતી વખતે યાદ રાખવો જોઈએ. સમય છે, પણ સદુપયોગ કરવાનો.

હમણાં-હમણાં કબાટમાં ઠાંસોઠાંસ ભરાયેલાં પુસ્તકોમાંથી કેટલાંક બહાર કાઢીને એનાં પૃષ્ઠો ઊથલાવું છું. થોડાંક પૃષ્ઠો ઊથલાવું ત્યાં તરત જ પુસ્તકોમાં દોરેલી લીટીઓ અને બાજુમાં પેન્સિલથી લખાયેલાં લખાણો નજરે પડે છે. તરત જ યાદ આવે છે, ‘અરે, આ તો વાંચેલું છે.’ આજકાલ આ વાંચેલાં પુસ્તકોને ફરીથી વાંચું છું. ક્યાંક એમ થાય છે કે ભૂલ થઈ છે અને ક્યાંક એમ પણ થાય છે કે ‘અરે, એવું તે કંઈ હોય?’ પુસ્તકના હાંસિયામાં જે લખેલું હોય એ ફેરવવું પડે છે. આ આમ નહીં પણ આમ હોવું જોઈએ. સમજનો આ ફેરફાર કોણે કર્યો? બુદ્ધિને આમ આ બાજુથી પેલી તરફ લઈ જવાનું કામ સમયે ન કર્યું હોય બીજું કોણ કરી શકે?

વાલ્મીકિ, વ્યાસ, ટાગોર કે ઉમાશંકર - ફરી-ફરીને તેમની પાસેથી વળી શું વાંચવાનું? રામકથાઓ હોય કે કૃષ્ણકથા - કેટલી વાર વાંચી છે અને સાંભળી છે. એનાં કેટલાંય અર્થઘટનો આમતેમથી અંદર ઊતરી જ ગયાં છે અને આમ છતાં આ બધું વાંચેલું ક્યાંક કોઈક લીટીમાં નવેનવું લાગે છે. અરે, આ તો ધ્યાનમાં જ નહોતું, આ નવો અર્થ કોણે આપ્યો. આ છાપેલું લખાણ એમનું એમ છે, એના વિશે બાજુમાં હાંસિયામાં જે લખ્યું છે એ પણ એમનું એમ છે તો પછી આ નવું ક્યાંથી આવ્યું?

બસ, અહીંથી જ પ્રશ્નપ્રદેશ શરૂ થઈ જાય છે. પહેલાં થાય છે કે આ નવું ક્યાંથી આવ્યું અને પછી એમ થાય છે કે આમાં નવું શું છે? આ તો સનાતન છે. જે નજરમાંથી સરકી ગયેલું હતું એ આજે મળ્યું. વાહ! જેટલું મળ્યું એટલું ઓછું છે?

હા, ઓછું છે. જો આ એક વાક્યમાંથી નવું મળ્યું તો આજ સુધીના લખાયેલા ગ્રંથોમાં આવાં હજારો વાક્યો મળી આવશે જે સાવેસાવ નવાં હશે. સાવેસાવ.

કૃષ્ણવીર દીક્ષિતનું નામ તમે સાંભળ્યું છે? તેઓ ‘જન્મભૂમિ’માં નોકરી કરતા હતા. મેઘાણીભાઈએ શરૂ કરેલો ‘કલમ અને કિતાબ’ નામનો વિભાગ દીક્ષિતજી સંભાળતા. આ વિભાગમાં દર સોમવારે નવાં-નવાં પુસ્તકોનું પ્રકાશન અને એના વિશેની ટૂંકી નોંધ અથવા વિગતવાર સમીક્ષા દીક્ષિતજી કરતા. નિવૃત્ત થયા પછી કેટલોક સમય વીત્યો હશે ત્યારે મને તેઓ રસ્તામાં મળી ગયા. થોડીક આડીતેડી વાતો કર્યા પછી તેમણે વાત-વાતમાં કહ્યું, ‘દિનકર, આજકાલ પુસ્તકો વાંચું છું. હવે આ પુસ્તકો વાંચતાં એમ થાય છે કે વાંચવાનું તો ઘણું બાકી રહી ગયું છે અને સમય તો હવે બહુ ઓછો રહ્યો છે. આવો વિચાર આવતાં જ મનમાં એક શેરડો પડે છે. એમ થાય છે કે અરેરેરે, આ કામ પહેલાં કેમ ન કર્યું?’

આવો વિચાર આવતાં જ કવિવર ઉમાશંકર જોશીએ એક વાર વાત-વાતમાં કહેલી વાત યાદ આવે છે : ‘સમય મળે છે ત્યારે પહેલાં વાંચવાનું કામ કરું છું અને પછી લખવાનું.’

આ છે આથી વિપરીત દિશા

પુસ્તકોને એકસાથે ઢગલાબંધ જોવાં એ આમ તો રોમાંચનો વિષય છે (જોકે જેને રોમાંચ થતો હોય તેને). સમય મળે ત્યારે પહેલાં વાંચવું અને પછી લખવું એવું બ્રહ્મવાક્ય બધા લેખકો સુધી પહોંચતું હોતું નથી. કેટલાક લેખકો સમજદારીથી કે પછી ભૂલ-ભૂલથી આ બ્રહ્મવાક્ય ઊલટાવી નાખે છે. કેટલીક વાર નવાં પુસ્તકોનાં પાનાં ઉથલાવતા હોઈએ ત્યારે આવા લેખકોની સંખ્યા ઘણી મોટી છે એનુંય ભાન થાય છે, પણ આ ભાન સાથે શીખી લેવા જેવું પણ છે. જોકે શીખવા જેવું માત્ર આ વાક્ય જ નથી, પણ આ વાક્ય જે વાંચે છે એ વાચક માટે પણ એટલું જ ધારદાર છે. વાચક જ્યારે આ નથી સમજતો ત્યારે આ વાક્ય લેખકની કલમ અને કાગળ પર બરાબર આડખીલી બનીને ઊભું થઈ જાય છે. લેખકની જવાબદારી અહીં વધે છે અને વાચકની જવાબદારી એનાથીયે વધે છે. કોઈ પણ પુસ્તક નર્યું ચોપડી બનીને બાથરૂમના મેળા પર ગોઠવાઈ જાય એના કરતાં એક ગ્રંથ બનીને સચવાયેલું રહે તો પેલો લેખક પણ જીવતો રહે. લેખકની ઉંમર પચાસ, સાઠ કે સિત્તેરની નથી હોતી પણ વાચક તેને જિવાડે છે ત્યાં સુધી તેણે જીવવાનું છે અને પોતે ક્યાં સુધી જીવવું એ લેખકની પેલી સૂત્ર-સમજ પર અવલંબે છે.

ભગવાન બુદ્ધે તેમના ઉપદેશ ગ્રંથ ધમ્મપદમાં એવું કહ્યું છે કે ‘ભિક્ષુઓ, અહીં આવો, આ જુઓ અને પછી બુદ્ધિથી ચકાસો. જોકે આ ચકાસવા માટે તમારે હવે એક ક્રૂર કર્મ કરવું પડશે. આ ક્રૂર કર્મને તથાગતે ‘मातरम, पितराम हत्वा’ એવું કહ્યું છે. આ માતા-પિતાની હત્યા જેવું કામ બુદ્ધે ભારે ગર્ભાર્થ સાથે કહ્યું છે. જે માતા-પિતા એટલે કે જૂનાં વળગણો તમારી પાસે હોય એનો છેદ કરો અને આ માર્ગ જુઓ.

 

columnists dinkar joshi gujaratis of mumbai gujarati community news culture news