સ્પેશ્યલ ચાઇલ્ડને આત્મનિર્ભર બનાવવું એ આપણી સામાજિક જવાબદારી છે

06 July, 2026 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પેશ્યલ ચાઇલ્ડનો જન્મ થતાં જ પેરન્ટ્સ હિંમત હારી બેસે છે. કાઉન્સેલિંગ અને સલાહ બાદ તેઓ બાળકને સ્પેશ્યલ સ્કૂલમાં ભણાવે છે, પણ તેને પગભર કરવાના પ્રયત્નો નથી કરતા

હિના શાહ દિવ્યાંગ બાળકોની સંસ્થા શ્રદ્ધા ફાઉન્ડેશનનાં સ્થાપક અને દિશા દિવ્યાંગ ઉત્કર્ષ સમિતિ અને દિશા દિવ્યાંગ કાર્યશાળાનાં સેક્રેટરી છે. છેલ્લાં પચીસ વર્ષથી તેઓ સ્પેશ્યલ બાળકો માટે શૈક્ષણિક, ધાર્મિક અને મનોરંજન પ્રવાસોનું આયોજન કરે છે અને જરૂરિયાતમંદ મહિલાઓના રોજગાર માટે કામ કરે છે.

દરેક માતા પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્યનાં સપનાં જુએ છે. મેં પણ જોયાં હતાં. જોકે જ્યારે મારા દીકરા અંકિતને એપિલેપ્સી અને ઑટિઝમ હોવાનું જાણવા મળ્યું ત્યારે જીવનની દિશા જ બદલાઈ ગઈ. નાનપણથી જ તેને યોગ્ય શિક્ષણ મળે એ માટે અમે અનેક સ્પેશ્યલ સ્કૂલોની મુલાકાત લીધી. ઘણી શોધખોળ પછી સ્કૂલ મળી જ્યાં તેણે શિક્ષણ લીધું અને જીવન જીવવાની કળા શીખ્યો. ૨૧ વર્ષની ઉંમરે તે ગ્રૅજ્યુએટ થયો. પેરન્ટ્સ તરીકે અમે ખુશ હતા, પરંતુ મનમાં એક પ્રશ્ન સતત ગુંજતો હતો કે આગળ શું? સ્પેશ્યલ બાળકોનું શિક્ષણ પૂરું થયા પછી જીવનની સાચી પરીક્ષા શરૂ થાય છે. જે બાળક પોતાના પિતાના વ્યવસાયમાં પણ સહેલાઈથી જોડાઈ શકતું નથી તેને સમાજમાં રોજગાર કોણ આપશે? તેની આવતી કાલની જવાબદારી કોણ લેશે? આ પ્રશ્ન માત્ર મારા દીકરાનો નહોતો, હજારો દિવ્યાંગ બાળકો અને તેમનાં માતા-પિતાની વ્યથા હતી. આ જ વેદનામાંથી શ્રદ્ધા ચૅરિટેબલ ટ્રસ્ટનો જન્મ થયો. એમાંથી અનુભવ લીધા પછી ગુજરાતના પાટણના ગ્રામ્યવિસ્તારમાં દિવ્યાંગો માટે કાર્યશાળા શરૂ કરી. આજે અમારાં દિવ્યાંગ બાળકો સુંદર પ્રોડક્ટ્સ બનાવે છે. દરેક પ્રોડક્ટમાં તેમની મહેનત, આત્મસન્માન અને જીવન જીવવાની ઇચ્છા સમાયેલાં છે.

સ્પેશ્યલ ચાઇલ્ડનો જન્મ થતાં જ પેરન્ટ્સ હિંમત હારી બેસે છે. કાઉન્સેલિંગ અને સલાહ બાદ તેઓ બાળકને સ્પેશ્યલ સ્કૂલમાં ભણાવે છે, પણ તેને પગભર કરવાના પ્રયત્નો નથી કરતા. પરિણામે તે ઘર અને સમાજમાં સહાનુભૂતિને પાત્ર રહી જાય છે. આવાં બાળકોને દયા નહીં, તમારો સાથ જોઈએ છે. તેમને આત્મનિર્ભર કરવાની આપણી સહિયારી સામાજિક જવાબદારી છે. તેમની ક્ષમતાઓને ઓળખીને શિક્ષણ, તાલીમ અને રોજગારની તકો ઊભી કરવી જોઈએ. તેમના હાથથી બનેલી પ્રોડક્ટ્સ ખરીદીને પ્રોત્સાહન આપીએ. પારિવારિક પ્રસંગો, તહેવારો અને કૉર્પોરેટ ગિફ્ટિંગમાં તેમણે બનાવેલી વસ્તુઓને સ્થાન આપીએ. ઉદ્યોગપતિઓ અને વેપારીઓ આવા યુવાનોને તેમની ક્ષમતા મુજબ રોજગાર અથવા વર્ક ઑર્ડર આપીને આત્મનિર્ભર બનાવે. સામાજિક સંસ્થાઓ, સ્કૂલો, કૉલેજોના વિદ્યાર્થીઓ દિવ્યાંગ સંસ્થાઓ સાથે જોડાઈને તેમની જરૂરિયાતોને સમજે, તેમના કામના મૂલ્યને સમજે અને સહયોગ આપે તો તેઓ સ્વમાનપૂર્વક જીવી શકે. આપણે એવો સમાજ બનાવીએ જ્યાં કોઈ માતા પોતાના વિશેષ બાળકના ભવિષ્યથી ચિંતિત ન રહે અને ગર્વથી કહી શકે કે મારું બાળક પણ સમાજનો સન્માનિત, સ્વાવલંબી અને ઉપયોગી નાગરિક છે.

columnists exclusive gujarati mid day