ઇન્ડિયા - ધી મોદી ક્વેશ્ચન : કેમ મન ન થયું કાશ્મીરમાં અત્યાચારનો ભોગ બનેલા પંડિતો પર ડૉક્યુમેન્ટરી બનાવવાનું?

01 February, 2023 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીના રાજ દરમ્યાનની જ વાત છે, જે વ્યક્તિઓ કલ્પ્રિટ હતા, જે આરોપી હતા, જેમણે માનવધર્મ વિરુદ્ધનું કામ કર્યું હતું તેઓ આજે પણ જેલમાં છે અને તેઓ સજા ભોગવે જ છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ડૉક્યુમેન્ટરી ‘ઇન્ડિયા : ધી મોદી ક્વેશ્ચન’ માટે ગઈ કાલે એવું કહ્યું હતું કે આ અંતિમ પડાવ છે, પણ ના, એવું નથી. આ ડૉક્યુમેન્ટરી માટે હજી પણ વાત કરવી પડે એવું વાતાવરણ સતત અકબંધ રહ્યું છે. ‘ઇન્ડિયા : ધી મોદી ક્વેશ્ચન’ના પહેલા એપિસોડમાં એક તબક્કે એવું કહેવામાં આવે છે કે ૨૦૦૧નાં ગુજરાતનાં રમખાણ દરમ્યાન ૨૦૦૦થી વધારે મુસ્લિમોનાં મૃત્યુ થયાં, પણ આ ડૉક્યુમેન્ટરી બનાવનારા મહાશય એ વાત ભૂલી ગયા કે એ સમયે કૉન્ગ્રેસનું શાસન હતું અને કૉન્ગ્રેસે પોતે, સંસદસભા દરમ્યાન એવું સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે એ કમ્યુનલ રાયટ્સ દરમ્યાન ૭૯૦ મુસ્લિમ અને ૨૪૦ હિન્દુઓનાં મૃત્યુ થયાં છે. 

આ આંકડામાં ક્યાંય ગર્વ લેવાની વાત નથી, ક્યાંય કોઈએ કૉલર ટાઇટ કરવો પડે એવો ભાવ પણ ન હોવો જોઈએ. એકનું કમોત પણ પુણ્યની આખી થાળીને ખાલી કરવાનું કામ કરે છે અને એકના મોત માટે પણ સજા આકરામાં આકરી જ હોવી જોઈએ અને એ થઈ જ છે. નરેન્દ્ર મોદીના રાજ દરમ્યાનની જ વાત છે, જે વ્યક્તિઓ કલ્પ્રિટ હતા, જે આરોપી હતા, જેમણે માનવધર્મ વિરુદ્ધનું કામ કર્યું હતું તેઓ આજે પણ જેલમાં છે અને તેઓ સજા ભોગવે જ છે. અનેક એવાં નામો છે જે નામનો ઉલ્લેખ મારે નથી કરવો, પણ એ નામો જગજાહેર છે અને એ અત્યારે પણ જેલમાં સજા ભોગવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક એવા લોકો દ્વારા પ્રેરિત છે જે ખરા અર્થમાં રાષ્ટ્રદ્રોહનું કામ કરે છે અને એવું કાર્ય કરે છે જે ખરેખર માનવહિતના વધથી સહેજ પણ ઓછું નથી.

રાષ્ટ્રધર્મની સમજણનો અભાવ હોય એ જ આ કૃત્ય કરી શકે અને એવા કોણ-કોણ? જરા વિચારો એ નામ, જેને કોઈ હિસાબે, કોઈ રીતે અને કોઈ પણ કાળે હિન્દુસ્તાન આગળ ન વધે અને હિન્દુસ્તાનમાં શાંતિ ન રહે એ બાબતમાં રસ છે. આ જે ભાવના છે એ ભાવના જ આપણા દેશને ૬૦-૬૫ વર્ષ સુધી ખાતી રહી હતી.

આ પણ વાંચો : બીબીસી ભૂલે નહીં કે પત્રકાર મંથરા જેવો નહીં, હનુમાન જેવો હોવો જોઈએ

દેશમાં ભાગલા પડવાની જે નીતિ આ ડૉક્યુમેન્ટરી થકી ફરી એક વાર સામે આવી છે એ ખરેખર શરમજનક છે અને આ શરમજનક કૃત્ય બદલ કોઈ કાળે બ્રિટિશ બ્રૉડકાસ્ટ કંપની કે પછી એના જેકોઈ આકા છે તેને માફ નહીં કરવામાં આવે. કેમ આ કંપનીને ક્યારેય મન ન થયું કે કાશ્મીરમાં પંડિતો પર અત્યાચાર થયો એના પર ડૉક્યુમેન્ટરી બનાવવામાં આવે અને કેમ આ કંપનીને મન ન થયું કે આપણે આસામમાં ચાલતા ધર્માંતરણના નાટક પર ડૉક્યુમેન્ટરી બનાવવી જોઈએ? કેમ મન ન થયું બાબરીના ધ્વંસ પછી મુસ્લિમોએ કરેલાં રમખાણ પર ડૉક્યુમેન્ટરી બનાવવાનું અને કેમ મન ન થયું ગોધરામાં જે ટ્રેન સળગી અને એમાં અનેક લોકો માર્યા ગયા એના મૂળમાં જઈને ડૉક્યુમેન્ટરી બનાવવાનું?

ક્યાંથી મન થાય સાહેબ, આ તો હિન્દુવિરોધી નીતિ છે અને જ્યાં સુધી આ નીતિનો નાશ નહીં થાય, જ્યાં સુધી આવી પાપી લાગણીઓનો ધ્વંસ નહીં થાય ત્યાં સુધી આ દેશમાં નરેન્દ્ર મોદી જેવા વીરલાઓના પડખે હિન્દુ સમાજ ઊભો રહેશે, રહેશે અને રહેશે જ.

columnists Movie Kashmir Files manoj joshi bbc narendra modi