ઇલેક્શન અને અવામ : જો લોકશાહીને અકબંધ રાખવી હોય તો મતદાન સૌથી અક્સીર ઉપાય છે

29 November, 2022 05:23 PM IST  |  Mumbai | Manoj Joshi

જરૂરી નથી કે તમે તમારા વિસ્તારમાં થનારા મતદાન માટે જ જાગૃતિ લાવો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મતદાન બાબતમાં જાગૃતિ આવે એ આજે પણ જરૂરી છે. દેશ આઝાદ થયાના સાડાસાત દસકાઓ પૂરા થઈ ગયા એ પછી પણ. ખરેખર આ શરમની વાત છે અને આ શરમ વચ્ચે જ આપણે આપણી જવાબદારી સમજવી પડશે. જો લોકશાહીને અકબંધ રાખવી હોય, જો લોકશાહીને તંદુરસ્ત રાખવી હોય અને જો લોકશાહીને એના સાચા સ્વરૂપમાં રહેવા દેવી હોય તો એની માટે મતદાન એકમાત્ર અક્સીર ઉપાય છે. કહો કે લોકશાહીની જીવાદોરી મતદાનના હાથમાં છે અને એટલે જ મતદાન માટેની આ જે નીરસતા છે એ કાઢવાની છે.

ગુજરાત વિધાનસભા ઇલેક્શનના પ્રથમ તબક્કાનો પ્રચાર આજે અટકશે અને એ બે દિવસ પછી વોટિંગ થશે. જરૂરી નથી કે તમે તમારા વિસ્તારમાં થનારા મતદાન માટે જ જાગૃતિ લાવો. જરૂરી છે કે જ્યારે પણ તક મળે ત્યારે તમે મતદાનની બાબતમાં જાગૃતિ લાવો. પક્ષ કોઈ પણ હોય, ફેવરિટ નેતા કોઈ પણ હોય, મતદાન થવું જોઈએ અને એ કરવું જ જોઈએ. અંગત રીતે મારું માનવું છે કે મતદાનને પણ આધાર કાર્ડ સાથે જોડી દેવું જોઈએ, જેથી મતદાન કરવામાં આવ્યું કે નહીં એની જાણકારી સરકારને રહે અને સરકારી લાભાલાભમાં કરવામાં આવેલા મતદાનનો સમાવેશ થઈ શકે.

વાત ચાલે છે ગુજરાત વિધાનસભાની અને ધારો કે ગુજરાતમાં તમારા કોઈ સ્નેહીજન, વહાલાઓ, સગાંઓ રહેતાં હોય તો તેમને મતદાનની બાબતમાં જાગ્રત કરો. જાગ્રત કરી સમજાવો કે મતદાનના દિવસે વોટિંગ માટે બહાર નીકળે અને મતદાન કરે. જે-જે ઉમેદવાર યોગ્ય લાગે તેને મત આપે. ગઈ કાલે કહ્યું એમ, ધારો કે કોઈ ઉમેદવાર યોગ્ય ન લાગે તો બન્નેને રીજેક્ટ કરતો પણ વોટ આપે. બહુ જરૂરી છે. તમારા દરેક વોટથી દેશની કિસ્મત બદલાતી હોય છે અને સાથોસાથ જે-તે ઉમેદવારને પણ ખબર પડતી હોય છે કે તેણે હજી ઘણું કામ કરવાનું બાકી છે કે પછી તે આ રેસ માટે ઉચિત નથી. 

આ વખતે જો તમે ધ્યાન આપ્યું હોય તો તમામ પૉલિટિકલ પાર્ટીએ તેના ઉમેદવારની પસંદગીની સિસ્ટમ આખી ચેન્જ કરી છે અને અનેક લોકોને ઘરે બેસાડ્યા છે. ઘરે બેસાડવાની આ જે પ્રક્રિયા થઈ એ પણ તમારા બોલકાપણાને લીધે થઈ છે એ ભૂલતા નહીં. કહેવાનો ભાવાર્થ એ જ કે તમે બોલશો તો કામ થશે. તમે બોલ્યા, જે-તે વ્યક્તિનો વિરોધ કર્યો અને તે વ્યક્તિ આજે ઘરે બેસી ગઈ. બસ, આ જ કામ કરે છે વોટિંગ અને આ જ કામ લેવાનું છે તમારે મતદાન કરીને.

મતદાન કરશો તો (અને તો જ) તમને દેશની રાજનીતિ, દેશનું અર્થતંત્ર અને દેશની રાજકીય સમસ્યાઓ વિશે બોલવાનો હક છે. કૉન્ગ્રેસ સારી અને બીજેપી ખરાબ કે પછી બીજેપી સારી અને આમ આદમી પાર્ટી ખરાબ. એ કહેવું હોય તો તમારે સક્રિય બનવું પડશે અને રાજકારણમાં સક્રિય બનવાની પહેલી શરત છે, તમે તમારું કામ કરો. રાજકારણમાં સૌથી પહેલું કામ છે, મતદાન કરો.

તમારા મતદાન થકી તમારાં સંતાનોનું ભવિષ્ય સુધરશે અને તમારા મતદાન થકી તમારા ભાવિમાં પણ ચમક આવશે, પણ એની માટે તમારે આજે દોડવું પડશે અને મતદાન મથક પહોંચવું પડશે.

columnists manoj joshi gujarat election 2022