ગુજરાતમાં આજે મતદાન : સગાંવહાલાંઓને જાગ્રત કરવાનું ચૂક્યા તો લોકશાહીના ગુનેગાર બનશો

01 December, 2022 02:13 PM IST  |  Mumbai | Manoj Joshi

કૉર્પોરેશન, વિધાનસભા અને સંસદસભાના વોટિંગ સમયે અને એને માટે પણ આપણી પાસે સમય નથી હોતો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મતદાનની બાબતમાં રહેલી નીરસતાનું પરિણામ જ્યારે ભોગવવાનું આવશે ત્યારે તમને સમજાશે કે આપણે કેટલી મોટી ભૂલ કરી છે. આજે તમને જે વાણીસ્વતંત્રતા મળી છે એ લોકશાહીને આભારી છે અને આજે તમને સરકાર માટે જેકંઈ વાણીવિલાસ કરવા મળે છે એ પણ લોકશાહીની આઝાદી છે. કોઈને પણ ઉતારી પાડવાની જે આઝાદી આપણે ભોગવીએ છીએ એ પણ લોકશાહીની દેન છે અને ન્યુઝપેપરની હેડલાઇનમાં સરકારને ફટકારવાનો જે આનંદ લઈએ છીએ એ આનંદ પણ લોકશાહીનું જ પરિણામ છે. ડગલે ને પગલે, જ્યાં જુઓ ત્યાં લોકશાહીની મજા પથરાયેલી છે. જો આ લોકશાહી ન હોય તો તમને સમજાય કે તમારું જીવન કેવું દોજખ છે.

જઈને એક વાર જુઓ, ચાઇનાને અને ચાઇનાની પ્રેસિડન્ટશિપને. એક વખત જઈને પાકિસ્તાન પણ જોઈ લો. તમને સમજાશે કે સરમુખત્યારશાહીનું પરિણામ કેવું આવે છે અને જઈને એક વાર દુબઈ પણ જોઈ આવો. તમને સમજાશે કે રાજાશાહીની કડક અમલવારી કેવી છે. વાણીસ્વતંત્ર પર કાપ પણ મુકાય છે અને ભૂલથી થઈ ગયેલા ખોટા કાર્ય માટે પણ કડકમાં કડક સજા સહન કરવાનો સમય પણ આવી શકે છે.

લોકશાહીથી સર્વોત્તમ એક પણ રાજસત્તા નથી અને એટલે જ એ લોકશાહીને બચાવવા માટેના તમામ પ્રયાસ થવા જોઈએ. સામાન્ય રીતે પાંચ વર્ષે ત્રણ વાર તમને લોકશાહી પોતાની પાસે મતદાન માટે બોલાવે છે. કૉર્પોરેશન, વિધાનસભા અને સંસદસભાના વોટિંગ સમયે અને એને માટે પણ આપણી પાસે સમય નથી હોતો. વિચાર તો કરો કે આપણે, આપણને જ મળતી આઝાદી પ્રત્યે પણ કેટલા બેદરકાર રહી શકીએ છીએ. શું ખોટું કે ખરાબ બને ત્યાર પછી જ આપણે જાગીએ, શું ગેરવાજબી રીતે આપણને ડૅમેજ પહોંચે એ પછી જ આપણે જાગૃતિ લાવીએ?

કહો તમારાં એ તમામ આપ્તજનોને, જેને ત્યાં આજે મતદાન હોય એ મતદાન માટે પહોંચી જાય. એની નીરસતા પણ તમને હેરાન કરી શકે છે અને એની બેદરકારી પણ તમને નડી શકે છે. નથી જોઈતી આપણને પ્રેસિડન્ટશિપ કે પછી સરમુખત્યારશાહી. નથી જોઈતા એવા કાયદા જે તમારી આઝાદીને ભરખી જાય અને જો એવું જ હોય તો બહેતર છે કે મતદાન થાય. દિવસમાં પંદર મિનિટ ખર્ચવાની છે અને સરકારે એને માટે જાહેર રજાની સુવિધા પણ આપી છે તો પછી શું ૧૨ કલાકમાંથી ૧૫ મિનિટનો સમય પણ કાઢી ન શકીએ?

કાઢવો જ રહ્યો, નવી પેઢી માટે. તમારી અને મારી નવી પેઢી માટે, જે આઝાદી તમે અને મેં ભોગવી છે એ આઝાદીના આનંદ માટે. જો તમને હજી પણ વાત સમજાતી ન હોય તો લૉકડાઉનના દિવસો યાદ કરી લેજો. આપણને વિનંતી કરીને કહેવામાં આવતું કે તમે પ્લીઝ ઘરમાં રહો. સરમુખત્યારશાહીમાં વિનંતી ન હોય, આદેશ હોય. જઈને જોઈ આવો પાકિસ્તાન. તમે ગુમ થઈ ગયા હો તો તમારા પરિવારને અવાજ મોટો કરવાનો હક પણ એ સરમુખત્યારશાહી નથી આપતી. તમને પકડી જાય તો પણ તમને કશું પૂછવાનો અધિકાર જ્યાં નથી મળતો એ પ્રેસિડન્ટશિપ છે. તમને પ્રેસિડન્ટ ન ગમતો હોય તો પણ તમે તેને ઊથલાવી નથી શકતા, પણ તમારા દેશમાં તમને એ સત્તા મળી છે. જાગો અને લોકશાહીનો આભાર માની મતદાન માટે જાઓ.

columnists manoj joshi gujarat election 2022