પૂછો તમારી જાતને : કહો જોઈએ, છેલ્લે તમે ક્યારે, કેટલું અને કેવુંક હસ્યા હતા?

09 June, 2023 03:30 PM IST  |  Mumbai | Manoj Joshi

જપાનમાં છેલ્લા ચારેક મહિનાથી સ્માઇલ કેવી રીતે કરવું એના ક્લાસ શરૂ થયા છે અને આ ક્લાસની ફી ૪પ૦૦ યેન લેવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

આ પ્રશ્ન આવ્યો છે જપાનથી. જપાનમાં છેલ્લા ચારેક મહિનાથી સ્માઇલ કેવી રીતે કરવું એના ક્લાસ શરૂ થયા છે અને આ ક્લાસની ફી ૪પ૦૦ યેન લેવામાં આવે છે. એવું નથી કે જેમને સ્માઇલ કરતા નથી આવડતું એ લોકો ત્યાં ક્લાસ માટે જાય છે, પણ હકીકત એ છે કે અહીં એ લોકો જાય છે જેઓ સ્માઇલ કરવાનું ભૂલી ગયા છે.

હા, આ સાવ સાચું છે અને એને માટે જૅપનીઝ લોકો કોરોનાના કાળમાં પહેરેલા માસ્કને દોષ આપે છે. દોષ કોઈનો પણ હોય, પરંતુ આ જે ક્લાસ શરૂ થયા છે એ એક વાત તો યાદ દેવડાવે છે કે આપણે પણ આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે છેલ્લે ક્યારે, કેટલું અને કેવુંક હસ્યા હતા? આજની ભાગદોડ વચ્ચે આપણે એ વાત વીસરી ગયા છીએ કે આપણા ચહેરા પર સ્માઇલ હોવું જોઈએ. રોજબરોજના રાજકારણ વચ્ચે આપણે એ વાત ભૂલી ગયા છીએ કે સ્માઇલ કરવાથી સ્ટ્રેસ ઘટે છે. હાડમારી ભરેલી આ લાઇફ વચ્ચે આપણને એ પણ યાદ નથી રહ્યું કે આપણે સ્માઇલ દ્વારા બંધાતો, રચાતો સંબંધ સ્થાપવાનું પણ હવે મહત્ત્વનું નથી ગણતા. જૅપનીઝ લોકો અત્યારે મિરર સામે ઊભા રહીને સ્માઇલ કરી પોતાનો ફેસ જુએ છે અને પછી ખુશ થાય છે. આપણે તો એ મિરર લેવો નથી પડતો. આપણી મેમરી-સ્લેટ પરથી સ્માઇલ ગુમ નથી થયું, પણ બસ, ભાગતા રહેવું છે અને એ ભાગતા રહેવાની લાયમાં આપણે સ્માઇલને કોરાણે મૂકીને આગળ વધતા રહીએ છીએ. આજે એક એવા અફસોસની વાત કહું, જે લાંબા સમયથી મનમાં ચાલે છે.

આપણને બધાએ ભાગતાં જ શીખવ્યું, પણ કોઈએ એવું કહ્યું જ નહીં કે ભાગવાને બદલે ચાલતો જા, સફરનો આનંદ લે. સફર અને સફળતા વચ્ચેનો ભેદ પણ કોઈએ સમજાવ્યો નહીં અને એટલે જ આપણે પણ એ જ પાપ આદરી બેઠા છીએ. કોઈને એવું કહેવા રાજી નથી કે ભાગ નહીં. નથી સંતાનોને કહેતા કે નથી આપણે એ વ્યક્તિને કહેતા, જે તમારી પોતાની છે. આવું કરીને આપણે રીતસર બદલો લઈએ છીએ. માર્ક લેવા માટે ભાગવાનું, રૅન્ક મેળવવા માટે ભાગવાનું. એ બધામાં ભાગ્યા પછી જૉબ માટે ભાગવાનું, એ પછી પૈસા કમાવા માટે ભાગવાનું અને બસ, પછી ભાગતા જ રહેવાનું. ભાગતા રહેવાની આ જે હોડ છે એ હોડમાં આપણે ચહેરાને એવો તો તંગ કરી દઈએ છીએ કે સ્માઇલને પણ ચહેરા પર હાજરી પુરાવવા આવતાં પહેલાં ડર લાગે. આ ડર દૂર કરવાનું કામ તમારા હાથમાં છે. એક નાનકડા સ્માઇલ સાથે દિવસની શરૂઆત કરશો તો તમારો જ દિવસ સુધરવાનો છે. સતત ભારમાં રહીને, સામેની વ્યક્તિને સતત ભારમાં રાખવાની આ જે માનસિકતા છે એ માનસિકતાએ આપણને અકારણ દુખી કરવાનું શરૂ તો કરી દીધું છે, પણ એ દુઃખ દૂર કરવાનું કામ આપણા હાથમાં છે અને એને માટે જરૂરી છે તો માત્ર સજાગતા. એક વાત યાદ રાખજો કે ચહેરા પર આવેલું સ્માઇલ એ સામેની વ્યક્તિને કરેલો પ્રેમ છે. આ જ તો કારણ હતું કે કૃષ્ણના ચહેરા પર ચોવીસ કલાક સ્માઇલ અકબંધ રહેતું.

manoj joshi columnists