દિલ સુધી વાત ત્યારે અને ત્યારે જ પહોંચે જ્યારે એ દિલથી કહેવાતી હોય

25 January, 2022 08:12 AM IST  |  Mumbai | Manoj Joshi

વ્યવહાર નિભાવવામાં આવે છે અને નિભાવવામાં આવતા વ્યવહારમાં આદાન-પ્રદાનની ભાવના જ જોડાયેલી હોય છે.

પ્રતીકાત્મક તસવીર

એવું નથી કે માત્ર અને માત્ર સાઉથની ફિલ્મોમાં જ ઇન્ટેન્સિટી હોય છે. ના, એવું નથી જ નથી. મરાઠી ફિલ્મોમાં પણ ભારોભાર ઇન્ટેન્સિટી હોય છે અને એ જ કારણ છે કે એ ફિલ્મો પણ લોકોના દિલ સુધી પહોંચે છે. એક વાત યાદ રાખવી કે દિલ સુધી વાત ત્યારે અને ત્યારે જ પહોંચતી હોય છે જ્યારે એ દિલથી કહેવાતી હોય અને કોઈ જાતના સ્વાર્થભાવ વિના કહેવાતી હોય. સ્વાર્થ સાથે કહેવાય એ વાત ન કહેવાય, એને તો વ્યવહાર કહેવાય અને આજે આપણે ત્યાં એ જ ચાલી રહ્યું છે. વ્યવહાર નિભાવવામાં આવે છે અને નિભાવવામાં આવતા વ્યવહારમાં આદાન-પ્રદાનની ભાવના જ જોડાયેલી હોય છે.
ઇન્ટેન્સિટીનો અભાવ હશે ત્યાં સુધી કોઈ બાબત લોકોને સ્પર્શે નહીં, ક્યારેય નહીં. તમે જુઓ, તમને પણ એનો અનુભવ થશે. કોઈ એક વાત સાંભળીને આપણે બે હાથે તાળી પાડવા તૈયાર થઈ જઈએ છીએ. શું કામ? એક સારું વાક્ય વાંચીને, એ લખનારો સાંભળે નહીં તો પણ આપણા મોઢામાંથી વાહ નીકળી જાય છે. શું કામ? એક સારું કાર્ય પણ મનને એકદમ તરબતર કરી દે છે અને મહિનાઓનો થાક ઉતારી નાખે છે. શું કામ? 
એ કામ, એ વાત દિલથી કહેવાય છે અને દિલથી કહેવાય છે એટલે એ દિલને સ્પર્શ કરવાનું કામ ભૂલ્યા વિના કરે છે. 
ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો આપણે ત્યાં આજે પણ કોઈ સબ્જેક્ટ શોધવાનું કામ થાય છે તો એ ટિપિકલ રીતે જ થાય છે. કૉમેડી જોઈએ છે, ફૅમિલી-કૉમેડી જોઈએ છે. ખરેખર વિચારવાની જરૂર છે કે એવું બોલવામાં પણ નથી આવતું કે સારો સબ્જેક્ટ જોઈએ છે. હા, નથી આવતું એવું બોલવામાં અને એને લીધે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે સારા સબ્જેક્ટને સ્થાન નથી મળતું. એક વાત મારે સ્પષ્ટતા સાથે કહેવી છે કે રિકવરીના નામની દલીલો કરનારાઓએ ભૂલવું ન જોઈએ કે રિકવરીની ચર્ચા ત્યારે આવે જ્યારે તમે તમારા સર્જનને પ્રામાણિકતાથી બનાવ્યું હોય અને જો તમારી પ્રામાણિકતા વિષય સાથે અકબંધ હોય, વિષયને તમે પૂરી ઇન્ટેન્સિટી સાથે કહેતા હો તો રિકવરી આવે જ આવે. સાઉથની ફિલ્મોમાં એ જ થાય છે. રિકવરીની ચિંતા સેકન્ડરી સ્ટેજ પર છે. વિષય જો લોકોને ગમે એવો હોય તો રિકવરીના રસ્તા શોધવામાં આવશે અને એ મળી જ જાય છે. શું તમને એમ લાગે છે કે ‘બાહુબલી’ કે પછી ‘આરઆરઆર’ જેવા સબ્જેક્ટ પર કામ થતું હશે ત્યારે એવો વિચાર નહીં આવ્યો હોય કે ૨૦૦-૪૦૦ કરોડનું કલેક્શન કેમ આવશે? આવ્યું જ હોય અને આવવું જ જોઈએ, પણ સબ્જેક્ટની લાયકાત જોઈને કામ શરૂ થયું હોય તો ૨૦૦-૪૦૦ કરોડનું કલેક્શન બૉક્સ-ઑફિસ પર પહોંચ્યા વિના જ આવી જાય અને એ આવે પણ છે. કહેવાનો ભાવાર્થ એટલો છે કે ઇન્ટેન્સિટી ચૂકશો તો ક્યારેય પરિણામ નહીં મળે. કહેવાનો ભાવાર્થ એ છે કે જો ઇકૉનૉમિક્સને આંખ સામે રાખશો તો ક્યારેય ઇન્ટેન્સિટી લાવી નહીં શકો અને કહેવાનો ભાવાર્થ એ છે કે જો ઇન્ટેન્સિટી લાવી નહીં શકો તો...
તો બસ, અત્યારે કરીએ છીએ એમ, સાઉથની ફિલ્મોની વાતો કરીને ખુશ થતા રહીશું.

columnists manoj joshi