લગ્ન અને બળાત્કાર બન્ને શબ્દો એકસાથે વપરાય ત્યારે બનતો શબ્દ વૈવાહિક બળાત્કાર કાલ્પનિક નથી, એક વરવી વાસ્તવિકતા

30 March, 2026 11:58 AM IST  |  Mumbai | Jigisha Jain

પિતૃસત્તાક માનસિકતાને કારણે સ્ત્રીની મરજીનું મહત્ત્વ ભણતર કે લગ્ન જેવી બાબતોમાં પણ પૂછવામાં આવતું નથી ત્યારે સેક્સ જેવી બાબતમાં તેની મરજીને મહત્ત્વ અપાય એ માગણી ભલે ગમે એટલી વાજબી હોય તો પણ પૂરી કરવાનું સમાજ માટે અઘરું બની રહ્યું છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બે-ત્રણ વર્ષ પહેલાંની વાત છે. અમારે ત્યાં ૨૮ વર્ષની ચારુ ઘરકામ કરતી હતી. દરરોજ કામ પર ચૂપચાપ આવે, શાંતિથી કામ પતાવે અને ભાગી જાય. ખાસ બોલે-ચાલે નહીં. એક દિવસ ઘરે અમે બન્ને એકલાં હતાં ત્યારે વાત થઈ તો ખબર પડી કે તે ડિવૉર્સી છે અને તેનાં ૩ બાળકો છે. તેના ચહેરા પર લાગેલા જૂના ઘા પર ૬ ટાંકા આવ્યાનાં નિશાન હતાં. એના પર મેં હાથ મૂક્યો ત્યારે તે જોરથી રડવા લાગી. શરીર પરનો ઘા અડ્યો ત્યારે અજાણતાં તેના મનનો ઘા અડકી લીધો હોય એવી અરેરાટી મને થઈ આવી. મેં પૂછ્યું, ‘શું થયું હતું?’

ચારુએ કહ્યું, ‘મારો પતિ દરરોજ રાત્રે દારૂ પીને આવીને મારતો અને જબરદસ્તી મારી સાથે સેક્સ કરતો. હું ના પાડું તો બમણો માર પડતો. એક દિવસ મેં પિરિયડ્સ ચાલુ હોવાને કારણે મારાં નાનાં બાળકોની દુહાઈ આપી અને પતિને છોડી દેવા કહ્યું તો રોષે ભરાયેલા પતિએ મને બાળકોની સામે નગ્ન કરીને મારી સાથે સંભોગ કર્યો. એ દિવસે મારી ધીરજ ખૂટી ગઈ. મેં સમાજસેવી સંસ્થાની મદદ લઈને પતિ વિરુદ્ધ કેસ કર્યો અને ડિવૉર્સ લઈ લીધા.’

ચારુની આપવીતીએ મારા પર ઘણી ઘેરી છાપ છોડી. એક પત્રકાર તરીકે મારે આ બાબતે વધુ જાણવું હતું. એની તપાસ કરવા સેન્ટર ફૉર ઇન્ક્વાયરી ઇનટુ હેલ્થ ઍન્ડ અલાઇડ થીમ્સ (CEHAT)નાં રિસર્ચ ઑફિસર સંજીદા અરોરા સાથે મારી વાત થઈ. તેઓ મુંબઈમાં ૨૦૦૦ની સાલથી મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે સંગઠિત થઈને ‘દિલાસા’ નામનું સેન્ટર ચલાવે છે જે સ્ત્રીઓને તેમની જાતીય સતામણી કે બળાત્કાર જેવી તકલીફોમાં મદદરૂપ થાય છે. સંજીદાએ મને કહ્યું હતું કે ‘આ તકલીફ લાગે કે ગરીબ વર્ગમાં જ છે, પણ એવું જરાય નથી. મોટા ઘરની સ્ત્રીઓ પર પણ ઘણું વીતે છે. હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓમાં ૪૮ ટકા સ્ત્રીઓ પર જાતીય હિંસા થાય છે અને એ સ્ત્રીઓમાંથી ૩૮ ટકા સ્ત્રીઓ પર આ અત્યાચાર તેમના પતિ કે પ્રેમી દ્વારા જ થયેલો છે.’

સંજીદાની વાત પરથી સમજાયું કે મૅરિટલ રેપ એક ક્રૂર વાસ્તવિકતા છે. ઘણા લોકો તો આ નામ સાંભળીને જ મૂંઝાઈ જાય કે લગ્ન અને બળાત્કાર બન્ને શબ્દ સાથે કઈ રીતે હોઈ શકે? હોવા તો ન જોઈએ, પણ એ બન્ને એકસાથે પ્રયોગમાં લીધા છે તો કંઈક આવી સમજણ સ્વીકારી શકાય. બળાત્કાર એટલે સ્ત્રીની મરજી વગર તેના પર જોરજુલમથી તેની સાથે સંભોગ કરવો અને આ ક્રિયા જો તેના પતિ દ્વારા થઈ હોય તો એને વૈવાહિક બળાત્કાર કહે છે.

ભારતમાં લગ્નસંસ્થા હજી પણ ઘણી સ્ટ્રૉન્ગ છે એવું માની શકાય અને એવું માનવું આપણને ગમશે, પણ આજની તારીખે બહારથી સ્ટ્રૉન્ગ દેખાતી લગ્નસંસ્થાના પાયા હચમચતા લાગી રહ્યા છે. એ ખળભળાટ પહેલાં કરતાં ઘણો વધુ છે. કાં તો અંદરનો સડો વધી રહ્યો છે અથવા જે નીચા મોઢે ભાર વેંઢારવા માટે ટેવાયેલું હતું તે તેનું માથું ઊંચકી રહ્યું છે જેને કારણે લગ્ન નામની સંસ્થાની અંદર અઢળક પ્રૉબ્લેમ્સ દેખાવા લાગ્યા છે. એમાંનો એક પ્રૉબ્લેમ એટલે મૅરિટલ રેપ. આ પ્રૉબ્લેમનો આધાર જ ‘કન્સેન્ટ’ છે એટલે કે ‘સ્ત્રીની મરજી’. પિતૃસત્તાક માનસિકતાને કારણે સ્ત્રીની મરજીનું મહત્ત્વ ભણતર કે લગ્ન જેવી બાબતોમાં પણ પૂછવામાં આવતું નથી ત્યારે સેક્સ જેવી બાબતમાં તેની મરજીને મહત્ત્વ અપાય એ માગણી ભલે ગમે એટલી વાજબી હોય તો પણ પૂરી કરવાનું સમાજ માટે અઘરું બની રહ્યું છે.

લગ્ન સહજીવનનું જ નામ છે. એક પુરુષ અને એક મહિલા જ્યારે પરસ્પરની સંમતિથી લગ્ન કરે છે ત્યારે માની લેવામાં આવે છે કે તે બન્ને એકબીજા સાથે શારીરિક સંબંધ માટે સહમત છે. જોકે આ સહમતીમાં પરિસ્થિતિ મુજબ ઇચ્છા કે અનિચ્છાને સ્થાન છે કે નહીં? જો એક વ્યક્તિની ઇચ્છા ન હોય તો પણ તેની સાથે બળપૂર્વક કે પોતાનો હક જ છે એમ સમજીને બીજી વ્યક્તિ તૂટી પડે તો એ અવસ્થામાં તેને થયેલી માનસિક અને શારીરિક પીડાનું શું? લગ્ન કર્યાં એટલે પોતાના શરીર પરથી બધો હક વ્યક્તિ ગુમાવી બેસે છે? જેની સાથે તમે લગ્ન કર્યાં છે તે જીવનસાથી છે કે તમારી પ્રાઇવેટ પ્રૉપર્ટી? મૅરિટલ રેપ જેવા પેચીદા પ્રશ્નનો સામનો કરવા માટે આવા બીજા અઢળક પ્રશ્નો ઉઠાવવા જરૂરી છે. એ ઉઠાવવાની હિંમત કરી છે ક્રીએટર અને લેખક દિવ્યનિધિ શર્માએ પોતાની લેટેસ્ટ વેબ-સિરીઝ ‘ચિરૈયા’માં. દિવ્યા દત્તા અભિનીત આ સિરીઝમાં ‘મૅરિટલ રેપ’ને મુખ્ય મુદ્દો બનાવીને ઘડેલી વાર્તાનો એક-એક ડાયલૉગ તમને અંદરથી હલાવી મૂકે છે; તમને થોડું નહીં, ઘણું-ઘણું વિચારવા પર મજબૂર કરી દે છે. સ્ત્રીઓ જે સેન્સિબિલિટી સાથે પોતાની વાત રજૂ કરી શકે એવી પુરુષો નથી કરી શકતા એટલે વધુ ને વધુ સ્ત્રી-ક્રીએટર્સ આગળ આવે એવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે દિવ્યનિધિ શર્માએ એક પુરુષ થઈને જે સંવેદનશીલતા સાથે આ વિષયને રજૂ કર્યો છે એ માટે બેગણી જોરથી તાળીઓ વગાડવાનું મન થાય એ નક્કી વાત છે. 
આ સિરીઝમાં અઢળક બાબતો પર વાત થઈ શકે એમ છે, પણ જો મૂળ મુદ્દા પર આવીએ તો મૅરિટલ રેપ માટે કોઈ અલગથી કાનૂન છે નહીં. ઘણા ઍક્ટિવિસ્ટ આ માટે લડત કરી રહ્યા છે. જોકે થોડી પ્રૅક્ટિકલ બાબતો પર ધ્યાન આપીએ તો બળાત્કારના કેસમાં સ્ત્રી જ્યારે કહે છે કે ફલાણી વ્યક્તિએ તેની સાથે આ અત્યાચાર કર્યો છે ત્યારે ફિઝિકલ એક્ઝામિનેશન, લૉજિકલ દલીલો કે તેની દેખીતી તકલીફો દ્વારા એ સાબિત કરી શકાય છે કે સ્ત્રીનો બળાત્કાર થયો છે. કોણે કર્યો છે એના માટે પણ ખાસ મેડિકલ ટેસ્ટ હોય છે, પરંતુ વૈવાહિક બળાત્કારમાં જ્યાં સુધી હિંસાનો સમાવેશ ન થાય ત્યાં સુધી એને સાબિત કરવો અઘરું છે. લગ્નનો અર્થ જ સહવાસ છે. આ પરિસ્થિતિમાં સેક્સ માટેની મરજી કે નહીં મરજીને સાબિત કરવી અઘરી છે. વળી આ કાનૂનનો મિસયુઝ થવાની શક્યતા ઘણી વધારે છે.

ભલે વૈવાહિક બળાત્કાર ક્રિમિનલ ઑફેન્સ નથી, પરંતુ એનો અર્થ એવો જરાય નથી કે એ કાયદાકીય છે. કાયદાની દૃષ્ટિએ પણ કોઈ પણ પતિ તેની પત્નીનો બળાત્કાર ન જ કરી શકે. એ માટે આપણી પાસે ૧૯૮૩માં બનેલી ૪૯૮ (A) કલમ છે. આ કાયદો સ્ત્રીને શારીરિક, માનસિક, આર્થિક કે જાતીય કોઈ પણ પ્રકારની ઘરેલુ હિંસા સામે રક્ષણ આપે છે. એટલે એક રીતે જોવા જઈએ તો એના માટે અલગથી કાયદો નથી તો પણ સ્ત્રીને રક્ષણ તો પૂરી રીતે મળી રહે છે. વળી આ એક કાયદાકીય નહીં, સામાજિક પ્રશ્ન છે. સમાજમાં સ્ત્રીને રક્ષણ આપવા કાયદો હોય એ બરાબર, પણ સ્ત્રીને માન તો સમાજે જ આપવું પડશે એ સમજવું રહ્યું.

વેબ-સિરીઝમાં જુદા-જુદા સંદર્ભો સાથે આ વાત સ્પષ્ટ કરી છે કે સ્ત્રીની ઇચ્છા અને અનિચ્છાની પરવા સ્ત્રીએ ખુદ પહેલાં કરવી પડશે, પછી સમાજ પર અપેક્ષા મૂકી શકાય. દીકરાઓનો યોગ્ય ઉછેર દરેક માએ કરવો પડશે, કારણ કે જ્યારે તે મોટો થઈને પુરુષ બનશે ત્યારે સ્ત્રીની ઇચ્છાની, તેની પરવાનગીની કદર તેને રહે. સિરીઝના અંતમાં ઘરની દરેક જનરેશનની સ્ત્રી ભેગી થઈને ગુનેગારને પોતાની રીતે જે સજા આપે છે એ અહીં લખીને સ્પૉઇલર નહીં આપું, પરંતુ એ જોઈને એટલું સમજી શકાય કે સ્ત્રીઓ એકબીજાનો સાથ આપશે ત્યારે પોતાના પ્રશ્નોનો હલ તે જાતે જ શોધી લેશે એ નક્કી વાત છે. ન્યાય સામાજિક ઉત્થાનનું મૂળ છે, પણ એ ન્યાય કોર્ટરૂમ પૂરતો સીમિત ન હોઈ શકે. એ ઘણો વ્યાપક છે જેના માટે સમગ્ર સમાજે પ્રયત્ન કરવો પડશે, જેના થકી વૈવાહિક બળાત્કાર જેવી બદીઓને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય. 

columnists exclusive gujarati mid day Jigisha Jain