09 March, 2026 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલકેશ વ્યાસ બ્રાહ્મણ સેવા સમાજના પ્રમુખ છે
આજના સમયમાં લગભગ દરેક માતા-પિતાના મનમાં એક મૂંઝવતો પ્રશ્ન સતત ઘુમરાયા કરે છે કે મારા સંતાન માટે યોગ્ય જીવનસાથી ક્યારે મળશે, કેવું પાત્ર મળશે અને ક્યાંથી મળશે. બદલાતી જીવનશૈલી અને વધતી જતી અપેક્ષાઓ વચ્ચે આ બધા જ પ્રશ્નોના સચોટ જવાબ તરીકે સારી અને અનુભવી સંસ્થા દ્વારા યોજાતા પરિચયમેળા એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે. આજે લગભગ દરેક ઉમેદવાર સુશિક્ષિત હોય છે, પ્રતિષ્ઠિત કંપનીઓમાં ઊંચા હોદ્દા પર કાર્યરત હોય છે અથવા સફળ પારિવારિક વ્યવસાય સંભાળે છે. ખાસ કરીને યુવતીઓ હવે ઉચ્ચ શિક્ષણ મેળવી આર્થિક રીતે સધ્ધર અને પગભર બની છે, જેના કારણે જીવનસાથી પસંદ કરવાની તેમની અપેક્ષાઓ અને પ્રાથમિકતાઓ પણ વધી છે. પરિચયમેળામાં નામ નોંધાવવાનો અર્થ એવો ક્યારેય નથી હોતો કે પાત્ર મળતું નથી, પરંતુ જ્યારે જ્ઞાતિનું વર્તુળ મર્યાદિત હોય કે કૌટુંબિક ઓળખાણો ઓછી હોય ત્યારે આ મેળા એક વિશાળ પ્લૅટફૉર્મ પૂરું પાડે છે.
પરિચયમેળાની સૌથી મોટી વિશેષતા એની પારદર્શક પસંદગી-પ્રક્રિયા છે જેમાં ઉમેદવાર પોતાની શૈક્ષણિક લાયકાત, આર્થિક પાસાં, જન્માક્ષર-મિલન અને રહેઠાણના વિસ્તાર જેવી બાબતોને ધ્યાનમાં રાખીને યોગ્ય પાત્ર શોધી શકે છે. વડીલોની મંજૂરી અને માર્ગદર્શન હેઠળ મીટિંગ નક્કી થતી હોવાથી બન્ને પરિવારોને એકબીજા વિશે બહારથી જરૂરી તપાસ કરવાનો પૂરતો સમય અને તક મળે છે. અમારી સંસ્થા, બ્રાહ્મણ સેવા સમાજ, છેલ્લાં ૫૦ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે અને અત્યાર સુધીમાં ૧૦૮ પરિચયમેળાના સફળ આયોજન દ્વારા અમે એક પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું છે. માત્ર ભારત જ નહીં, દેશ-વિદેશથી ઉમેદવારો અહીં નામ નોંધાવીને યોગ્ય જીવનસાથી મેળવે છે. સભાગૃહમાં આયોજિત આ કાર્યક્રમોમાં ઉમેદવારોને રૂબરૂ મળવાની તક આપવામાં આવે છે અને સાથે જ તમામ વિગતો ધરાવતી માહિતી પુસ્તિકા પૂરી પાડવામાં આવે છે, જે વાલીઓ માટે નિર્ણય લેવામાં ખૂબ મદદરૂપ થાય છે.
અમારા અનુભવના આધારે અમે વાલીઓ અને ઉમેદવારોને કેટલીક પાયાની સલાહ આપીએ છીએ કે સગપણ નક્કી કરતી વખતે બાયોડેટાની દરેક વિગતને વળગી રહેવાને બદલે થોડી જતી કરવાની ભાવના રાખવી જોઈએ. બદલાતા સમયમાં સંયુક્ત કુટુંબના મહત્ત્વને સમજવું જોઈએ અને માત્ર અમુક ચોક્કસ વિસ્તારનો આગ્રહ રાખવો કે વાહન જેવી સુવિધાઓની જીદ કરવી યોગ્ય નથી. જો પસંદગીમાં વધુપડતો સમય નીકળી જાય અને ખોટી જીદ કરવામાં આવે તો છેવટે ઉંમર વટી ગયા પછી ગમે તે પાત્ર સ્વીકારવાની નોબત આવે છે. સુખી લગ્નજીવન માટે સારી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ, સંસ્કારી કુટુંબ અને પગભર ઉમેદવાર - આ ત્રણ મુખ્ય બાબતો પર ધ્યાન આપવું જોઈએ. કોઈ પણ સંકોચ રાખ્યા વગર પરિચયમેળાના માધ્યમનો ઉપયોગ કરવો એ જ આજના સમયની સમજદારી છે, કારણ કે યોગ્ય સમયે લીધેલો નિર્ણય જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો બને છે.