12 November, 2025 11:45 AM IST | Mumbai | Dr. Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પ્રતીક્ષા પ્રેમલના પ્રેમમાં હતી. એક વર્ષ પહેલાં પ્રેમલ તેનાં માતા-પિતા સાથે B-1/B-2 વીઝા પર અમેરિકા ફરવા ગયો હતો. ત્યાં તેમને રહેવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. તેઓ મહિનો પૂરો થયા પછી પણ પાછા ભારત આવ્યા જ નહીં. ત્યાં જ ગેરકાયદે રહી ગયા અને ગેરકાયદે કામ કરવા લાગ્યા.
પ્રતીક્ષાને તો પ્રેમલ સાથે જ લગ્ન કરવાં હતાં. તેણે છાપામાં અમેરિકન સિટિઝન ભારતીય કન્યા જોડે લગ્ન કરવા ઇચ્છે છે એ જાહેરખબર જોઈ. પ્રતીક્ષાએ જાહેરખબરનો જવાબ આપ્યો. અમેરિકન સિટિઝન યુવકની જોડે લગ્ન કરવાનું નક્કી કર્યું. જોકે પ્રતીક્ષાએ કહ્યું કે મારે લગ્ન તો અમેરિકામાં જ કરવાં છે.
તે અમેરિકન સિટિઝને પ્રતીક્ષા માટે K-1 નૉન-ઇમિગ્રન્ટ વીઝા માટેની પિટિશન દાખલ કરી. એ પિટિશન ૧૦ મહિનામાં પ્રોસેસ થઈને અપ્રૂવ થઈ ગઈ. પ્રતીક્ષાએ નૉન-ઇમિગ્રન્ટ ક્ષેણીના K-1 સંજ્ઞા ધરાવતા ફિયાન્સે વીઝા મેળવી લીધા અને અમેરિકા ઊપડી ગઈ.
ઍરપોર્ટ પર તેને લેવા અમેરિકન સિટિઝન જેણે તેના લાભ માટે K-1 વીઝાની પિટિશન દાખલ કરી હતી તે આવ્યો હતો અને પ્રેમલ પણ આવ્યો હતો. ઍરપોર્ટની બહાર નીકળીને પ્રતીક્ષાએ પેલા અમેરિકન સિટિઝનને બાય-બાય કહ્યું અને પોતાના પ્રેમી જોડે ચાલી ગઈ. બિચારો અમેરિકન સિટિઝન બાઘો બનીને જોતો રહ્યો.
લગ્ન માટે આવી છેતરપિંડી અનેક લોકો કરે છે. તેઓ લગ્ન કરીને ગ્રીનકાર્ડ મેળવે છે અને પછી અમેરિકા જઈને છૂટાછેડા લે છે અને તેમને જેની જોડે પરણવું હોય છે તે વ્યક્તિ સાથે પરણે છે.
પરણેલી વ્યક્તિઓ છૂટાછેડા લઈને ભારત આવીને લગ્ન કરે છે અને તેને અમેરિકા લઈ જાય છે. પછી ત્યાં છૂટાછેડા લઈ લે છે. પછી પોતાની ઓરિજિનલ પત્ની યા પતિ જોડે ફરી પાછાં લગ્ન કરે છે.
આવી છેતરપિંડીઓને કારણે અમેરિકાની સરકારે 1886 ‘ઇમિગ્રેશન મૅરેજ ફ્રૉડ અમેન્ડમેન્ટ’ ઍક્ટ ઘડ્યો છે જેની હેઠળ આવી છેતરપિંડી કરનારાઓ માટે ખૂબ કડક જોગવાઈઓ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ એવું ઠરાવવામાં આવ્યું છે કે પરદેશી જોડે લગ્ન કરનારાઓને જે ગ્રીનકાર્ડ આપવામાં આવે એ શરૂઆતમાં ફક્ત બે વર્ષનું જ આપવામાં આવે. બે વર્ષ પૂરાં થાય એટલે તેમણે દેખાડી આપવાનું કે તેમનાં લગ્ન હયાત છે અને તેમણે છૂટાછેડા લીધા નથી, તે લોકો સાથે જ રહ્યા છે.
લગ્નની બાબતમાં અનેક લોકો જુઠ્ઠાણું આચરે છે. અમેરિકામાં પ્રવેશવા માટે, ત્યાંનું ગ્રીનકાર્ડ મેળવવા માટે છેતરપિંડીઓ કરે છે. આથી જ દિવસે-દિવસે અમેરિકાની સરકાર ઇમિગ્રેશનના કાયદાઓ અને ખાસ કરીને લગ્ન વિશેના કાયદાઓ કડક બનાવતી જાય છે.