એ ફૉર ઍપલ, બી ફૉર બૉલ

09 June, 2022 01:15 PM IST  |  Mumbai | JD Majethia

એ સમયે હું પાંચમું ભણતો અને નવું-નવું અંગ્રેજી ભણવાનું આવ્યું હતું. સ્કૂલમાંથી આવીને પાટી-પેન લઈને હું બેસું અને મારી બાને પણ બોલાવી લઉં કે ચાલ બા, આવી જા મારી સાથે અંગ્રેજી શીખવા

મારી ઇમ્પૉસિબલ બા શાંતાબહેન અને હું

મારી માને મેં ઇંગ્લિશ શીખવવાનું, એબીસીડી શીખવવાનું શરૂ કર્યું. મારી બા એકદમ પ્રેમથી, ધગશથી, મહેનતથી શીખે. હું સ્કૂલમાંથી આવું અને કહું કે ચાલ બા, બેસી જા. એટલે તે પણ આવીને બેસી જાય અને હું બોલતો જાઉં અને તે લખતી-વાંચતી જાય.

આપણે વાત કરીએ છીએ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ની. ગયા ગુરુવારે તમને મેં પુષ્પાની થોડી વાત કરી અને સોમવારથી શરૂ થયેલી આ સિરિયલ તમે જોવાની પણ ચાલુ કરી દીધી હશે. જો ન જોઈ હોય તો હું કહીશ કે તમે જોજો, તમને બહુ મજા આવશે. ગૅરન્ટી સાથે કહું છું કે મજા પણ આવશે અને સાથોસાથ એ પણ સમજાશે કે લાઇફમાં અમુક સંબંધો કેવા મહત્ત્વના હોય છે.

આપણી આ જે પુષ્પા છે એ કાઠિયાવાડી છે. કાઠિયાવાડથી આપણે બધા વાકેફ છીએ; પણ હું કહીશ કે અમુક પ્રાંતથી આવેલા, અમુક રીતે ઘડાયેલા લોકોની વાત નિરાળી હોય છે. હું પોતે કાઠિયાવાડી છું તો બીજાની નહીં, હું મારી જ વાત તમને કરું. સ્વભાવે મીઠા હોય, પ્રેમાળ હોય, મહેમાનગતિમાં મરી પડે. તમે થાકી જાઓ પણ તેઓ મહેમાનગતિ કરવામાં થાકે નહીં. જોકે તેઓ જબાનમાં થોડા તોછડા હોય. જોકે એ તોછડાપણામાં ઉદ્ધતાઈ નથી પણ પ્રેમ છે. તેઓ તમને લાડથી બોલાવે. હિતેશ નામ હોય તો હિતેષ્યા કહે. આ જે પ્રેમ છે એ દોસ્તીનો પ્રેમ છે. હું કહીશ કે પુષ્પાની જબાનને હાડકું નથી. બોલવામાં તે ગમે તેને ગમે એ કહી દે; પણ દિલની સારી છે, ચોખ્ખા મનની છે. દીકરો તેને આ જ વાત કહે ત્યારે પુષ્પા તેને કહે પણ ખરી કે તું મારા ભાવ પર જા, જબાન પર ન જા. 

ઘરની વાત બરાબર, પણ જ્યારે સ્કૂલમાં વાત કરે ત્યારે દીકરીને એવું લાગે કે સ્કૂલમાં ટીચરને એવું ન કહેવાય. દાખલો આપીને સમજાવું.

સ્કૂલમાં ટીચર કહે કે તમારી દીકરીને માર્ક્સ ઓછા આવ્યા છે. તો ફટાક દઈને તેમને કહે કે ‘એ તો તમારી જવાબદારી છે. જુઓ, હું તો મારું ટિફિન-સર્વિસનું કામ કરું છું. તમને ફી આપું છું. છોકરાવના માર્ક્સ ઓછા આવે તો તમારે ભણાવવામાં ધ્યાન આપવાનું હોય.’ 

વાત બહુ સાચી હોય તો પણ કહેવાની રીત બરાબર ન હોય. આપણામાંથી ઘણાની મમ્મી પણ આ રીતે બોલતી હશે. તેમને આપણે સાંભળીએ તો થાય કે કેમ તે આમ બોલે છે? જોકે એની પાછળની વાત પર તમે ધ્યાન આપશો તો તમને સમજાશે કે તેણે પોતાના પર ધ્યાન નથી આપ્યું એટલે આ શિષ્ટાચારને કેળવવાનું રહી ગયું છે. ટેક્નૉલૉજિકલી ઘણી ચીજ ન આવડતી હોય કે પછી વ્યવહારુ ચીજ ખબર ન હોય, પણ સગાંસંબંધીઓના વ્યવહારમાં તેને બધી જ ખબર હોય અને હું તો કહીશ કે આપણા બધા કરતાં વધારે ખબર હોય. ઘરની દરેક વાત, વસ્તુ અને વ્યવહારની પણ અવ્વલ રીતે ખબર હોય. આપણને મિક્સરમાં ચટણી બનાવવા જેવી નાનામાં નાની કહેવાય એવી વાત નથી આવડતી, પણ તેને આવડતું હોય છે. સામા પક્ષે તેને વૉટ્સઍપમાં ફોટો મોકલતા નથી આવડતું, પણ દૂધ કેટલી આંચ પર મૂકીને નીચે શાક લેવા જઈએ તો એ ઊભરાય નહીં એની તેને ખબર હોય છે. કહેવાનો ભાવાર્થ એ કે મહદંશે માને જે નથી આવડતું એમાં આપણો વાંક હોય છે. આપણે તેને શીખવ્યું નથી જે આપણે શીખવાડવું જોઈએ.

શીખવાડવાની વાતથી હું થોડો હજી પાછળ જઉં છું. મેં તમને કહ્યુંને કે શો નવો છે, પણ એમાં એક જૂની વાતથી શોની શરૂઆત થાય છે. 

આ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ શો મારે ડેડિકેટ કરવાનો હોય તો હું એ મારી બા શાંતાબહેનને ડેડિકેટ કરું. મારી બામાં એવી અનેક વાતો છે જે આપણા આ શોના લીડ કૅરૅક્ટર પુષ્પામાં છે. સૌથી મોટી વાત જો કોઈ હોય તો એ છે મારી બાની ધગશ, મારી બાની હોશિયારી. 

અગાઉ મેં કહ્યું છે, આજે ફરીથી કહું છું અને ભવિષ્યમાં પણ કહેતો રહીશ કે મારામાં વાર્તા કહેવાની આ જે ક્ષમતા છે એ મારી બાને લીધે. મારી માએ મને વાર્તા કહેતાં કર્યો છે. બા મને એટલી સરસ રીતે વાર્તા કરતી કે તમારો આ જેડીભાઈ જ્યારે બાબુલ હતો એટલે કે ટેણિયો હતો ત્યારે પણ સ્કૂલમાં જઈને રોજ વાર્તા કરતો. ત્યાંથી આગળ વધતાં-વધતાં આજે ‘વાગલે કી દુનિયા’, ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ અને એવા બીજા અનેક શોનો સ્ટોરીટેલર થઈ ગયો. જોકે એ બધું મારી માએ મને શીખવ્યું. મારી વાર્તા કહેવાની આ સ્ટાઇલની ગળથૂથી મારી બાએ મને પીવડાવી છે. જોકે મને એક વાતનો વસવસો પણ છે. 

હું બાલભારતી સ્કૂલમાં ભણતો. પાંચમા ધોરણથી ઇંગ્લિશ આવતું અને એમાં મારે એબીસીડી શીખવાની. વાત છે ૧૯૭પ-’૭૬ની. હું પાટી-પેન લઈને બા પાસે ગયો અને બાને જઈને કહ્યું કે ચાલ, હું તને ઇંગ્લિશ શીખવાડીશ, મારી સાથે તું પણ ઇંગ્લિશ ભણ. 

આ વાત હું પ્રેસ-કૉન્ફરન્સમાં પણ કહેતાં-કહેતાં રડી પડ્યો હતો અને અત્યારે તમને કહેતી વખતે પણ મારી આંખો ભીની થવા માંડી છે.

મારી માને મેં ઇંગ્લિશ શીખવવાનું, એબીસીડી શીખવવાનું શરૂ કર્યું. મારી બા એકદમ પ્રેમથી, ધગશથી, મહેનતથી શીખે. હું સ્કૂલમાંથી આવું અને કહું કે ચાલ બા, બેસી જા. એટલે તે પણ આવીને બેસી જાય અને હું બોલતો જાઉં... 

‘એ ફૉર ઍપલ, બી ફૉર બૉલ...’ 
- અને પછી થોડા જ દિવસમાં એ છૂટી ગયું. 

હું મારા રમવામાં અને ભણવામાં લાગી ગયો અને બા પોતાનાં કામોમાં લાગી ગઈ. આ વાતનો અફસોસ આજે પણ મને છે. મને થાય છે કે મારે ત્યારે થોડી ધગશ રાખીને, વધારે મહેનત કરીને, રોજ અડધો કલાક કે અઠવાડિયામાં એક-બે કલાક બેસીને મારી માને અંગ્રેજી શીખવવું જોઈતું હતું. જો થોડો સમય પણ એ ચાલુ રહ્યું હોત તો આજે મારી બા કેટલી બધી રીતે ટેક્નૉલૉજીથી માંડીને બીજી વાતો સમજી શકતી હોત. આવું કંઈકેટલુંય હું-તમે, આપણે બધા બાને શીખવવાનું ચૂકી ગયા છીએ. આપણે એ જે ચૂક્યા છીએ એના અફસોસમાંથી આપણી આ પુષ્પાનો જન્મ થયો છે.

બાય ધ વે, એક વાત કહીશ હું. ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ની પુષ્પાનો જન્મ મારા એકના હાથે નથી થયો. સ્નેહા દેસાઈ નામની બહુ જ સરસ, સુંદર રાઇટર છે. ઍક્ટ્રેસ તો છે જ, પણ રાઇટર પણ એટલી જ સરસ છે. સ્નેહાએ પુષ્પાનું પાત્ર બનાવવાનું શરૂ કર્યું. એક નાનકડી વાત. માના સ્વભાવમાં ખોટ હોઈ શકે, કમી હોઈ શકે; પણ પ્રેમમાં નહીં. આ એક સ્લોગન છે અને એ સ્લોગનના આધારે તેણે અદ્ભુત પાત્ર બનાવ્યું. પુષ્પામાં ધગશ છે, ઉત્સાહ છે, એનર્જી છે અને સ્વભાવે બહુ જ પૉઝિટિવ છે તો સાથોસાથ પુષ્પા હિંમતવાન પણ છે. સિરિયસ વાતો કે દિલધડક ડ્રામા ચાલતો હોય અને તે અચાનક એવું બોલે કે તમારાથી હસી પડાય. હું એક વાત કહીશ એ તમે યાદ રાખજો, ડાયલૉગવાઇઝ આ શો આ વર્ષનો બેસ્ટ શો છે. સ્નેહાએ બહુ સરસ ડાયલૉગ્સ લખ્યા છે. 

જ્યારે અમે ટીમ બનાવતા હતા ત્યારે લેખકની વાત આવી તો લેખકમાં રાજુ જોષી આવ્યા. રાજુ જોષીને તમે ઓળખો જ છો. વર્ષોથી તેણે બહુ સુંદર કહેવાય એવાં ગુજરાતી નાટકો આપ્યાં છે. હમણાં ‘સફરજન’ ચાલે છે. એના પહેલાં ‘કોડમંત્ર’. આ બન્ને નાટકો રાજુભાઈએ ડિરેક્ટ કર્યાં હતાં તો ‘કયૂંકિ... સાસ ભી કભી બહૂ થી’ અને ‘કહાની ઘર ઘર કી’ જેવી અનેક સુપરહિટ સિરિયલો રાજુ જોષીએ લખી છે. રાજુભાઈ જે લખે એ શોનો સક્સેસ-રેશિયો બહુ સારો હોય છે અને એ જ તેમનો ટ્રૅક-રેકૉર્ડ રહ્યો છે. સ્ટોરી અને સ્ક્રીન-પ્લેમાં સાબિયા સાથે જોડાયા છે તો સ્નેહા ડાયલૉગ્સ લખે છે. નીરવ વૈદ્ય, મારા મિત્ર અને ક્રીએટિવ વ્યક્તિ અમારી સાથે ક્રીએટિવલી જોડાયા છે. 
લેખકોની જબરદસ્ત ટીમ ભેગી થઈ અને આ વિષયની ચર્ચાને આગળ લેતા ગયા અને જે કંઈ ઊભું થયું એ અદ્ભુત આવ્યું. હું કહીશ કે આવું કૅરૅક્ટર તમે ટીવી પર અગાઉ ક્યારેય જોયું નથી. ગૅરન્ટી છે મારી અને એ તો તમે જો સિરિયલ જોવાની ચાલુ કરી દીધી હશે તો સ્વીકારતા થઈ ગયા હશો. બાકી મને ખોટો પાડવા પણ તમારે જોવાની ચાલુ કરવી પડશે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia