25 January, 2026 01:35 PM IST | Mumbai | Rajani Mehta
મીનાકુમારી
પ્રેમ નામના શસ્ત્રથી ઘાયલ થવું ગમે એ ગમે તેને ગમે ત્યારે ઉગામો તમે એકબીજા પર પ્રેમબાણનો પહેલો વાર મીનાકુમારીએ કર્યો કે કમાલ અમરોહીએ એની ખબર નથી પરંતુ એની મીઠી પીડાથી કણસતી મીનાકુમારીએ કમાલ અમરોહીના સેક્રેટરી બાકરઅલી સામે ખુલ્લેઆમ એકરાર કર્યો. જોકે તેને ખબર હતી કે પિતા અલીબક્ષ કદી લગ્નની મંજૂરી નહીં આપે. એ સિવાય તેની ચિંતા એ હતી કે લગ્ન બાદ તે કમાલ અમરોહી સાથે રહેવા જાય તો ઘરનું ગાડું કોણ ચલાવે? એટલે તેણે વચલો રસ્તો કાઢ્યો.
રોજ રાતે આઠ વાગ્યે મીના અને મધુ અલીબક્ષને ફિઝિયોથેરપી માટે હૉસ્પિટલમાં લઈ જતાં. બે કલાક બાદ પુત્રીઓ તેમને ઘરે લઈ જતી. ૧૯૫૨ની ૧૪ ફેબ્રુઆરીએ રાતે આઠ વાગ્યે અલીબક્ષને હૉસ્પિટલમાં ઉતાર્યા ત્યારે બાકરઅલીની ગાડી તૈયાર હતી. કાઝીની હાજરીમાં મીનાકુમારીના ત્રણ સંતાનોના પિતા કમાલ અમરોહી સાથે ચૂપચાપ નિકાહ થયા. ૧૦ વાગ્યા પહેલાં બન્ને બહેનો હૉસ્પિટલ પહોંચી ગઈ. આ બે કલાકના ગાળા દરમ્યાન શું થયું એની અલીબક્ષને કલ્પના જ નહોતી.
મીનાકુમારીએ નક્કી કર્યું કે જેમ બને એટલી જલદીથી કામ કરીને બે લાખ રૂપિયા ભેગા કરું અને પછી પિતાને લગ્નની વાત કરું. કવિ સુંદરમની પંક્તિ યાદ આવે છે, ‘બધું છૂપે, છૂપે નહીં નયન ક્યારેય પ્રણયનાં.’ જીભને તાળું મરાય, આંખને નહીં. પ્રેમને જેટલો સંતાડવાનો પ્રયત્ન કરો એટલો ઉઘાડો પડતો જાય. પડદા પર કુશળ અભિનય કરતી મીનાકુમારી જીવનમાં અભિનય કરવામાં નિષ્ફળ ગઈ. અલીબક્ષને જ્યારે હકીકતની જાણ થઈ ત્યારે તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો. તે ભાંગી પડ્યા. મીનાકુમારીમાં પિતાને આ હાલતમાં છોડવાની હિંમત નહોતી.
૧૯૫૨માં ‘બૈજુ બાવરા’ રિલીઝ થઈ અને મીનાકુમારી ટૉપ સ્ટાર બની ગઈ, પણ ઘરનું વાતાવરણ તંગ રહેતું. પિતા તેની ઉપર તલાક લેવાનું દબાણ કરી રહ્યા હતા. કમાલ અમરોહીનાં આ બીજાં લગ્ન હતાં એની સામે અલીબક્ષને ખૂબ વાંધો હતો.
એક દિવસ મીનાકુમારી શૂટિંગ પર જતી હતી ત્યારે પિતા સામે આવીને ઊભા રહ્યા, ‘ક્યાં જાય છે?’ જવાબ મળ્યો, ‘કમાલસા’બની નવી ફિલ્મનું શૂટિંગ આજથી શરૂ થાય છે.’ પિતાએ સખ્તાઈથી કહ્યું, ‘મેં મેહબૂબખાનને ‘અમર’ માટે પ્રૉમિસ આપ્યું છે. તારે આ ફિલ્મ છોડવી પડશે.’ મીનાકુમારીએ જીવનમાં પહેલી વાર પિતા સામે મક્કમતા દેખાડતાં કહ્યું, ‘મેહબૂબસાબને ના પાડી દો.’
પિતાએ ઇમોશનલ બ્લૅકમેઇલનો સહારો લીધો, ‘તને ખબર છે, ફિલ્મનો હીરો કોણ છે? દિલીપકુમાર. અને હા, મેહબૂબખાન સાથેનો કૉન્ટ્રૅક્ટ તોડ્યો છે તો આજ પછી આ ઘરના દરવાજા હંમેશ માટે બંધ થઈ જશે. વિચારી લે.’
મીનાકુમારીએ હથિયાર હેઠાં મૂકી દીધાં. પતિ સાથે રહેવાની તલપ અને પિતાને બેસહારા છોડીને જવાની તડપ વચ્ચે તે ફસાઈ ગઈ હતી. કમને તેણે ‘અમર’માં કામ કરવાની હા પાડી. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું, પણ તેના અભિનયમાં જાન નહોતી. પાંચ દિવસ શૂટિંગ કરી છઠ્ઠા દિવસે તે ‘અમર’ના સેટ પર જવાને બદલે કમાલ અમરોહીની ફિલ્મના સેટ પર પહોંચી ગઈ.
સાંજે ઘરે પહોંચી તો દરવાજા બંધ હતા. પિતાને સમજાવવાની લાખ કોશિશ કરી પણ તે માન્યા નહીં. ૧૯૫૩ની ૧૪ ઑગસ્ટની રાતે મીનાકુમારીની કન્યાવિદાયમાં તે એકલી રોતી હતી, જ્યારે પિતા ગુસ્સામાં કાંપતા હતા. એ રાતે કમાલ અમરોહીના ઘેર દુલ્હનને સત્કારવા કોઈ હાજર નહોતું. બીજા દિવસે મીનાકુમારીએ પિતાને પત્ર લખ્યો, ‘અબ્બાજાન, મૈં આપકા ઘર છોડ આઇ હૂં. મારાં કપડાં અને પુસ્તકો તમારી સગવડે મોકલાવી આપજો. આવતી કાલે હું ગાડી મોકલાવી આપીશ. તમને આવવા-જવામાં સગવડ રહેશે. મારી એક વિનંતી છે કે તમે કમાલસા’બને જમાઈ તરીકે સ્વીકારી લો અને તલાકની વાત મનમાંથી કાઢી નાખો.’
પતિના ઘેર આવ્યા બાદ મીનાકુમારી કામમાં ડૂબી ગઈ. એક અભિનેત્રી તરીકે તે સફળતા અને સક્ષમતાનાં નવાં શિખરો સર કરતી ગઈ. નામ અને દામનો કોઈ પાર નહોતો. તેનો સઘળો આર્થિક વ્યવહાર કમાલ અમરોહીના હાથમાં રહેતો. ૧૯૫૩માં ‘પરિણીતા’ માટે તેને બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો. પછીનાં વર્ષોમાં તેની ‘દાયરા’, ‘બાદબાન’, ‘રૂખસાના’, ‘આઝાદ’, ‘એક હી રાસ્તા’, ‘હલાકૂ’, ‘શારદા’, ‘મિસ મૅરી’ અને બીજી ફિલ્મો કામિયાબ થઈ.
કમાલ અને મીનાકુમારી પાલી હિલ પર બંગલામાં શિફ્ટ થયાં. બન્ને પોતપોતાનાં ક્ષેત્રમાં અલગ-અલગ કામ કરતાં. સાંજે રમી રમતાં. ફિલ્મો જોવા જતાં. વેકેશન પર એકમેકનાં સાંનિધ્યને માણતાં એટલું જ નહીં, મીનાકુમારીએ કમાલની પહેલી પત્ની અને બાળકોને પણ પ્રેમથી પોતીકાં બનાવી લીધાં હતાં.
એક ઇન્ટરવયુમાં કમાલ અમરોહીની પુત્રી રૂખસાના કહે છે, ‘હું પહેલી વાર મારી મમ્મી સાથે છોટી મમ્મીને (મીનાકુમારી) મળવા ગઈ ત્યારથી તે મને ગમવા લાગ્યાં. તે અમને ખૂબ પ્રેમ કરતાં. અમે સૌ ખાતાંપીતાં, સાથે હરતાંફરતાં. મમ્મીએ તેમની સાથે નાની બહેન જેવો વ્યવહાર કર્યો. અમને તે સાવકી મા જેવાં નહોતાં લાગતાં, તે ખૂબ જ પ્રેમાળ હતાં.’
મીનાકુમારીની બહેન ખુરશીદ કહે છે, ‘મીના પોતાને દુનિયાની સૌથી નસીબદાર સ્ત્રી ગણતી. તે કહેતી, મૈં જો ચાહતી થી, મુઝે મિલ ગયા. હમ દોનોં એક-દૂસરે કો અચ્છી તરહ સે સમઝતે હૈં.’
૧૯૫૬માં કમાલ અને મીનાકુમારી દક્ષિણ ભારતની ટૂર પર ગયાં હતાં. ત્યાં કમાલ અમરોહીના ડ્રીમ પ્રોજેક્ટ ‘પાકીઝા’ની ચર્ચા થઈ. મીનાકુમારી અત્યંત રોમાંચિત હતી પણ કંઈક એવું બન્યું કે આ જોડીના સંબંધમાં પહેલી તડ પડી. જ્યારે તેઓ પાછાં આવ્યાં ત્યારે કશુંક બદલાઈ ગયું હતું.
કમાલ અમરોહી એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘લગ્નજીવનનાં ત્રણચાર વર્ષ બાદ પણ અમારો સંબંધ હૂંફાળો હતો. પણ એનો અર્થ એવો નહીં કે રોજ સવારે ઊઠીને હું પત્નીને I love you કહીને ભેટું. મને નથી લાગતું કે દરરોજ સવારે આવા ઘોષણાપત્રની કોઈ જરૂર હોય. કદાચ હું ખોટો હોઈશ. કોણ જાણે કેમ ધીમે-ધીમે અમારી વચ્ચે અંતર વધતું જતું હતું.’
એક દિવસ ચા પીતાં-પીતાં વાત વધી ગઈ. મીનાકુમારીએ કમાલને કહ્યું, ‘મૈં કામ બંદ નહીં કર સકતી. આપ બાર-બાર મેરા વાદા યાદ દિલાઓગે તો મૈં તલાક લેના પસંદ કરુંગી.’ કમાલ કહે, ‘અરે ઇસમેં તલાક કી બાત કહાં આ ગઈ?’
મીનાકુમારીએ બેધડક થઈને કહ્યું, ‘તમને ખબર છેને હું કેટલું કમાઉં છું? ઇન્ડસ્ટ્રીમાં મારી શું હેસિયત છે? આપણે આનું કોઈ સમાધાન શોધવું જ પડશે.’
મીનાકુમારી અને કમાલ અમરોહીના જીવનમાં શું સમસ્યા હતી એનો થોડોઘણો અણસાર આ વાતો પરથી આવે. ફિલ્મ ‘અભિમાન’ જેવી પરિસ્થિતિ કોઈના પણ જીવનમાં આવી શકે. એક સમય પછી ‘Familiarity breeds contempt’ જેવી પરિસ્થિતિ આવે ત્યારે સંબંધમાં અહમ વિલનની ભૂમિકા ભજવે છે. એના કારણે માલિકીભાવ આવે એની નવાઈ ન હોય. એવા સમયે જો સ્ત્રી આર્થિક રીતે સક્ષમ હોય તો તેનામાં મુક્તિની ભાવના પ્રબળ થાય એ સ્વાભાવિક છે.
ત્રણ શરતો પર બન્ને વચ્ચે સમાધાન થયું. એક, કોઈ પણ સંજોગોમાં મીનાકુમારી સાંજે સાડાછ વાગ્યે ઘરે આવી જશે અને ત્યાર બાદ બાકીનો સમય કમાલ સાથે ગાળશે. બે, શૂટિંગ દરમ્યાન મીનાકુમારી કોઈ પણ પુરુષને પોતાના મેકરૂમમાં નહીં આવવા દે. અને ત્રણ, મીનાકુમારી કેવળ પોતાની ગાડીમાં જ આવજા કરશે; બીજા કોઈની નહીં, કોઈની સાથે નહીં.
પ્રેમમાં કોઈ શરતો ન હોય. જ્યારે શરતોના પાલન સાથે પ્રેમ કરવાનો આવે ત્યારે વાત વણસી જાય છે. થોડા જ સમયમાં એક પછી એક શરતોનું ખંડન થવા લાગ્યું. પતિ-પત્ની વચ્ચેનો વિશ્વાસ જ્યારે ‘વિષ-વાસ’ બની જાય ત્યારે સંબંધ ધીમે-ધીમે બોજ બનતો જાય છે.
મીનાકુમારીને ખબર હતી કે સમય દરેક ઘા રૂઝવતો નથી. બસ, એ જખમો સાથે જીવતાં રહેવાનું શીખવાડી દે છે. મીનાકુમારી પીડાને ‘હંસતે ઝખ્મ’ની જેમ સ્વીકારીને કામમાં ડૂબતી ગઈ. ‘શારદા’, ‘યહૂદી’, ‘શરારત’, ‘ચાર દિલ ચાર રાહેં’, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’, ‘કોહિનૂર’, ‘ભાભી કી ચૂડિયાં’ અને બીજી ફિલ્મોમાં તેનો અભિનય ચરમસીમા પર પહોંચ્યો. જેમ સંતુના નામના સિક્કા પડે એમ મીનાકુમારીના અભિનયનાં ઓવારણાં લેવાતાં. તેની રીલ લાઇફને ગગનચુંબી સફળતા મળતી ગઈ જ્યારે રિયલ લાઇફ નિષ્ફળતા તરફ ધસમસતી હતી.
૧૯૬૨માં ગુરુ દત્તે મીનાકુમારીને ‘સાહિબ બીબી ગુલામ’માં છોટી બહૂનો રોલ ઑફર કર્યો જેના માટે તેને બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો. એક પ્રોફેશનલ તરીકે કમાલ સેટ પર મીનાકુમારીના સલાહકાર બન્યા. શરાબ પીધા વિના શરાબીનો અભિનય કેમ આપવો એની બારીકી સમજાવતા ચંદનને ત્યારે ખબર નહોતી કે એક દિવસ આ શરાબ જ તેની મંજુને પાયમાલ કરી નાખશે.
દરેક સંબંધનું એક આયુષ્ય હોય છે. નિયતિ એક ઘટના એવી નિર્માણ કરે છે કે વ્યક્તિ સંબંધ તોડવા મજબૂર બની જાય છે. ૧૯૬૪માં ફિલ્મ ‘ગોમતી કે કિનારે’ના શૂટિંગમાં એવું જ કંઈક બન્યું અને મીનાકુમારીએ કમાલ અમરોહીનું ઘર છોડી દીધું. એ વાત આવતા રવિવારે.