30 December, 2025 01:19 PM IST | Mumbai | Heena Patel
પ્રદીપ શાહ
જો કોઈ વ્યક્તિ ૮૪ વર્ષની ઉંમરે પણ દર રવિવારે ક્રિકેટ રમતી હોય તો એના પરથી તેની ફિઝિકલ ફિટનેસનો અંદાજો આવી જાય. બોરીવલીમાં રહેતા પ્રવીણ શાહ સ્કૂલ સમયથી જ ક્રિકેટ રમતા આવ્યા છે અને આ ઉંમરે પણ તેમણે આ ગેમ રમવાનું છોડ્યું નથી. પ્રદીપભાઈ ક્રિકેટ-પ્રેમી હોવાની સાથે બિઅર-લવર પણ છે. આટલું જ નહીં, આ ઉંમરે પણ તેઓ સક્રિય રીતે પોતાનો બિઝનેસ ચલાવે છે. પ્રદીપભાઈ લાઇફને કોઈ પણ જાતનો વધારે લોડ લીધા વગર એકદમ લાઇટ્લી જીવવામાં માને છે.
પ્રદીપભાઈ છેલ્લાં ૭૦ વર્ષથી ક્રિકેટ રમે છે. પોતાના ક્રિકેટ પ્રેમ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘મેં શેઠ ગોપાલજી હેમરાજ હાઈ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. એટલે સ્કૂલ તરફથી હું હૅરિસ શીલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અન્ડર-16માં સૌપ્રથમ વાર રમેલો. હું કે. સી. કૉલેજ, એ પછી નૅશનલ કૉલેજ અને પછી મોટર એન્જિનિયરિંગ માટે સાબુ સિદ્દીકી કૉલેજમાં ભણવા માટે ગયો. આ દમિયાન પણ મારું ઇન્ટર-કૉલેજિયેટ ક્રિકેટ, સમર વેકેશન ક્રિકેટ ટુર્નામેન્ટ્સ, બૉમ્બે જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાનું ચાલુ હતું. પપ્પાના નિધન બાદ મેં મોટર એન્જિનિયરિંગનો કોર્સ અધૂરો છોડી મૂકેલો. મારા પર બિઝનેસ સંભાળવાની જવાબદારી આવી ગયેલી. જોકે ક્રિકેટ સાથેનો મારો સંબંધ મેં જાળવી રાખેલો. હું કાંગા લીગ, કૉસ્મોપૉલિટન ક્રિકેટ ટુર્નામેન્ટ જેવી ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યો છું. હું ૩૭ વર્ષનો થયો ત્યાં સુધી વિવિધ ટુર્નામેન્ટ્સમાં રમવા જતો. આ ઉંમરે પણ હું દર રવિવારે ક્રિકેટ રમવા જાઉં છું. અમે બધા ફ્રેન્ડ્સ ગોરેગામ-વેસ્ટમાં ગણેશ ગ્રાઉન્ડમાં રમવા માટે જઈએ. અમારા ગ્રુપમાં ૩૦-૩૫થી ૫૦-૫૫ વર્ષના પ્લેયર્સ છે. એ બધામાં હું જ એક સિનિયર સિટિઝન છું. જોકે હું અત્યારે હું ઉંમરના હિસાબે બૅટિંગ નથી કરતો. બૅટિંગ કરી શકું એમ છું, પણ બીજા યંગ પ્લેયર્સ જે સારું રમે છે તેમને રમવા મળે તો વધારે સારું. અમે ૧૬ ઓવરની મૅચ રમીએ. હું આરામથી એકથી સવા કલાક ફીલ્ડિંગ કરી શકું. અગાઉ તો બધી ટુર્નામેન્ટમાં સીઝન બૉલથી અમે રમતા. અત્યારે અમે ટેનિસ બૉલથી રમીએ છીએ. મારા માટે તો હું ક્રિકેટ રમી શકું છું એ જ મોટી વાત છે. બાકી આ ઉંમરમાં કોણ ક્રિકેટ રમે? હજી ગયા વર્ષે જ હું લંડનમાં એક રેસ્ટોરાંમાં સુનીલ ગાવસકરને મળેલો. જેની આ રેસ્ટોરાં છે એ મારા જમાઈનો ફ્રેન્ડ છે તો અમે લોકો ત્યાં ડિનર લેવા ગયેલા. એ સમયે ત્યાં સુનીલ ગાવસકર અને બીજા બે-ત્રણ સરદારજીઓ પણ ડિનર માટે આવેલા. ગાવસકર જાણીજોઈને ઊલટા બેસેલા જેથી તેમને કોઈ જોઈ ન શકે. જોકે રેસ્ટોરાંના માલિકે મને કહ્યું કે દેખો ગાવસકર આકે બૈઠા હૈ, એટલે હું તેમની પાસે ગયો. મેં તેમને કહ્યું કે હું તમારી સાથે એક ફોટો ક્લિક કરાવી શકું? એટલે તે ઊભા થયા અને તેની સાથે મેં ફોટો ક્લિક કર્યો. એક ક્રિકેટપ્રેમી તરીકેની મારા માટે આ એક ફૅન-મોમેન્ટ હતી. એ વખતે ઇન્ડિયાની ટીમ ત્યાં ટેસ્ટ-મૅચ રમવા ગયેલી એટલે ગાવસકર લંડનમાં હતા.’
પ્રદીપભાઈ બિઅરના શોખીન છે. દર વીક-એન્ડમાં તેઓ બિઅર એન્જૉય કરે છે. તેમણે વિદેશના પણ અનેક પબ્સ અને બિઅર-ફેસ્ટિવલ એક્સપ્લોર કર્યા છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું નશા માટે બિઅર નથી પીતો પણ એન્જૉય કરવા માટે પીઉં છું. હું બે ગ્લાસથી વધારે બિઅર પીવાનું પણ ટાળું છું. મને UKના પબ્સ બહુ ગમે. અહીં લોકો ફક્ત પીવા માટે નહીં પણ મિત્રો સાથે સમય પસાર કરવા, કામ પછી રિલૅક્સ ફીલ કરવા માટે આવે છે. અહીં યંગસ્ટર્સથી લઈને મારા જેવા સિનિયર સિટિઝન બધા જ એન્જૉય કરતા જોવા મળે. લોકલ બ્રુઅરીનો બિઅર UKના પબની ઓળખ છે. મને જર્મનીના પબ્સ પણ ગમે. જર્મનીમાં તો મેં વિશ્વપ્રસિદ્ધ ઑક્ટોબરફેસ્ટ પણ એન્જૉય કર્યો છે. લાઇવ મ્યુઝિક, ડાન્સ, ફૂડ સાથે બવેરિયન બિઅર પીવાની એક અલગ મજા છે. મારા માટે બિઅર ફક્ત એક ડ્રિન્ક નથી પણ અલગ-અલગ લોકો, જગ્યા અને સંસ્કૃતિને જાણવાનું એક માધ્યમ છે.’
પ્રદીપભાઈ દૈનિક જીવનમાં પણ તેમની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું દરરોજ પોણાપાંચ વાગ્યે મૉર્નિંગ વૉક કરવા માટે ઘરેથી નીકળી જાઉં છું. છ વાગ્યા સુધીમાં ઘરે પરત ફરું. એ પછી ૨૦ મિનિટ હું પ્રાણાયામ કરવા બેસું. ખાવા-પીવામાં પણ દાળ-ભાત-શાક-રોટલી જ હોય. વધારે પડતું ઑઇલી કે જન્ક ફૂડ હું ખાતો નથી. ફિટનેસનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારું સ્વાસ્થ્ય જ તમારી ખરી મૂડી છે. સવારે વહેલા ઊઠીને ફિટનેસ રૂટીન ફૉલો કરવા મામલે હું અક્ષય કુમારને ટક્કર આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. બોરીવલીમાં અમારા ખડાયતા વાણિયા સમાજનાં લગભગ ૧૫૦ ઘરો હશે. એમાંથી હું સૌથી મોટી ઉંમરનો છું. હા, ૮૦ની ઉંમરના ઘણા હશે.’
પ્રદીપભાઈએ તેમના જમાનામાં લવ-મૅરેજ કરેલાં છે. પત્ની, દીકરા-દીકરી, પૌત્ર-પૌત્રી તેમ જ દોહિત્ર-દોહિત્રીનો તેમનો સુખી પરિવાર છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું અને મારાં પત્ની સુધા બન્ને એક જ સ્કૂલમાં હતાં. સ્કૂલમાં અમારી વાતો ઓછી, પણ ઇશારાઓ વધુ થતા. અમે બન્ને એકબીજાને પસંદ કરતાં હતાં. હું તેનાથી બે વર્ષ સિનિયર હતો. મને હજુ પણ યાદ છે હું નવમા કે દસમા ધોરણમાં હોઈશ. એક્ઝામિનેશન હૉલમાં તે મારી આગળની સીટ પર જ બેઠી હતી. તેણે મને એક પ્રશ્નનો જવાબ પૂછેલો, જેનો જવાબ મેં તેને આપેલો. આ રીતે અમે બન્નેએ એક્ઝામમાં ચીટિંગ કરેલી. સ્કૂલ પછી પણ અમારું ડેટિંગ ચાલુ હતું. હું ફાઇવ ફીટ એક ઇંચનો છું, જ્યારે સુધા ફાઇવ ફીટ ફોર ઇંચ છે. જોકે પ્રેમને ઉંમર, કદ, રંગ સાથે કંઈ લાગેવળગે નહીં. અમે ખૂબ જ સાદાઈથી એક સંબંધીના ફ્લૅટમાં લગ્ન કરેલાં. મારા પપ્પાને ગુજર્યાને હજી ત્રણ મહિના પણ નહોતા થતા. બીજી બાજુ સુધાનાં મમ્મી અમારા સંબંધોથી રાજી નહોતાં. જોકે તેના પપ્પાને કોઈ વાંધો નહોતો. તેમણે જ મને કહેલું કે તમે બન્ને જલદીથી લગ્ન કરી લો નહીંતર સુધાનાં મમ્મી તેને વડનગરમાં લઈ જઈને લગ્ન કરાવી નાખશે. સુધા મૂળ વડનગરની જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પણ વતન છે. એટલે પછી ઉતાવળે અમે સાદાઈથી પરણી ગયાં. મારા પપ્પાના ગુજરવાનો શોક હતો એટલે લગ્નનું કોઈને કહેવાય એમ કે આમંત્રણ અપાય એમ પણ નહોતું. અમારા સુખી સંસારમાં દીકરો કૌશલ, દીકરીઓ મિત્સુ અને અલ્પા છે. મિત્સુ લંડનમાં ડૉક્ટર છે અને અલ્પા અમેરિકામાં રિયલ એસ્ટેટનું કામ કરે છે. મારાં ત્રણેય સંતાનોના ઘરે પણ સંતાનો છે.’
પ્રદીપભાઈ હજી તેમના બિઝનેસને પણ ઍક્ટિવલી સંભાળે છે. તેમના ઘર નજીક જ તેમની ઑફિસ છે. કામકાજ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અમારો બેબી-ફીડિંગ બૉટલ અને સિલિકૉન નિપલ મૅન્યુફૅક્ચરિંગ કરવાનો બિઝનેસ છે. અમે US, UK, UAE, ઇઝરાયલ જેવા દેશોમાં અમારી પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરીએ છીએ. મારો દીકરો કૌશલ પણ આ બિઝનેસમાં જોડાયેલો છે. એક્સપોર્ટનું કામકાજ સંપૂર્ણપણે તે સંભાળે છે, જ્યારે હું ઇન્ડિયન માર્કેટ જોઉં છું. હું દરરોજ સવારે સવાઆઠ વાગ્યે ઑફિસ જવા નીકળી જઉં અને બપોરે સવાબાર વાગ્યે ઘરે જમવા માટે આવું. જમીને થોડી વાર આરામ કરી ફરી પાછો બે વાગ્યે ઑફિસ જવા નીકળી જાઉં અને પછી સાંજે સાડાપાંચ વાગ્યે ઑફિસ બંધ કરીને ઘરે આવું.’