૮૫ વર્ષની ઉંમરે એકદમ ફિટ સમાજ માટે ફુલ્લી ઍક્ટિવ

08 December, 2025 02:41 PM IST  |  Mumbai | Heena Patel

જેમના બત્રીસેબત્રીસ દાંત આજે પણ સાબૂત છે એવા દહિસરના નાથાભાઈ કાલરિયા નિવૃત્તિ પછીનો સમય સમાજ માટે ઉપયોગી થવામાં વાપરી રહ્યા છે અને એના માટે પોતાના શરીરનું ખૂબ ધ્યાન રાખે છે

નાથાભાઈ કાલરિયા

હું ભલે ૮૫ વર્ષનો છું, પણ હું પોતાની જાતને ૨૫ વર્ષનો યુવાન જ માનું છું... આ શબ્દો છે દહિસરમાં રહેતા નાથાભાઈ કાલરિયાના. તેઓ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજન આગેવાન છે. એક સમયે તેઓ કન્સ્ટ્રક્શનની લાઇનમાં હતા, પણ હવે નિવૃત્તિ જીવન ગાળી રહ્યા છે અને સમાજસેવામાં સક્રિય રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે. નાથાભાઈ આ ઉંમરે પણ ખૂબ જ હેલ્ધી છે અને ઍક્ટિવ રીતે લાઇફ જીવી રહ્યા છે.

સમાજમાં યોગદાન

સમાજસેવામાં નાથાભાઈ કઈ રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘અમારો પરિવાર વર્ષોથી સમાજસેવાનાં કામોમાં જોડાયેલો છે. રાજકોટના ધોરાજી તાલુકામાં મોટી મારડ ગામમાં મારા પપ્પાએ સ્કૂલ, હવેલીનું નિર્માણ કરાવેલું છે. જૂનાગઢમાં પણ સ્કૂલ, કૉલેજની લેડીઝ હૉસ્ટેલ, સમાજની વાડી માટે મારા પરિવારનું મોટું યોગદાન રહ્યું છે. દ્વારકા, સોમનાથ, મથુરા, નાથદ્વારા, હરિદ્વાર બધી જગ્યાએ સમાજની ધર્મશાળાઓ છે. એમાં અમારો નોંધપાત્ર ફાળો રહ્યો છે. અયોધ્યામાં પણ ધર્મશાળા બનવા જ​ઈ રહી છે. એ માટે મહેનત કરીને ભંડોળ એકઠું કર્યું છે. હજી છ મહિના પહેલાં જ એનું ભૂમિપૂજન થયું છે. હું પોતે અત્યારે મથુરામાં એનઆરબી ભવન નામની સમાજની ધર્મશાળા છે એનો વહીવટ સંભાળું છું. ધર્મશાળામાં કોઈને રોકાણ કરવું હોય તો એ માટે બુકિંગ લેવું, ધર્મશાળાઓ માટે ભંડોળ એકઠું કરવા સતત લોકોના સંપર્કમાં રહેવું એ જ મારું કામ છે. સમાજમાં અમારા પરિવારની પ્રતિષ્ઠા એટલી છે કે સમાજના ભાઈઓ મને કૉલ પર જ લાખો-કરોડોના દાનની રકમ લખાવી દે છે.’

ફિટ ઍન્ડ ફાઇન

આ ઉંમરે પણ નાથાભાઈ ખૂબ હેલ્ધી અને ઍક્ટિવ છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘વૃદ્ધાવસ્થામાં લોકોને મોઢામાં ચોકઠાં બેસાડવાં પડતાં હોય છે ત્યારે મારા બત્રીસેબત્રીસ દાંત હજી અડીખમ છે. હું ૭૦ વર્ષ પહેલાં ગોંડલમાં પટેલ બોર્ડિંગમાં ભણતો હતો. એ સમયે અમને કહેવામાં આવેલું કે તમે મોઢામાં કંઈ પણ નાખો એ પછી કોગળા કરી નાખવાના. આનું પાલન હું આજની ઘડી સુધી કરું છું. સવાર, બપોર, સાંજ અને રાત્રે જમ્યા પછી હું અચૂક કોગળા કરું છું. એટલે મારા દાંત હજી એવા ને એવા મજબૂત છે. અમેરિકામાં હું મારા દીકરાને ત્યાં રહેવા જાઉં ત્યારે સ્વિમિંગ-પૂલમાં હાથ-પગ હલાવ્યા વગર એક કલાક સુધી પાણીમાં તરું છું. હું ત્યાં હોઉં ત્યારે વૉલીબૉલ પણ રમું છું. હું બોર્ડિંગમાં ભણતો ત્યારે વૉલીબૉલ ટીમનો કૅપ્ટન હતો. ધર્મશાળાના કામને લઈને મારે અવારનવાર વિવિધ યાત્રાસ્થળોએ જવાનું થાય. એ માટે ટ્રેનમાં મુસાફરી કરવી પડે. દીકરાને ત્યાં અમેરિકા જવાનું થાય તો ફ્લાઇટમાં મુસાફરી કરવી પડે. એમાં ૨૦-૨૪ કલાક ટ્રાવેલ કરવું પડે. એમ છતાં મને જરાય થાક ન લાગે. નીચે ઊતર્યા બાદ હું ફ્રેશ જ હોઉં. એનું કારણ છે કે હું બેઠાં-બેઠાં ડીપ બ્રીધિંગ કર્યા જ કરતો હોઉં છું.’

ડેઇલી લાઇફ

નાથાભાઈ તેમની દૈનિક પ્રવૃત્તિ અને પરિવાર વિશે વાત કરતાં કહે છે, ‘મારે બે દીકરા અલ્પેશ અને જિતેન્દ્ર અને એક દીકરી સોનલ છે. ત્રણેય અમેરિકામાં તેમની ફૅમિલી સાથે સેટલ્ડ છે. તેમની સાથે હું વિડિયો-કૉલ પર કનેક્ટેડ રહું છું. એકાદ-બે વર્ષે અમેરિકામાં બે-ત્રણ મહિના માટે દીકરા પાસે રહેવા માટે પણ જાઉં છું. ત્યાં હું મારાં બાળકોનાં બાળકો સાથે સમય પસાર કરું. સિનિયર સિટિઝન ક્લબના મિત્રો સાથે એન્જૉય કરું. પાંચ વર્ષ પહેલાં મારી પત્ની સવિતા ગુજરી ગઈ. એટલે હું મુંબઈમાં એકલો રહું છું. જોકે મને જરાય એકલવાયું લાગતું નથી. હું તો આખો દિવસ મારી પ્રવૃત્તિમાં એટલો વ્યસ્ત રહું કે મને દિવસ નાનો લાગે. હજી જૂનાગઢમાં સિનિયર સિટિઝન સેન્ટર, ગીરના તાલાલામાં આયુર્વેદિક હૉસ્પિટલ બનાવવાનો મારો સંકલ્પ છે. આવા બીજાં પાંચ-સાત કામો કરવાં છે. સમાજને ઉપયોગી થવું છે. એટલે હું મારા શરીરનું ખૂબ ધ્યાન રાખું છું. ઘરે ડીપ બ્રીધિંગ, એક્સરસાઇઝ ચાલુ જ હોય. એટલે મારાં બધાં જ અંગો વ્યવસ્થિત ચાલે છે અને સરળતાથી હરીફરી શકું છું. બપોરે બહારથી મારું ટિફિન આવે અને સાંજે એક બહેન રસોઈ બનાવવા માટે આવે. હું ઘઉંની રોટલી બહુ ઓછી ખાઉં છું. બાજરી, જુવાર, ચણા, મકાઈ અને રાગીના લોટમાંથી બનેલી રોટલી વધારે ખાઉં છું. એ સિવાય સીઝનમાં મળતાં ફળો પણ હું દરરોજ ખાવાનું રાખું છું. સાંજના સમયે મને થોડો ફ્રી સમય મળે. એમાં પણ મિત્રો મળવા માટે આવતા રહેતા હોય છે એટલે તેમની સાથે સરસ રીતે સમય પસાર થઈ જાય છે. અમે બધા સાથે મળીને ગેમ્સ રમીએ. હું જીવનને હળવાશ અને આનંદથી જીવવામાં માનુ છું.’ 

dahisar gujaratis of mumbai columnists