૭૨ વર્ષની ઉંમરે પણ ફિટ રહેવાનો ગોલ્ડન મંત્ર: લેસ લગેજ, મોર કમ્ફર્ટ

19 February, 2026 01:29 PM IST  |  Mumbai | Heena Patel

ઘાટકોપરમાં રહેતા અશ્વિન શાહના સ્વસ્થ જીવનનું સીક્રેટ છે ક્રિકેટ, સંતુલિત આહાર અને સતત સક્રિયતા

અશ્વિન શાહ

આપણે બધા જીવનમાં કંઈક ને કંઈક ઊંચકીને ફરી રહ્યા છીએ. કોઈને વજનનો બોજો છે તો કોઈને વિચારોનો. ઘાટકોપરના અશ્વિન શાહ પાસે આનો એક સચોટ ઇલાજ છે અને એ છે ઓછો બોજ, વધુ મોજ. છેલ્લાં કેટલાંક વર્ષોથી પોતાનું વજન ૬૨ કિલોની અંદર રાખનાર અશ્વિનભાઈ માને છે કે શરીર હળવું હશે તો સફર આનંદદાયી રહેશે. તેલ વગરનું જમવું અને ફરિયાદ વગરનું જીવવું આ બે બાબતોએ તેમને ૭૨ વર્ષે પણ દોડતા રાખ્યા છે.

અશ્વિનભાઈ છેલ્લાં ૨૫ વર્ષથી ક્રિકેટ રમે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હજી ૨૬ જાન્યુઆરીએ જ હું સુપર્બ કપ ૨૦૨૬માં રમી આવ્યો. એમાં ઘાટકોપર રિયલ એસ્ટેટ અસોસિએશનના બધા મેમ્બર્સ રમવા આવેલા. હું સ્પિન બોલર છું. મારી બોલિંગમાં લાઇન અને લેન્ગ્થ પર એટલો સરસ કાબૂ છે કે ટપ્પો બરાબર જગ્યાએ જ પડે છે અને ક્યારેય નો બૉલ પડતો નથી. પ્રાઇઝ વિકેટ લેવાની હોય તો પણ લઈ શકું છું. ક્રિકેટ રમવાનો તો પહેલાંથી શોખ હતો, પણ જવાબદારીઓ વચ્ચે એટલો મોકો મળ્યો નહોતો. હાલમાં હું અઠવાડિયામાં એક વાર રામજી આસર સ્પોર્ટ્સ ટર્ફમાં ક્રિકેટ રમવા માટે જાઉં છું.’

અશ્વિનભાઈ તેમની ફિટનેસનું પણ ખૂબ ધ્યાન રાખે છે. આ ઉંમરે પણ તેઓ એકદમ સ્વસ્થ અને હરીફરી શકે એવા છે. ફિટનેસની કાળજી કઈ રીતે રાખે છે એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘હું દરરોજ સવારે યોગ કરું છું. એ સિવાય સવારે ટેરેસ પર કુમળા તડકામાં વૉક કરું છું. જીવનમાં મેં ક્યારેય મારું વજન ૬૨ કિલોથી ઉપર જવા દીધું નથી. અત્યારે મારું વજન ૫૮ કિલો છે. લેસ લગેજ મોર કમ્ફર્ટ, હું એમાં બિલીવ કરુ છું. મારું વજન મારે જ ઊંચકવાનું છે. હું તો માનું છું કે માણસે મગજમાં પણ ઓછો બોજો રાખવો જોઈએ. જેટલી ઓછી ચિંતા કરશો એટલા વધારે આનંદમાં રહેશો. તમે મેન્ટલી હૅપી રહો તો ફિઝિકલી તમે હેલ્ધી રહેવાના જ છો.’

ખાવાપીવાના મામલે પણ તેઓ ઘણી ચોકસાઈ રાખે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું ગાંઠિયા, પૂરી, ચેવડા જેવી તેલવાળી વસ્તુઓ જરાય નથી ખાતો. બ્રેકફાસ્ટમાં ઉપમા, પૌંઆ, અપ્પમ, ઉત્તપ્પા હોય. ખાખરા પણ ખાઉં તો જુવાર, બાજરી, રાગીના ખાઉં. ચા પીવું એ પણ સાકર વગરની. બપોરે રોટલી, શાક, દાળ જમવામાં હોય. રોટલી પણ કોરી જ ખાઉંવ. બાકી ભાત, બટાટા હું નથી ખાતો. રાત્રે ખીચડી, ઉપમા, પરોઠા જેવી આઇટમ હોય. હું દૂધ-માવાની કોઈ મીઠાઈ નથી ખાતો. મોહનથાળ, અડદિયા, મેથીના લાડૂ, ગોળપાપડી ખાઉં. મને દારૂ, સિગારેટ, ગુટકાની કોઈ આદત નથી.’

અશ્વિનભાઈ રિયલ એસ્ટેટ બ્રોકર છે. છેલ્લાં ૪૫ વર્ષથી તેઓ આ ફીલ્ડમાં છે. આ ઉંમરે પણ તેઓ સક્રિય છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું ઘાટકોપર રિયલ એસ્ટેટ અસોસિએશનનો લાઇફટાઇમ મેમ્બર છું. અત્યારે તો મોટા ભાગે ઘરેથી જ કામ કરું છું. કોઈક વાર ક્લાયન્ટ બોલાવે અને ઘાટકોપર, ચેમ્બુર, તિલકનગર ક્યાંક જવું પડે તો રિક્ષા લઈને ટ્રાવેલ કરું. મને નોકરી કરવી નહોતી અને ધંધો ઊભો કરવા માટે પૈસા હતા નહીં. એટલે મેં બ્રોકરેજની લાઇન પકડી લીધી. હું પોતાની મહેનતથી આગળ આવેલો માણસ છું. બાકી એક સમયે મેં કૉલેજનું ભણવાનું છોડીને પપ્પાની જગ્યાએ ક્લર્કની નોકરી પણ કરેલી છે. આજે જીવનમાં જ્યાં છું એનો મને સંતોષ છે.’

અત્યારે અશ્વિનભાઈ પત્ની પારુલ સાથે રહે છે. દીકરો કેવલ બૉસ્ટનમાં ફૅમિલી સાથે સેટલ્ડ છે, જ્યારે દીકરી ચાર્મી કાંદિવલીમાં તેના સાસરે છે. અશ્વિનભાઈ કહે છે, ‘મારા જીવનનો એક જ સિદ્ધાંત છે કે ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો. દુનિયામાં માનવતા જ સૌથી મોટો ધર્મ છે. એટલે હું યથાશક્તિ દાનધર્મનાં કામ કરું છું. હું જૈન છું, પણ બધા જ ભગવાનમાં માનું છું. મારા માટે ઈશ્વર એક જ છે.’

gujaratis of mumbai ghatkopar columnists exclusive gujarati mid day