મળો ૮૫ વર્ષનાં યુવાન મ્યુઝિક-ટીચરને

09 February, 2026 02:26 PM IST  |  Mumbai | Heena Patel

એક ઉંમર પછી વડીલોને બોલતાં-બોલતાં પણ હાંફ ચડી જતી હોય છે એવામાં જુહુ સ્કીમમાં રહેતાં ૮૫ વર્ષનાં માલતી શાહના કંઠેથી આ ઉંમરે પણ એટલા મધુર સૂર નીકળે છે કે વાત ન પૂછો.

૮૫ વર્ષનાં માલતી શાહ

સંગીત જેમના જીવનનો શ્વાસ છે અને સંઘર્ષ જેમની શક્તિ એવાં જુહુ સ્કીમમાં રહેતાં ૮૫ વર્ષનાં માલતી શાહનું જીવન ખરેખર પ્રેરણાદાયી છે. એક સમયે ઘરેલુ હિંસાના પગલે પતિનું ઘર રાતોરાત છોડવું પડેલું અને એકલા હાથે બે બાળકોના ઉછેરની જવાબદારી તેમના માથે આવેલી. એમ છતાં તેમણે હિંમત હાર્યા વગર જીવનમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું. પારિવારિક જવાબદારી સાથે તેમણે પોતાની પ્રગતિ પણ ચાલુ રાખી. આ ઉંમરે પણ તેઓ મ્યુઝિક શીખે છે અને શીખવાડે છે, ડ્રાઇવિંગ પણ કરી લે છે. કૅન્સર, હાથ-પગનાં ફ્રૅક્ચર બધું જ જોયું છે પણ એમ છતાં તેઓ જીવનમાં ક્યાંક અટક્યાં નથી. તેમને રસોઈ બનાવવાનો, સુડોકુ ઉકેલવાનો, હરવા-ફરવાનો શોખ છે.

મ્યુઝિક શીખે અને શીખવાડે

માલતીબહેન હાલમાં મ્યુઝિક-ટીચર તરીકે કાર્યરત છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારી પાસેથી અત્યારે પાંચ-છ સ્ટુડન્ટ્સ મ્યુઝિક શીખે છે. આ બધા ૪૦થી ૬૦ વર્ષની ઉંમરના છે. હું તેમના ઘરે ક્લાસ લેવા માટે જાઉં છું. અગાઉ હું મારા ઘરે ક્લાસ લેતી. એમાં થતું એ‍વું કે બધા તેમની સાથે નાનાં બાળકોને લઈને આવે. એમાં ડિસ્ટર્બન્સ બહુ થાય. ઉપરથી તેઓ ૧૦ વાગ્યાનો સમય હોય તો સાડાદસ વાગ્યે આવે. એને કારણે પછી મારું શેડ્યુલ ડિસ્ટર્બ થઈ જતું. હું પોતે સમયની બહુ પાક્કી છું એટલે પછી મેં એવું નક્કી કર્યું કે હું જ સ્ટુડન્ટ્સના ઘરે જઈશ. હું સોમથી શુક્ર વચ્ચે સવારે ૧૦થી ૧૨ વચ્ચે જ્યારે સમય મળે ત્યારે ક્લાસ લઈ લઉં. દરેક સ્ટુડન્ટના અઠવાડિયામાં એક વાર ક્લાસ હોય. શનિ-રવિ હું આરામ કરું છું.’

માલતીબહેનને મ્યુઝિકનો એટલો શોખ છે કે તેઓ આ ઉંમરે બીજાને તો ગાતાં શીખવાડે જ છે અને પોતે પણ શીખી રહ્યાં છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અમારા ઘરમાં બધાને જ મ્યુઝિકનો શોખ છે. બાળપણમાં મેં મારા પિતાને સવારે ચાર વાગ્યે ઊઠીને ગીતો ગાતા અને હાર્મોનિયમ વગાડતા જોયા છે. મને પણ હાર્મોનિયમ વગાડતાં આવડે છે. એ હું જાતે જ શીખું છું. ૩૧ વર્ષની ઉંમરથી મેં મ્યુઝિક શીખવાનું શરૂ કરેલું. પ્રખ્યાત ગાયક અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું કિન્નરી વૃન્દ ગ્રુપ હતું. મેં તેમની પાસેથી ૪૨ વર્ષ સુગમ સંગીત શીખ્યું. બે વર્ષ પહેલાં જ તેમનું નિધન થયું છે. અત્યારે પણ મારું મ્યુઝિક શીખવાનું ચાલુ જ છે. હું ઑનલાઇન મ્યુઝિકના ક્લાસ કરું છું. હિન્દી ફિલ્મોનાં જૂનાં ગીતો શીખું છું. અઠવાડિયામાં એક દિવસ મારા ક્લાસ હોય.’

ટૅલન્ટની કોઈ કમી નથી

માલતીબહેન ડ્રાઇવિંગ પણ કરી લે છે. એ વિશે તેઓ કહે છે, ‘મારા મ્યુઝિક-ક્લાસિસના સ્ટુડન્ટ્સ કોઈ અંધેરી રહે, કોઈ વિલે પાર્લે રહે છે. તેમના ઘરે હું જાતે કાર ડ્રાઇવ કરીને જ જાઉં છું. ડ્રાઇવિંગ તો મેં ૩૧ વર્ષની ઉંમરે શીખી લીધેલું પણ કોઈ દિવસ ડ્રાઇવિંગ કરવાનું એટલું આવ્યું નહોતું. એ તો પછી હું મ્યુઝિક શીખવાડવા માટે લોકોના ઘરે જતી થઈ પછીથી રેગ્યુલર ડ્રાઇવિંગ મારે કરવાનું થયું. મારાથી લૉન્ગ ડ્રાઇવ નથી થતું, પણ નજીકમાં જવાનું હોય તો ચાલે.’

માલતીબહેન એકદમ ફિટ ઍન્ડ ફાઇન છે. આનું શ્રેય તેઓ યોગ અને મ્યુઝિકને આપે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું દરરોજ વહેલા ઊઠીને યોગ કરું છું. એનાથી મારું શરીર એનર્જેટિક અને ઍક્ટિવ રહે છે. સાથે જ અવાજ સારો આવે એ માટે ગળાની કસરત કરું છું. મ્યુઝિક મારા માટે થેરપી જેવું કામ કરે છે. મને કોરોના પહેલાં જ આંતરડાના છેલ્લા ભાગનું કૅન્સર પણ થયેલું છે. જોકે વહેલી તકે ડિટેક્ટ થઈ જતાં સર્જરી કરાવવાની નોબત આવી નહીં. ત્રણ વાર પડી જતાં ફ્રૅક્ચર પણ આવેલાં છે. જોકે અત્યારે મને કોઈ તકલીફ નથી. હું એકદમ ફિટ છું.’

માલતીબહેનને દરરોજ ‘મિડ-ડે’માં આવતી શબ્દરમત, સુડોકુ ઉકેલવાનું ગમે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ઉંમરના હિસાબે મને હવે વસ્તુઓ એટલી યાદ રહેતી નથી. આ બધું કરું એટલે મગજને કસરત મળે. એમાં પણ રવિવારે જે જમ્બો મગજમારી આવે છે એ ઉકેલવામાં મારા બે-ત્રણ દિવસ ચાલ્યા જાય. એમાં પછી જે ન ઉકેલાયું હોય એની ચર્ચા હું મારી કઝિન સાથે કરું.’ માલતીબહેનને રસોઈ બનાવવાનો પણ ખૂબ શોખ છે. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘મારા હાથની ફ્રૅન્કી, પાણીપૂરી, ભેળપૂરી, પૌંઆનો ચેવડો બધાને બહુ ભાવે. મારા ઘરે હેલ્પર છે તે મને હેલ્પ કરાવે. હું પોતે પણ આ બધું ખાવાની શોખીન છું. જોકે મને વેસ્ટર્ન ફૂડ એટલું નથી ભાવતું. સ્વાદ કેળવવાનો પ્રયત્ન કર્યો, પણ જામ્યું નહીં.’

જીવનનો સંઘર્ષ ઓછો નથી

માલતી શાહે તેમના લગ્નજીવનમાં ઘણો સંઘર્ષ જોયો છે. એ દિવસો વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારાં લગ્ન ૨૧ વર્ષની ઉંમરે થઈ ગયાં, પણ ૩૦ વર્ષની ઉંમરમાં હું મારા હસબન્ડથી છૂટી પડી ગયેલી. ઘરેલુ હિંસાના પગલે મેં સાસરિયાંનું ઘર છોડી દીધું હતું. મારા હસબન્ડ આમ તો મુંબઈના જ હતા, પણ દિલ્હીમાં જૉબ ટ્રાન્સફર થતાં હું ત્યાં રહેતી હતી. એક દિવસ હું તેમની જાણ વગર દિલ્હીથી રાતોરાત બન્ને બાળકોને લઈને મુંબઈ મારા પિતા પાસે આવી હતી. એ સમયે મારો મોટો દીકરો તુષાર સાત વર્ષનો હતો અને નાનો દીકરો સંજય પાંચ વર્ષનો હતો. હું નહોતી ઇચ્છતી કે મારા દીકરાઓ પર ખરાબ સંસ્કારો પડે.’

અત્યારે તો માલતીબહેનના બન્ને દીકરા ડૉક્ટર છે, પણ જીવનમાં તેમણે એવા દિવસો પણ જોયા છે કે તેમણે એકલા હાથે બન્ને દીકરાઓનો ઉછેર કર્યો છે. એ સંઘર્ષને યાદ કરતાં તેઓ કહે છે, ‘મારા પપ્પા માણેકલાલ શાહનું મશીનરીના એક્સપોર્ટનું કામકાજ હતું એટલે મેં ૨૦ વર્ષ સુધી અમારી ઑફિસમાં જૉબ કરી. મારા એ કપરા સમયમાં મને મારા પિતા અને ભાઈઓનો ખૂબ સહકાર મળ્યો.’

પારિવારિક - સામાજિક જીવન

માલતીબહેનનો મોટો અને સુખી પરિવાર છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારો મોટો દીકરો ડૉ. તુષાર MD ફિઝિશ્યન છે, જ્યારે નાનો દીકરો ડૉ. સંજય ડેન્ટિસ્ટ છે. મારે બે વહુઓ છે લજ્જા અને મનીષા. ત્રણ પૌત્રીઓ છે તન્વી, રેનીશા અને સરગમ. અમે ચાર બહેનો અને પાંચ ભાઈઓ હતાં. અત્યારે તો એક ભાઈ અને બે બહેન જ હયાત છે, પણ એમ છતાં અમે બધાં ભાઈ-બહેનોનો પરિવાર હળતો-મળતો રહે.’

માલતીબહેનને ટ્રાવેલિંગનો શોખ છે. તેઓ તેમની સોશ્યલ લાઇફમાં પણ ઍક્ટિવ રહે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મેં અત્યાર સુધીમાં ૨૫ જેટલા દેશોનો પ્રવાસ કર્યો છે. US, UK, સ્વિટ્ઝરલૅન્ડ, ફ્રાન્સ, સિંગાપોર, બ્રાઝિલ, ઍન્ટાર્ટિકા, આર્જેન્ટિના બધી જ જગ્યાએ હું ફરી છું. મારું ફ્રેન્ડસર્કલ પણ છે. અમે બધા અઠવાડિયામાં એક વાર ઑનલાઇન વાતો કરવા માટે ભેગા થઈએ. એ સિવાય મહિને બે વાર કોઈના ઘરે અથવા તો બહાર રેસ્ટોરાંમાં કે રિસૉર્ટમાં ગેટ-ટુગેધર રાખીએ. સાથે મળીને ગેમ્સ રમીએ, વાતો કરીએ, જમીએ.’

gujarati community news juhu columnists exclusive gujarati mid day