આજે ૧૦૦મી વર્ષગાંઠ ઊજવી રહેલાં આ બા પાસેથી કઈ વાતો શીખવા જેવી છે?

28 November, 2025 12:33 PM IST  |  Mumbai | Kajal Rampariya

જીવનની શતાબ્દી સુખરૂપ પૂરી કરનારાં મુલુંડનાં લાભુબહેન સોલાણીની યાદશક્તિ આજે પણ જોરદાર છે. અર્થપૂર્ણ અને ધર્મધ્યાન સાથે મોજનું જીવન કઈ રીતે જીવાય એનાં ઉદાહરણરૂપ લાભુબહેન દેશ-દુનિયાના ખબર પણ રાખે છે

લાભુબહેન ધીરજલાલ સોલાણી

૧૦૦ વર્ષનો જીવનમાર્ગ માત્ર ઉંમરનો આંકડો નથી. એ અનુભવો, ભક્તિ, ધૈર્ય અને આત્મશક્તિનો અમૂલ્ય ખજાનો છે અને મુલુંડમાં રહેતાં લાભુબહેન ધીરજલાલ સોલાણી એનું એક જીવંત ઉદાહરણ છે. એક શતાબ્દી પૂરી કરી ચૂક્યાં હોવા છતાં તેમનો જીવન જીવવા પ્રત્યેનો દૃષ્ટિકોણ, સરળતા અને શાંત મિજાજ એ શીખ આપે છે કે ઉંમર તો માત્ર શરીરને સ્પર્શે છે, આત્માને નહીં. જીવન લાંબું નહીં પણ અર્થપૂર્ણ કેવી રીતે બનાવવું એ તેમની પાસેથી શીખવા જેવું છે. લાભુબહેને આજે ૨૮ નવેમ્બરે ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં છે અને આ નિમિત્તે તેમના પરિવારે વિશેષ રીતે તેમની વર્ષગાંઠ સેલિબ્રેટ કરવાનું આયોજન કર્યું છે.

વાંકાનેરથી મુંબઈ સુધીની જર્ની

લાભુબહેનનું જીવન પહેલેથી જ વૈવિધ્યસભર રહ્યું છે ત્યારે તેમના જીવન વિશેની રસપ્રદ વાતો શૅર કરતાં તેમના નાના દીકરા મનોજભાઈની મોટી દીકરી વિમી ચિરાગ શાહ કહે છે, ‘મારાં દાદીનો જન્મ ૧૯૨૫માં ગુજરાતના વાંકાનેરમાં થયો હતો. છ ચોપડી ભણ્યાં હોવા છતાં તેમનું જ્ઞાન જીવનના અનુભવોથી ભરપૂર છે. તેમના પિતા એટલે મારા નાના બુદ્ધિશાળી હતા. BA પાસ હોવાથી તેઓ સારા શિક્ષક તો હતા જ, સાથે ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના એડિટર તરીકે પણ તેમણે કામ કર્યું હતું. ઓપન-માઇન્ડેડ ફૅમિલીમાં ઊછરેલાં મારાં દાદીનાં લગ્ન પણ બિઝનેસનું બૅકગ્રાઉન્ડ ધરાવતા મારા દાદા ધીરજલાલ સોલાણી સાથે થયાં હતાં. તે પણ વાંકાનેરમાં જ રહેતા હતા. એક વખત વાંકાનેરમાં પૂર આવ્યું ત્યારે મારાં બાએ અસરગ્રસ્ત લોકોને આશરો આપીને જમાડ્યા હતા. એ વખતે મારા પપ્પાએ મુંબઈ જવાની પરમિશન લઈને BCom પૂરું કર્યું. મુંબઈના ભાંડુપમાં ઘર લઈને મારા પપ્પા મનોજભાઈ અને તેમના મોટા ભાઈ જયેશભાઈએ પ્લાસ્ટિકનો બિઝનેસ જમાવ્યો અન તેઓ દાદા-દાદીને મુંબઈ લઈ આવ્યાં. તેઓ આવ્યા બાદ અમે મુલુંડ શિફ્ટ થયા અને ૨૦૧૦માં દાદાજીનું ૮૬ વર્ષની ઉંમરે અવસાન થયું. જોકે બાની તંદુરસ્તી સૌને આશ્ચર્યમાં મૂકે છે. તેમને ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર નથી અને એકદમ સ્વસ્થ જીવન જીવે છે. બા અને બાપુજીનાં ત્રણ દીકરી અને બે દીકરા એટલે સ્વ. મીના વોરા, રશ્મિ શાહ, રાજુલ મહેતા, જયેશભાઈ અને મનોજભાઈ છે. તેમનો પરિવાર આજે વધીને ૩૨ જણનો થયો છે. તેમણે પરિવારના સંબંધોને જોડીને રાખવાનું કામ જીવનભર નિભા‍વ્યું છે અને તેમણે આપેલા સંસ્કારને અમે આગળ વધારીએ છીએ. અમારી ફૅમિલીનું બૉન્ડિંગ તેમના કારણે સારું બન્યું છે.’

દાદી અમારાં કૂલ છે

દિગંબર જૈન પરિવારનાં લાભુબહેન સોનગઢના કાનજીસ્વામીને બહુ માને છે. તેમણે આ સ્વામીનાં દર્શન પણ મેળવ્યાં છે એમ જણાવીને તેમના રૂટીન અને ભક્તિ વિશે વાત કરતાં વિમીબહેન કહે છે, ‘સવારે ૭ વાગ્યે તો બાની આંખ ખૂલી જ જાય. દરરોજ સવારે જાતે નિત્યક્રમ પતાવીને પ્રવચન સાંભળે છે, ચોવિહાર કરવો તેમનો નિયમિત ક્રમ છે. સાંજે છ વાગ્યે આજની તારીખમાં પણ તેઓ ચોવિહાર ક્યારેય ચૂક્યાં નથી. તેઓ આ ઉંમરે પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવાની ક્રિયા પણ કરી લે છે. તેઓ અખબાર અને ધર્મને લગતાં પુસ્તકો વાંચે છે અને એમાંથી સારું જ્ઞાન મેળવીને અમને સમજાવે કે જીવનમાં ભક્તિ બહુ મહત્ત્વની છે, એ તો કરવી જ જોઈએ. તેમણે શરૂઆતથી જ પ્યૉર જૈન ધર્મ પાળ્યો હોવાથી, બટાટા કે બીટ ચાખ્યાં પણ નથી. આજની તારીખમાં તેઓ બધું જ ખાય છે. બસ બ્રેડ, પાંઉ, બહારથી લાવેલી કેક જેવી મેંદાની આઇટમો ખાતાં નથી. જો કેક ઘરે બનાવી હશે તો જરૂર ચાખશે. મારાં દાદીનો સ્વભાવ બહુ કૂલ છે. તેઓ ધર્મનાં પુસ્તકો વાંચવાની સાથે દેશ અને દુનિયાના પણ ખબર રાખશે. અમને નહીં ખબર હોય પણ તેમને ખબર હશે કે સલમાન ખાન અત્યારે શું કરે છે. બાની યાદશક્તિને પણ દાદ દેવી પડે. નામ અને વ્યક્તિ બહુ યાદ રાખે. મારા ફ્રેન્ડ્સ ઘરે આવે તો તેમનું નામ પણ ભૂલતાં નથી. હું ઘરે આવું તો મને મારા ફ્રેન્ડ્સનાં નામ લઈને પૂછે કે તે શું કરે છે અત્યારે? એટલું જ નહીં, વાળ કે ચહેરા પર બ્યુટી-ટ્રીટમેન્ટ કરાવી હોય તો તરત ખબર પડી જાય. પૂછે અમને કે વાળને શું કરાવ્યું? હવે આવી ફૅશન નીકળી છે? નેઇલ-આર્ટ જોઈને પણ તેમને ક્યુરિયૉસિટી થાય. નખમાં આવું બધું પણ થાય? આ બધું જાણે-સમજે અને કન્ટેમ્પરરી ટ્રેન્ડથી અપડેટ રહે. વિડિયોકૉલથી પણ કોઈ વાત કરશે તો તરત જ ઓળખી જશે. તેમણે તેમનાં દીકરી એટલે મારાં ફોઈબાને પણ ક્યારેય રિસ્ટ્રિક્શનમાં રાખ્યાં નથી. પહેલેથી જ તેઓ ઓપન-માઇન્ડેડ રહ્યાં છે. તેઓ પોતાની વહુઓ એટલે મારાં મમ્મી અને મોટાં મમ્મીને પણ દીકરીની જેમ ટ્રીટ કરે છે અને ક્યારેય સાસુપણું દેખાડ્યું નથી. તેઓ સ્વભાવે પણ બહુ કૅરિંગ છે. કોઈને તકલીફ ન પડે એ માટે ક્યારેક પીડામાં હોય તોય જાતે ઊઠવાની કોશિશ કરે અને જો ન થાય તો જ મદદ માગે. અમારા ઘરે કામ કરવા આવતાં આન્ટીને પણ ઘરે આવે ત્યારે સૌથી પહેલાં પૂછે કે જમીને આવી? જો ન જમી હોય તો અહીં જમી લે.’

૧૦૫નું છે આયુષ્ય

લાભુબહેનના દીકરા મનોજભાઈ તેમના વિશે વધુ જણાવતાં કહે છે, ‘મારા નાનાજી શિક્ષિત હોવાની સાથે જ્યોતિષના જાણકાર પણ હતા. તેમણે એક વખત બાને કહ્યું હતું કે તારું આયુષ્ય ૧૦૫ વર્ષનું છે. ત્યારથી તેમના મગજમાં એ વાત ઘર કરી ગઈ છે. એટલે જ્યારે કંઈ વાત નીકળે ત્યારે એમ જ કહે કે મારા નસીબમાં જીવવાનું લખ્યું છે તો હું તો જીવીશ; મેં અત્યાર સુધી ગુલામીથી લઈને સ્વતંત્રતા, વિકાસ અને કોરોના સુધી બધું જ જોઈ લીધું છે અને હજી પણ થોડું જોઈ લઈશ. કોરોનાકાળ દરમ્યાન બા કહેતાં કે મુંબઈમાં બૉમ્બલાસ્ટ અને પૂર જેવી આપદા આવી તોય એ બંધ નહોતું થયું અને કોરોના વાઇરસે ધબકતા મુંબઈને બંધ કરી નાખ્યું.’

જન્મદિવસનું છે વિશેષ પ્લાનિંગ

લાભુબહેનના જન્મદિવસનું તેમના પરિવારે વિશેષ પ્રકારે સેલિબ્રેશન કરવાનો નિર્ણય લીધો છે. બર્થ-ડેનું પ્લાનિંગ જણાવતાં તેમના નાના દીકરા મનોજભાઈ કહે છે, ‘આવું તો પહેલી વાર જોયું. તેથી અમે બિલ્ડિંગના હૉલમાં નવકાર જાપનું આયોજન કર્યું છે અને સાથે જમણવાર પણ રાખ્યો છે. મારા પાડોશીને જ્યારે ખબર પડી કે મારાં બા ૧૦૦ વર્ષ પૂરાં કરવા જઈ રહ્યાં છે તો તેઓ આશીર્વાદ લેવા આવ્યા અને સાથે મને શાલ ઓઢાડીને સન્માન કર્યું અને ભેટસ્વરૂપે ચાંદીનો સિક્કો અને મીઠાઈ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. બાનું ખુશીભર્યું જીવન જોઈને તેઓ ભાવવિભોર થઈ ગયા હતા. પહેલાં તો અમારું પ્લાનિંગ મોટા પાયે સેલિબ્રેશન કરવાનું હતું, પણ અમને આ તારીખે મોટો હૉલ મળ્યો નહીં અને બાની ઉંમર જોતાં તેઓ બે-ત્રણ કલાક એકધારા બેસી શકે એમ નથી એટલે માંડી વાળ્યું. જોકે અમે તેમના જન્મદિવસે તેમને ભાવતા લાડવા, એક જપમાળા અને ડ્રાયફ્રૂટ્સ ભરેલું બૉક્સનું હૅમ્પર બનાવીને અમારાં સગાંવહાલાં અને મિત્રો મળીને ૨૦૦ લોકોને ઘરે-ઘરે આપવાનું નક્કી કર્યું છે. એની સાથે ઘાટકોપર અને મુલુંડના દેરાસરમાં જ્યાં બા નિયમિત દર્શન કરવા જતાં ત્યાં વિશેષ પૂજાનું આયોજન કર્યું છે અને સાથે ઘરમાં પણ થોડું ડેકોરેશન કરીને સેલિબ્રેટ કરવાના છીએ.’

mulund gujaratis of mumbai columnists