૨૫ વર્ષમાં હજારેક દંપતીઓને આપ્યા છે ગર્ભાધાન સંસ્કાર

18 March, 2025 07:23 PM IST  |  Mumbai | Jigisha Jain

વેદ-ઉપનિષદનું સ્વઅધ્યયન કરીને એમાંથી મેળવેલા જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યાં છે જયા પટેલ : આવનારા બાળક માટે શારીરિક, માનસિક અને આત્મિક સજ્જતા કેળવવા માટે ભણેલાં-ગણેલાં પ્રોફેશનલ યુવા દંપતીઓ તેમની પાસે આવે છે.

જયા પટેલ (સૌજન્ય:મિડ-ડે)

વેદ-ઉપનિષદનું સ્વઅધ્યયન કરીને એમાંથી મેળવેલા જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યાં છે જયા પટેલ : આવનારા બાળક માટે શારીરિક, માનસિક અને આત્મિક સજ્જતા કેળવવા માટે ભણેલાં-ગણેલાં પ્રોફેશનલ યુવા દંપતીઓ તેમની પાસે આવે છે. એક પણ પૈસો ન લેતાં જયાબહેન આ કાર્ય શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે કરી રહ્યાં છે.

‘એક જીવાત્માને આ પૃથ્વી પર લાવવો એ એક યજ્ઞ સમાન છે; જેના માટે સમર્પણ જોઈએ, કેટલીયે આહુતિઓ આપવી પડે. પ્રાણીઓ પણ બાળકોને જન્મ આપે છે અને મનુષ્ય પણ બાળકને જન્મ આપે છે, પણ એ બન્નેમાં ફરક છે. જે પ્રકારના જીવોને પૃથ્વી પર લાવવાના છે તેમના વડે એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ આપણે કરવું છે. વેદો અને ઉપનિષદોના બતાવેલા માર્ગ પર ચાલીને આ કાર્ય સિદ્ધ થઈ શકે એમ છે.’

આ શબ્દો છે ચેમ્બુરમાં રહેતાં ૬૬ વર્ષનાં જયા પટેલના જેમની હેઠળ છેલ્લાં ૨૫ વર્ષથી અઢળક દંપતીઓ ગર્ભાધાન સંસ્કાર લઈ ચૂક્યાં છે. વેદોમાં ૧૬ સંસ્કાર વિશેનું જ્ઞાન છે જ. એમાં પણ ખાસ ગર્ભાધાન સંસ્કાર પર જયાબહેને ઊંડો અભ્યાસ કર્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ લોકો ફૅમિલી-પ્લાનિંગ વિશે વિચારવાનું શરૂ કરે એ પહેલાં જ, ગર્ભાધાન સંસ્કાર મારફત આવનારા બાળક માટે શારીરિક, માનસિક અને આત્મિક સજ્જતા કેળવે છે. આજના ટેસ્ટટ્યુબ બેબીઝના સમયમાં બાળકના જન્મની પ્રક્રિયા વધુ ને વધુ ટેક્નિકલ બનતી જાય છે ત્યારે આ પ્રક્રિયાને આત્મિક અનુભવ બનાવવા માટેનો સજાગ પ્રયાસ જયાબહેન કરે છે.

શરૂઆત કઈ રીતે?
જયાબહેનને નાનપણથી વેદ-ઉપનિષદમાં રસ હતો અને એ રસને કેળવતાં તેમણે જાતે એનું અધ્યયન કર્યું. છેલ્લાં કેટલાંય વર્ષોથી તેમનાં પ્રવચનો અને શિબિરો દ્વારા લોકોને સાચું જ્ઞાન અને સાચી સમજ કેળવવામાં તેઓ મદદરૂપ થઈ રહ્યાં છે. ગર્ભસંસ્કાર પર કામ કરવાની ઇચ્છા કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં જયાબહેન કહે છે, ‘મને ખુદને એટોપિક પ્રેગ્નન્સી રહી હતી અને એને કારણે લગ્નનાં ૮ વર્ષ પછી મને મા બનવાનું સુખ મળ્યું. એક સ્ત્રી માટે મા બનવાનું મહત્ત્વ કેટલું હોય છે એ જાતઅનુભવ પરથી હું સમજી શકી. એ પછી મારાં દેર-દેરાણી બાળક વિશે વિચારતાં હતાં ત્યારે તેમને IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે કૃત્રિમ ગર્ભાધાન દ્વારા બાળક પેદા કરવાનું સજેશન મળ્યું ત્યારે મને અંદરથી એવું લાગ્યું કે આપણા દરેક પ્રશ્નનો જવાબ વેદોમાં છે. વૈદિક પરંપરાઓ અને ૧૬ સંસ્કાર મને પહેલેથી ઘણા આકર્ષિત કરતા હતા. એમાં જેમ-જેમ ઊંડી ઊતરતી ગઈ એમ-એમ મને વધુ ને વધુ રસ પડતો ગયો. મારી પાસે મહર્ષિ દયાનંદ સરસ્વતી લિખિત ૧૬ સંસ્કાર પરનું પુસ્તક છે જેનું અધ્યયન મેં એ સમયે શરૂ કર્યું હતું. પૂરી જાણકારી મેળવી અને જ્યારે એ વિશ્વાસ થયો કે મારું જ્ઞાન લોકોને કામ લાગશે એટલે મેં આ સંસ્કાર આપવાનું શરૂ કર્યું.’

ગર્ભાધાન સંસ્કાર જ કેમ?
આ વિધિ જ કેમ પસંદ કરી એ પ્રશ્નનો રસપ્રદ જવાબ આપતાં જયાબહેન કહે છે, ‘બીજી વિધિઓ માટે લોકો પંડિત-પુરોહિતને શોધતા આવતા હોય છે. એમાં પડીને મારા બ્રાહ્મણ ભાઈઓના પેટ પર મને લાત મારવી નહોતી. ગર્ભાધાન સંસ્કાર પણ પંડિતો કરાવી જ શકે અને કરાવતા જ હોય છે, પરંતુ એક સ્ત્રી તરીકે હું એ જેવા કરાવી શકું એ ફીલિંગ્સ તેમનામાં નથી આવતી. મેં બેચાર જગ્યાએ જોયું પણ ખરું, પણ જે રીતે તેઓ આ કરાવતા હતા એ રીત યોગ્ય નહોતી. હું સમજી શકી કે તેઓ જે કરાવે છે એમાં અને હું જે કરાવીશ એમાં ઘણો ફરક છે એટલે મેં આ કામ પસંદ કર્યું.’

શું કરાવે?
આમ તો જયાબહેન ગૃહપ્રવેશ વિધિ પણ જાણે છે, પરંતુ ગર્ભાધાન સંસ્કાર તેમના કાર્યનું મુખ્ય ક્ષેત્ર છે. કોઈ પણ દંપતી જ્યારે વિચારે કે હવે તેમને તેમનો પરિવાર આગળ વધારવો છે એ પહેલાં જયાબહેન તેમને આ સંસ્કાર આપે છે. એમાં કરવાનું શું હોય એ જણાવતાં જયા પટેલ કહે છે, ‘લોકો હંમેશાં ક્રિયાકાંડોને ખૂબ મહત્ત્વ આપે છે, જેના કારણે એની પાછળ રહેલા હાર્દને તેઓ સમજી નથી શકતા. હું ગર્ભાધાનનો યજ્ઞ તો કરાવું જ છું, પરંતુ એ પહેલાં ૪૫ મિનિટ સુધી એક જીવને દુનિયામાં લાવતાં પહેલાં જરૂરી બાબતો તેમને સમજાવું છું. મુખ્ય વાત એ છે કે વ્યક્તિની પાત્રતા પહેલાં કેળવવી પડે, પછી જ આગળ વધી શકાય. શું કરવું અને શું ન જ કરવું, શું જરૂરી છે અને શું ન કરવું ખૂબ જ જરૂરી છે એ બધું તેમને વિસ્તારપૂર્વક સમજાવું છું. મારી પાસે આવનારાં ઘણાં દંપતીઓને મેં કહ્યું છે કે આ ૪૫ મિનિટનું જ્ઞાન સૌથી વધુ જરૂરી છે, એ પછી પ્રતિકૂળ સંજોગોમાં યજ્ઞ નહીં થાય તો પણ ચાલશે. મુખ્ય વાત એ છે કે તમે સમજો કે આ છે શું.’

ગર્ભસંસ્કારનું હાર્દ
ગર્ભધારણ થયા પછી પણ ઘણી બાબતો છે જેના વિશે સતર્ક રહેવું જરૂરી છે. માતા-પિતા બન્નેને એક વાત ખાસ કહેવામાં આવે છે કે તમારા વિચારો અને આચારોની સીધી અસર  બાળક પર પડે છે. ઉદાહરણ સાથે સમજાવતાં જયાબહેન કહે છે, ‘ઘરમાં સાસુ-વહુ વચ્ચે બનતું ન હોય અને બાળકની મા સાસુ વિરુદ્ધ કંઈ પણ બોલે, વિચારે તો એ વિચારો અને એનો ભાવ સીધો બાળકના મનમાં ઘર કરે. આવા સમયે હું તેમને સલાહ આપું છું કે બાળકની જોડે આ વિશે વાત કરો. કબૂલો કે આ જે નકારાત્મક વિચારો આવ્યા હતા એ યોગ્ય નહોતા. ૯ મહિના તમે જ્યારે ગર્ભ ધારણ કર્યો હોય ત્યારે ગમેતેટલું ધ્યાન રાખો પણ એવું શક્ય નથી કે કોઈ નકારાત્મક લાગણીઓ આવે જ નહીં, પરંતુ એની અસર બાળક પર ન થાય એ માટે તમારે પ્રયત્ન કરવો પડે. ઘરમાં કેવા પ્રકારનું વાતાવરણ ઊભું કરવું, મનને કઈ રીતે પ્રસન્ન રાખવું એ વિશે હું લોકોને સમજ આપવાનો પ્રયાસ કરું છું જે ગર્ભસંસ્કારનું હાર્દ છે.’

ફાયદો શું?
આ પ્રકારે સંસ્કાર લેવાથી અને સજ્જ થવાથી શું લાભ મળે છે એ વાત કરતાં જયાબહેન કહે છે, ‘હું છેલ્લાં ૨૫ વર્ષથી આ કામ કરું છું એમાં જેમના પણ સંસ્કાર મેં કરાવ્યા છે એ બધાના પ્રતિભાવો સતત મને મળતા રહે છે. આ પ્રકારે જન્મેલાં બચ્ચાંઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ જન્મે છે. આજકાલ ૭૦૦-૮૦૦ ગ્રામનાં જન્મતાં પ્રી-મૅચ્યોર બાળકોની સંખ્યા વધુ છે ત્યારે આ સંસ્કાર આ પરિસ્થિતિને ટાળવામાં મદદરૂપ થાય છે, જે ખૂબ જરૂરી છે. ઘણી મમ્મીઓ મને કહે છે કે અમારાં બાળકો ભીડથી જુદાં તરી આવે છે; તેમની સમજ, તેમનું સ્વાસ્થ્ય અને તેમની સમગ્રતા બીજાં બાળકો કરતાં ઘણી જુદી છે. આ કોઈ કાલ્પનિક વાતો નથી, જે અનુભવે તેને સમજ પડે છે. આ બાળકોનું વ્યક્તિત્વ ઘડતર ઘણું જુદું થાય છે.’

આજની પેઢી
એવું લાગે છે કે આજે લોકોને ધર્મ અને પુરાણોમાં રસ નથી, પરંતુ એવું જરાય નથી એમ સમજાવતાં જયાબહેન કહે છે, ‘આજકાલના યુવાનોને વેદિક પરંપરા અને પુરાણોમાં ઘણો રસ છે. ચરક અને સુશ્રુતને સાંભળવામાં રસ છે. તેઓ જે કહી ગયા એના પર અમલ કરવામાં પણ એટલો જ રસ છે. બસ, તમે તેમને યોગ્ય રીતે આ વાતો સમજાવી શકો તો. આંખ બંધ કરીને ચાલનારી આ પ્રજા નથી. તેઓ તર્કનો છેડો ઝાલીને જ આગળ વધે છે. મારી પાસે પાઇલટ, એન્જિનિયર, ડૉક્ટર્સ, MBA કપલ્સ પણ ઘણાં આવે છે. ઊલટું તેમને એ જિજ્ઞાસા છે અને જાણવું છે કે ઋષિમુનિઓની પરંપરા શું હતી. મારા પતિ ડૉક્ટર છે. મારા બે પુત્રોમાંથી એક ફિઝિશ્યન છે અને મારી પુત્રવધૂ બાળનિષ્ણાત ડૉક્ટર છે. મેડિકલ સાયન્સ હું ભણી નથી, પરંતુ ઘરમાં બધા ડૉક્ટર્સ છે એટલે જ્ઞાન હું મેળવતી ગઈ. એટલે આ ભણેલા યુવાનોને તેમને સમજાય એવી ભાષામાં હું સમજાવવાનો પ્રયાસ કરું છું જેને કારણે તેઓ એ જૂના જ્ઞાનને આજના પરિપ્રેક્ષ્યમાં વધુ સારી રીતે સમજી શકે છે અને આત્મસાત કરી શકે છે.”

કાર્ય આગળ વધારવાની પહેલ
જયાબહેન હેઠળ ગર્ભસંસ્કાર મેળવેલી ઘણી છોકરીઓ આ વિષયમાં તેમની પાસેથી ઘણું જ્ઞાન મેળવી ચૂકી છે અને ખુદ આ યજ્ઞમાં જોડાઈ ગઈ છે એ વાત જણાવતાં જયાબહેન કહે છે, ‘મને પહેલેથી એમ હતું કે આ કાર્ય ઘણું આગળ વધવું જોઈએ, પરંતુ હું એકલી કેટલું પહોંચી વળવાની હતી? એટલે મારી હેઠળ જેમણે આ સંસ્કાર મેળવ્યા છે એ છોકરીઓમાંથી જેમને ખૂબ રસ હતો અને જે પાત્રતા ધરાવતી હતી તેમને મેં આ કામ શીખવ્યું છે. એવી ૪-૫ છોકરીઓ છે જે હવે મારું આ કામ આગળ વધારી રહી છે અને મારી જેમ જ આ સેવાકાર્યમાં જોડાયેલી છે. મને લાગે કે કોઈ વ્યક્તિ એમાં બરાબર કરી શકે એમ નથી તો હું તેને આ કાર્યમાં અટકાવું પણ છું અને કહું છું કે હજી વધુ તૈયારી કરવી જરૂરી છે. આમ એ પણ ધ્યાન દેવાની જરૂર ખરી કે કામ આગળ 
વધે, પણ સાચી રીતે અને યોગ્ય રીતે જ થાય.’

પૈસા માટે નહીં
આ કામ માટે જયાબહેન કોઈ પણ દંપતી પાસેથી એક પૈસો પણ લેતાં નથી. એની પાછળનો મર્મ સમજાવતાં તેઓ કહે છે, ‘આ કાર્ય અર્થોપાર્જન માટે મારે નથી કરવું એ બાબતે હું સ્પષ્ટ છું. આ કાર્ય એટલે જ કરી રહી છું કે આપણા ઋષિમુનિઓ જે શીખવી ગયા છે એ શીખ અને એ સંસ્કાર હું આગલી પેઢી સુધી પહોંચાડવા માગું છું. આ મારા માટે એક યજ્ઞ સમાન પવિત્ર કાર્ય છે. મારા જીવનનો અર્થ મને અહીં સરતો દેખાય છે. જો હું આ કાર્ય થકી એક શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં થોડું પણ યોગદાન આપી શકીશ તો મારું જીવન મને સાર્થક લાગશે એ ભાવ સાથે જ હું કાર્ય કરી રહી છું. કોઈ તેમના ઘરે બોલાવે તો હું અંગત રીતે પણ તેમની મદદ કરવા પહોંચી જાઉં છું તો ક્યારેક બધાને મારા ઘરે બોલાવી લઉં છું. સમૂહમાં ૫૧ કપલ્સનો ગર્ભાધાન સંસ્કાર પણ મેં કરાવ્યો છે.’

ગર્ભસંસ્કાર અને ગર્ભાધાન સંસ્કારમાં ફરક શું?
ગર્ભસંસ્કાર એક પ્રચલિત શબ્દ છે. પ્રેગ્નન્સીના ૯ મહિના દરમિયાન અપાતા સંસ્કાર એટલે ગર્ભસંસ્કાર એવી સમજૂતી લોકોના મનમાં છે, પરંતુ શાસ્ત્રોમાં જે શબ્દ મળે છે એ છે ગર્ભાધાન સંસ્કાર જે ૧૬ સંસ્કારોમાંનો પહેલો સંસ્કાર છે. જયાબહેન આ સંસ્કાર પર વધુ ભાર આપે છે કારણ કે આ સંસ્કાર થકી જ જીવનમાં સંસ્કાર મેળવવાની શરૂઆત થાય છે. ગર્ભને ગ્રહણ કરતાં પહેલાં મેળવવા જરૂરી એવા સંસ્કાર એટલે ગર્ભાધાન સંસ્કાર. ઘણા લોકો પ્રચલિત રીતે ગર્ભાધાનને જ ગર્ભસંસ્કાર કહે છે, પણ ટેક્નિકલી જોવા જઈએ તો ગર્ભ ધારણ કર્યા પહેલાં ગર્ભાધાન અને ગર્ભ ધારણ કર્યા પછી ૯ મહિના દરમિયાન અપાતા સંસ્કારમાં આગળના બે એટલે કે પુસંવન અને સીમંતોન્નયનનો સમાવેશ થાય છે.

બાળકો માટે જરૂરી અલગ-અલગ સંસ્કાર 
ગર્ભાધાન સંસ્કાર - ગર્ભધારણ કરો એને ગર્ભાધાન સંસ્કાર લીધા કહેવાય, પણ જયાબહેન માને છે કે જ્યારે તમે માનસિક રીતે વિચારો કે હવે અમારે ફૅમિલી-પ્લાનિંગ કરવું છે ત્યારે તમે ગર્ભાધાન સંસ્કાર લો. એટલે એને સમજી શકાય અને પછી એ મુજબ આગળ વધી શકાય. આ સંસ્કાર દ્વારા પહેલાં પાત્રતા કેળવો. બાળક માટે શારીરિક, માનસિક અને આત્મિક સજ્જતાની કેળવણી એટલે જ ગર્ભાધાન સંસ્કાર. 

પુંસવન સંસ્કાર - એ જ રીતે ગર્ભધારણ કર્યા પછીના ત્રીજા મહિને પુંસવન સંસ્કાર લેવાના હોય છે. એ ગર્ભના શારીરિક વિકાસ માટે જરૂરી હોય છે.

સીમંતોન્નયન સંસ્કાર - સાતમા મહિને સીમંતોન્નયન (સીમંત+ઉન્નયન) સંસ્કાર હોય છે જે ગર્ભના માનસિક વિકાસ માટે હોય છે. એની વિધિ અલગ-અલગ રહે છે. એ વિધિઓના હાર્દમાં એ જ છે કે થનાર માતા-પિતા આ જીવને સંસારમાં લાવવાની જે પહેલ કરી રહ્યાં છે એ પહેલ સંપૂર્ણ રીતે સાર્થક સાબિત થાય.

જાતકર્મ સંસ્કાર - એ પછી બાળકને ગળથૂથી ચટાડે એ જાતકર્મ સંસ્કાર કહેવાય જેમાં બાળકની જીભ પર ઓમ લખવામાં આવે છે. પિતા બાળકના કાનમાં મંત્રોચ્ચાર કરે. ‘સત્યમ બૃયાત, પ્રિયમ બૃયાત’ અને ‘ત્વમ વેદોસી’ જેવાં સાર્થ સૂત્રો બાળકના કાનમાં બોલે. એ દ્વારા તેને એ શીખવવામાં આવે કે હંમેશાં જીવનમાં સત્ય બોલજે અને પ્રિય બોલજે. તેને જતાવવામાં આવે કે તું જેવો-તેવો જીવાત્મા નથી, તું મહાન આત્મા છે અને તારે અહીં સારાં કાર્યો કરવાનાં છે.

નામકરણ સંસ્કાર - બાળકનું જ્યારે નામ પાડવામાં આવે એ સમયે થતી વિધિ એટલે નામકરણ સંસ્કાર. જે નામ સાથે આ જીવ સમગ્ર જીવન પસાર કરશે એ સંસ્કાર અતિ મહત્ત્વના છે.

નિષ્ક્રમણ સંસ્કાર - બાળક પહેલી વાર ઘરની બહાર પગ કાઢે ત્યારે હોય છે નિષ્ક્રમણ સંસ્કાર. ત્યારે સૂર્ય, ચંદ્ર અને સમગ્ર દિશાઓને વિનંતી કરવામાં આવે છે કે તમે તેને સાચો માર્ગ બતાવજો અને તેનું ધ્યાન રાખજો.

અન્નપ્રાશન - ૬ મહિના પછી જ્યારે બાળક પહેલી વાર તેના મોઢામાં અન્ન લે ત્યારે અપાતો સંસ્કાર એટલે અન્નપ્રાશન.

ચૂડાકર્મ સંસ્કાર - બાળકનું મુંડન કરે એ સમયે અપાતા સંસ્કાર. જન્મ સમયે આવેલા વાળ કઢાવી નાખવાની પરંપરા વેદોથી ચાલી આવે છે.

કર્ણભેદ સંસ્કાર - કાન છેદવું પણ એક સંસ્કાર છે. એની પણ એક વિધિ છે.

વેદારંભ સંસ્કાર - બાળક ભણવા જાય એ પહેલાં કરવામાં આવતા સંસ્કાર.

life and style culture news columnists Jigisha Jain hinduism