11 March, 2026 01:02 PM IST | Mumbai | Varsha Chitaliya
હાફ મૅરથૉનમાં દોડી રહેલા શગુન શાહ
હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટની જટિલ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ મહિનાઓ સુધી દરદી ચાલવાનું પણ ટાળે છે, જ્યારે નેપિયન સી રોડ વિસ્તારમાં રહેતા શગુન શાહે હિંમત હાર્યા વિના શારીરિક વ્યાયામ કરીને દોડવાની ક્ષમતા કેળવી. મજબૂત મનોબળને કારણે તેઓ આ ચમત્કાર સર્જી શક્યા. પ્રસ્તુત છે તેમની પ્રેરણાદાયી કહાણી...
૨૦૨૪માં અચાનક ચક્કર આવ્યાં, ધબકારા એકદમ વધી ગયા, હૃદય માત્ર ૧૫ ટકા કામ કરે છે એવું નિદાન થયું. આ ઘટનાએ ઊર્જાથી ભરપૂર એક તરવરતા યુવાનનાં સપનાંને એકઝાટકે તહસનહસ કરી નાખ્યાં. પરિવાર સ્તબ્ધ થઈ ગયો. હૉસ્પિટલનાં ચક્કર, જાતજાતનાં તબીબી પરીક્ષણો, ડોનરની શોધ અને ત્યાર બાદ હાર્ટ-ટ્રાન્સપ્લાટની જટિલ પ્રક્રિયા. આ બધામાંથી પસાર થનારા નેપિયન સી રોડ વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષના ઇન્ફ્રા-ડેવલપર શગુન શાહ પોતાના ગોલને વળગી રહ્યા: મૈં દૌડના ચાહતા હૂં, ઉડના ચાહતા હૂં... બસ, રુકના નહીં ચાહતા.
બીજા કોઈના હૃદયને પોતાની છાતીમાં ધરબીને શગુન શાહ આજે દોડી પણ શકે છે. આ ચમત્કાર કઈ રીતે થયો એની પ્રેરણાત્મક કહાણી જાણીએ.
શગુન શાહ એકદમ સામાન્ય જીવન જીવી રહ્યા હતા. તેમની કંપની રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પ્રોજેક્ટના કૉન્ટ્રૅક્ટ્સ લે છે. આખો દિવસ તાડદેવમાં આવેલી ઑફિસના કામકાજમાં વ્યસ્ત રહેતા. શગુનભાઈને હરવાફરવાનો અને પૅડલ રમવાનો શોખ હતો. ૨૦૨૧માં નિયમિત હેલ્થ-ચેકઅપ કરાવતી વખતે કેટલાંક એવાં લક્ષણો દેખાયાં જેનું નિદાન ડાયલેટેડ કાર્ડિયોમાયોપથી (DCM) તરીકે થયું. હૃદયના સ્નાયુઓ સંબંધિત આ સમસ્યામાં ડાબી બાજુની વેન્ટ્રિકલની કાર્યક્ષમતા નબળી પડે છે જે હૃદયના પમ્પિંગની કાર્યશીલતાને અસર કરે છે. વેન્ટ્રિકલનો અર્થ છે ક્ષેપક. એ હૃદયની નીચેની ચેમ્બર છે જે રક્તને હૃદયમાંથી બહાર ધકેલે છે. હૃદયમાં બે વેન્ટ્રિકલ હોય છે : જમણું વેન્ટ્રિકલ શરીરમાંથી ફરીને આવેલું ડીઑક્સિજનયુક્ત રક્ત ફેફસાંમાં પમ્પ કરે છે અને ડાબું વેન્ટ્રિકલ ફેફસાંમાંથી ઑક્સિજનયુક્ત થઈને આવેલું રક્ત શરીરમાં પમ્પ કરે છે શગુન શાહના હૃદયનો ઇજેક્શન ફ્રૅક્શન (EF) ૨૦ ટકા આવ્યો. EF એ ડાબા વેન્ટ્રિકલ દ્વારા દરેક ધબકારા સાથે પમ્પ કરવામાં આવતા રક્તના પ્રમાણનું માપ છે. સામાન્ય હૃદયના ધબકારાનો EF પંચાવનથી સિત્તેર ટકાની વચ્ચે હોય છે.
આ નિદાન પછી ડૉક્ટરે દવા લખી આપી અને બધું સ્થિર હોવાનું જણાયું. દવાની સાથે શગુન શાહ નિયમિત જીવન વિતાવવા લાગ્યા, પણ ભવિષ્યમાં મોટી સમસ્યા આવવાની હતી. શગુન કહે છે, ‘નવેમ્બર ૨૦૨૪માં પૅડલ રમતાં-રમતાં અચાનક ઢળી પડ્યો. શ્વાસ લેવામાં તકલીફ પડી અને ખૂબ થાક લાગ્યો. તાત્કાલિક ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યો. જુદાં-જુદાં તબીબી પરીક્ષણો બાદ એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલના ડૉ. અન્વય મુલે અને તેમની ટીમે હાર્ટ-ફેલ્યરનો કેસ હોવાનું નિદાન કર્યું. EF ૧૫ ટકા હતો. વિશ્વાસ નહોતો આવતો કે મારો કેસ આટલો ગંભીર છે. પત્ની અને પરિવારના સભ્યો આઘાત પામ્યાં. અહીંથી શરૂ થઈ નવી સફર.’
શગુન શાહ એવા સ્ટેજ પર હતા જ્યાં દવાઓ કામ ન લાગે. સામાન્ય જીવનશૈલી માટે ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર વિકલ્પ હતો. હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટની વાત સાંભળીને તેમની વાઇફ જેનિતા પર જાણે આભ તૂટી પડ્યું. થોડી વાર કંઈ બોલી ન શકી. પતિની સફર વિશે વાત કરતાં જેનિતા કહે છે, ‘શગુન હાર માનીને બેસી રહે એવો ઢીલોપોચો નથી. તેનાં ઘણાં સપનાંઓ છે. તે હંમેશાં નવા ગોલ સેટ કરતો રહે છે. જિંદગીને ભરપૂર માણવાની તેની ઇચ્છા અને ફાઇટિંગ સ્પિરિટ જોઈને મારામાં પણ હિંમત આવી. તેણે મને સમજાવ્યું કે વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે, હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ મોટી વાત નથી. ત્યાર બાદ નૅશનલ ઑર્ગન ઍન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશનમાં એનરોલ થવા ફૉર્મ ભર્યું. મને વિશ્વાસ હતો કે યુનિવર્સમાં એક હાર્ટ છે જે શગુન માટે આવશે.’
વાતનો દોર હાથમાં લેતાં શગુન શાહ કહે છે, ‘પાંચ દિવસમાં પુણેથી સારા સમાચાર આવ્યા. આંખ, લિવર, કિડની અને હૃદય ડોનેટ કરીને એક યુવાને ૭ જણને જીવતદાન આપ્યું હતું. તેનું હૃદય મૅચ થતાં આશા જાગી. ૨૦૨૪ની પચીસમી નવેમ્બરે ૧૦ કલાક સર્જરી ચાલી. બે દિવસે ભાનમાં આવ્યા બાદ ઊભા થવા માટે ટેકો લેવો પડ્યો. ચાલવા માટે કોઈકની સહાયની જરૂર પડી. હું બરાબર ચાલી શકીશ? કાર ચલાવી શકીશ કે નહીં? સર્જરી પછીનું જીવન કેવું હશે? આ પ્રશ્નોના કોઈ જવાબ નહોતા. હૉસ્પિટલમાં દેખભાળ રાખતી નર્સે પ્રોત્સાહિત કરતાં કહ્યું કે નિરાશ ન થાઓ, તમે બધું કરી શકશો; અરે, મૅરથૉન પણ દોડશો. આ વાત મગજમાં બેસી ગઈ. મિશન મૅરથૉનનો ગોલ સેટ કર્યો.’
મૂળ પાલનપુરના દેરાવાસી જૈન શગુન શાહની હૉસ્પિટલના કાર્ડિૅઍક રીહૅબ પ્રોગ્રામ હેઠળ ટ્રેઇનિંગ શરૂ થઈ. જેનિતાનો સાથ અને ડૉક્ટરોની ટીમ ખડેપગે હતી. એક જ શરત હતી કે બૉડી ગ્રીન સિગ્નલ આપે એટલું જ આગળ વધવું. શગુનભાઈ કહે છે, ‘શરૂઆતમાં ૨૦૦-૫૦૦ મીટર ચાલવામાં પણ થાક લાગતો હતો. છતાં ગિવઅપ કરવાનો વિચાર ક્યારેય નથી આવ્યો. ધીમે-ધીમે ચાલવાની ક્ષમતા વધારી. એક સ્ટેજ આવ્યો જ્યારે હું થોડી-થોડી વારે રેસ્ટ લઈને ૧૦ કિલોમીટર સુધી ચાલ્યો. જેનિતા ન્યુટ્રિશનિસ્ટ છે. હૉસ્પિટલના ડાયટિશ્યનના ચાર્ટને સારી રીતે સમજીને પોતાના સુપરવિઝનમાં ફૂડ તૈયાર કરાવતી. ૧૪ મહિનાના સહિયારા પ્રયત્નોના અંતે ૨૦૨૬ની ૧૮ જાન્યુઆરીએ તાતા મૅરથૉનમાં ૨૧ કિલોમીટરની હાફ મૅરથૉન દોડ્યો. ફિનિશલાઇન સુધી પહોંચતાં બે કલાક ૫૪ મિનિટ લાગી. મને સપોર્ટ કરવા અને કટોકટી ઊભી થાય તો પહોંચી વળવા ડૉ. દિશા પૂજારી અને ડૉ. મિતિ મહેતા પણ દોડ્યાં. સૌનું કહેવું હતું કે ટાઇમલાઇન મહત્ત્વની નથી, અન્યના હૃદય સાથે ફિનિશલાઇન સુધી પહોંચવું એ ચમત્કાર છે. ઑર્ગન-ટ્રાન્સપ્લાન્ટ પછી જીવન અટકતું નથી એવો સંદેશ પહોંચાડવામાં અમે સફળ રહ્યા. આવતા વર્ષે ફુલ મૅરથૉન દોડવાનો ગોલ સેટ કર્યો છે.’
શગુનભાઈને પૅડલ અને ક્રિકેટ રમવાનો તેમ જ વિદેશ ફરવાનો ઘણો શોખ છે. અગાઉ તેઓ ખૂબ હરતા-ફરતા. હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ પછી ઇન્ટરનૅશનલ નિયમો અને આરોગ્યની સલામતીના કારણે વિદેશપ્રવાસ પર બ્રેક લાગી ગયો છે. તેઓ કહે છે, ‘નિયમો છે અને ઇન્ફેક્શનનો ભય પણ રહે છે એટલે એક વર્ષથી ઇન્ટરનૅશનલ ટ્રિપ નથી કરી. જોકે અન્ય દેશોની તુલનામાં આરોગ્યની સલામતીની દૃષ્ટિએ જપાન સલામત છે. ટ્રાન્સપ્લાન્ટની ફર્સ્ટ ઍનિવર્સરીને સેલિબ્રેટ કરવા અમે જપાન ગયા હતા.’