18 September, 2025 12:45 PM IST | Mumbai | Heena Patel
વસુંધરા ગુપ્તે અને ખુશી શાહ
આજની યુવા પેઢી પર્યાવરણ પ્રત્યે વધુ જાગરૂક અને જવાબદાર થઈ છે એટલે જ વૃક્ષારોપણ, સમુદ્રકિનારાઓની સફાઈ, રીસાઇક્લિંગ પ્રોજેક્ટ્સ અને અવેરનેસ પ્રોગ્રામ્સમાં એ સક્રિય રીતે ભાગ લે છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી તેઓ સસ્ટેનેબલ વિંગ, પ્લાસ્ટિકની ઉપયોગ ઓછો કરવો અને કુદરતી સંસાધનોનો ઉપયોગ જાળવીને કરવો એના પાવરફુલ મેસેજિસ લોકોમાં સ્પ્રેડ કરવાનું કામ કરે છે. પર્યાવરણ માટે કામ કરતું આવું જ એક ઑર્ગેનાઇઝેશન એટલે ઉર્વરી. ઉર્વરી યુવાઓના નેતૃત્વવાળું એક ઑર્ગેનાઇઝશન છે જે પર્યાવરણના સંરક્ષણ માટે કામ કરે છે. આની સ્થાપના ખુશી શાહ અને વસુંધરા ગુપ્તેએ સાથે મળીને કરી હતી.
આની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે માહિતી આપતાં ઉર્વરીની ૨૧ વર્ષની ફાઉન્ડર ખુશી શાહ કહે છે, ‘હું અને મારી કો-ફાઉન્ડર વસુંધરા અમને બન્નેને પર્યાવરણ પ્રત્યે ખૂબ પ્રેમ છે એટલે પર્યાવરણને નુકસાન થતું હોય એ જોઈને અમને બન્નેને ચિંતા થઈ આવે. મને આજે પણ યાદ છે કે સ્કૂલમાં કોઈ નોટબુકનું પેજ યુઝ કર્યા વગર એકાદ અક્ષર લખીને એને ફાડીને ફેંકી દે તો હું એને કલેક્ટ કરતી. બધા પેજિસને ભેગા કરી એને સ્ટેપલર પિન મારી બુક બનાવીને ફરી ઉપયોગમાં લેતી હતી. એવી જ રીતે વસુંધરા પણ બાળપણથી જ તેની મમ્મીને જોઈને મોટી થઈ છે કે કઈ રીતે તે પ્લાસ્ટિકની થેલીઓ ભેગી કરીને એને રીસાઇક્લિંગ માટે આપતી, રીયુઝ થઈ શકે એવાં રમકડાં અને કપડાં જરૂરિયાતમંદોને આપતી. તેને વૃક્ષો વાવવાનો પણ ખૂબ શોખ હતો. એટલે એ રીતે અમારા બન્નેમાં પર્યાવરણ પ્રત્યે એક સંવેદના રહી છે.’
પોતાની વાતને આગળ વધારતાં ખુશી કહે છે, ‘હું અને વસુંધરા સ્કૂલ-ફ્રેન્ડ્સ છીએ. વાશીની ગોલ્ડક્રેસ્ટ હાઈ સ્કૂલમાં અમે સાથે ભણતાં હતાં. ૨૦૧૯ની વાત છે. અમને સોશ્યલ મીડિયાના માધ્યમથી પૃથ્વીનાં ફેફસાં તરીકે ઓળખાતા ઍમૅઝૉનના જંગલમાં લાગેલી ભયંકર આગને કારણે કઈ હદનું નુકસાન થઈ રહ્યું છે એ સંબંધિત ઘણા ન્યુઝ સાંભળવા મળતા હતા. એ સમયે મારું અને વસુંધરાનું દસમા ધોરણનું ભણવાનું પતી ગયું હતું. એમ છતાં અમારી ફોન પર વાતો થતી રહેતી. એમાં અમે પર્યાવરણને લગતા મુદ્દાઓની જ વાતો કરતાં. આવાબધા ન્યુઝ સાંભળીને અમારું મન દુખી થતું. એટલે પછી અમે પર્યાવરણ માટે આપણે આપણી ક્ષમતા મુજબ શું કરી શકીએ એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું. એ રીતે પછી અમે ઉર્વરીના નામે એક ઑર્ગેનાઇઝેશન બનાવ્યું. ઉર્વી એટલે ધરતી અને વારી એટલે પૃથ્વી અને બન્નેને મિક્સ કરીને ઉર્વરી નામ આપ્યું.’
કામ કરવાની શરૂઆત કઈ રીતે થઈ અને હાલમાં ઉર્વરી હેઠળ કયાં-કયાં કામો થાય છે એ વિશે વાત કરતાં વસુંધરા ગુપ્તે કહે છે, ‘શરૂઆતમાં અમે ગાર્ડન, પાર્ક, ફુટપાથના કિનારે, ઉજ્જડ જમીન વગેરે જગ્યાએ છોડ રોપવાનું શરૂ કર્યું. આ કામમાં અમે અમારા ફ્રેન્ડ્સને અમારી સાથે જોડાવા માટે મનાવ્યા. શરૂઆતમાં તેમને થતું કે અમે રવિવારે શું કરવા સવાર-સવારમાં ઊઠીને આ બધાં કામો કરીએ? જોકે પછીથી તેમને સમજાવા લાગ્યું કે વૃક્ષો રોપીને તેઓ કોઈ સારા કામનો ભાગ બની રહ્યા છે. એ પછી અમારી સાથે બીજા લોકો પણ જોડાવા લાગ્યા. હાલમાં અમારા વૉલન્ટિયર્સ મહિનામાં એક વાર થાણેમાં ટ્રી-પ્લાન્ટેશન ડ્રાઇવમાં જોડાય છે. થાણેના ઑટોડ્રાઇવર્સનું ગ્રુપ જે સદ્ભાવના હરાભરા ફાઉન્ડેશન હેઠળ વૃક્ષારોપણનું કામ કરે છે તેમની સાથે મળીને અમે આ કામ કરીએ છીએ. એ સિવાય અમે જુહુ બીચ અને પ્રભાદેવી બીચ પર સફાઈ કરવાનું કામ કરીએ છીએ. આ કામ અમે મહિનામાં બે વાર વીક-એન્ડમાં કરીએ છીએ. ઘણી વાર અમારી સાથે રેસિડેન્શિયલ સોસાયટીના લોકો અને કૉર્પોરેટ કંપનીઓ જોડાય છે. અમે બીચ ક્લીન-અપ ડ્રાઇવ પણ કરતા હોઈએ છીએ. એ સિવાય અમે ઐરોલીમાં મૅન્ગ્રોવ્ઝ ક્લીન-અપ ડ્રાઇવ પણ કરીએ છીએ. દરિયાકાંઠાના વિસ્તારોનું ધોવાણ અટકાવવામાં, પૂરને નિયંત્રિત કરવામાં અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષવામાં એમની મહત્ત્વની ભૂમિકા હોય છે.’
ઉર્વરી દ્વારા કરવામાં આવતાં બીજાં કામ વિશે વધુ માહિતી આપતાં વસુંધરા ગુપ્તે કહે છે, ‘પ્લાસ્ટિકનો રીયુઝ કરીને અમે ભૂતકાળમાં રસ્તે રખડતા શ્વાનો માટે શેલ્ટર બનાવવાનું પણ શરૂ કર્યું હતું. એક શેલ્ટરમાં ૪૦ કિલો પ્લાસ્ટિકનો અમે ઉપયોગ કર્યો હતો. પ્લાસ્ટિકની બૉટલ્સની અંદર ઠાંસી-ઠાંસીને પ્લાસ્ટિકનાં રૅપર્સ ભરીને અમે ઇકો બ્રિક્સ બનાવી હતી. આવી આશરે ૧૫૦ જેટલી ઇકો બ્રિક્સનો ઉપયોગ કરીને અમે શેલ્ટર બનાવ્યું હતું. એ સમયે કોવિડનો સમયગાળો હતો એટલે એક શેલ્ટર બનાવવામાં ઘણો સમય લાગી ગયો હતો. અમે આવાં કુલ ચાર શેલ્ટર બનાવ્યાં છે. અમે પરવડે એવા ખર્ચે નવી ડિઝાઇન સાથે ફરી આવાં શેલ્ટર બનાવવાની શરૂઆત કરી છે. અમારા વૉલન્ટિયર્સ ઘરે-ઘરેથી પ્લાસ્ટિક એકઠું કરવાનું કામ કરી રહ્યા છે. મહિનાના છેલ્લા રવિવારે તેઓ આ કામ કરે છે. અમે લોકોને અગાઉથી જ ઇન્ફૉર્મ કરી દઈએ છીએ કે અમારા વૉલન્ટિયર્સ આ દિવસે આ સમયે પ્લાસ્ટિક કલેક્ટ કરવા માટે આવશે. અમે સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઇવ વિશે જાણ કરી દઈએ છીએ. એ સિવાય વર્ષ દરમ્યાન અમે ઘણી ડોનેશન ડ્રાઇવ પણ કરીએ છીએ. અમે સર્ક્યુલર ઇકૉનૉમીમાં વિશ્વાસ રાખીએ છીએ. એનો મૂળભૂત વિચાર એ છે કે કોઈ પણ વસ્તુ કચરામાં ન જવી જોઈએ, પણ ફરી ઉપયોગમાં આવવી જોઈએ. એટલે અમે જૂનાં પુસ્તકો, કપડાં, જલદી ખરાબ ન થઈ જાય એવું ફૂડ વગેરે લોકો પાસેથી કલેક્ટ કરીને એને અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, લાઇબ્રેરીમાં પહોંચાડવાનું કામ કરીએ છીએ. એ સિવાય અમે સસ્ટેનેબલ મેન્સ્ટ્રુએશન વિશે ઝૂંપડપટ્ટી, ગ્રામીણ વિસ્તારો અને સ્કૂલોમાં જઈને જાગરૂકતા ફેલાવીએ છીએ. અમે તેમને સમજાવીએ છીએ કે કઈ રીતે સૅનિટરી પૅડ્સ પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવે છે અને એના વિકલ્પ તરીકે તમે પર્યાવરણને અનુકૂળ હોય એવી બીજી કઈ પ્રોડક્ટ્સ વાપરી શકો છો એની માહિતી આપીએ છીએ.’
ઉર્વરી સાથે જોડાયેલા વૉલન્ટિયર્સ અને બધા લોકો મળીને વિવિધ ઍક્ટિવિટીઝ માટે કઈ રીતે કો-ઑર્ડિનેશન કરે છે એ વિશે વાત કરતાં ખુશી કહે છે, ‘અમારી સાથે ૩૦૦થી ૫૦૦ જેટલા વૉલન્ટિયર્સ કામ કરે છે. આ બધા જ યંગસ્ટર્સ છે. એમાંથી કોઈ કૉલેજમાં ભણે છે તો કોઈ જૉબ કરે છે. ઘણા યંગસ્ટર્સ એવા છે જેઓ અમારી સાથે જોડાયા ત્યારે અહીં ભણતા હતા, પણ હવે હાયર એજ્યુકેશન અથવા જૉબ માટે ફૉરેનમાં ગયા છે. એટલે એ લોકો વેકેશનમાં આવે ત્યારે ઍક્ટિવિટીઝમાં જોડાય છે. અમારું એક વૉટ્સઍપ ગ્રુપ છે જેના માધ્યમથી અમે ઍડ્વાન્સમાં જ ઍક્ટિવિટીઝ વિશે માહિતી આપી દઈએ છીએ. એટલે એ દિવસે જે વૉલન્ટિયર્સ અવેલેબલ હોય તે બધા સાથે મળીને કામ કરે. હું પોતે અત્યારે કૅનેડામાં માર્કેટિંગમાં જૉબ કરું છું. મેં બિઝનેસ મૅનેજમેન્ટ ઍન્ડ માર્કેટિંગમાં ડિપ્લોમા કર્યો છે એટલે હું અત્યારે સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોમાં અવેરનેસ ફેલાવવાનું, એન્વાયર્નમેન્ટ માટે કામ કરતાં બીજાં ઓર્ગેનાઇઝેશનો સાથે મળીને ઍક્ટિવિટીનું પ્લાનિંગ કરવાનું કામ સંભાળું છું. વસુંધરાએ લંડનની ક્વીન મૅરી યુનિવર્સિટીમાંથી એન્વાયર્નમેન્ટલ સાયન્સનો અભ્યાસ કર્યો છે. હજી થોડા સમય પહેલાં જ તેનો અભ્યાસ પૂરો કરીને ભારતમાં પાછી ફરી છે અને હવે તે ઉર્વરીના કામને ઑફ અને ઑન ફીલ્ડ પર સંભાળે છે.’