કિશોરકુમાર સાથેની બીજી મુલાકાતમાં મારાથી અજાણતાં જે ભૂલ થઈ એનો આજ સુધી વસવસો છે

15 March, 2026 11:48 AM IST  |  Mumbai | Rajani Mehta

વર્ષો પહેલાં વાંચેલું આ ક્વોટેશન ટૂંકામાં ઘણું કહી જાય છે. ગાંધીજી કહેતા, ‘મારામાં જો રમૂજવૃત્તિ ન હોત તો મેં આપઘાત કર્યો હોત.’

કિશોર કુમાર

Never take a person seriously who has no sense of humour.

વર્ષો પહેલાં વાંચેલું આ ક્વોટેશન ટૂંકામાં ઘણું કહી જાય છે. ગાંધીજી કહેતા, ‘મારામાં જો રમૂજવૃત્તિ ન હોત તો મેં આપઘાત કર્યો હોત.’ કિશોરકુમારની હરકતો ગાંડપણની કક્ષાએ થતી હોવાને કારણે તેમના માટે ઘણી ગેરસમજ થતી. પરંતુ જે વ્યક્તિ પ્રસંગોપાત્ત ગાંડી ન થઈ શકે તેને સંપૂર્ણપણે ડાહી કહેવી કે નહીં એ વિષે જાણકારોમાં મતમતાંતર છે.

ષણ્મુખાનાંદ ઑડિટોરિયમના ગ્રીનરૂમમાં કિશોરકુમાર સાથેની મુલાકાત બાદ મને કલ્પના પણ નહોતી કે ફરી એક વાર તેમને મળવાનો મોકો મળશે. વાત ૧૯૭૪ની છે. નિર્માતા અમરલાલ છાબરિયાના નાના ભાઈ સુભાષ સાથે મારે વ્યાવસાયિક સંબંધો હતા. તેને મારા સંગીતના શોખ અને કિશોરકુમાર પ્રત્યેની ચાહતની ખબર હતી. એ સમયે અમરલાલ છાબરિયા કૉમેડિયન મેહમૂદ સાથે ‘કુંવારા બાપ’ બનાવી રહ્યા હતા. સંગીતકાર રાજેશ રોશનની આ પ્રથમ ફિલ્મ હતી. (‘જુલી’માં પણ તેમનું સંગીત હતું પરંતુ એ પહેલાં રિલીઝ થઈ એટલે ટેક્નિકલી એ ફિલ્મને પ્રથમ ગણવામાં આવે છે.)

એ સમયે તાડદેવના ફેમસ સ્ટુડિયોમાં ફિલ્મોનાં ગીતો અને બૅકગ્રાઉન્ડ સ્કોર રેકૉર્ડ થતા.
૧૦૦-૧૨૫ મ્યુઝિશ્યન્સ, જેમાં મેલડી સેક્શનમાં ૫૦-૬૦ વાયલનિસ્ટ, બ્રાસ સેક્શનમાં ૨૫-૩૦ મ્યુઝિશ્યન્સ, રિધમ સેક્શનમાં ૨૦-૩૦ રિધમિસ્ટ ઉપરાંત ક્લૅરોનેટ, મેન્ડોલિન, વાંસળી, સિતાર અને બીજાં અનેક વાજિંત્રો સાથે લાઇવ રેકૉર્ડિંગ થતું. આની ઝલક ફિલ્મફેર અવૉર્ડ્‍સના ફંક્શનની વિડિયો કૅસેટમાં જોવા મળતી ત્યારે હું રોમાંચિત થઈ જતો. મનમાં થતું કે આ સઘળું પ્રત્યક્ષ જોવા મળે તો જન્મારો સફળ થઈ જાય.

નસીબજોગે એ સપનું સાકાર થયું જ્યારે મિત્ર સુભાષે સમાચાર આપ્યા કે બે દિવસ બાદ ફેમસમાં કિશોરકુમારના ગીતનું રેકૉર્ડિંગ છે અને આપણે ત્યાં જઈશું. સાંભળતાં જ હું લગભગ ચીસ પાડતાં બોલ્યો, ‘યાર, મને તો લૉટરી લાગી.’ એ દિવસે મારો તરવરાટ જોવા જેવો હતો. મંદિરમાં દર્શનનો સમય પૂરો થવા આવ્યો હોય ત્યારે દોડાદોડ કરીને પહોંચીએ એટલી ઉતાવળ કરીને અમે ફેમસ સ્ટુડિયો પહોંચ્યા. કિશોરકુમારનાં પ્રત્યક્ષ દર્શન કરવા મન વ્યાકુળ હતું.

અમે સમય પહેલાં પહોંચીને રેકૉર્ડિસ્ટ મીનુ કાત્રકની કૅબિનમાં બેઠા હતા જ્યાં મેહમૂદ, રાજેશ રોશન, અમરલાલ ગપસપ કરતા હતા. થોડી વારમાં કિશોરકુમાર આવ્યા. રાજેશ રોશન સાથે થોડી વાતચીત કરી સિંગરની કૅબિનમાં ગયા અને રિહર્સલ શરૂ થયું. આ પૂરો સમય મારી નજર મારા આરાધ્યદેવ કિશોરકુમાર પર જ ટકેલી હતી.

થોડી વારમાં કિશોરદા રેકૉર્ડિસ્ટની કૅબિનમાં આવ્યા અને થોડી ટેક્નિકલ વાતો શરૂ થઈ. ચા પીતાં-પીતાં મેહમૂદે કિશોરકુમારને કહ્યું, ‘દાદા, લક્ષ્મીકાન્ત (પ્યારેલાલ) કા દો બાર ફોન આ ગયા. આપ ઝરા ઉનસે બાત કર લેના.’

કિશોરદાએ નારાજી વ્યક્ત કરતાં કહ્યું, ‘ના બાબા ના, મુઝે બાત નહીં કરની.’

‘કયા બાત હૈ? કોઈ ગડબડ હૈ?’ મેહમૂદે પૂછ્યું.

‘નહીં નહીં, મુઝે બાત નહીં કરની.’ કિશોરદાએ આટલું કહ્યું ત્યાં જ ફોન રણક્યો. મેહમૂદે ફોન ઊંચકી ‘હેલો’ કહ્યું. (એ દિવસોમાં કેવળ લૅન્ડલાઇન ફોન હતા એટલે કૅબિનમાં રહેલો એકમાત્ર ફોન જ દરેકના કામમાં આવતો.) સામેથી જે પ્રશ્ન પુછાયો એના જવાબમાં કહ્યું, ‘હાં, હાં, કિશોરદા યહીં હૈ. મૈં ફોન દેતા હૂં’ અને મસ્તીભર્યા અંદાજમાં કિશોરદાને કહ્યું, ‘દાદા, આપ કા ફોન હૈ.’

‘કૌન હૈ?’નો જવાબ આપતા મેહમૂદે આંખ મિંચકારતાં કહ્યું, ‘લક્ષ્મીકાન્ત કા ફોન હૈ.’

કિશોરકુમાર નારાજગી દેખાડતાં થોડા અસ્વસ્થ ચહેરે બોલ્યા, ‘અરે યાર, મના કર દે.’

મસ્તીખોર મેહમૂદે કહ્યું, ‘પર મૈંને તો હાં કહ દી. આપ બાત કરો ના.’ અને નાછૂટકે કિશોરકુમારે ફોન હાથમાં લીધો. અમે સૌ આ સંવાદને સાંભળી રહ્યા હતા. ત્યારે મને ખબર નહોતી કે કિશોરકુમારની અજીબોગરીબ હરકતના જે અનેક કિસ્સાઓ સાંભળ્યા હતા એવું જ કંઈક નજરે જોવા મળશે.

કિશોરકુમારે ફોન હાથમાં લેતાં પહેલાં જ મીનુ કાત્રકને ઇશારો કર્યો કે સાઉન્ડનું વૉલ્યુમ વધારે જેથી મેઇન હૉલમાં રિહર્સલ કરતા મ્યુઝિશ્યન્સની વાતચીત અને વાજિંત્રોનો અવાજ સંભળાય.

ફોન પર પોતાની આગવી સ્ટાઇલથી શરૂઆત કરતાં કિશોરદા બોલ્યા, ‘હાં, કૌન બોલ રહા હૈ? કૌન? કૌન? થોડા ઝોર સે બોલો.’ આટલું કહેતાં તે મીનુ કાત્રકને ઇશારો કરીને કહેતા ગયા કે હજી વૉલ્યુમ વધારે. ફોન પર તેમની શરારત ચાલતી જ રહી. ‘કૌન લક્ષ્મી? તેરી આવાઝ ઠીક સે સુનાઈ નહીં દેતી. ઔર ઊંચી આવાઝ મેં બોલ. ક્યા કહા? ક્યા કહા?’ અંતે સામેથી ફોન મુકાઈ ગયો.

એક જંગ જીતી ગયા હોય એવી મુખમુદ્રા સાથે કિશોરકુમાર ખુરસી પર બેઠા. મેહમૂદે પૂછ્યું, ‘દાદા, ક્યા બાત હૈ? ક્યોં ઉસે પરેશાન કર રહે હો?’

જવાબ મળ્યો, ‘અરે યાર, વો મેરે પીછે પડ ગયા હૈ. એક ક્લાસિકલ ગાના હૈ. મૈંને કહા, મન્ના દા સે ગવા લે પર માનતા હી નહીં. મુઝે ફંસના નહીં હૈ.’

અને અમે સૌ હસી પડ્યા. હરફનમૌલા કલાકારની ન સમજાય એવી ચેષ્ટા પાછળનું સાચું કારણ કંઈક બીજું જ હતું. શરૂઆતમાં જેમ સ્ટેજ પર્ફોર્મન્સથી તેઓ દૂર ભાગતા એવી રીતે જ ક્લાસિકલ ગીતો ગાવાથી તે દૂર રહેતા. જોકે તેમની કારકિર્દીમાં આવાં થોડાં ગીતો તેમણે અદ્ભુત રીતે ગાયાં છે એ પણ હકીકત છે.

થોડી વાર બાદ ‘મૈં હૂં ઘોડા, યે હૈ ગાડી, મેરી રિક્ષા સબ સે નિરાલી’ નું રેકૉર્ડિંગ શરૂ થયું. તેમનો અલૌકિક અવાજ વાતાવરણમાં ગુંજતો હતો અને હું અભિભૂત થઈને એક એવા વિશ્વમાં સરી પડ્યો કે આ ક્ષણે લખતાં-લખતાં એ અનુભૂતિ ફરી પાછી જીવંત થઈને મારા અસ્તિત્વને ઘેરી રહી છે.

ગીત પૂરું થતાં જ હું અને સુભાષ તેમને મળવા સિંગરની મૅબિનમાં ગયા. તેમને જોતાં જ મેં કહ્યું, ‘દાદા, મૈં ધન્ય હો ગયા. કુછ સાલ પહલે આપકો ષણ્મુખાનંદ ઑડિટોરિયમ મેં મિલા થા.’

‘અચ્છા.’

‘ઉસ દિન ભી મઝા આયા થા. આજ તો ઔર મઝા આયા.’

‘અચ્છા.’

તેમના તરફથી ઠંડો પ્રતિભાવ આવતો હતો. શું વાત કરું એની અવઢવ હતી એટલે મેં
આગળ ચલાવ્યું. ‘મૈં ઔર અરૂપ (અશોકકુમારના સુપુત્ર) અચ્છે દોસ્ત હૈં. કૉલેજ કે દિનોં સે  જાન પહચાન હૈ.’

ફરી વખત તેમણે કહ્યું, ‘અચ્છા.’

મારી રેકૉર્ડ ચાલતી રહી, ‘ઝિંદગી મેં પહલી બાર ગાના રેકૉર્ડ હોતે હુએ દેખા. ઔર વો ભી આપ કા ગાના. મેરે દિલ કી તમન્ના આજ પૂરી હો ગઈ.’

તેમણે ચોથી વાર કહ્યું, ‘અચ્છા.’ અને કોણ જાણે કેમ તેમના મનમાં શું સૂઝ્યું કે તેમણે મને પૂછ્યું, ‘કૈસા લગા ગાના?’ અને મારાથી સહજ જવાબ અપાઈ ગયો. ‘અચ્છા, બહોત અચ્છા.’

સાંભળતાં જ તેમના ચહેરા પર થોડો અણગમો, કંટાળો, નારાજગી, કરડાકી જેવા મિશ્રિત ભાવો ઊપસી આવ્યા. મને કંઈ સમજાયું નહીં. સુભાષે મારો હાથ દાબી ઇશારો કર્યો અને અમે નમસ્કાર કરી કૅબિનની બહાર નીકળ્યા.

બહાર આવીને તેણે મને ખખડાવતાં કહ્યું, ‘તું પણ કમાલ છે. હું તને અહીં કિશોરકુમારને મળવા લઈ આવ્યો અને તું તેમને ગુસ્સો આવે એવી વાત કરે છે?’

‘અરે ભાઈ, મેં એવું શું કર્યું?’

‘તે તને અચ્છા, અચ્છા કહીને જવાબ આપે એટલે તારે પણ તેમની કૉપી કરીને અચ્છા કહેવાનું?  તેં જોયું નહીં, તેમનો મૂડ કેવો ખરાબ થઈ ગયો? કમાલ કરે છે તું.’

અને મને ટ્યુબલાઇટ થઈ. તેમના ચહેરા પરના ભાવો કદાચ મને કહેતા હતા કે તું મારો ચાહક છે અને મારી જ મજાક ઉડાવે છે?

મેં  બચાવ કરતાં કહ્યું, ‘યાર, સૌ પહેલાં તો તેમણે મને શું કામ પૂછવું જોઈએ કે ગીત કેવું લાગ્યું? હું સંગીતકાર છું? ફિલ્મનો પ્રોડ્યુસર છું? મારી શું હેસિયત છે? બીજું તેમના પ્રશ્નનો જવાબ ‘અચ્છા, બહોત અચ્છા’ સિવાય બીજો શું હોઈ શકે? મેં તો દિલથી સાચો જવાબ આપ્યો. તેમના અપમાનનો વિચાર જ ન કરી શકું. ચાલ, પાછા જઈને તેમની માફી માગી લઉં.’

સુભાષે કહ્યું કે એની કોઈ જરૂર નથી, પણ મારું મન માનતું નહોતું. મનગમતા પ્રિય કલાકારને જાણે-અજાણે ઠેસ પહોંચાડી એનો અપરાધભાવ અનુભવતો હું કૅબિન તરફ ગયો પણ તે નીકળી ગયા હતા. તેમને મળીને માફી માગવાનો મોકો ન મળ્યો એનો વસવસો આજ સુધી છે.

‘સંકેત’ના ઉપક્રમે આજે રાતે ઘાટકોપરના ઝવેરબેન ઑડિટોરિયમમાં કિશોરકુમારની સ્મૃતિમાં ‘ઝિંદગી કા સફર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાંગુલી પરિવારની ઉપસ્થિતિમાં કિશોરકુમારનાં અમર ગીતોની રજૂઆત થશે. સંસ્થાના સભ્યપદ અને નિમંત્રણ પત્રિકા માટે કેતન મહેતાનો 9820696962 પર સંપર્ક કરવા વિનંતી છે.

columnists kishore kumar indian music indian classical music rajani mehta gujarati mid day exclusive indian cinema