બધું જ પર્સનલાઇઝ્ડ

23 May, 2022 07:42 PM IST  |  Mumbai | Aparna Shirish

પોતાનું નામ લખેલી ચીજો ફક્ત બચ્ચાંઓ અને મહિલા વર્ગમાં જ પૉપ્યુલર નથી, પુરુષો પણ પર્સનલાઇઝ્ડ ચીજોના ટ્રેન્ડને ખૂબ અપનાવી રહ્યા છે

બધું જ પર્સનલાઇઝ્ડ

છેલ્લાં કેટલાંક વર્ષોથી દરેક પર્સનલ ચીજ પર પોતાનું નામ લખવાનો ટ્રેન્ડ આવ્યો છે. સૌપ્રથમ પેનમાં જોવા મળેલો આ ટ્રેન્ડ હવે બૅગ્સ, શૂઝ અને બાઇક સુધી પહોંચી ગયો છે. જોકે કેટલાક પુરુષો હજીયે આવા ટ્રેન્ડથી દૂર રહેતા જોવા મળ્યા છે પણ કેટલાક એવા પણ છે જેમને પર્સનલાઇઝ્ડ ચીજો વાપરવી ગમે છે. તો જાણીએ પર્સનલાઇઝ્ડ ચીજોમાં પુરુષો માટે કેવા-કેવા પર્યાયો છે. 
ગૅજેટ્સ | પુરુષોને સૌથી પ્રિય તેમનાં ગૅજેટ્સ હોય છે. ઇઅરપૉડ કેસ, પાસપોર્ટ કવર્સ, લૅપટૉપ કવર, અતિ મહત્ત્વની એવી પાવર બૅન્કમાં પર્સનલાઇઝ્ડ ઑપ્શન મળી રહે છે. એ સિવાય યુએસબી ચાર્જર અને પેનડ્રાઇવ પણ પર્સનલાઇઝ્ડ મળે છે. પાવર બૅન્કમાં તો એવા પણ ઑપ્શન હોય છે જ્યારે તમે એને ઑન કરો ત્યારે તમારું નામ એલઈડી લાઇટમાં ઝળકે. છેને ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ?
વૉલેટ્સ અને બૅગ્સ | જે રીતે સ્ત્રીઓ માટે પર્સનલાઇઝ્ડ બૅગ્સ હાલ ટ્રેન્ડમાં છે એ જ રીતે પુરુષો પર્સનલાઇઝ્ડ વૉલેટ્સ અને લૅપટૉપ બૅગ વાપરે છે. જોકે અહીં મજાની વાત એ છે કે આવી પર્સનલાઇઝ્ડ ચીજો મોટા ભાગના પુરુષો જાતે બનાવડાવવાનું ભાગ્યે જ વિચારે છે. આવી ચીજો તેમને ગિફ્ટમાં મળે છે જે તેઓ શોખથી વાપરી લે છે. 
લેધરનાં ટેબલ ઑર્ગેનાઇઝર, પર્સનલ ડાયરી આ ચીજોમાં પણ પર્સનલાઇઝેશનની ડિમાન્ડ છે. 
પર્સનલાઇઝ્ડ ફૅશન | બૉલીવુડ ઍક્ટરોમાં પણ પર્સનલાઇઝ્ડ ચીજોનો ખાસ્સો ટ્રેન્ડ છે. રણવીર સિંહ પોતાનું નામ લખેલી હૅટ્સ પહેરેલો જોવા મળે છે. રણબીર કપુર પણ આરકે લખેલી હૅટ અને માસ્ક પહેરેલો જોવા મળે છે. પર્સનલ કૅરની વાત કરીએ તો ટૉવેલ, હાથરૂમાલ, વૉટર બૉટલ, આલ્કોહૉલ માટેના ગ્લાસિસ અને કૉફી મગ જેવી ચીજો પર્સનલાઇઝ્ડ ગિફ્ટિંગનો ભાગ બની છે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સન હૅટ પણ ડિમાન્ડમાં છે. 
શું ધ્યાનમાં રાખવું? | પર્સનલાઇઝ્ડ ચીજો વાપરવાનો એક ફાયદો છે કે જો ખોવાઈ જાય તો તરત મળી પણ જાય છે, કારણ કે એના પર તમારું નામ લખેલું હોય છે. એ ચીજ મારી છે, એને કોઈ હાથ ન લગાવશો એ કહેવાની આ આડકતરી રીત છે એવું કહી શકાય. પણ અહીં પર્સનલાઇઝેશન વધુપડતું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. કપડાં પર નામ ન લખાવવું. નામ જો ખૂબ મોટું હોય કે પૂરું નામ લોકોને ખબર પડે એવું ન ગમતું હોય તો ફક્ત ઇનિશ્યલ્સ એટલે કે નામ કે સરનેમનો પહેલો અક્ષર લખી શકાય. 

columnists