13 April, 2026 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશ માટે જે ચુકાદો આપ્યો છે એનાથી મને ઘણી જ ખુશી થઈ છે. પ્રગતિશીલ વિચારોવાળા જજિસ છે, પણ સરકાર કેમ પાછલી સદીમાં જવા માગે છે? દુનિયા કેટલી આગળ વધી રહી છે એ જુઓ. આજના છોકરાઓને પણ ખબર હોય છે કે પિરિયડ્સ એટલે શું? એની વૈજ્ઞાનિક જરૂરિયાતની પણ ખબર હોય છે. ભણવામાં પણ આવતું હોય છે એ સારી વાત છે. કૉલેજના ગ્રુપમાં બધા આને ગંભીરતાથી લે છે. જે પિરિયડ્સમાં હોય છે તેને રિસ્પેક્ટ આપે છે. આજે સ્કૂલ-કૉલેજમાં આ ૩ દિવસ શું છોકરીઓ રજા પાડે છે? ઑફિસમાં જતી યુવતીઓ શું રજા પાડી શકે? સેફ્ટી અને ચોખ્ખાઈ રાખવા માટેનાં અનેક સાધનો છે. એ આપણા હાથમાં જ છે. ટીવી પર સૅનિટરી નૅપ્કિન્સની જાહેરખબર બધા જોતા હોય છે. થિયેટરોમાં પણ એ બતાવવામાં આવે છે. કોઈ આને ખરાબ ગણતું નથી. એ એક કુદરતી ક્રિયા છે. એનો આભડછેટ કેમ હોવો જોઈએ? દેશનો યુવાવર્ગ પ્રગતિશીલ છે. સુપ્રીમ કોર્ટે મંદિરનાં કમાડ ખોલવાની વાત કરી, આપણે આપણી બુદ્ધિનાં કમાડ ખોલવાની જરૂર છે.
રજસ્વાલા સ્ત્રીને કોઈ રોકે એ ગેરબંધારણીય છે. એ તેનું માનવી તરીકેનું પણ અપમાન કહેવાય. પહેલાંના જમાનામાં કદાચ ચોખ્ખાઈ રાખવાની શક્ય નહીં હોય ત્યારે આ નિયમો ઘડાયા હોઈ શકે. અત્યારના જમાનામાં શુદ્ધ રહેવું શક્ય છે તો મંદિરમાં રજસ્વાલા સ્ત્રી અશુદ્ધ જ હોય એમ કેમ માની લેવું? કદાચ મંદિરનો તે પૂજારી વધારે અશુદ્ધ હોઈ શકે. મંદિરમાં પણ ફળ-ફૂલ પરની માખીઓ વધારે ગંદકી ફેલાવતી રહે છે. એની ચોખ્ખાઈ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. કોઈની આસ્થાને ઠેસ નથી પહોંચાડવી, પણ મન જ મલિન હોય તો એવા નિયમ મુજબનાં દર્શનથી શો લાભ? તનની મલિનતા બધા જુએ છે, મનની મલિનતા કોને દેખાય? નાનકડી છોકરીઓને રોકો તો તેને એમ જ લાગે કે તેણે કોઈ પાપ કર્યું છે. રજસ્વલા થવું એ શું પાપ છે? અરે, એ તો વરદાન છે માતૃત્વનું. પહેલાંના જમાનામાં નવી વહુ સાસરે પહેલી વાર પિરિયડ્સમાં બેસે ત્યારે ઘરની વડીલ સ્ત્રી તેને દહીં-મિસરી ખવડાવતી, કારણ કે ઘરનો વંશવેલો તે આગળ વધારશે એની એ ખાતરી હતી.
બીજું, આ ૩ દિવસમાં નાની છોકરીઓથી લઈને બધી સ્ત્રીની માનસિક સ્થિતિ નબળી હોય છે. તેમને શાંતિ જોઈતી હોય છે જે મંદિર જેવી શાંત જગ્યામાં જ મળી શકે. મંદિર આસ્થા અને પ્રેમનું પ્રતીક છે. મંદિરમાં બેઠેલા ઠાકોરજી તો પિતા ગણાય. પિતા પોતાની પુત્રીને કંઈ રોકે? જૂની પેઢી ઘરમાં તો હવે છૂટછાટ આપતી થઈ છે, મંદિર માટે પણ હવે છૂટ આપે. મન બદલાશે ધીમે-ધીમે. ન્યાયાલયે ચુકાદો આપ્યો છે તો હવે આપણે હકપૂર્વક માગણી કરવી જોઈએ. બાકી શરીરની સ્વચ્છતા રાખવી આપણા જ હાથમાં છેને? જો ઇચ્છા ન થાય તો ન જવું, પણ કોઈ રોકે એ તો સ્ત્રીત્વનું અપમાન કહેવાય. રજસ્વાલા થવું એ તો ઘરેણું છે, આત્મસન્માન છે. માતૃત્વ ધારણ કરવું એટલે ભગવાન જેવી જન્મ આપવાની શક્તિ ધારણ કરવી એમ કહેવાય.
- ભ્રાન્તિ શાહ