માનસિક સ્વાસ્થ્ય ગંભીર સમસ્યા બની રહી છે, સૉલ્યુશન લાવવું જરૂરી છે

11 February, 2026 01:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિચારો બહારથી આધુનિક દેખાય છે પરંતુ સામાજિક રૂઢિઓ હજી પણ કઠોર રીતે લાગુ કરવામાં આવે છે

SNDT વિમેન્સ યુનિવર્સિટીનાં નિવૃત્ત પ્રોફેસર વિભૂતિ પટેલ અત્યારે મુંબઈની એક નારીસંસ્થા ‘વાચા’ ઉપરાંત ગુજરાતની બે નારીસંસ્થા સાથે જોડાયેલાં છે.

અત્યારે લોકોની જીવનશૈલી અત્યંત ઝડપી બની ગઈ છે અને અગાઉની સરખામણીમાં વ્યક્તિગત જીવનમાં મોટા ફેરફાર થયા છે. પરિણામે વ્યક્તિ કોઈ ને કોઈ કારણસર સતત તાણમાં રહે છે. ખાસ કરીને સ્ત્રીઓ પર ઘર અને કરીઅર બન્ને સંભાળવાની દ્વિગુણી જવાબદારી આવી ગઈ છે. એકસાથે અનેક જવાબદારીઓ નિભાવવાનો પ્રયત્ન કરવાથી માનસિક દબાણ સર્જાવું સ્વાભાવિક છે. બાળકો પર પણ નાનપણથી જ ભણતર અને સિદ્ધિનું પ્રેશર મૂકવામાં આવે છે. દીકરીને નાનપણથી આદર્શ સ્ત્રી બનવાની અપેક્ષા સાથે ઉછેરવામાં આવે છે, જે તેના પર વધારાનું માનસિક દબાણ ઊભું કરે છે. વિચારો બહારથી આધુનિક દેખાય છે પરંતુ સામાજિક રૂઢિઓ હજી પણ કઠોર રીતે લાગુ કરવામાં આવે છે. આ રીતે ચારેય બાજુથી ખેંચાતાં પરિબળો સ્ત્રીને દરેક તબક્કામાં દબાણમાં મૂકે છે, જેના કારણે શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે. જો વ્યક્તિ સમાજે ઘડેલા નિયમોમાં બંધ ન બેસે તો તેને સામાજિક રીતે અલગ પાડવામાં આવે છે, જેના કારણે જીવનમાં તાણ વધી જાય છે. કોરોનાકાળ દરમિયાન આ માનસિક સમસ્યાઓ વધુ ગંભીર સ્વરૂપે સામે આવી હતી. કૌટુંબિક હિંસાના કિસ્સાઓમાં પતિ દ્વારા પત્ની તેમ જ ઘરડાં માતા-પિતાને હેરાન કરવામાં આવતા બનાવો પણ સામે આવ્યા છે. આવા બનાવો માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સાથે જોડાયેલા હોઈ શકે છે, પરંતુ દરેક કિસ્સો એવો જ હોય એવું માનવું યોગ્ય નથી. ટેક્નૉલૉજીના અતિ ઉપયોગને કારણે વ્યક્તિગત સંવાદમાં ઘટાડો થયો છે, જેના કારણે સંબંધોની હૂંફ ઘટી છે. ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે પણ લોકો વાતચીત કરવા કરતાં પોતાના મોબાઇલમાં વ્યસ્ત રહે છે. આથી એકલતા વધે છે અને એકલતા ઍન્ગ્ઝાયટી, સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓને જન્મ આપે છે. કેટલીક પરિસ્થિતિઓમાં આ સમસ્યાઓ આત્મહત્યાના વિચાર સુધી પહોંચી શકે છે. માનસિક સમસ્યાઓ શારીરિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. પહેલાંની જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિ વધુ હોવાથી મન સક્રિય રહેતું, પરંતુ હવે બેઠાડુ જીવનશૈલી, ખોરાકની ગરબડ અને સતત તાણને કારણે યુવાન વયમાં ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓ વધી રહી છે. કામના દબાણને કારણે હેલ્થ પર ધ્યાન ન આપી શકતા યુવાનોમાં હાર્ટ ફેલ થવાના કિસ્સાઓ પણ જોવા મળે છે. ગ્લોબલ ડેટા મુજબ સતત કામ અને પ્રેશર વ્યક્તિને બર્નઆઉટ તરફ ધકેલે છે. આથી માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે સમાજ બદલાશે એવી અપેક્ષા રાખવાને બદલે વ્યક્તિએ પોતાની જીવનશૈલીમાં બદલાવ લાવવો જરૂરી છે. કામ, પરિવાર અને સામાજિક જવાબદારીઓ વચ્ચે સ્પષ્ટ પ્રાથમિકતાઓ નક્કી કરવી, અનાવશ્યક દબાણ અને સરખામણી ટાળવાં, ટેક્નૉલૉજીનો મર્યાદિત ઉપયોગ કરવો અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ અપનાવવી જરૂરી છે. સાથે-સાથે વિશ્વાસપાત્ર લોકો સાથે ખુલ્લી વાતચીત અને જરૂર પડે ત્યારે પ્રોફેશનલ મદદ લેવાથી માનસિક સમસ્યાઓને ગંભીર બનતી અટકાવી શકાય છે.

mental health columnists exclusive gujarati mid day