30 November, 2025 12:10 PM IST | Mumbai | Raam Mori
તરસી આંખ, થાકેલી પાંખ : વહાલ અને વાસ્તવ વચ્ચે વેરી થયેલા વખતની વાત
મુંબઈના રેડલાઇટ એરિયાની એક છોકરી પોતાના જ એક રેગ્યુલર ગ્રાહકના પ્રેમમાં પડી ને અચાનક તે છોકરો ત્યાં રેડલાઇટ એરિયામાં જ આવતો બંધ થઈ ગયો. માણસને ખબર હોય છે કે આ સુખ મારા નસીબમાં નથી છતાં એ સુખ સુધી પહોંચવાનો તેનો તરફડાટ ક્યારેય શમતો નથી એ વાત બતાવે છે કે આપણે માણસ છીએ. સંબંધોમાં ક્યારેક રાહ જોવાનો પણ થાક વર્તાતો હોય ત્યારે?
આખરે રાહ જોઈ-જોઈને કંટાળેલી તે છોકરી પેલા છોકરાને કાગળ લખે છે...
હેલો, કેમ છે તું?
મને એમ છે કે મારો કાગળ તારા હાથમાં આવશે એટલે પહેલાં તો તું ડરી જઈશ. દોડીને સ્ટૉપર લગાવી દઈશ અથવા બાથરૂમમાં જઈશ અને પછી કાગળ વાંચીશ. સ્વાભાવિક છે, રેડલાઇટ એરિયાથી કોઈ ધંધાવાળી છોકરીનો કાગળ આવેલો હોય તો તમારા જેવા આબરૂદાર લોકો બધાની સામે વાંચતાં તો શરમાય જ. મને ખબર નથી કે હું તને કાગળ લખું છું એ બરાબર છે કે નહીં, પણ નથી રહી શકતી. તને જોયા વિના નથી રહી શકતી, તારી સાથે વાતો કર્યા વગર નથી રહી શકતી એટલે કાગળ લખવા બેઠી છું. તું તો સાવ અચાનક આવતો બંધ થઈ ગયો! અમારા ધંધામાં બીજી બધી છોકરીઓ કહે એવું કહેવા ખાતર તને નથી કહેતી, પણ મને સાચ્ચે જ તારી યાદ બહુ આવે છે. આ લાઇન પહેલાં ત્રણ છેકા દેખાય છેને? ‘મને સાચ્ચે જ તારી યાદ બહુ આવે છે’ એ લાઇન ત્રણ વાર લખી ને છેકી એના ૩ છેકા છે. મને થયું કે તું મારા પર હસીશ બીજી બધી છોકરીઓની જેમ જ. શરમ તો મને આવવી જ જોઈએ. એક ધંધાવાળી છોકરી જ્યારે એમ કહે કે મને તારી યાદ બહુ આવે છે ત્યારે એ યાદમાં છાતીમાં થતા ચચરાટ કરતાં પેટની કોરી આગ વધારે હોય છે. પછી મેં મને જ કીધું કે સંગીતા, ભાડમાં જાય લોકો, જેને જે વિચારવું હોય એ વિચારે, તું તારે લખી નાખ જે તારા મનમાં હોય એ એટલે આ લખી નાખ્યું. સૌથી પહેલાં તો કોઈ એ માનવા તૈયાર જ નથી થતું કે સાલું અમનેય કોઈકની યાદ આવે! તને થયું હશે કે સંગીતા કોણ? સંગીતા મારું સાચ્ચું નામ છે. રોજ કાચમાં જોઈને ૧૦ વાર આ નામ બોલું છું, કેમ કે મને બીક છે કે ક્યારેક હું ભૂલી જઈશ કે મને આ નામથી પણ ક્યારેક કોઈક લોકો ઓળખતા. તને કદાચ મારું નામ એટલે યાદ નથી કેમ કે તું તો માધુરીને જ ઓળખે છે, સંગીતાને નહીં. તને પણ એમ જ લાગ્યું હશે કે બીજી છોકરીઓની જેમ હું પણ મારું નામ ગ્રાહકના મૂડ પ્રમાણે બદલતી હોઈશ. અમને અમારી મૌસી કહી દેતી હોય કે આંખના ખૂણે કાળી મેશ દેખાય કે અત્તરની સ્મેલ આવે ત્યારે તે કસ્ટમર માટે તમે શબનમ, નૂરી કે વહીદા અને જનોઈને કાનમાં ભરાવીને કોઈ કસ્ટમર આવે તો તમે નિશા, સપના અને પ્રિયંકા. સાલું અમે સવારે ચા પીવા એકઠી થઈએ ત્યારે ગઈ કાલે એકબીજાનાં કેટલાં નામો પડ્યાં એ વાતે તાળીઓ આપીને જોર-જોરથી હસીએ. તને ખબર છે, લાલી-પાઉડરથી રગદોળાયેલા એ ઓળાઓના ખડખડાટ હસવામાં પણ મને ભેંકાર ઇમારતોનો સન્નાટો પડઘાતો સંભળાતો. તને થતું હશે કે આ સંગીતાએ આવી બધી વાતો લખવા માટે કાગળ લખ્યો? તું મહેરબાની કરીને કાગળ આખો વાંચજે. મને ખબર નથી મારે શું કહેવાનું છે. કદાચ આ બધું લખતાં-લખતાં મારી મૂળ વાત આવી જાય. એક મિનિટ, કોઈ દરવાજો ખખડાવે છે, હમણાં પાછી આવું છું.
હા, હવે કાગળ આગળ વધારું છું. મૌસી આવી હતી. આજે અમારે એક બારમાં નાચવા જવાનું છે તો સાંજે રજા છે. તને ખબર છે કે હું જ્યારે અહીં આવી ત્યારે મને ખબર જ નહોતી કે મારી કિંમત શું છે. બાપુને મિલની નોકરી હતી. તેમને ટીબી થયો હતો. બા તો નાનપણમાં જ ગુજરી ગયેલી. ૧૪ વર્ષની હતી હું જ્યારે બાપુ અને કાકા સાથે ગામ છોડીને અહીં મુંબઈ આવી હતી. બાપુને ટીબી હતો એટલે મિલની નોકરી છોડીને અહીં વિદર્ભમાં કુંભારો સાથે ઈંટો પાડવા અમે આવતા રહ્યા. એક દિવસ ઈંટો શેકાતી હતી અને હું રોટલા બનાવતી હતી ત્યારે બાપુ ભઠ્ઠાની બાજુમાં જ ઉધરસના અટૅકમાં ગુજરી ગયા. લોહી નીકળી આવેલું તેના મોઢામાંથી. એ દિવસે હું બહુ જ રડી. મને એવું લાગ્યું કે હું હવે ક્યાંક ભૂલી પડી. સીઝન પતી એટલે કાકાએ કુંભારો સાથે હિસાબ કરીને વિદર્ભ છોડી દીધું. અમે લોકો થાણે રહેતા. કાકા કોઈ ફિલ્મલાઇનમાં જોડાયેલા. લાઇટો ઉપાડવા જતા. એક-બે વર્ષ બધું સરસ ચાલ્યું. થાણેની નાનકડી ચાલની ખોલીમાં અમારું ઘર ચાલતું. એક દિવસ કાકા મને કહે કે ચલ સંગીતા, તને હિરોઇન બનાવવાની છે. છાપામાંથી માધુરી
દીિક્ષતના ફોટો કાપી-કાપીને હું ઓશીકામાં સંતાડતી એ કાકાએ જોયા હતા. હું મસ્ત તૈયાર થઈ. ચણિયાચોળી પહેરી લીધાં. સ્ટેશનથી ટ્રેનમાં ચડ્યા ત્યારે કાકાએ મને એક વેણી પણ લઈ દીધી. અમે લોકો ધારાવી ઊતર્યા. અંધારી સાંકડી ગલીઓમાં કાકા મારો હાથ પકડીને ચાલતા રહ્યા. દુપટ્ટાનો છેડો નાક તળે દબાવીને હું તેમની પાછળ ચાલતી રહી. મારો જીવ ચૂંથાતો રહ્યો. ‘એ કાકા... કેટલી વારે આવશે તમારો સ્ટુડિયો?’ તે મારી સામે જોયા વિના મને કહેતા હતા કે ‘બસ સંગીતા, હવે થોડું ચાલી નાખ, પછી જિંદગીભર તારે બેસી રહેવાનું છે. બેઠાં-બેઠાં જ ખાવાનું છે!’ અમે કોઈ અજાણી સાંકડી લાકડાની ચાલના દાદરા ચડ્યા. આજુબાજુમાં બધા લોકો મારી સામે વિચિત્ર નજરે જોતા, આંખ મીંચકારતા, મારી બાજુમાં ચાલતા અને મારી પીઠ પર હાથ મૂકતા. હું ગભરાઈ ગઈ. કાકાના હાથને કસકસાવીને પકડી લીધો, ‘કાકા, અહીંથી ચાલો. મારે હિરોઇન નથી બનવું. મને બહુ ડર લાગે છે. મને ઊલટી થશે.’
કાકાએ મારી આંખો પર પોતાનો હાથ મૂકી દીધો, ‘જો મેં તારી આંખો બંધ કરી દીધી છે. હવે તને ડર નહીં લાગે. હિરોઇન બનવું હોય તો થોડીક તકલીફ તો ભોગવવી પડે. માધુરીને નથી જોતી તું... કેટલી હેરાન થતી હોય છે.’
કાકાની આંગળીઓની તિરાડોમાંથી મેં મારા જીવતરમાં પેસતી તિરાડો જોઈ. હું જોવાઈ, ચકાસાઈ, ખરીદાઈ અને એક ઓરડામાં પુરાઈ. બારીના સળિયા પકડીને ચાલમાંથી રૂપિયાની થોકડી લઈને જતા કાકાના નામની બૂમો પાડતી રહી, ‘કાકા, મને તમારી સાથે લઈ જાઓ. મારે હિરોઇન નથી બનવું. કાકા, હું શાક વધારે સારું બનાવીશ, મને લઈ જાઓ... કાકા...’
આસપાસના ફિલ્મી ગીતોના શોરબકોરમાં, ઠઠ્ઠામશ્કરી અને હસાહસના અવાજોમાં મારો અવાજ પીંખાઈ ગયો. એ પછી મને બહુબધું શીખવવામાં આવ્યું. નહોતી માનતી તો મારવામાં આવતી. અઠવાડિયા સુધી મને સાંકળથી બાંધી રખાઈ. મને જમવાનું નહોતા આપતા. આખરે એ લાલી-લિપસ્ટિક માટે હું માની ગઈ. એ પછીના ૧૫ દિવસ મને વધારે બટરવાળી પાંઉભાજી અને પુલાવ અપાતો, દૂધ આપવામાં આવતું. મને એક સ્પેશ્યલ રૂમ આપવામાં આવી. હું તો રાજીની રેડ થઈ ગઈ. મૌસીએ મારી રૂમમાં ટેપ મુકાવ્યું જેમાં આખો દિવસ માધુરીનાં ગીતો વાગતાં. હું અરીસામાં જોઈને સ્ટેપ કરતી. મૌસી મને આમ નાચતી જોઈને ખુશ-ખુશ થઈ જતી. પણ સાચ્ચું કહું, મને ખબર પડી ગઈ હતી કે આ જગ્યા શું છે અને મને અહીં કોઈ હિરોઇન બનાવવાનું નથી.
તને મેં પહેલી વાર જોયો. મારી જ ઉંમરનો. સ્કૂલ-ડ્રેસ પહેરેલો. બીજી છોકરીઓ હસતી હતી કે અંડે સે બહાર નિકલા કી લડકી ચખને આ ગયા. પણ તું તારી સ્કૂલ-બૅગ લઈને મારી ઓરડીમાં એન્ટર થયો ત્યારે મૌસી બોલી હતી કે ‘ગલ્લા તૌડકર ઔર પિકનિક કા પૈસા જોડકે બિના મૂછવાલા મરદ આયા હૈ માધુરી, સંભાલ લેના.’ ‘માધુરી’. આ નામ સાંભળીને તારી આંખો ચમકેલી. તેં તારી સ્કૂલની ટાઈ કાઢીને મને પૂછેલું, ‘તારું નામ માધુરી છે?’ મેં આંખો પટપટાવીને હા પાડેલી. તને કદાચ ખબર નહીં હોય પણ તું મારો પહેલો ગ્રાહક હતો. તો પણ એ આખી રાત આપણે માત્ર માધુરીની જ વાતો કરેલી. સવારે મૌસીને વહેમ ન પડે એ માટે મેં ચાદર ચોળી નાખેલી અને તું જતો રહ્યો પછી હસતાં-હસતાં મેં મૌસીને કહેલું, ‘હવે થોડા દિવસ આરામ આપો, આ અનિલ કપૂરે બહુ તકલીફ આપી છે.’ મૌસી માની પણ ગઈ. અઠવાડિયામાં તું ફરી આવ્યો અને પછી નિયમિત આવતો રહ્યો. તને ખબર છે? હું તારી રાહ જોતી, ડાન્સનાં નવાં-નવાં સ્ટેપ શીખતી. બધી છોકરીઓ મને કહેતી કે ‘એલી માધુરી, આ અનિલ કપૂર તો તારો ખાસ બનતો જાય છે.’ હું માત્ર હસ્યા કરતી. સત્તર-અઢાર વર્ષની ઉંમરે તારા લીધે મને પહેલી વાર સમજાયું કે હા, હું તો ખરેખર હિરોઇન બની ગઈ છું.
એવું નહોતું કે તારા સિવાય બીજું કોઈ આવતું જ નહીં. ઘણાબધા આવતા, આવે છે અને આવશે; પણ સાચ્ચું કહું તો તારા આવવામાં જે આવવું છે એ બીજાના આવવામાં નથી. અમુક લોકોએ તો મૌસીને ફરિયાદ પણ કરેલી કે ‘મૌસી, આપકી માધુરી તો બિસ્તર પર લાશ બનકે પડી હોતી હૈ.’ મૌસીએ એ સાંજે મને સમજાવેલું કે ‘દેખ, તેરે નખરે કિતને દિનોં સે મૈં ઉઠા રહી હૈ... મૈં કુછ નહીં બોલી. મુઝે લગા લોંડિયા છોટી હૈ, છોટી હૈ પર અબ બાત ધંધે પર આ ગઈ હે. સુન લડકી, યે મૌસી જિતના મીઠી જુબાન ચલાતી હૈ... વૈસી હી નમકવાલા હન્ટર ભી ચલાના જાનતી હૈ... કસ્ટમર કે સામને હમકો કોઈ લફડા નંઈ મંગતા... ઉસ અનિલ કપૂર કે ચક્કર મેં મૈં અપની ચાલ પર તાલા નહીં માર સકતી... અચ્છા હૈ... પ્યારા હૈ તબ તક ઠીક હૈ, પર યે પ્યાર-વાર કા નાટક નંઈ મંગતી મૈં... સમઝ ગઈ ક્યા.’ એ પછી તું જ્યારે-જ્યારે આવતો ત્યારે મૌસી જાણીજોઈને તને બીજી છોકરીઓ પાસે મોકલી આપતી. મને સમજાઈ ગયું હતું કે મને જો તું જોઈએ છે તો મારે બીજા બધાને સાચવી લેવા પડશે. થોડા દિવસમાં મારા રિપોર્ટ મૌસી પાસે સારા આવવા મંડ્યા તો તેણે ફરી તને મારી ઓરડીમાં આવવા દીધો.
એ રાત્રે તેં નશામાં મને એવું કહેલું કે ‘માધુરી, તેરી જૈસી લડકી આજ તક નહીં દેખી... તુઝમેં કુછ ઐસી બાત હૈ જો દૂસરી લડકિયોં મેં નહીં હૈ.’ તું તો નશામાં એવો ધુત હતો કે તરત સૂઈ ગયો હતો, પણ હું હરખાઈને આખી રાત રડતી રહી હતી. તને ખબર છે સવારે તું જતો રહ્યો પછી હું ક્યાંય સુધી મને પંપાળતી રહી, હીબકાં ભરતી રહી અને જાતને બચીઓ આપતી રહી... હું સતત બોલ-બોલ કરતી હતી... હસતી હતી અને આંસુઓ લૂછતી હતી... ‘તુઝમેં કુછ ઐસી બાત હૈ જો દૂસરી લડકિયોં મેં નહીં હૈ...’
તને એક વાત કહું. આ ધંધામાં આવીને મને કોઈ ફરિયાદ નથી. ભલે હું મારી મરજીથી નહોતી આવી, પણ આવી ગયા પછી હું ખરેખર માધુરીની જેમ જીવું છું, જાતને પંપાળું છું, તૈયાર થાઉં છું, ટીવીમાં જોઈને ડાન્સ શીખું છું. જ્યારે તમને એમ લાગે કે હવે જિંદગીમાં બધું સેટલ છે, કશું જ ખોટું નથી થઈ રહ્યું ત્યારે ખબર નહીં કિસ્મત એવી રીતે આડો પથરો મૂકે કે તમને ઠોકર લાગે જ અને તમારી બંધ આંખો એકાએક ખૂલી જાય. મેં ભૂલ કરી અને એ ભૂલ હતી તને પ્રેમ કરવાની!
હા, અત્યારે આ લખી રહી છું ત્યારે મને સમજાય છે કે હું ખરેખર તારા ગળાડૂબ પ્રેમમાં હતી. કદાચ અત્યારે પણ છું જ. એક વાત મને હવે સમજાઈ છે કે દરેક સંજોગોમાં તમારી ખુશીઓ વહેંચવાની ન હોય, કારણ કે દરેક ખુશીનું પણ વજન હોય છે. બની શકે કે કોઈ સાથે એને વહેંચ્યા પછી તમને સમજાઈ જાય કે જે વાતને લઈને તમે આટલા બધા ફુલાઈ રહ્યા છો એની અંદર તો માત્ર હવા છે, પોલી હવા. મારો આ પ્રેમ તારા માટે ફુગ્ગો સાબિત થયો, પણ એ સંજોગો જ એવા હતા કે હું ન રહી શકી. અમારી સાથે રહેતી એક છોકરી ચાંદનીને કંઈક વિચિત્ર રોગ થયો. તેના શરીરમાં પોપડીઓ વળવા લાગી. બે દાદરા ચડીને પણ તે હાંફી જતી, સરખું ખાઈ ન શકતી. આંખોની નીચે કાળાં કૂંડાળાં વધવા લાગ્યાં. કસ્ટમર મૌસીને ફરિયાદ કરતા કે પથારીમાં આના મોઢામાંથી લોહી નીકળે છે. ધીરે-ધીરે અમને બધાને ખબર પડી કે તેને કોઈક ચેપી રોગ થયો છે. ખબર નહીં કયા કસ્ટમરને આ રોગ હશે તો નિશાનીરૂપે આ ગિફ્ટ આપી ગયો. ચાંદની ધીરે-ધીરે મારી નજરની સામે મરી રહી છે. હું તેને કહેતી કે ‘ચાંદની, તારું થોડું ધ્યાન તો રાખ... મરી જઈશ.’ સાડીના પલ્લુથી મોઢામાંથી નીકળી આવેલા લોહીને સાફ કરી મારા હાથમાં તેના હાથની નસ આપતાં તે બોલેલી, ‘દેખ, વૈસે ભી કૌન ઝિંદા હૈ યહાં પે?’ અમારી શબનમ થોડા દિવસ પહેલાં જ રિક્ષાવાળા સાથે મંદિરમાં લગ્ન કરીને ભાગી ગઈ હતી. મૌસીના માણસો અઠવાડિયામાં શબનમને પકડીને લઈ આવ્યા. અમને છોકરીઓને તો એવી વાતો પણ મળી કે શબનમની નજરની સામે મૌસીના માણસોએ રિક્ષાવાળાને... શબનમ અત્યારે જીવતી લાશ બનીને બેડ પર બેસી રહે છે. હું તેની પાસે જાઉં ત્યારે તેની ઊંડી ઊતરી ગયેલી આંખોમાં ગૂંગળાયેલી ચીસો સંભળાય. ધીમે-ધીમે મને આ બધી વાતોનો થોડો-થોડો ડર લાગવા માંડેલો. મારે આ રીતે અહીં અંધારામાં ગૂંગળાઈને નહોતું મરી જવું. મારી ભૂલ એટલી કે હું તારી પાસે રડી, તારા પગ પકડીને તને આજીજી કરી કે ‘અનિલ કપૂર, તું મને અહીંથી લઈ જા. મારે અહીં બીમાર થઈને કે જીવતી લાશ બનીને નથી મરી જવું. મને રસોઈ બહુ સરસ આવડે છે. રોજ તને માધુરીનાં સ્ટેપ દેખાડીશ, તારું ઘર સાફ રાખીશ ક્યાંય બહાર નહીં જાઉં, આવા રંગવાળાં કપડાં પણ નહીં પહેરું; પણ મને તારી સાથે લઈ જા.’ તને કદાચ રડતી-કકળાટ કરતી માધુરી પસંદ નહોતી. તું ગુસ્સે થઈ ગયો અને બહાર નીકળીને તેં મૌસીને કહી દીધું કે તમારી છોકરીનું ખસી ગયું છે. તું તો એ રાત્રે જતો રહ્યો. એ પછી મૌસીએ અઠવાડિયામાં મારા ખસી ગયેલા દિમાગને ઠેકાણે લાવી દીધું. માર પડ્યો, પણ એ લોકો મોઢા પર નહોતા મારતા. અમારો ચહેરો તો અમારા ધંધાનો ઉંબરો છે. ખેર, એક અઠવાડિયું કણસ્યા પછી મને સમજાઈ ગયું કે હું કેટલી મૂર્ખ છું! મારે સમજી જવાનું હતું કે જીવનમાં બધાના નસીબમાં બધું સુખ લખેલું નથી હોતું. મારા નસીબનું સુખ માત્ર તારું આવવું હતું એ હું ન સાચવી શકી અને તારું આવવું એ જવું બની ગયું. મારે માધુરી જ રહેવાનું હતું. હું સંગીતા બની અને મારો પત્તાંનો આખો મહેલ પડી ભાંગ્યો.
એક સત્ય મને એવું પણ સમજાય છે કે તું મોટો થઈ ગયો છે. મારા માટે ગલ્લો તોડીને પિકનિકના પૈસામાંથી રાત વિતાવનારો હવે સૂટકેસ લઈને ઑફિસના દાદરા ચડવા-ઊતરવા લાગ્યો છે. પણ તને એક વાત કહું, મારી ઉંમર તો એ જગ્યાએ જ સ્થિર થઈ ગઈ જ્યારે સંકોચાતાં-સંકોચાતાં તું મારા બેડ પર સ્કૂલ-ડ્રેસની ટાઈ ઢીલી કરતાં-કરતાં એમ બોલેલો કે ‘તારું નામ માધુરી છે?’
મને માફ કરી દે કે હું તારા પ્રેમમાં પડી ગઈ. હા, ખરેખર એમ તો કોઈની મરજીની વિરુદ્ધ કોઈને પ્રેમ કેવી રીતે કરી શકાય? હું કાન પકડીને માફી માગું છું. સાંભળ, તું જે કહીશ એ બધું કરીશ. હું ડાન્સનાં નવાં સ્ટેપ પણ શીખવા લાગી છું. એક વાત કહું, મને અરીસામાં જોઈને મારા પર દયા આવવા લાગી છે કે હું તો આવી બિલકુલ બાપડી-બિચારી નહોતી તો કેમ આવી થઈ ગઈ. મને થાય છે કે મારે તારી માફી શું કામ માગવી જોઈએ, પણ પછી મને ફરી-ફરીને તારા પાછા આવવાનો લોભ થાય છે એટલે તને કહું છું કે બધું ભૂલીને પાછો આવને!
આજે તને મોકલેલો કાગળ પાછો આવ્યો. મૌસીએ વાંચીને મારી સામે દાંત કાઢ્યા. બીજી બધી છોકરીઓ સાંભળે એટલા જોરજોરથી મૌસીએ આ કાગળ વાંચ્યો. ખોટું નહીં બોલું તે ભલે જમના દૂત જેવી હોય, પણ જ્યારે મને કાગળ આપવા આવી ત્યારે તેની આંખ ભીની હતી. તે બોલી કે ‘તુમ્હે પતા હૈ માધુરી, યૈ ઔરત કી જાત હોતી હૈના વો કમબખ્ત પૂરી કી પૂરી ઔરત હોતી હૈ... તૂને કાગઝ તો લિખ ડાલા, લૈકિન નામ-પતા કોન મૈરા બાપ ડાલેગા?’ હું ત્યાં ઉંબર પર બેસી પડી. સાડીના પલ્લુથી મોં ઢાંકીને છુટ્ટા મોંએ રડી પડી. સત્તરમા વર્ષે સ્થિર થયેલી મારી સાનભાને આજ સુધી આટલાં વર્ષોમાં પણ મેં ક્યારેય તને તારું આખું નામ, ઠામ કે ઠેકાણું તો કોઈ દિવસ પૂછ્યું જ નહોતું!
ફરી-ફરી માધુરી બનવા તરફડતી સંગીતા.
(સમાપ્ત)