અફવા (મૉરલ સ્ટોરી)

15 October, 2021 08:02 AM IST  |  Mumbai | Rashmin Shah

છલાંગ મારતો સિંહ સીધો ગયો ગુફામાં અને અહીં શિયાળે શિકારમાં એને મળેલા કુમળા હરણને ખાવાનું ચાલુ કર્યું

અફવા

ડિંગ... ડોંગ...

અફવા પર ઢબ્બુને સ્ટોરી કહેવાનું પપ્પાએ શરૂ કર્યું અને એ જ સમયે ઘરની ડોરબેલ વાગી.

મમ્મીનું ધ્યાન તરત જ વૉલ-ક્લૉક પર ગયું.

રાતના અગિયાર વાગી ગયા હતા. સોસાયટીના કૅમ્પસમાં સાપ દેખાયાની અફવા પછી એવો તે દેકારો મચી ગયો હતો કે કોઈનું ધ્યાન ટાઇમ પર રહ્યું નહોતું. એને લીધે સામાન્ય રીતે રાતે દસ વાગ્યા સુધીમાં સૂઈ જતો ઢબ્બુ પણ આજે જાગતો હતો.

‘અત્યારે કોણ આવ્યું છે?’ મમ્મીએ ડોર ઓપન કર્યો, ‘ઓહ તમે...’

સામે સની અને તેનાં મમ્મી હતાં.

‘આવોને...’

મમ્મીએ અંદર આવવા માટે જગ્યા કરી આપી એટલે સનીની મમ્મીએ સનીને સહેજ ધક્કો મારીને અંદર ધકેલ્યો અને પાછળ પોતે પણ આવ્યાં.

‘મિસિસ શાહ, વી આર સો સૉરી. સનીને લીધે બધા આજે હેરાન થયા...’

‘અરે, ઇટ્સ ઓકે.’ મમ્મીએ ફૉર્મલિટી કરી, ‘જુઓને, સની પાસેથી સાંભળીને ઢબ્બુએ પણ એ જ કર્યુંને. બધાને દોડતા કરી દીધા.’

‘સો સૅડ, વી મસ્ટ સે.’ મિસિસ ચૅટરજીએ બેંગોલી લહેકા સાથે કહ્યું અને પપ્પાની સામે જોયું, ‘મિસ્ટર શાહ, તમને પણ સૉરી...’

‘સૉરી નહીં, સ્ટોરી.’ મિસ્ટર અને મિસિસ શાહ ચૂપ રહ્યાં, પણ માસ્ટર શાહે સનીને ઇન્વાઇટ કરી દીધો, ‘આવ બેસ, પપ્પા આ રુમર પર જ સ્ટોરી કહે છે.’

‘ઓહ રિયલી... તો-તો હું પણ સાંભળવાની.’ મિસિસ ચૅટરજીએ કહ્યું, ‘ઍક્ચ્યુઅલી, ઢબ્બુ પણ અમારે ત્યાં આવીને તમારી સ્ટોરીની બહુ વાતો કરતો હોય છે.’

‘તેને અમારે સ્ટોરી આપો એટલે બીજું કંઈ ન જોઈએ.’

‘એક્ઝૅક્ટ્લી...’ માસ્ટર શાહે દોઢડહાપણ ચાલુ રાખ્યું, ‘ડિટ્ટો પપ્પા જેવું છે મારું...’

ઢબ્બુના જવાબ પર પપ્પાએ મમ્મી સામે જોઈ લીધું. મમ્મીએ ડાબી બાજુનો હોઠ સહેજ ઉપરની તરફ ખેંચીને મોઢું બગાડી લીધું હતું, પણ અત્યારે એ રિઍક્શન પર સમય વેડફવાને

બદલે જલદી સ્ટોરી પૂરી કરવામાં સાર છે એવું ધારીને પપ્પાએ ઘરમાં આવેલા બન્ને નવા સ્ટોરી-લિસનરને વીતી ગયેલી સ્ટોરી કહેવાની જવાબદારી ઢબ્બુને સોંપી.

‘અત્યાર સુધીમાં તેં શું-શું સાંભળ્યું...’

‘એક મોટું જંગલ અને એમાં, એ જંગલમાં બહુબધાં ઍનિમલ રહે. એમાં એક કપલ ઍનિમલ...’ ઢબ્બુએ સની સામે જોયું અને કહ્યું, ‘મારાં મમ્મી-પપ્પા જેવા બે લાયન ઍનિમલ પણ રહે. બન્ને એકદમ મસ્ત રીતે લવ-લાઇફ જીવે.’

લવ-લાઇફ શબ્દ સાંભળીને મમ્મી શરમાઈ તો મિસિસ ચૅટરજીએ પપ્પા સામે જોઈને મોટું સ્માઇલ કર્યું.

સ્ટોરીનો દોર પપ્પાએ નાછૂટકે પોતાના હાથમાં લઈ લીધો.

‘સિંહ અને સિંહણની હૅપી લાઇફ જોઈને જંગલના બીજા લોકોને બહુ ઈર્ષ્યા થાય, પણ કરે શું એ લોકો? કંઈ બોલી તો શકે નહીં. સિંહ તો જંગલનો કિંગ. એની સામે કંઈ બોલે તો-તો એ કોઈને જીવતા મૂકે નહીં. એટલે બસ, બધા ઈર્ષ્યા કરે.’

‘લાઇક વી ઑલ...’

પપ્પાએ મિસિસ ચૅટરજીના શબ્દો પર ધ્યાન આપ્યા વિના સનીની સામે જોઈને સ્ટોરી આગળ વધારી.

‘જંગલમાં એક શિયાળ પણ હતું. ઈર્ષાળુ શિયાળ...’

lll

બધા સિંહ-સિંહણનાં વખાણ કરે એ પેલા શિયાળને ગમે નહીં એટલે તેણે ચાલુ કર્યું સિંહના કાન ભંભેરવાનું.

‘મહારાજ, તમે નથી હોતા ત્યારે સિંહણને મળવા ઘણા લોકો આવે છે... ધ્યાન રાખજો.’

સિંહે શિયાળની વાત પર ધ્યાન આપ્યું નહીં અને તે પોતાનું કામ કરતો રહ્યો. બે-ચાર દિવસ પછી શિયાળે જોયું કે સિંહ-સિંહણમાં કોઈ ફરક નહીં. બન્ને મસ્ત રીતે સાથે રહે. કોઈ ચેન્જ આવ્યો નહીં કે બન્ને વચ્ચે ઝઘડો થયો નહીં એટલે શિયાળને વધારે ઈર્ષ્યા થઈ. કરવું પડશે કંઈક આ બન્નેનું, આવી સારી રીતે જીવે એ ચાલે નહીં.

મનમાં વિચારતાં શિયાળે પ્લાન બનાવવાનું શરૂ કર્યું અને એ પ્લાન બનાવવામાં તેને એક દિવસ બરાબરની તક મળી ગઈ.

બન્યું એવું કે મૉન્સૂનના દિવસો હતા. વરસાદ શરૂ થયો અને વરસતા વરસાદ વચ્ચે સિંહ શિકાર કરીને પાછો આવ્યો. શિકાર ગુફામાં મૂકીને સિંહે ફરી શિકાર પર જવાની તૈયારી કરી એટલે સિંહણે તેને રોક્યો.

‘ફરી કેમ જવું છે? આ તો છે આપણી પાસે...’

‘હા, પણ બહાર વરસાદ વધે છે.’ સિંહે ગુફાની બહાર જોતાં કહ્યું, ‘જો બે-ચાર દિવસ આમ જ રહેશે તો શિકાર કરવા નહીં મળે. બેટર છે કે આપણે ગુફામાં સ્ટૉક રાખીએ.’

સિંહ તો ફરી નીકળી ગયો શિકાર કરવા અને જેવો સિંહ બહાર ગયો કે વુલ્ફ અને ડૉગીનાં નાનાં-નાનાં બચ્ચાંઓ આવ્યાં. બન્ને બહુ ભૂખ્યાં હતાં. એમની હાલત જોઈને સિંહણને દયા આવી ગઈ. એણે એ બચ્ચાંઓની સામે શિકાર મૂકી દીધો. બચ્ચાંઓ તો રાજી-રાજી થઈ ગયાં અને એમણે મસ્ત પેટ ભરાઈ જાય એટલું ખાધું. ખાઈને એ બધાં તો નીકળી ગયાં. આ સીન જોઈ લીધો શિયાળે.

lll

‘હં... હવે શિયાળ મસ્ત ગેમ ગોઠવશે.’ ઢબ્બુ એક્સાઇટ થઈ ગયો, ‘હવે લવ-લાઇફ પૂરી લાયન કપલની.’

‘પછી શું થયું મિસ્ટર શાહ?’

મિસિસ ચૅટરજીના સવાલથી પપ્પા કરતાં મમ્મીના કાન વધારે ચમક્યા. મનમાં ને મનમાં તેણે પપ્પાને ઑર્ડર પણ કરી દીધો : ‘સ્ટોરી ફટાફટ પૂરી કરો હવે...’

lll

સિંહ બીજો શિકાર કરીને પાછો આવ્યો કે તરત શિયાળ દોડતો એની સામે ગયો.

‘મેં તમને કહ્યું હતું મહારાજ, સિંહણને મળવા કોઈ આવે છે.’

‘ખોટી વાત નહીં. જા, તારું

કામ કર...’

‘મહારાજ, કામ જ કરું છું. જઈને જુઓ તમે. તમે કરેલો પહેલો શિકાર અંદર નથી.’

‘એટલે?’

‘એ સિંહણના ફ્રેન્ડ્સ ખાઈ ગયા...’

‘કોણ છે એના ફ્રેન્ડ્સ?’ સિંહની આંખો લાલ થઈ ગઈ, ‘જલદી બોલ, કોણ છે એ?’

‘વુલ્ફ અને ડૉગી...’ શિયાળે

સિંહ સામે આંખ મીંચકારી, ‘એક

નહીં બબ્બે.’

ગરરર...

સિંહે ત્રાડ પાડી. શિયાળ ડરી ગયો.

‘ખોટું નથી બોલતો મહારાજ. તમારો ગુલામ છું. ખોટું શું કામ બોલું હું?’

‘ને ખોટું નીકળ્યું તો?’

‘તમારો પંજો ને મારી ગરદન...’ શિયાળ લાલચુ હતો, ‘ને સાચું નીકળે તો આ શિકાર મારો...’

‘દીધો, અત્યારે જ... રાખ તું.’

છલાંગ મારતો સિંહ સીધો ગયો ગુફામાં અને અહીં શિયાળે શિકારમાં એને મળેલા કુમળા હરણને ખાવાનું ચાલુ કર્યું.

lll

‘ક્યાં છે તું?’ ગુફામાં દાખલ થતાં જ સિંહે ત્રાડ પાડી, ‘બહાર નીકળ...’

સિંહણ તો અંદર સૂતી હતી. સિંહના અવાજથી એ જાગી ગઈ. જાગીને એ સીધી બહાર આવી.

‘બોલોને, શું થયું?’ સિંહને ખાલી હાથે જોઈને સિંહણને નવાઈ લાગી, ‘ક્યાં ગયો શિકાર? ન મળ્યો?’

સિંહણને તો ભૂખ લાગી હતી. અગાઉનો જે શિકાર હતો એ તો એણે ખવડાવી દીધો હતો પેલાં બચ્ચાંઓને અને હવે સિંહ પાસે કોઈ શિકાર નહોતો એટલે તે મૂંઝાઈ પણ હતી.

‘કેમ, એ શિકાર તો બે-ચાર દિવસ પછીનો છેને?’ સિંહ રમત રમ્યો, ‘જા, જઈને થોડી વાર પહેલાં મૂકી ગયો હતો એ શિકાર લઈ આવ. બહુ ભૂખ લાગી છે.’

સિંહણ હવે ખરેખર મુશ્કેલીમાં મુકાઈ.

‘મહારાજ, એ તો... એ તો...’

‘શું એ તો... એ તો... કરે છે. જા, જઈને લઈ આવ. કીધુંને, ભૂખ લાગી છે.’

‘હા, પણ એ તો છેને, આપણે...’ સિંહણે વચ્ચેનો માર્ગ શોધી લીધો, ‘એ તો આપણે પછી ખાઈશુંને. અત્યારે ફ્રેશ ખાઈએને, જે તમે લાવ્યા છો એ.’

‘થોડી વાર પહેલાં લાવ્યો એ પણ ફ્રેશ જ છે, લઈ આવ.’ સિંહના અવાજમાં રોફ હતો અને રોફની સાથોસાથ તેણે પંજો ઉપાડીને ત્રાડ પણ પાડી, ‘જલદી જા...’

સિંહણ જમીન પર બેસી ગઈ. એ બહુ ડરી ગઈ હતી અને ડરને લીધે એની આંખમાં આંસુ આવી ગયાં. જોકે એ આંસુથી સિંહને કોઈ ફરક પડ્યો નહીં. એના મનમાં તો સિંહણના પેલા બે બૉયફ્રેન્ડ્સ જ હતા.

‘સાચેસાચું કહી દે બધું...’

‘એ તો મેં ખવડાવી દીધું...’ સિંહણે બે હાથ જોડ્યા, ‘એ ભૂખ્યાં હતાં બધાં...’

‘બધાં?!’

‘હા, મહારાજ. બધાં. ચાર હતાં. બહુ ભૂખ લાગી હતી એમને એટલે મેં સામેથી આપ્યું એમને ખાવા...’ સિંહણે કહ્યું, ‘એમના પેરન્ટ્સ શિકાર માટે ત્રણ દિવસ પહેલાં ગયા હતા, પણ હજી આવ્યા નહોતા એટલે મેં બચ્ચાંઓને...’

‘બચ્ચાઓને?!’

‘હા, વુલ્ફ અને ડૉગીનાં બચ્ચાંઓને. ચાર હતાં... બહાર ખાવાનું શોધતાં અંદર આવી ગયાં અને મેં એમને

આપી દીધું.’

‘એટલે એ તારા બૉયફ્રેન્ડ્સ...’

સિંહણે આંખ કાઢીને સિંહની

સામે જોયું એટલે સિંહની બોલતી બંધ થઈ ગઈ.

‘આવો ડાઉટ કરવાનો, આવો?!’ સિંહણ ઊભી થઈ, ‘મારી પાછળ તમે જાસૂસી કરો છો એમને?’

‘વાત જાસૂસીની નથી.’ સિંહ સિંહણની નજીક આવ્યો, ‘આ તો

પેલો શિયાળ... એણે કહ્યું કે તને મળવા માટે કોઈ...’

‘પ્રેમ હોય ત્યાં પુરાવાની જરૂર ન પડે વનરાજ...’ સિંહણે ભીની આંખે સિંહની સામે જોયું, ‘અને જ્યાં

પુરાવાની જરૂર પડે ત્યાં વ્યવહાર હોય, સંબંધ નહીં.’

સિંહ બધું સમજી ગયો. તેને મન થયું કે તે પગ પકડીને સિંહણની માફી માગી લે, પણ તેને થયું કે એ પહેલાં પણ એક કામ વધારે અગત્યનું છે. સિંહ ઊભો થયો અને સીધો બહારની તરફ ભાગ્યો.

બહાર ગુફાથી થોડે દૂર શિયાળ તો મસ્ત રીતે હરણ જમતો બેઠો હતો. એની પીઠ સિંહ તરફ હતી એટલે દોડતો આવતો સિંહ એને દેખાતો નહોતો. સિંહ દોડતો આવ્યો અને શિયાળથી દસેક ફુટ દૂર હતો ત્યાંથી તેણે છલાંગ મારી સીધી શિયાળ પર.

પહેલો પંજો શિયાળના મસ્તક પર અને બીજો પંજો શિયાળની ગરદન પર. શિયાળના શરીરમાંથી લોહી વહેવાં માંડ્યું. શિયાળને રાડ પાડવી હતી, પણ સિંહનો એક પંજો એની ગરદન પર હતો એટલે અવાજ સુધ્ધાં બહાર નહોતો આવી શકતો. એ ઊંહકારા કરતો રહ્યો, પણ સિંહે એની સામે જોયું પણ નહીં અને એ શિયાળને તાણીને સીધો ગુફા તરફ ભાગ્યો.

સિંહના મોઢામાં ભરાયેલા શિયાળનું શરીર જમીન પર ઢસડાતું ગયું. સિંહના બે પંજાનો પરચો તો એને મળી જ ગયો હતો. હવે એ સિંહના દાંતની કાતિલ અસરનો પણ અનુભવ કરતો હતો. દોડતા આવીને સિંહે શિયાળનો ગુફામાં ઘા કર્યો.

સિંહણ ત્યાં જ બેઠી હતી. તેના પગ પાસે કશુંક પડતાં એણે પગ પાસે જોયું. શિયાળ હતું પગ પાસે. શિયાળે સીધા સિંહણના પગ પકડી લીધા અને રડતાં-રડતાં એ સિંહણને કરગરવા માંડ્યો.

‘મને એક કાગડાએ કહ્યું કે તમારે ફ્રેન્ડ છે એટલે મેં મહારાજને વાત કરી; પણ મારા મનમાં કોઈ પાપ નહોતું, મને માફ કરો...’

સિંહનું તો ધ્યાન નહોતું, પણ સિંહણે બરાબર સાંભળ્યું હતું.

‘કોણે કહ્યું તને?’

‘એક કાગડાએ...’ શિયાળે સિંહની સામે જોયું, ‘મહિના પહેલાં. એ તો ઊડી પણ ગયો બીજા દેશમાં...’

‘મહારાજ, જરા વિચારો... સાવ ખોટી વાત કેવી રીતે આગળ વધી ગઈ.’ સિંહણે શિયાળની સામે જોયું, ‘જેની તને ખબર નથી એવી વાત કોઈને પણ કરતાં પહેલાં પાંચસો વાર વિચારવું. બાકી આવી ખોટી વાત કોઈનો જીવ પણ લઈ લે...’

lll

‘મૉરલ ઑફ ધ સ્ટોરી...’ પપ્પા

કંઈ બોલે એ પહેલાં ઢબ્બુએ કહ્યું, ‘ખબર ન હોય એવી વાત ક્યારેય કોઈને કહેવાની નહીં.’

 

સંપૂર્ણ

columnists Rashmin Shah