કૉન્ફિડન્સ

24 June, 2022 03:27 PM IST  |  Mumbai | Rashmin Shah

કસમયે ફોન કરવાની આદત માત્ર અને માત્ર ઢબ્બુને ઘરમાં હતી. ન તો રાજકોટથી મમ્મી ક્યારેય કસમયે ફોન કરતી કે ન તો ઢબ્બુની મમ્મી પણ એવું કરતી.

કૉન્ફિડન્સ

‘માસ-પ્રમોશનમાં પણ એ ફેલ થયો, બોલ...’ ઢબ્બુનું એક્સાઇટમેન્ટ તેના ચહેરા પર દેખાતું હતું. ઘરમાં આવીને દોડતો એ સીધો મમ્મી પાસે પહોંચ્યો હતો, ‘સનીને સાચે નહીં આવડતું હોય કંઈ મમ્મી?’
‘મને કેમ ખબર પડે, બેટા... એ તો એના પેરન્ટ્સને ખબર હોયને.’
‘હા, એ પણ છે.’ જોકે ઢબ્બુએ ફરી એક વાર કન્ફર્મ કર્યું, ‘ખોટું તો નહીં બોલતો હોયને સની?’
‘કોઈ સારી વાત ખોટી બોલે, ખરાબ વાત શું કામ ખોટી બોલે?’ મમ્મીની આર્ગ્યુમેન્ટ સાચી હતી, ‘અને નાનાં બાળકો ક્યારેય ખોટું બોલે નહીં.’ 
‘તો મોટાં શું કામ ખોટું બોલે?’
મમ્મી ફસાઈ, આ સવાલનો જવાબ શું આપે અને એમાં પણ ત્યારે જ્યારે પ્રશ્નકુમાર સામે ઊભો હોય.
‘એ બધી વાત પછી, પહેલાં કામ કરી લઉં?’
‘હા કરને કામ.’ ઢબ્બુ કિચનમાંથી બહાર નીકળ્યો પણ નીકળીને એ 
સીધો પાછો અંદર આવ્યો, ‘કામ પછી કરજે, પહેલાં એ કહે, મોટાં શું કામ ખોટું બોલે?’
‘રાતે, રાતે આપું જવાબ.’ 
મમ્મીએ તારણહારને યાદ કર્યા, ‘પપ્પા આવી જાય પછી. પપ્પા બરાબર સમજાવીને કહેશે.’
‘હંમ... હા.’ 
ઢબ્બુ ડ્રોઇંગ રૂમમાં આવ્યો અને તેણે ફોન હાથમાં લીધો. મમ્મીનું ધ્યાન ઢબ્બુ પર જ હતું. એ સમજી ગઈ કે ઢબ્બુએ શું કામ ફોન લીધો છે.
‘અત્યારે પપ્પાને ફોન કરતો નહીં... પપ્પા મીટિંગમાં...’
વાત હજી તો પૂરી થાય ત્યાં તો ઢબ્બુએ બે નંબરમાં સ્ટોર કરી રાખેલા પપ્પાનો નંબર ડાયલ કરી પણ દીધો અને સામેથી પપ્પાએ ફોન ઊંચકી 
પણ લીધો.
‘બોલ ઢબ્બુ.’
કસમયે ફોન કરવાની આદત 
માત્ર અને માત્ર ઢબ્બુને ઘરમાં હતી. ન તો રાજકોટથી મમ્મી ક્યારેય કસમયે ફોન કરતી કે ન તો ઢબ્બુની મમ્મી પણ એવું કરતી.
lll
‘વાતો કરવાની હોય પણ એનો અર્થ એવો નથી કે બહાર ગયા પછી પણ વાતો કર્યા કરવાની હોય.’ એક વાર પપ્પાએ મમ્મીને આવીને કહ્યું હતું, ‘ફોન ઇમર્જન્સી માટે છે અને ઇમર્જન્સીનો એક જ અર્થ થાય, હૉસ્પિટલ. તારા દરેક કૉલ પર મારા હાર્ટબીટ્સ વધતા હોય છે.’
એ દિવસે મમ્મીએ પપ્પાને છ ફોન કર્યા હતા અને એ છએ છ ફોનમાં કોઈ અગત્યની વાત નહોતી. પપ્પાને બહુ ગુસ્સો આવ્યો હતો પણ એ ગુસ્સો તેમણે દબાવી રાખ્યો અને મમ્મી સાથે દરેક ફોનમાં શાંતિથી વાત કરી પણ ઘરે આવીને સૌથી પહેલો આ જ ટૉપિક ડિસકસ કર્યો હતો.
‘જરૂર હોય તો બે નહીં, 
બાર કૉલ કરો પણ જરૂર હોય તો 
અને જરૂરિયાતની વ્યાખ્યા પણ 
બરાબર સમજો.’
એ દિવસથી મમ્મીએ સાચી રીતે સંયમ રાખવાનું શરૂ કરી દીધું હતું પણ ઢબ્બુએ એવી સમજણ કે સંયમ રાખ્યો નહીં અને પપ્પાએ ક્યારેય તેને ટોક્યો પણ નહીં. એક વખત તો મમ્મીએ પણ આ બાબતમાં ટોણો માર્યો હતો.
‘કેમ, ઢબ્બુને તો નથી કહેવાતું ફોન માટે કંઈ.’
‘કહેવાની અને સમજવાની એક ઉંમર હોય...’ પપ્પાએ બુકમાંથી નજર પણ ઊંચી નહોતી કરી, ‘એ ઉંમર ઢબ્બુની થશે ત્યારે એને પણ એ 
સમજણ આપવામાં આવશે પણ એ ઉંમર આવશે ત્યારે... ત્યાં સુધી રોકવાનો કોઈ અર્થ નથી.’
lll
‘બોલ ઢબ્બુ.’
‘મને સ્ટોરી કહેવાની છે...’
‘પ્રૉમિસ પણ ઘરે આવીને...’ પપ્પાના ચહેરા પર સ્માઇલ હતું, ‘આવું એટલે સ્ટોરી કહીશ ઓકે...’
‘પણ ટૉપિક કહી દઉં...’ ઢબ્બુ 
ફોન લઈને સોફાનો ટેકો લઈને જમીન પર બેસી ગયો હતો, ‘મોટા ખોટું શું કામ બોલે?’
‘કોણ ખોટું બોલ્યું અત્યારે?’
ફોન ચાલતો હતો એ જોઈને મમ્મીને બરાબરની ખીજ ચડતી હતી. ખબર હતી તેને કે પપ્પા અત્યારે મંત્રાલયમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આપવા માટે ગયા છે અને એ પછી પણ તે શાંતિથી વાતો કરી રહ્યા છે.
‘બોલ્યું કોઈ નથી પણ મમ્મીએ કીધું, મોટા ખોટું બોલે...’
‘અચ્છા...’
મમ્મીએ દબાયેલા અવાજે ઢબ્બુની પાછળ આવીને કહ્યું, ‘ફોન મૂક, પપ્પા મીટિંગમાં છે.’
‘હા...’ ઢબ્બુએ મમ્મીની સામે જોયું અને મમ્મીને જવાબ આપ્યો અને પછી તરત ફોનમાં કહ્યું, ‘પછી વાત, મીટિંગ કરી લો, કામ ફર્સ્ટ...’
‘ઓકે સર...’
સ્માઇલ સાથે પપ્પાએ ફોન મૂક્યો અને સામે બેઠેલા ચીફ સેક્રેટરી સામે જોઈને કહ્યુંઃ ‘માય સન... હી ઇઝ જસ્ટ સિક્સ ઍન્ડ હાફ સો...’
‘આઇ કૅન અન્ડરસ્ટૅન્ડ. નો વરીઝ.’ સેક્રેટરીએ સ્લાઇડ પર નજર કરી, ‘પ્લીઝ કન્ટિન્યુ.’
lll
‘મોટા ખોટું શું કામ બોલે?’
‘પણ તેં જવાબ આપ્યો નહીં, શું કામ આવું તને મનમાં આવ્યું?’
‘એ તો એમ જ.’ ઢબ્બુએ પપ્પાની સામે જોઈને નીચેનો હોઠ બહાર કાઢ્યો, ‘ભૂલી ગયો.’
‘તેં મમ્મીનું કહ્યુંને, મમ્મી 
કહેતી હતી.’
‘હા, યાદ આવ્યું, મમ્મી બોલી કે મોટા ખોટું બોલે...’
‘હંમ... અને નાના...’
‘એ પણ બોલેને, સની બોલે છે.’ ઢબ્બુ એકદમ એક્સાઇટ થઈ ગયો હતો, ‘એ મને કહે, હું ફેલ થયો. ખોટાડો...’
ખોટાડો. 
ઢબ્બુએ બોલેલા આ એક શબ્દ પર પપ્પાની નજર તરત જ મમ્મી તરફ ગઈ. મમ્મીના ચહેરા પર સ્માઇલ આવી ગયું પણ તેણે પરાણે દબાવ્યું.
‘સની ફેલ થયો?’
‘હા, એવું કહે છે.’ ઢબ્બુનું એક્સાઇટમેન્ટ કન્ટિન્યુ રહ્યું, ‘સાવ ઠોઠ છે. આવડતું જ નથી કંઈ... અને, અને કેવું છે પપ્પા, ખબર છે, એને તમે અહીં પૂછોને કંઈ તો એ ફાસ્ટ-ફાસ્ટ જવાબ આપે પણ સ્કૂલમાં ટીચર પૂછે તો કંઈ બોલે જ નહીં, કંઈ નહીં. સાવ ચૂપ ઊભો રહી જાય.’
‘હંમ...’
‘બધા એને ઠોઠડો કહે...’ ઢબ્બુને હસવું આવતું હતું પણ તેણે દબાવતાં-દબાવતાં જ વાત કરી, ‘હવે એને બધા ઘરમાં પણ ઠોઠડો કહે. કેવું કહેવાય, ઘરમાં આવડે ને સ્કૂલમાં ન આવડે...’
‘હોય એવું બેટા, ઘણાને એવો પ્રૉબ્લેમ હોય.’
‘મને તો નથી.’
‘એને કૉન્ફિડન્સ કહેવાય.’ પપ્પાએ પગ સહેજ લાંબા કર્યા કે તરત જ ઢબ્બુ એના પેટ પર ચડી ગયો, ‘જો કૉન્ફિડન્સ ન હોય તો તમને ગભરાટ થાય, મનમાં બીક રહે કે હું ખોટું બોલીશ તો... આ બીકને લીધે તમે કંઈ પણ કરતાં પહેલાં જ ટેન્શનમાં આવી જાઓ અને ટેન્શન તમને આગળ વધવા ન દે.’
‘તો એ ક... કોફિડન્સ...’
પપ્પાએ ઢબ્બુને સુધાર્યો.
‘કોફિડન્સ નહીં, કૉન્ફિડન્સ...’
‘હા, એ ક્યાં મળે...’
‘મળે નહીં એને ઊભો કરવાનો હોય, તમારામાંથી...’ પપ્પાએ ઢબ્બુના માથામાં હાથ ફેરવ્યો, ‘એ અંદર જ હોય. બસ, એને બહાર કાઢવાનો હોય.’
‘એટલે કેમ બહાર નીકળે?’ 
ઢબ્બુએ મનમાં આવેલો અખતરો કહ્યો, ‘સનીના ગળામાં હાથ નાખીને ખેંચી લઉં. આમ જોરથી.’
પપ્પા હસી પડ્યા.
‘ના, એમ ન હોય.’
‘તો...’
‘કહુંને, કેવી રીતે એ બહાર આવે... કહું. સાંભળ...’ પપ્પાએ સ્ટોરી શરૂ કરી, ‘એક સરસ મજાનું સિટી હતું. નાનું પણ સરસ સિટી.’
‘અમદાવાદ જેવું?’
‘હા, અમદાવાદ જેવું. ત્યાં એક પપ્પા રહે, મમ્મી રહે અને સાથે એનો તારા જેવો જ નાનકડો ઢબ્બુ રહે... ઢબ્બુ ભણવામાં...’
‘નામ બીજું, પછી હું કન્ફ્યુઝ 
થઉં છું...’
‘ઓકે, આપણે એનું નામ રાખીશું...’ 
પપ્પાએ વિચારવાનું ચાલુ કર્યું ત્યાં ઢબ્બુએ જ તેને સામો સવાલ કર્યો.
‘એ હોશિયાર છે કે નહીં?’
‘હંમ. ના, બહુ હોશિયાર તો નથી.’
‘એટલે ઠોઠડો... તો એનું નામ 
સની રાખો.’
‘હંમ, ઓકે પણ સનીને ક્યારેય ઠોઠડો નહીં કહેવાનું. કોઈને એક કામ બહુ આવડે તો બીજું કામ જરા પણ ન આવડે એવું હોય.’ પપ્પાએ પોતાનો જ દાખલો આપ્યો, ‘જો મને બિલ્ડિંગ બનાવતાં આવડે છે તો મમ્મીને સરસ યોગ આવડે છે. એ સરસ ફૂડ બનાવે છે...’
‘ના, એને ફૂડ નથી આવડતું બનાવતાં...’
પપ્પાએ સાવધાની સાથે જોઈ લીધું, મમ્મી હમણાં જ રૂમમાંથી બહાર ગઈ હતી એટલે પપ્પાના ચહેરા પર હળવાશ આવી. તેણે ઢબ્બુના ગાલ પર વહાલથી ટપલી મારી.
‘કોડા, તારી મા સાંભળી ગઈ હોત તો આપણે બેઉ મરી જાત...’ 
‘નથીને, બચી ગયાને... હવે સ્ટોરી સ્ટાર્ટ કરો.’
પપ્પાએ વૉલ ક્લૉકમાં જોયું.
‘તારા રૂમમાં... ચાલો, સૂતાં-સૂતાં...’
‘ના, અહીં...’ ઢબ્બુને લાગ્યું કે એની જીદ નહીં ટકે એટલે તેણે જ વચ્ચેનો રસ્તો પકડી લીધો, ‘થોડીક અહીં, થોડીક ત્યાં... ચાલે?’
પપ્પાએ સ્માઇલ સાથે કહ્યું,
‘ચાલે...’
‘તો નાઓ, સ્ટાર્ટ...’
‘હંમ... એક નાનું સિટી, અમદાવાદ જેવું, રાઇટ?’
‘હા ને એમાં એક મમ્મી, પપ્પા... ને સની...’
‘સની ભણવામાં થોડો ડમ્બ... બહુ હોશિયાર નહીં. માંડ-માંડ પાસ થાય અને એ પણ ગ્રેસના માર્ક્સથી...’
‘મારા ફ્રેન્ડ જેવો...’ ઢબ્બુ કૅરૅક્ટર રિલેટ કરતો જતો હતો, ‘પછી...’
lll
એક્ઝામ આવી. કોરોનાનો પિરિયડ અને એવા ટાઇમમાં પણ સની ફેલ થયો. સનીને નૅચરલી દુખ થયું પણ સનીના પેરન્ટ્સને તો પહેલેથી ખબર જ હતી કે સની પાસ થવાનો નથી. મમ્મીએ તો પપ્પાને કહીને પણ રાખ્યું હતું કે રિઝલ્ટ આવે એટલે સ્કૂલે જઈને ઓળખાણ લગાડીને પાસ કરાવી આવજો.
‘હવે તો મને શરમ આવે છે, થર્ડ અને ફોર્થમાં પણ પાસ કરાવવા પડે...’
‘શરમ તો મને પણ આવે છે 
પણ શું થાય, આપણે જ આગળ વધારવો પડશે સનીને.’
જે વાતની બીક હતી એ જ બન્યું અને સનીનું રિઝલ્ટ આવ્યું.
ફેલ.
સની નાપાસ થયો એટલે મમ્મીએ પપ્પાને ઑફિસે ફોન કરીને રિઝલ્ટની જાણ કરી અને સાથોસાથ રિક્વેસ્ટ કરી.
‘પ્લીઝ, જઈ આવોને, પ્રિન્સિપાલને મળશો તો એ સમજશે. પાસ કરી દેશે.’
‘પણ તું સમજ તો ખરી પિન્કી...’
lll
‘પિન્કી એટલે મમ્મીને?’
‘હા...’ 
‘એના ઘરમાં કોણ ઠોઠડું હતું.’ સનીનો નવો સવાલ આવ્યો, ‘મમ્મી કે પપ્પા?’
‘બેમાંથી કોઈ નહીં. અને ક્યારેય કોઈ ઠોઠ હોતું નથી. બધા હોશિયાર જ હોય. કહ્યુંને તને, કોઈને એક કામ 
બહુ આવડે તો કોઈને એ કામ જરા પણ ન આવડે.’
‘પછી... પછી શું થયું, પપ્પાના 
પેલા ફ્રેન્ડ પ્રિન્સિપાલે પાસ કરી 
દીધો સનીને?’
lll
‘સૉરી, આ વખતે મારાથી નહીં થાય.’ પ્રિન્સિપાલે ચશ્માં કાઢીને ટેબલ પર મૂક્યાં અને સનીના પપ્પાને કહ્યું, ‘જુઓ, લાસ્ટ યર પણ આપણે એને ગ્રેસ માર્ક્સ આપ્યા હતા. આ વર્ષે પણ આપ્યા પણ એ પછી પણ સની પાસ નથી થતો.’
‘તો થોડા વધારે માર્ક્સ આપી દોને, કોણ છે જોવાવાળું!’ પપ્પાએ સહેજ દબાયેલા અવાજે કહ્યું, ‘ડોનેશનની જરૂર હોય તો કહી દો.’
‘ડોનેશન જોઈએ છે જાદવભાઈ. લૉકડાઉનમાં સ્કૂલ બંધ થઈ અને અમે ટીચર્સની સૅલેરી ચાલુ રાખી એટલે અત્યારે તંગી તો બહુ છે પૈસામાં... ડોનેશનની તો જરૂર છે જ.’ પ્રિન્સિપાલ ખચકાટ વિના જ કહી દીધું પણ સાથોસાથ તરત જ ચોખવટ પણ કરી દીધી, ‘પણ એક વાત નક્કી છે, માર્ક્સના હિસાબથી કે પાસ કરી દેવાની વાતે નહીં.’
lll
‘પછી...’
પપ્પા અટક્યા એટલે ઢબ્બુએ પૂછ્યું પણ પપ્પાએ સ્ટોરી આગળ કહેવાને બદલે તરત તેને તેડ્યો અને કહ્યું,
‘આગળની સ્ટોરી હવે તારા રૂમમાં... સૂતાં-સૂતાં...’

વધુ આવતા શુક્રવારે

columnists Rashmin Shah