૧૦૧ ટુકડા (પ્રકરણ 2)

19 September, 2023 12:12 PM IST  |  Mumbai | Rashmin Shah

સોમચંદની આંખો ફાટી ગઈ હતી અને ચહેરા પર લકવાની અસર પ્રસરી ગઈ હોય એમ તે સ્થિર થઈ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

‘વૉટ?’
સોમચંદની આંખો ફાટી ગઈ હતી અને ચહેરા પર લકવાની અસર પ્રસરી ગઈ હોય એમ તે સ્થિર થઈ ગયો હતો.
૧૦૧ ટુકડા!
એ પણ એક જ લાશના.
આ ૧૦૧નો આંકડો અનાયાસ હતો કે પછી ઇરાદાપૂર્વક?
જ્યારે પણ ખુન્નસની માત્રા વધુ હોય છે ત્યારે માણસ એ ખુન્નસ ઉતાર્યા પછી શાંત પડતો નથી અને તે પોતાના મનનું સઘળું ખુન્નસ લાશ પર ઉતારતો હોય છે. જો એવું જ બન્યું હોય તો આ હત્યા એવી કોઈ વ્યક્તિએ કરી છે જેના મનમાં મરનારા પ્રત્યે ભારોભાર ખુન્નસ હતું અને એ ખુન્નસને લીધે જ તેણે હત્યા કર્યા પછી એ લાશના ‍૧૦૧ ટુકડા...
અને મસ્તક પણ ગાયબ કર્યું.
સોમચંદને ઝબકારો થયો અને તેણે તરત વૉશ બેસિનની બાજુમાં પડેલો મોબાઇલ હાથમાં લઈને આવેલો છેલ્લો કૉલ ડાયલ કર્યો.
‘હું આવું છું, વધીને અડધો કલાક...’
‘મળીએ... હું પોલીસ સ્ટેશનમાં જ છું...’
lll
‘ગર્ગ, એક સૌથી અગત્યની વાત એ છે કે મારનારાએ પેલા બન્ને થેલામાં મસ્તક નથી મૂક્યું, જેનો અર્થ સીધો એટલો છે કે કાં તો એ મસ્તક હજી તેની પાસે છે અને કાં તો એનો નિકાલ કોઈ બીજી જગ્યાએ કરવામાં આવ્યો છે અથવા તો...’ ચા પીધા વિના જ પોલીસ સ્ટેશન પહોંચેલા ડિટેક્ટિવ સોમચંદે ઇન્સ્પેક્ટર ગર્ગને કહ્યું, ‘એ મસ્તકનો નિકાલ હવે તે કરશે... વી હૅવ ટુ બી અલર્ટ... બને કે તે રંગેહાથ જ પકડાઈ જાય.’
‘એ તો મને પૉસિબલ નથી લાગતું સોમચંદ...’ ગર્ગના તર્કમાં વજૂદ હતું, ‘મુંબઈમાં દરરોજ લાખો લોકો સામાન સાથે અવરજવર કરે છે. આવા સમયે ક્યાંથી તમે કોઈને રોકી શકો કે પછી કેવી રીતે તમે માત્ર શંકાના આધારે બધાને અટકાવી શકો.’
‘હં...’ સોમચંદે સહેજ વિચાર્યું, ‘શંકાસ્પદ લાગતી કોઈ જગ્યા...’
‘ઍગ્રી, પણ તમે કઈ જગ્યાને શંકાથી દૂર રાખી શકો?’ અગેઇન ગર્ગની વાતમાં તથ્ય હતું, ‘જોને તું, આ બૉડી પણ જે જગ્યાએથી મળ્યું એ જગ્યા દૂર-દૂર સુધી શંકાના એક પણ સર્કલમાં આવતી નહોતી. વર્સોવાનું બેસ્ટ કૉર્પોરેટ બિલ્ડિંગ, દેશના શ્રીમંત લોકોની ઑફિસ એ જગ્યાએ છે અને એટલે તો કોઈએ સિક્યૉરિટી ગાર્ડની ચેમ્બરની પાછળની દીવાલ પર પડેલા આ બન્ને થેલા તરફ ધ્યાન સુધ્ધાં નથી આપ્યું.’
ઇન્સ્પેક્ટર ગર્ગે બીજું અનુમાન પણ સોમચંદ સામે મૂકી દીધું.
‘ખાસ વાત, મર્ડરર જો મરનારાનું માથું નિકાલ કરવાનું કામ હમણાં ન કરે તો થોડું આપણાથી બેસી રહેવાશે?! જો તું, મીડિયાવાળા પાછળ પડી ગયા છે. આજની સ્ટ્રેસફુલ અને કૉમ્પિટિટિવ લાઇફ વચ્ચે અને માણસને માણસ માટે માન કે સન્માન નથી રહ્યું એવા સમયે મર્ડર મોટી વાત નથી, પણ મર્ડર થાય છે કેવી રીતે એ બહુ અગત્યનું છે. કોર્ટ પણ હવે મર્ડરની વાતને ધ્યાનમાં રાખવાને બદલે કરવામાં આવેલા ગુનાની રીત કેવી હતી એના પર ફોકસ કરે છે... આપણે કામ પર તો લાગવું જ પડશે.’
ટ્રિન... ટ્રિન...
સોમચંદ કંઈ કહે અને વાત આગળ વધે એ પહેલાં જ ઇન્સ્પેક્ટર ગર્ગના મોબાઇલે ખલેલ પાડી. મોબાઇલની સ્ક્રીન પર નજર કરીને ગર્ગે સોમચંદ સામે જોયું. 
‘પોસ્ટમૉર્ટમ ડિપાર્ટમેન્ટમાંથી...’ ગર્ગે સ્પીકર ઑન કરીને વાત શરૂ કરી, ‘યસ, ગર્ગ સ્પીકિંગ...’
‘સર, એક નવી વાત બહાર આવી છે...’ ઉત્સાહથી વાત કરતી વ્યક્તિએ આટલું કહ્યા પછી ઓળખાણ આપી, ‘આઇ ઍમ ડૉ. આલોક મિશ્રા... સવારે તમારી સાથે...’
‘યસ, આઇ નો...’ ગર્ગે પ્રસ્તાવના ટૂંકી કરી, ‘શું છે નવી વાત?’
‘સર, ડેડ બૉડીના હાથના પંજા પણ નથી...’
‘યુ મીન ટુ સે...’ ગર્ગે અચરજને દબાવતાં કહ્યું, ‘કાંડાથી હાથ નથી...’
‘હા સર, અત્યારે અમે બૉડી-સ્ટ્રક્ચર બનાવીએ છીએ ત્યારે આ વાત ખબર પડી એટલે તરત જ તમને ફોન કર્યો...’
‘હેડ અને હૅન્ડ...’ સ્પીકર ફોન પર સોમચંદે પૂછી લીધું, ‘આ બન્ને સિવાય બૉડીના બધા પાર્ટ્સ મળી ગયા?’
‘હા... બટ આપ...’
‘માય કલિગ...’ ઇન્સ્પેક્ટર ગર્ગે જવાબ આપ્યો એટલે સોમચંદે વધુ એક પ્રશ્ન પૂછ્યો, ‘કોઈ ખાસ સાઇન, બૉડી પર જેના આધારે ઇન્ક્વાયરી આગળ વધી શકે?’
‘નો સર... બૉડી પર જો કોઈ સાઇન હોય તો પણ એના જે રીતે ટુકડાઓ કરી નાખવામાં આવ્યા છે એને લીધે એ સાઇન દેખાય એવા ચાન્સિસ ઓછા છે...’
‘ઓકે... ટ્રાય કરો અને જો કોઈ સાઇન મળે તો તરત ઇન્ફૉર્મ કરો...’ સોમચંદે વાત પૂરી કરતી વખતે પૂછી પણ લીધું, ‘તમારું કામ હજી કેટલું ચાલશે?’
‘ઑલમોસ્ટ બેથી અઢી કલાક... ઓછામાં ઓછા.’
‘ઓકે, નો ઇશ્યુ...’ મોબાઇલ હાથમાં લેતાં સોમચંદ ઊભા થયા, ‘હું અને ગર્ગ ત્યાં આવીએ છીએ... રાઇટ નાઓ.’
ફોન કટ કરીને સોમચંદે ગર્ગને તેનો ફોન લંબાવી દીધો અને ચેમ્બરની બહાર નીકળી ગયો. તેને ખાતરી હતી કે એટલી જ ત્વરા સાથે ગર્ગ પણ તેની પાછળ આવશે.
lll
ભારોભાર દવાઓ છાંટીને પોસ્ટમૉર્ટમ રૂમને બદબૂદાર બનતાં રોકવાનો પ્રયાસ થયો હતો, પણ લાશ અને દવાઓની મિશ્રિત વાસને લીધે રૂમમાં કોઈ જુદા જ પ્રકારની બદબૂ પ્રસરેલી હતી.
નાક પર માસ્ક હતો, પણ બદબૂ એટલી સ્ટ્રૉન્ગ હતી કે એના પર સોમચંદ અને ગર્ગે રૂમાલ પણ દબાવી રાખવો પડ્યો હતો.
ડૉ. મિશ્રા જ તેમને લેવા માટે બહાર આવ્યા અને બન્ને પોસ્ટમૉર્ટમ રૂમના ત્રીજા ટેબલ પાસે પહોંચ્યા હતા. આ રૂમમાં અગાઉ પણ અનેક વખત સોમચંદ આવી ચૂક્યા હતા. ચાલીસ ફુટ લાંબી અને એટલી જ પહોળી એવી આ રૂમમાં આઠ-આઠ ફુટના અંતરે કર્ટન રાખવામાં આવ્યા હતા. એ દરેક બે કર્ટનની વચ્ચે પોસ્ટમૉર્ટમ માટેનું ટેબલ પડ્યું હતું, જેમાંથી આગળના બન્ને ટેબલ પર એક-એક લાશ પડી હતી. ઍક્સિડન્ટને કારણે માર્યા ગયેલા લોકોમાં પોસ્ટમૉર્ટમની પ્રક્રિયા સરળ હોય છે એટલે એ બન્ને કામ ડ્યુટી પર રહેલા ડૉ. મિશ્રાએ થોડી જ વારમાં પૂરાં કરી નાખ્યાં હતાં.
સોમવારે બપોર પછી આવેલી લાશમાં જ તેનો સમય વધારે ગયો હતો.
‘ધીસ ઇઝ ધ બૉડી...’ ત્રીજા ટેબલ પાસે પહોંચીને મિશ્રાએ હાથના ઇશારે કહ્યું, ‘ઑલમોસ્ટ બધું મળી ગયું છે, ઍક્સેપ્ટ હેડ ઍન્ડ હૅન્ડ... તમે જે સાઇનની વાત કરો છો એ હજી સુધી તો કોઈ મળી નથી...’
‘મળી છે...’ સોમચંદનું ધ્યાન બૉડી પર હતું, ‘આપણને આછીસરખી પણ સાઇન તો મળી છે... આ માણસ મુસ્લિમ હતો.’
સોમચંદના શબ્દોની સાથે જ ગર્ગ અને મિશ્રાની નજર ડેડ-બૉડીના પ્રાઇવેટ પાર્ટ પર ગઈ. સુન્નત કરાવેલું પેનિસ જોઈને ગર્ગ તરત જ સમજી ગયા, જ્યારે મિશ્રા માટે એ વાત એટલી મહત્ત્વની કડી નહોતી બની. મેડિકલ ફીલ્ડમાં હોવાને કારણે તે જાણતા હતા કે મેડિકલ ગ્રાઉન્ડ પર પણ ઘણા લોકોને સુન્નત કરાવવાનું સજેસ્ટ કરવામાં આવતું હોય છે અને લોકો કરાવતા પણ હોય છે એટલે હવે માત્ર સુન્નતને કારણે કોઈને મુસ્લિમ ધારી લેવું એ તો જરા...
‘સર, સુન્નત તો હવે સામાન્ય વાત છે. હેલ્થ ગ્રાઉન્ડ પર હવે તો હિન્દુ પણ ફોરસ્કિન રીમૂવ કરાવે છે...’
‘ઇન્ક્વાયરીની એક સ્ટાઇલ છે મિશ્રા...’ સોમચંદે સ્માઇલ સાથે કહ્યું, ‘તમારે દરેક સ્ટેપ એવી જ અલર્ટનેસ સાથે લેતા જવાનું જાણે કે નેક્સ્ટ સ્ટેપ પર તમે સચ્ચાઈ સુધી પહોંચી જશો... જો તમે ઘરમેળે જ જવાબ શોધવા માંડો તો ક્યારે ઇન્ક્વાયરી નેક્સ્ટ સ્ટેપ પર પહોંચે નહીં...’
સોમચંદે ગર્ગ સામે જોયું.
‘સૌથી પહેલાં આપણને મુંબઈ સિટીના ગુમ થયેલા લોકોની બધી વિગત જોઈશે... પહેલાં મુંબઈને ચેક કરીએ અને એ પછી આપણે સર્કલ મોટું કરીને આગળ વધીશું, પણ ફર્સ્ટ સ્ટેપ મુંબઈ...’ સોમચંદે ફરીથી જિગસૉ પઝલની જેમ ગોઠવવાનો પ્રયાસ થયો હતો એ બૉડી પર નજર કરી, ‘લાશ જે પ્રકારના બે ભારે થેલામાં હતી એ જોતાં એટલું પાક્કું કે એને લાવવા માટે મોટું વાહન વાપર્યું હશે. તમે સીસીટીવી ફુટેજ તો ચેક કરશો જ, પણ આપણે એ ફુટેજમાં બે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે : એક, મોટા વાહન પર પહેલું ફોકસ અને સાથોસાથ એ મોટા વાહનની સાથે જો કોઈ નાનું વાહન ચાલતું હોય તો એના પર પણ એટલું જ ફોકસ... જો વાહન મળી ગયાં તો નંબર પણ મળશે...’
‘પંદર મિનિટમાં એ ફુટેજ આવી જશે...’
‘લેટ્સ મૂવ... પોલીસ સ્ટેશને જઈને એ ફુટેજ પર લાગીએ...’ બહાર નીકળતી વખતે સોમચંદે મિશ્રાને વધુ એક વાર કહી દીધું, ‘બૉડી પર કોઈ પણ સાઇન મળે મને તાત્કાલિક ઇન્ફૉર્મ કરો...’
‘શ્યૉર સર...’
‘કોઈ પણ જાતના જવાબ જાતે શોધ્યા વિના...’ સોમચંદના ચહેરા પર સ્માઇલ હતું, ‘નાઓ યુ બેટર અન્ડરસ્ટૅન્ડ, ક્રાઇમ તો જ ઉકેલી શકો જો તમે જાતે જ એનો જવાબ શોધવાનું છોડી દો...’
‘રાઇટ...’
મિશ્રાએ સામે સ્માઇલ કર્યું અને ડિટેક્ટિવ સોમચંદ, ઇન્સ્પેક્ટર ગર્ગ બન્ને કેઈએમ હૉસ્પિટલથી રવાના થયા.
lll
‘સર, જુઓ અહીંથી આ રિક્ષા આવે છે...’ ફુટેજ એક્સપર્ટની આંગળી લૅપટૉપની સ્ક્રીન પર હતી, ‘આ રિક્ષાની આગળ જે ઍક્ટિવા છે એ ઍક્ટિવાને એ ફૉલો કરતી હોય એવું ક્લિયર લાગે છે. અહીં આ બે ટ્રક છે...’
સ્ક્રીન પર ચાલતા ફુટેજમાં હવે માત્ર બે ટ્રક દેખાતી હતી, પણ ફુટેજ એક્સપર્ટની સ્ટોરી એકધારી ચાલી રહી હતી.
‘એક થિયરી એવી બેસે છે કે આ ટ્રકની પાછળના ભાગમાં પહેલાં ઍક્ટિવા ઊભું રહ્યું, એની પાછળ પેલી રિક્ષા ઊભી રહી... ઍક્ટિવાવાળાએ અને રિક્ષા-ડ્રાઇવરે એ સમયે બન્ને થેલા ઉતાર્યા અને એ થેલા આ ટ્રકની પાછળથી પસાર થઈને સિક્યૉરિટી ગાર્ડની ચેમ્બર પાસે આવેલી દીવાલના ટેકે મૂક્યા અને કામ પૂરું કરી બન્ને યુ-ટર્ન મારીને ત્યાંથી રવાના થયા... જુઓ.’ 
જાણે કે આ જ શબ્દની રાહ જોવાતી હોય એ રીતે ટ્રક પાછળ ગયેલી રિક્ષા અને ઍક્ટિવામાંથી સૌથી પહેલાં રિક્ષાએ યુ-ટર્ન લીધો અને જે રસ્તે આવી હતી એ જ રસ્તે એ પાછી વળી. આ વખતે ઍક્ટિવા એની સાથે નહોતું. રિક્ષા નીકળી ગઈ અને પ્રમાણમાં ઘણી આગળ નીકળી ગઈ એ પછી ઍક્ટિવાએ પણ ટ્રકની પાછળથી યુ-ટર્ન લીધો અને એ પણ એ જ દિશામાં આગળ વધ્યું જે દિશામાં રિક્ષા ગઈ હતી.
‘આ બન્નેના નંબર...’
‘બહુ ઓછા ચાન્સ છે કે નંબર મળે...’ એક્સપર્ટે તરત જ ચોખવટ પણ કરી, ‘જોકે આપણે બીજા બિલ્ડિંગના ફુટેજ મગાવીને ટ્રાય કરીએ છીએ કે નંબર મળી જાય, પણ અત્યારે જે ફુટેજ છે એમાંથી તો નંબર મળે એવી શક્યતા રૅર છે... લો લાઇટ, ધુમ્મસ જેવું વાતાવરણ અને અધૂરામાં ટ્રકની આડશને કારણે ઊભું થતું અંધારું...’
‘ટ્રક એ લોકોએ જ ઊભી રખાવી હોય એવું બની શકે?’
‘ના...’ આ વખતે જવાબ ગર્ગે આપ્યો, ‘એ બન્ને ટ્રક તો અત્યારે પણ ત્યાં જ ઊભી છે. મીન્સ, એ તો પહેલેથી ત્યાં પાર્ક થયેલી હશે... આ ઉસ્તાદોને ખબર હશે એટલે જ તેમણે આ લોકેશન પસંદ કર્યું હશે...’
‘રિક્ષા અને ઍક્ટિવા જે રસ્તેથી આવ્યાં એ રસ્તા પર જ્યાં પણ સીસીટીવી કૅમેરા હોય એ બધાં ફુટેજ કલેક્ટ કરો...’ સોમચંદે ફુટેજ એક્સપર્ટને ઑર્ડર કર્યો, ‘આઇ થિન્ક આપણને બેઝિક પૉઇન્ટ મળી જાય જ્યાંથી આ થેલાઓ મૂકવામાં આવ્યા હોય...’
‘એ થ્રેડ તો બહુ લાંબી હશે...’
ગર્ગની વાત સાચી હતી, પણ સોમચંદના તર્કમાં વધારે તથ્ય હતું.
‘ચેઇન શરૂ ક્યાંથી થઈ છે એની આપણને ખબર નથી, પણ એવા સમયે આપણને છેડો મળી ગયો છે તો એ છેડેથી ઊંધા ચાલવાનું શરૂ કરીએને...’
ગર્ગે સહમતી સાથે ફુટેજ એક્સપર્ટને હા પાડી દીધી અને એક્સપર્ટ જેવો ત્યાંથી રવાના થયો કે તરત સોમચંદે લૅપટૉપની સ્ક્રીન પર રહેલા ફુટેજને ઝૂમ કરીને એની આસપાસનું દૃશ્ય જોવાનું શરૂ કર્યું.

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff gujarati mid-day