બાજી પ્રકરણ ૧

26 September, 2022 11:30 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘અરે હા, હું તો ભૂલી જ ગઈ!’ ઋતુએ અચાનક સાંભર્યું હોય એમ ચિબુક પર હાથ મૂકવાના અભિનય સાથે સંભળાવ્યું, ‘મને યાદ જ ન રહ્યું કે તમારું તો આખું શરીર પૅરૅલાઇઝ્ડ છે!’

બાજી પ્રકરણ ૧

આ હુસ્ન!
આયનામાં ઝિલાતી પોતાની નિરાવૃત્ત કાયાના પ્રતિબિંબને તે સહેજ ગુરુરપૂર્વક નિહાળી રહી. ઘાટના ઘડનારે રૂપ દેવામાં જરાય કંજૂસાઈ નથી કરી. નમણો નાકનકશો, ઘેરા લાંબા કાળા કેશ, ગોરો વાન, માખણ જેવી લીસી ત્વચા, બે કાંઠે વહેતી નદી જેવા ભર્યાભાદર્યાં અંગો... 
‘વસ્ત્રોની કેદમાં આવું ફાટફાટ જોબન કેમનું રહેતું હશે!’ 
અનુરાગના શબ્દો પડઘાતા ઋતુનું સ્મિત પહોળું થયું. ત્રણ વરસ અગાઉ અમારી કંપનીમાં સેક્રેટરી તરીકે અનુરાગ જોડાયાના પછીના વરસે, આજથી બે વરસ અગાઉના અમારા પહેલાં સાયુજ્યમાં મારી અનાવૃત્ત કાયાના દિદારે અનુરાગ હાંફી ગયેલો. ગાંડાતૂર બનેલા આખલાના આવેશથી તેણે મને ભીંસી દીધી હતી...
એ યાદે અનુરાગની બાહોમાં ભીંસાવાની અધીરાઈ પ્રેરતી હોય એમ ઋતુએ વસ્ત્રો પહેરી તૈયાર થવા માંડ્યું, છતાં અનુરાગનું સ્મરણ તો સળવળ્યું જ.
‘ખરું કહુ તો આઇ એન્વી યૉર હસબન્ડ.’
પતિ!
ઋતુના હોઠ વંકાયા. માસ્ટર બેડરૂમમાંથી નીકળી પડખેના સ્ટોરરૂમમાં પ્રવેશી મલપતી ચાલે વૉટર બેડ પર સૂતેલા પતિ તરફ ગઈ. રાત્રે સાડાનવે દવાના ઘેનમાં પોઢી ગયેલા પતિનો ગાલ થપથપાવ્યો, ‘જાગો, આનંદ!’
આનંદની આંખ ઊઘડી, કીકી પત્ની પર સ્થિર થઈ. ઋતુએ સાડીનો છેડો સરકાવ્યો, 
‘જુઓ પતિદેવ! આ મારું બેપનાહ હુસ્ન!’
તેણે પતિના ગાલ પર આંગળી રમાડી, ‘આ જોઈને પણ તમને કંઈ થતું નથી? જ...રા જેટલું પણ નહીં?’
આનંદની કીકીમાં લાચારી ટપકી.
‘અરે, હા, હું તો ભૂલી જ ગઈ!’ ઋતુએ અચાનક સાંભર્યું હોય એમ ચિબુક પર હાથ મૂકવાના અભિનય સાથે સંભળાવ્યું, ‘મને યાદ જ ન રહ્યું કે તમારું તો આખું શરીર પૅરેલાઇઝ્ડ છે!’
આનંદ ઝંખવાયો. ઋતુએ તેનું જડબું પકડી જોરથી દબાવ્યું, ‘તમે જાણો છો આનંદ, આ બીમારી નથી, સજા છે.’ તેના દાંત ભીંસાયા, ‘મારા પ્લાન અનુસાર તમે મરવાને બદલે જીવતા રહ્યા, એની સજા!’
શબ્દોથી, નજરથી, સ્પર્શથી ઘૃણા ઠાલવી ઋતુએ મોં ફેરવી લીધું.
જોકે અનુરાગના વરલી ખાતેના ફ્લૅટ પર જવા નીકળી એટલે કારની સાથે ગતખંડની સફર પણ મંડાઈ ગઈ: ‘અમારી ઋતુનું તો ભાગ્ય ઊઘડી ગયું.’
પાંચ વરસ અગાઉ, પોતે જે ફર્મમાં સેક્રેટરી તરીકે કામ કરતી હતી એના સર્વેસર્વા ગણાતા આનંદ જોશીએ લગ્નનો પ્રસ્તાવ મૂકતાં એકની એક દીકરીના સદ્નસીબ બદલ માવતરનો હરખ ઊભરાઈ આવતો.
અને કેમ ન ઊભરાય? આનંદનો છસો કરોડનો બિઝનેસ, મુંબઈ-વાપીમાં ત્રણ-ચાર ફૅક્ટરીઓ, નરીમાન પૉઇન્ટ ખાતે પોતાનું ઑફિસ બિલ્ડિંગ અને કોલાબામાં મહેલ જેવડો બંગલો... પાછો મા-પિતાના દેહાંત બાદ સંસારમાં એકલો. સ્વભાવનો સરળ. શ્રીમંતાઈનું અભિમાન નહીં. હા, દીકરીથી વયમાં દાયકો મોટો ને દેખાવમાં સાધારણ કરતાંય ઊતરતો – એ ખરું, પણ ઋતુની મરજી જાણ્યા પછી તેના પેરન્ટ્સને આમાં દ્વિધા નહોતી - આનંદે નાની ઉંમરે મા-બાપ ગુમાવ્યાં, ઘરના બિઝનેસને શિખરે પહોંચાડવામાં તેની જુવાનીનાં અમૂલ્ય વરસો જરૂર વીત્યાં, પણ આમાં તે ક્યાંય ચૂક્યો નથી, ચારિત્રની સુવાસ અકબંધ રાખી છે એ મહત્ત્વનું! અને આ તો અમારી ઋતુના પણ સંસ્કાર જ કહેવાય કે તેણે આનંદના રૂપના બદલે ગુણ જોયા...
- તેમને કે આનંદને પણ ક્યા કહેવાયેલું કે અમારા સંબંધમાં મેં રૂપ નહીં, ગુણ નહીં, કેવળ આનંદની અમીરી જ જોઈ છે!
ઋતુના હોઠ વ્યંગભર્યું મલકી પડ્યા.
ના, મા-બાપના હેતમાં કચાશ નહોતી, પણ સમજ આવ્યા પછી, શહેરમાં પથરાયેલો વૈભવ જોઈ ચાલીની જિંદગી ખટકતી. ક્યારેક એ ખટકો મા-પિતા સમક્ષ ઊઘડતો તો મૂલ્યોમાં માનનારા માવતર સાદગીના પાઠ ભણાવતા. એનું પરિણામ એ આવ્યું કે ઋતુ આ મામલા પૂરતી તેમની સમક્ષ ઊઘડતી બંધ થઈ, પણ એનું મન ઉત્કટપણે જાહોજલાલીનાં સમણાં ગૂંથતું રહેતું. અંગે યૌવન બેઠું ત્યારે શ્રીમંત થવાનો એક માર્ગ તેને દેખાયો : લગ્ન! 
હું એવા જ જુવાનને પરણીશ જે ભારોભાર શ્રીમંત હોય! આવું અલબત્ત, મા-બાપને જતાવી શકાતું નહીં. ડાહી દીકરી બની પોતે જાળવેલી તેમની ભ્રમણા લગ્નના નામે પણ શું કામ તોડવી? કૉલેજમાં તો આવું કોઈ પાત્ર ન મળ્યું. ભણ્યા પછી દીકરી પગભર બને એનો મા-બાપને વાંધો હતો નહીં અને ઋતુને પહેલી જ નોકરી કંપનીના માલિકની સેક્રેટરી તરીકેની મળી. ઇન્ટરવ્યુમાં તેના પર્ફોર્મન્સથી બૉસ આનંદકુમાર પ્રભાવિત થયેલા.
એ જોઈ ઋતુના મનમાં ઝબકેલો વિચાર એ જ હતો કે આનંદકુમારને પ્રભાવિત કરી હું જૉબ લઈ શકતી હોઉં, તો તેમની જિંદગીમાં રિક્ત પડેલું જીવનસાથીનું સ્થાન કેમ નહીં!
બસ, પછી એ દિશામાં પોતે પ્રયત્નો આરંભ્યા... સહજ લાગે એ ઢબે ટી-ટાઇમમાં બૉસ સાથે અંતરંગ થવા માંડ્યું. તેમને ગમતાં લતાનાં ગીતોથી માંડી પૉલિટિક્સની ચર્ચા છેડતી. એમાંથી એટલું તારવ્યું કે આનંદની હૈયાપાટી કોરી છે ને જીવનસંગીની તરીકે તેમને ગૃહલક્ષ્મીની જ અપેક્ષા છે. 
પછી શું, ચતુરાઈથી ઋતુએ પોતાની સાદગી, સદ્ગુણો આનંદના ચિત્તમાં નોંધાવા માંડ્યા : હું આજકાલની છોકરીઓની જેમ શૉપિંગ ક્રૅઝી નથી, ઓછાં-ઉઘાડાં કપડાં પહેરવા તો બિલકુલ પસંદ નથી... શૉપિંગના બચેલા પૈસા ચૅરિટીમાં વાપરવા મને વધુ ગમે.
આનંદ આને સાચું માની ભોળવાયો. તેંત્રીસમી વર્ષગાંઠે ઋતુને સીધું જ પૂછ્યું, ‘આપણા વયભેદ અને રૂપભેદનો તને વાંધો ન હોય તો... વીલ યૂ મૅરી મી?’
હેં. વિશ્વસુંદરી જેવું અચરજ જતાવી ઋતુએ હામી ભરી હતી, ‘હું ગુણોને પોંખનારી છું, આનંદ, તમારા જેવા આદર્શ પુરુષને પતિ તરીકે પામી ધન્ય જ થઈશ!’
આનંદ મહોરી ઊઠ્યો. વાત જાણી ઋતુના માવતર હરખાયા.
રંગેચંગે લગ્ન લેવાયાં. બહુ વટભેર ઋતુ કોલાબાના આ મેન્શનમાં વહુ બની પ્રવેશી. અસુંદર આનંદ પોતાનાં કુંવારાં અંગોને ઘમરોળે એ અસહ્ય હતું, પણ વેઠી લીધું. ઋતુ આભી બની હનીમૂનમાં યુરોપ દર્શને! અત્યંત લક્ઝુરિયસ ટૂર, બેફામ શૉપિંગ - આનંદ ક્યારેય પૈસા ઉડાવા માટે ટોકતો નહીં. અચરજ જરૂર જતાવતો, ‘તું ક્યારથી અકરાંતિયાની જેમ કપડાં ખરીદવા લાગી!’ અને ઋતુને ભીંતરથી ચાબુક જેવો વાગતો - આનંદને પોતાનો કરવા તેં સર્જેલી છબિ તારે જાળવવી રહી, ઋતુ, નહીં તો ક્યારેક અનર્થ થઈ જવાનો!
જાતને સમજાવી ઋતુ આનંદ સમક્ષ વાળી લેતી, ‘તમે શું માનો છો, આ શૉપિંગ હું કેવળ મારા માટે કરું છું? ના હો, અમારી ચાલીની છોકરીઓ બિચારી ક્યારેય અહીં આવી નહીં શકવાની, તેમના માટે યાદગીરી લઈ જાઉં છું!’
આનંદ પ્રભાવિત થતો ને ઋતુને ‘હા...શ’ થતી.
પણ ક્યાં સુધી! ક્યાં સુધી મારે મનને માર્યા કરવું? જાહોજલાલી માણવાની ન હોય તો અમીરીનો ફાયદો શું? ક્યાં સુધી હું આનંદની કલ્પનામૂર્તિ બની મારી એષણાઓનું ગળું ઘોંટ્યા કરીશ? 
પણ ના, મારાં મા-બાપ હયાત છે ત્યાં સુધી બંડ પોકારી ન શકું. આખરે તેમના માટે હું આદર્શ દીકરી છું, મારો ઉઘાડ તેમને લજવે એ જોવાની મારી હિંમત નથી.
મન મારી બે વર્ષ તો લગ્નનું ગાડું ખેંચ્યું. દરમ્યાન ટૂંકી માંદગીમાં મા-બાપ પાછાં થયાંને તેમના શોકમાંથી બહાર નીકળતી ઋતુને ઝણઝણાટી થઈ - હવે મને કોઈની સાડીબારી નથી! મારી વૃત્તિના ઉઘાડે આનંદે ડિવૉર્સ દેવા હોય તો અડધી મિલકત પરનો મારો હક પણ દેવો પડે ને એ આખી જિંદગી માટે પૂરતો છે! 
બટ વેઇટ. મારી મનસા ઊઘડતાં આનંદ ડિવૉર્સ જ આપે એવું શું કામ માનવું? એ ધારે તો મારું બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ કરાવી દે, ક્રેડિટ કાર્ડ જપ્ત કરાવી દે તો ફાયદો શું! અને હું સ્ત્રીચરિત્ર અજમાવી તેને ભળતી કલમમાં ભેરવી દઉં એમાં ગિન્નાયેલો આનંદ મને રઝળતી કરવા કેસ લટકતો રાખે, મોંઘામાં મોંઘો વકીલ રોકી મને કચેરીના ધક્કા ખાતી કરી દે એ ન પરવડે! તો પછી મને જોઈતી સ્વતંત્રતા એક જ રીતે શક્ય છે : આનંદની એક્ઝિટથી! 
પોતાના નિર્ણયમાં ઋતુને દ્વિધા નહોતી. સવાલ છે - હાઉ?
કૉન્ટ્રૅક્ટ કિલિંગમાં બ્લૅકમેઇલિંગનો ભય છે અને મારે જ આનંદને મારવો હોય તો એવી રીતે કાવતરું પાર પાડવું પડે કે કોઈને હત્યાનો વહેમ ન થાય! તેને ઝેર આપું? અગાસીની પાળેથી ધક્કો દઈ દઉં?
ઋતુ દરેક તુક્કાને તર્કના ત્રાજવે તોલતી ને છેવટે ચોકડી મૂકી દેતી - ના, આમાં 
તો સપડાવાનું જોખમ છે!
‘મુંબઈ-પુણે હાઇવે પર અભિનેત્રીનો અકસ્માત!’
એ અરસામાં જાણીતી ઍક્ટ્રેસને નડેલો અકસ્માત ચર્ચાસ્પદ બન્યો હતો. પીઢ અદાકારા જોકે ઊગરી ગયેલી, પણ પછી ઍક્ટિવિસ્ટ એવી ઍક્ટ્રેસે સરકારને રસ્તાના ખાડા બદલ આડે હાથ લીધી હતી.
ઋતુને આ કિસ્સામાં જુદો રસ પડ્યો. ગાડી પલટી મારી જાય એવા અકસ્માતમાં પાછલી સીટ પર બેઠેલી અભિનેત્રી સીટ-બેલ્ટ પહેર્યો હોવાથી બચી ગઈ જાણી જુદો જ સળવળાટ થયો : ધારો કે પાછલી સીટ બર બેઠેલી વ્યક્તિએ સીટ-બેલ્ટ ન પહેર્યો હોય તો આવા અકસ્માતે તેના રામ રમી જાય કે નહીં!
ઋતુએ આ પ્રકારના અકસ્માતોનો સઘન અભ્યાસ કર્યો. આનંદ પાસે સેફ્ટીનું હાઇએસ્ટ રેટિંગ ધરાવતી સિત્તેર લાખની ગાડી છે... પરંતુ એમાં પણ જો પાછળ બેઠેલી વ્યક્તિએ સીટ-બેલ્ટ ન પહેર્યો હોય તો ઍરબૅગ સહિતની કોઈ સેફ્ટી કામ નથી લાગતી એ નિષ્કર્ષે ઋતુએ આનંદનો મર્ડર પ્લાન ઘડી નાખ્યો : મર્ડર બાય રોડ-ઍક્સિડન્ટ!
આનંદ ભાગ્યે જ સેલ્ફ ડ્રાઇવ પ્રિફર કરે. મોટા ભાગે પાછળ જ બેસતા હોય ને સીટ-બેલ્ટ નથી બાંધતા એ સામાન્ય નિરીક્ષણે પણ ઋતુને પ્રેરી હતી. કોલાબાથી નરીમાન પૉઇન્ટની ડ્રાઇવમાં જીવલેણ અકસ્માત થવાની સંભાવના નહીંવત્ છે, આવું તો હાઇવે પરની લૉન્ગ ડ્રાઇવમાં સંભવ બને.
એ અવસર પણ તેણે જાતે ઊભો કરી દીધો, ‘ડાર્લિંગ... કેટલાય વખતથી આપણે ખંડાલાના ફાર્મહાઉસ નથી ગયાં... લેટ્સ ગો ધીસ વીક-એન્ડ.’
આનંદે મંજૂરી આપી, પછી ધ્યાન આવ્યું, ‘ઋતુ, આ શનિ-રવિ રણમલ (ડ્રાઇવર) રજા પર છે, વી નીડ સમ અધર ડ્રાઇવર...’
રણમલ રજા પર છે એટલે તો મેં આ વીક-એન્ડ પસંદ કર્યું છે! આવું જોકે આનંદને કહેવાનું ન હોય.
‘કેમ, હું છુંને!’ ધડકતા હૈયે ઋતુએ કહ્યું, ‘મારા ડ્રાઇવિંગ પર ભરોસો નથી! તમતમારે લહેરથી પાછળ બેસજો. હું રણમલથી ય ઓછા સમયમાં તમને ખંડાલા પહોંચાડું છું કે નહીં એ જોઈ લો.’
પત્નીના રણકાએ આનંદને ખીલવી દીધો, ‘ત્યારે તો તને આનું ઇનામ પણ આપવું પડશે!’
- તું તૈયાર થયો એ જ મોટું ઇનામ છે! ઋતુએ હૈયાભાવ છુપાવી રાખ્યો.
અને શનિની સાંજે પતિ-પત્નીની સવારી નીકળી.
ઋતુ ડ્રાઇવિંગ-સીટ પર હતી ને આનંદ પાછળ.
પોતે કેટલું મોટું જોખમ ઉઠાવી રહી છે એનો ઋતુને બરાબર ખ્યાલ હતો. અકસ્માતમાં પોતાને પણ ઈજા થવાની જ હતી, નસીબ વાંકું હોય તો ઈજા કાયમની પંગુતા આણી દે, યા જીવલેણ પણ નીવડે... કશુંક અણધાર્યું બન્યું - ઍરબેગ ખૂલી જ નહીં, કાર સળગી ઊઠે એવું કંઈક - આ રિસ્ક તો છે જ, પણ સામે, આનંદ મરે એ અકસ્માતમાં હું પણ મૃત્યુ પામી શકું એમ હોય તો એ ઍક્સિડન્ટ મેં જાણીને કર્યો હોવાનું કોઈ નહીં માને કે કલ્પે એ ફાયદો સૌથી મોટો છે! પૂરા હોશમાં હું મારા જીવનું જોખમ ઉઠાવું છું, અને...
ઋતુના દાંત ભીંસાયા. રિઅર વ્યુમાં જોયું તો આનંદ બંધ આંખે કારમાં ગૂંજતાં ગીત માણી રહ્યો હતો.
આગળ-પાછળનો રસ્તો ક્લીઅર છે એ જોઈ તેણે આંચકો આપી ગાડી ડિવાઇડર તરફ વાળી. ફુલ બ્રેક મારતાં ગાડી ડિવાઇડર સાથે ઠોકાઈ, પલટી મારી ગઈ...
...ઋતુને હોશ આવ્યા ત્યારે તે મુંબઈની હૉસ્પિટલમાં હતી. લકીલી ખભાના મામૂલી ફ્રૅક્ચર સિવાય તેને કોઈ જ ઇન્જરી નહોતી. હા...શ!
‘મારો જ વાંક. મને એવો વહેમ થયો કે કૂતરા-ડુક્કર જેવું કોઈ જાનવર સામે આવ્યું કે શું, મેં કાર વાળી, ડિવાઇડર દેખાતાં બ્રેક મારી અને...’
તેનાં અશ્રુ વહ્યાં. ડૉક્ટર, પોલીસને કહેવાજોગ કહી તે હાંફળી-ફાંફળી થઈ - મારા આનંદ ક્યા? એ તો હેમખેમ છેને!
ત્યારે જાણ થઈ કે આનંદ મર્યો નથી... 
અત્યારે પણ એની કડવાશ ઋતુના ચહેરા પર ફેલાઈ ગઈ. 

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff