4 Days, 3 Nights - પ્લાનિંગનું પર્ફેક્ટ પૅકેજ (પ્રકરણ ૨)

31 March, 2026 11:15 AM IST  |  Mumbai | Rashmin Shah

અંધેરી રેલવે સ્ટેશનના CCTV કૅમેરા ચેક કરવામાં આવ્યા. રાત્રે ૧:૩૦ વાગ્યે એક બુઢ્ઢો લથડતા પગલે ચાલતો દેખાય છે. એ રાઘવજીભાઈ જ હતા. તેમનાં કપડાં મેલાં થઈ ગયાં હતાં. તેમના ચહેરા પર ગભરાટ હતો

ઇલસ્ટ્રેશન

મુંબઈની સવાર અશાંતિ ઓઢવાનો શ્રાપ છે પણ એ શ્રાપ મંગળવારની સવારને ખાઈ ગયો હતો. અંધેરી અને જોગેશ્વરી વચ્ચેના લોકલ ટ્રેનના નિર્જન રેલવે ટ્રૅક પર લોહીના ડાઘ હતા, જે સુકાઈ ગયા હતા. સવારના છ વાગ્યા હતા અને ટ્રૅક પર કૂતરાઓ આવી ગયા હતા. તેમના ભસવાનો અવાજ વાતાવરણમાં ભયાનકતા વધારતો હતો. લોકલ ટ્રેન પસાર થઈ અને કૂતરાઓને કારણે લોકલના મોટરમૅનની નજર ટ્રૅકની બહારની સાઇડ પર પડેલી એક ડેડ-બૉડી પર પડી અને તેણે તરત કન્ટ્રોલ રૂમને જાણ કરી. થોડી જ વારમાં આખા શહેરમાં આ બીજા મર્ડરની વાત ફેલાઈ ગઈ.

lll

‘સાહેબ, બીજું મર્ડર. લોકેશન અંધેરી રેલવે ટ્રૅક પાસે...’

કૉન્સ્ટેબલે જ્યારે ઇન્સ્પેક્ટર સાવંતને ફોન કર્યો ત્યારે સાવંત કિશોર ભાનુશાલીના જ વિચારોમાં હતા અને એ વિચારો વચ્ચે એક નવો બૉમ્બ ફૂટ્યો.

‘ક્યાં...’

‘લોકેશન મોકલું છું. હું ત્યાં જ છું, તમે આવો તો સારું.’ કૉન્સ્ટેબલ શિંદેએ કહ્યું, ‘કદાચ તમને કિશોર ભાનુશાલીના મર્ડરમાં કંઈક હિન્ટ મળી જાય.’

‘ઠીક છે...’ સાવંત ઊભા થયા, ‘જલદી લોકેશન મોકલ. હું આવું છું.’

lll

ઇન્સ્પેક્ટર સાવંત ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં ભીડ થઈ ગઈ હતી. આ કોઈ નૉર્મલ ટ્રેનની અડફેટે ચડવાના કારણે થયેલું મોત નહોતું, આ મર્ડર જ હતું અને લાશ ઊંધી પડી હતી. લાશની આસપાસ પથ્થરો પર લોહીના છાંટા ઊડ્યા હતા.

સાવંતે જેવી ડેડ-બૉડી ફેરવી કે તેની આંખો પહોળી થઈ ગઈ.

‘આ તો ઇસ્માઇલ છે! કિશોર ભાનુશાલીનો જમણો હાથ...’

‘હા સર... એટલે જ તમને બોલાવી લીધા.’

ઇન્સ્પેક્ટર સાવંતની આંખો ઇસ્માઇલના ચહેરા પર થીજી ગઈ હતી.

ઇસ્માઇલ મુંબઈના અન્ડરવર્લ્ડનો જાણીતો ગુંડો હતો. શરીર ઍથ્લેટિક અને હાઇટ સાડાછ ઇંચ પૂરી. હથિયારોનો શોખીન પણ તેની લાશ જોઈને લાગતું હતું કે તેને મારનારો પણ પોતાના ફીલ્ડનો એક્સપર્ટ હતો. ઇસ્માઇલના ગળા પર એ જ પ્રકારનાં વાયરનાં નિશાન હતાં, જે કિશોર ભાનુશાલીની ગરદન પર હતાં. હા, આ વખતે એક નવી વાત હતી, ઇસ્માઇલના મોઢામાં એક હીરો મૂકવામાં આવ્યો હતો. આ હીરો જે રીતે મૂકવામાં આવ્યો હતો એ જોઈને ક્રાઇમ વર્લ્ડના કોઈ પણ કહી શકે કે મર્ડર પહેલાં થયું છે અને આ હરકત પછી કરવામાં આવી છે.

‘સાહેબ, આ જુઓ...’

કૉન્સ્ટેબલ શિંદેએ લાશની થોડે દૂર પડેલી એક ચીજ તરફ હાથ કર્યો અને ઇન્સ્પેક્ટર સાવંતે એ દિશામાં નજર કરી.

ત્યાં એક ચામડાનું પાકીટ પડ્યું હતું.

ગ્લવ્ઝ પહેરીને સાવંતે પાકીટ હાથમાં લીધું અને એ ખોલ્યું.

પાકિટમાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યું.

ડ્રાઇવિંગ લાઇસન્સ પર નામ હતું : પવન રાઘવજી પટેલ.

lll

પોલીસ-સ્ટેશનમાં બંસી પટેલની હાલત ખરેખર દયાજનક થઈ ગઈ હતી. છેલ્લા બે દિવસથી તે સતત પોતાના સસરાને શોધતી હતી પણ તેનો ક્યાંય પત્તો નહોતો મળતો અને એવામાં પવનનું નામ નવેસરથી કિશોર ભાનુશાલીના મર્ડર સાથે બહાર આવ્યું હતું. જોકે બંસીને એની કોઈ પરવા નહોતી, તેનો જીવ રાઘવજી પટેલમાં અટવાયો હતો. ઑલ્ઝાઇમર્સના પેશન્ટ એવા રાઘવજી પટેલને દર છ કલાકે દવા દેવાની હતી, પણ રાઘવજીભાઈ ગુમ હતા.

ઇન્સ્પેક્ટર સાવંત ઉતાવળા પગલે પોલીસ-સ્ટેશનમાં દાખલ થયા કે તરત બંસી ઊભી થઈ તેમની પાસે ગઈ.

‘સર, પપ્પાના કંઈ ન્યુઝ...’

‘મૅડમ, અમે તેમને શોધીએ છીએ પણ પહેલાં મને એક વાતનો જવાબ આપો.’ સાવંતે હાથમાં રહેલું પાકીટ બંસી તરફ લંબાવ્યું, ‘આ પાકીટ પવનભાઈનું જ છે?’

બંસીએ ધ્રૂજતા હાથે પાકીટ લીધું અને તેની આંખોમાં આંસુ આવી ગયાં.

‘હા સર, આ વૉલેટ પવનનું જ છે. મેં જ તેને બર્થ-ડે પર ગિફ્ટ આપ્યું હતું. આ અમારો નિયમ હતો. વૉલેટ મારે જ તેને લઈ આપવાનું.’ બંસીનો અવાજ ભારે થવા માંડ્યો હતો, ‘આ તમારી પાસે કેવી રીતે આવ્યું?’

‘આ વૉલેટ... ઇસ્માઇલની લાશ પાસેથી મળ્યું.’

‘ઇસ્માઇલ એટલે...’ બંસીએ સહેજ યાદ કર્યું, ‘ઇસ્માઇલ પટેલ?’

‘હા એ જ.’

‘તેનું મર્ડર... સર એ તો બહુ સારા માણસ હતા.’ ઇન્સ્પેક્ટરના ચહેરા પર બદલાયેલા ભાવ જોઈને બંસીએ તેના શબ્દોમાં દૃઢતા વધારી, ‘હા, ખરેખર. તે બહુ સારા માણસ હતા. ઇસ્માઇલે જ પવનને હૉસ્પિટલ લઈ જવામાં હેલ્પ કરી હતી.’

‘વૉટ? મને, મને પૂરી વાત કરો.’

‘સર, મેં જે કહ્યું એટલી જ મને ખબર છે. પવને મને કહ્યું હતું કે ઇસ્માઇલ ભલા માણસ છે. આ ઇસ્માઇલ પવનને ઍરપોર્ટ પર ટૅક્સી-ડ્રાઇવર તરીકે મળ્યા અને એ પછી જ્યારે પવનને ચેસ્ટ પેઇન શરૂ થયું ત્યારે ઇસ્માઇલ જ તેને લઈને હૉસ્પિટલ ગયા અને પવનને ઍડ્મિટ કરાવ્યા. હૉસ્પિટલના રેકૉર્ડ પર પણ કદાચ ઇસ્માઇલનું જ નામ છે.’

ઇન્સ્પેક્ટર સાવંતનું દિમાગ કામ પર લાગી ગયું હતું.

પહેલાં પવન પટેલ, પછી કિશોર ભાનુશાલી અને હવે ઇસ્માઇલ પટેલ.

આ ત્રણેયે જીવ ગુમાવ્યા અને તેમની વચ્ચે કોઈ એવો સંબંધ હતો જેને લીધે કોઈ એવી વ્યક્તિ હતી કે આ કોઈ ન જીવે.

સાવંતે બંસીની સામે જોયું.

‘પવનનું ડેથ કેવી રીતે થયું?’

‘હાર્ટ-અટૅક.’ બંસીના ચહેરા પર પેઇન હતું, ‘પવને કોરોનાની વૅક્સિન ઇન્ડિયામાં લીધી હતી. મેડિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે અહીં વૅક્સિન લેનારાઓમાંથી ઘણાને હાર્ટ-અટૅક આવ્યા છે.’

‘તમને શું લાગે છે?’ સાવંતે ચોખવટ સાથે પૂછ્યું, ‘શું પવનનું મોત ખરેખર હાર્ટ-અટૅકથી થયું હતું?’

‘એ તો હું કેવી રીતે કહી શકું? મેડિકલ રિપોર્ટ્સ તો એ જ કહે છે.’ બંસી હવે અકળાઈ, ‘સર, પ્લીઝ... હવે આ બધી વાતનો અર્થ નથી. પ્લીઝ... તમે મારા ફાધર-ઇન-લૉને શોધો. તમને ખબર છે, તેમની હેલ્થ ખરાબ છે.’

ક્યાંક રાઘવજી પટેલ તો આ બધું...

મનમાં આવેલા વિચારને કાઢવા માટે સાવંતે મસ્તકને ઝાટકો માર્યો.

વાહિયાત વિચાર હતો એ.

ક્યાં ઇસ્માઇલ જેવો હટ્ટોકટ્ટો અને ક્યાં ઑલ્ઝાઇમર્સનો કૃશ થઈ ગયેલો, વ્હીલચૅરમાં પણ માંડ બેસી શકતો બુઢ્ઢો રાઘવજી પટેલ!

lll

અંધેરી રેલવે સ્ટેશનના CCTV કૅમેરા ચેક કરવામાં આવ્યા. રાત્રે ૧:૩૦ વાગ્યે એક બુઢ્ઢો લથડતા પગલે ચાલતો દેખાય છે. એ રાઘવજીભાઈ જ હતા. તેમનાં કપડાં મેલાં થઈ ગયાં હતાં. તેમના ચહેરા પર ગભરાટ હતો. ફુટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે રાઘવજીભાઈ કોઈની પાછળ નહીં પણ કોઈ તેમની પાછળ આવે છે એવું ધારીને ચાલતા હતા. તે વારંવાર પાછળ જોતા અને પાછળ જોયા પછી તેમની ચાલમાં ઉતાવળ ઉમેરાઈ જતી હતી.

ફુટેજ ચાલુ રાખવામાં આવ્યાં અને થોડી જ વારમાં રાઘવજીભાઈની પાછળનું દૃશ્ય દેખાયું.

રાઘવજીભાઈ ભ્રમણા સાથે ભાગતા નહોતા, તેમની પાછળ કાળાં કપડાંમાં એક માણસ ઝડપભેર જતો હતો. એ માણસના હાથમાં એક બૅગ હતી. રાઘવજીભાઈ સ્ટેશનની બહાર નીકળી ડાબી તરફ વળ્યા અને પેલો માણસ પણ એ જ ઝડપ સાથે સ્ટેશનની બહાર નીકળીને ડાબી તરફ વળ્યો.

ઇન્સ્પેક્ટર સાવંત CCTV ફુટેજની સામેથી ઊભા થઈ ગયા અને કુતૂહલવશ કૉન્સ્ટેબ્લ શિંદેએ વિઝ્યુઅલ્સ ચાલુ રાખ્યાં, એની સ્પીડ ટેન-એક્સ એટલે કે દસગણી વધારી અને જેવી સ્પીડ વધી કે બીજી જ મિનિટે શિંદેના મોઢામાંથી રાડ નીકળી ગઈ.

‘સાહેબ, આ જુઓ...’

બારી પાસે ઊભા રહીને સિગારેટ પીતા સાવંત ઉતાવળી ચાલે મૉનિટર સામે આવ્યા અને શિંદેએ વિઝ્યુઅલ્સ રિવાઇન્ડ કર્યાં.

‘જુઓ સર...’ શિંદેની લાઇવ કૉમેન્ટરી શરૂ થઈ, ‘રાઘવજીભાઈની પાછળ આ માણસ બહાર ગયો અને દસ મિનિટ પછી... જુઓ, એ ફરી અંદર આવ્યો.’

શિંદેની વાત સાચી હતી.

દસ મિનિટ પછી પેલો કાળાં કપડાંવાળો માણસ એકલો બહાર આવે છે પણ રાઘવજીભાઈ નથી દેખાતા.

‘સાહેબ! આ જ પેલો કાળા શર્ટવાળો માણસ છે જે ઍરપોર્ટમાં હતો.’

‘યસ શિંદે. આ જ માણસ હતો.’ સાવંત પણ એકદમ એક્સાઇટ થઈ ગયા, ‘આ માણસ જ મેઇન ગેમ રમનારો છે. તે રાઘવજીભાઈને મોહરું બનાવીને આગળ વધે છે. તેણે રાઘવજીભાઈની સામે એવું દેખાડ્યું કે તે પવન છે પણ પછી તેની વાત કરવાની કે બીજી કોઇ રીતથી રાઘવજીભાઈ તેને ઓળખી ગયા એટલે હવે તે રાઘવજીભાઈની પાછળ પડ્યો લાગે છે.’

‘રાઘવજીભાઈની આડમાં જ આ બ્લૅક કપડાંવાળા માણસે કિશોરભાઈનું પણ મર્ડર કર્યું અને ઇસ્માઇલને પણ પતાવી દીધો.’

શિંદે કે સાવંત કંઈ બોલે એ પહેલાં બંસીની ચીસ નીકળી ગઈ.

‘તે મારા પપ્પાને મારી નાખશે સર... પ્લીઝ, મારા પપ્પાને બચાવો, તેમને જલદી શોધો. પ્લીઝ સર...’

‘તે શું કામ તમારા ફાધર-ઇન-લૉને મારે?’

‘સર, સિમ્પલ વાત છે. તે મારા પપ્પા થકી જ કિશોરભાઈ અને ઇસ્માઇલ સુધી પહોંચ્યો હશે. પોતાનું કામ પૂરું થયા પછી તે શું કામ મારા પપ્પાને મૂકે. પ્લીઝ સર...’ બંસીએ હાથ જોડ્યા, ‘તમે પ્લીઝ, મારા પપ્પાને શોધો, તેમને બચાવો. તેમનો જીવ જોખમમાં છે. પ્લીઝ સર. કંઈક કરો.’

બંસીની વાત ખોટી નહોતી.

lll

અંધેરી ઈસ્ટના જર્જરિત થઈ ગયેલા ઘરના એક ખૂણામાં રાઘવજીભાઈ બેઠા હતા. તેમની સામે લાઇટનો બલ્બ ઝૂલતો હતો. તેમના ગાલ પર ઈજાનાં નિશાન હતાં. તે સતત ધ્રૂજતા હતા. તેમના હોઠમાંથી બહાર આવતા શબ્દોમાં સ્પષ્ટતા નહોતી પણ તે સતત કંઈક બોલતા હતા.

‘પવન... પવન, તું ક્યાં છો? બંસી, મને લઈ જાને... જલદી લઈ જાને...’

રાઘવજીભાઈ સામે પાણીની બૉટલ આવી, કોઈએ તે ફેંકી હતી.

‘એય બુઢ્ઢા... પી લે. હજી તારે એક કામ કરવાનું છે.’

સવારથી પાણી માટે ટળવળતા રાઘવજીએ બૉટલ ઉપાડી પણ તે બૉટલ ખોલી શક્યા નહીં. તેમના હાથ એટલા ધ્રૂજતા હતા કે બૉટલ નીચે પડી ગઈ. પેલો માણસ હસ્યો.

‘ઑલ્ઝાઇમર્સ પણ અજબ છેને? તને ખબર પણ નથી કે તારી આસપાસ શું થઈ રહ્યું છે. તને લાગતું હશે કે પવન તારી પાસે છે, પણ પવન તો ક્યારનોય રાખ થઈ ગયો છે.’

રાઘવજીની આંખોમાંથી આંસુ આવી ગયાં. હવે તેના હોઠ સુકાતા હતા. તેની હાલત એવી હતી કે કોઈને પણ દયા આવી જાય. સામે ઊભેલો માણસ રાઘવજીની નજીક ગયો અને તેણે રાઘવજીના ખિસ્સામાં એક ફોટો મૂક્યો.

‘આ તારું નેક્સ્ટ સ્ટેપ છે. પવનની ડાયરીમાં આનું પણ નામ હતુંને?’

રાઘવજીએ ખિસ્સામાંથી ફોટો કાઢી એના પર નજર કરી. ફોટો જોયા પછી રાઘવજીભાઈની આંખોમાં કોઈ ઓળખાણ નહીં, પણ ડર હતો. માત્ર ડર.

lll

‘શિલ્પા દેસાઈ.’

ઇન્સ્પેક્ટર સાવંતને કિશોર ભાનુશાલીના કૉલ રેકૉર્ડ્સમાંથી એક નંબર મળ્યો હતો, જેના પર તેણે અમુક દિવસોમાં વારંવાર ફોન કર્યા હતા.

‘સર એ તો મૉડલ છે. આ પેલી મૉડલ, જેણે શરીર પરથી બધાં કપડાં ઉતારીને ફોટો પડાવ્યા હતા એ...’ શિંદેએ કહ્યું, ‘આ મૉડલ તો હની ટ્રૅપમાં પણ આવી ગઈ છે.’

‘હા સાહેબ, હાઈ પ્રોફાઇલ લોકોને ફસાવવાનું તેનું કામ રહ્યું છે.’

‘શિંદે, બની શકે કે પવન પટેલ પણ આના હની ટ્રૅપમાં ફસાયો હોય.’ સાવંતે આખો પ્લાન રૅન્ડમ રીતે બનાવવાનો શરૂ કર્યો, ‘બને કે પવન પાસે કદાચ કિશોર ભાનુશાલીના બ્લડ ડાયમન્ડના પુરાવા હશે એટલે કિશોરે શિલ્પાનો ઉપયોગ કરીને પવનને ફસાવ્યો હોય અને અને પછી ઇસ્માઇલ પાસે તેને ખતમ કરાવ્યો હોય.’

‘યસ...’ ઇન્સ્પેક્ટર સાવંત એકદમ એક્સાઇટ થઈ ગયા, ‘આ જ થિયરી છે અને આ થિયરી મુજબ અત્યારે પવનનો કોઈ ફ્રેન્ડ કે રિલેટિવ કે પછી કોઈ પણ લંડનથી આવ્યું છે જે આ ત્રણેયને એક પછી એક ખતમ કરે છે.’

‘એનો મતલબ હવે શિલ્પા...’

ઇન્સ્પેક્ટર સાવંત કંઈ કહે એ પહેલાં જ તેના મોબાઇલ પર મેસેજનું નોટિફિકશન આવ્યું અને સાવંતે મેસેજ ખોલ્યો. મેસેજમાં એક ઍડ્રેસ હતું.

‘જુહુ તારા રોડ, બ્લુ મૂન અપાર્ટમેન્ટ, ફ્લૅટ-નંબર ૪૦૨.’

‘સર, આ શિલ્પા દેસાઈનું ઍડ્રેસ છે.’

સાવંતે રાડ પાડી, ‘જલદી ગાડી કાઢ, કિલર હવે શિલ્પાને મારવાનો છે.’

(વધુ આવતી કાલે)

columnists exclusive gujarati mid day Rashmin Shah