4 Days, 3 Nights - પ્લાનિંગનું પર્ફેક્ટ પૅકેજ (પ્રકરણ ૩)

01 April, 2026 12:44 PM IST  |  Mumbai | Rashmin Shah

શિલ્પા દેસાઈની ડેડ-બૉડી પાસેથી મળેલી શીશીમાં રહેલી દવાનું સૅમ્પલ ફૉરેન્સિક લૅબમાં મોકલવામાં આવ્યું હતું

ઇલસ્ટ્રેશન

સાયરન સાથે ઇન્સ્પેક્ટર સાવંતની ટીમ શિલ્પા દેસાઈના ફ્લૅટ પર પહોંચી. ફ્લૅટનો દરવાજો અડધો ખુલ્લો હતો. પિસ્ટલ સાથે સાવંત અંદર દાખલ થયા. ફ્લૅટમાં પરફ્યુમની તીવ્ર સુગંધ હતી, જેમાં હવે લોહીની ગંધ પણ ભળી હતી.

બેડરૂમમાં શિલ્પાની લાશ પડી હતી. તેને ઝેર આપવામાં આવ્યું હોય એવું લાગતું હતું, પણ લાશની બાજુમાં વ્હીલચૅરના ટાયરનાં નિશાન હતાં અને ટેબલ પર રાઘવજીનો ચશ્માંનો ગ્લાસ પડ્યો હતો.

‘સાહેબ, આ શું?’ શિંદેએ આશ્ચર્યથી પૂછ્યું, ‘રાઘવજીભાઈ અહીં હતા?’

સાવંતે ચશ્માંનો કાચ ઉપાડ્યો. તેની આંખોમાં મૂંઝવણ હતી.

‘જો ખૂની પેલો બ્લૅક કપડાંવાળો માણસ હોય તો તેણે રાઘવજીની વસ્તુઓ અહીં કેમ છોડી? શું તે રાઘવજીને ફસાવવા માગે છે કે પછી...’

સાવંત અટકી ગયા. તેના મનમાં એક ભયાનક વિચાર આવ્યો, પણ તેણે તરત જ એને દબાવી દીધો.

બરાબર એ જ સમયે બારીની બહાર કોઈનો પડછાયો દેખાયો અને સાવંત દોડ્યા, પણ બહાર અંધારું હતું અને રોડ પરથી ટૅક્સી ઝડપથી પસાર થઈ ગઈ. ટૅક્સીમાં પાછળની સીટ પર એક વૃદ્ધ બેઠો હતો, જેનું માથું બારીની બહાર ઢળેલું હતું.

‘રાઘવજીભાઈ...’

સાવંતે બૂમ તો પાડી, પણ ટૅક્સી રાતના અંધારામાં ઓગળી ગઈ અને સાવંત રૂમમાં પાછા ફર્યા.

              lll

શિલ્પા દેસાઈની ડેડ-બૉડી પાસેથી મળેલી શીશીમાં રહેલી દવાનું સૅમ્પલ ફૉરેન્સિક લૅબમાં મોકલવામાં આવ્યું હતું. લૅબોરેટરીનો રિપોર્ટ આવતાં તો ત્રણ દિવસ લાગવાના હતા પણ તપાસ ક્યાં સુધી પહોંચી એ જાણવા ઇન્સ્પેક્ટર સાવંત ફૉરેન્સિક ઑફિસ પર પહોંચ્યા.

‘પેલી બૉટલમાં પૉઇઝન...’

‘હા, અત્યારે તો એવું લાગે છે. કાં તો પૉઇઝન અને કાં તો એવું કોઈ કેમિકલ જેને લીધે મરનારનું હૃદય અચાનક અટકી ગયું હોય.’

‘પવન પટેલના કેસમાં પણ એવું બન્યું હોવાની શક્યતા ખરી?’

‘યસ મિસ્ટર સાવંત, પૉસિબલ.’

વાત આગળ વધે એ પહેલાં જ ઇન્સ્પેક્ટર સાવંતના મોબાઇલની રિંગ વાગી.

સાવંતે જોયું, શિંદેનો ફોન હતો.

‘બોલ શિંદે...’

‘સાહેબ, શિલ્પા દેસાઈના ફ્લૅટમાંથી ચશ્માંનો જે કાચ મળ્યો એ જ નંબરના પાવરનાં ચશ્માં રાઘવજી પટેલ પહેરે છે. મેં મૅડમ પાસે ચેક કરાવ્યું, તેમણે કન્ફર્મ કર્યું કે પપ્પાનાં ચશ્માંનો આ જ શેપ હતો.’

શિંદેની વાત સાંભળી સાવંતનું મગજ ચકરાવે ચડ્યું.

ઑલ્ઝાઇમર્સનો પેશન્ટ, જેને કોઈ કિડનૅપ કરીને લઈ ગયું છે, તે મુંબઈના આટલી સિક્યૉરિટીવાળા અપાર્ટમેન્ટમાં કેવી રીતે ઘૂસી શકે? ગાર્ડ કહે છે કે તેણે કોઈ વ્હીલચૅરવાળાને અંદર જતાં જોયો નથી તો પછી ફ્લૅટમાં વ્હીલચૅરના ટાયરનાં નિશાન અને ચશ્માંનો ગ્લાસ કેવી રીતે આવ્યાં?

lll

પોલીસ-સ્ટેશનમાં બંસી પટેલ સાવ ભાંગી પડી હતી.

છેલ્લા એક કલાકથી તે સતત રડતી હતી.

ઇન્ડિયા અને ખાસ તો મુંબઈથી હવે તેને નફરત થવા માંડી હતી.

પહેલાં હસબન્ડનું મોત, હવે બાપ જેવા સસરા આ જ સિટીમાં ગાયબ અને અધૂરામાં પૂરું, તેમના ગુમ થયા પછી શરૂ થયેલી મર્ડરની હારમાળા. પોલીસને દરેક મર્ડર સીન પર રાઘવજી પટેલ કે પવનની કોઈ ને કોઈ વસ્તુ મળતી હતી જે દર્શાવતી હતી કે રાઘવજીભાઈ આ મર્ડરમાં ક્યાંક સામેલ હોઈ શકે છે!

lll

‘મૅડમ, મને પવન વિશે થોડું પૂછવું છે.’ સાવંતે બંસી સામે જોયું, ‘લંડનમાં પવન શું કરતો હતો, તેને કોઈ દુશ્મન...’

‘ના સર.’ બંસીએ પાણીનો ગ્લાસ મોઢે માંડી એક ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો, ‘પવનને કોઈની સાથે પ્રૉબ્લેમ નહોતો. પણ હા, પવન ડાયમન્ડ એક્સપોર્ટર હતો. મોટી જ્વેલરી બ્રૅન્ડ્સ માટે તે હીરાનું ટેસ્ટિંગ કરતો. છેલ્લા થોડા મહિનાથી તેને એ વાતનું ટેન્શન હતું કે માર્કેટમાં એવા બ્લડ ડાયમન્ડ્સ આવી રહ્યા છે જે ઇલ્લીગલ છે. પવનને એવું લાગતું હતું કે તેની પાછળ કોઈ મોટું ઇન્ડિયન રૅકેટ છે.’

‘તેણે કોઈ નામ તમને આપ્યું હતું?’

‘ના, પણ તે પોતાની બધી વાત એક ડાયરીમાં લખતો. એ ડાયરી હંમેશાં તેની સાથે હોય. તે મુંબઈ આવ્યો ત્યારે એ ડાયરી તેની સાથે હતી પણ પવનના ડેથ પછી પોલીસને એ ડાયરી મળી જ નહીં.’

સાવંતને અચાનક યાદ આવ્યું.

કિશોર ભાનુશાલીની ઑફિસમાંથી જે ફાઇલ ગાયબ થઈ શું એમાં પવનની ડાયરીનાં પાનાંઓ હતાં?

બીજી જ ક્ષણે સાવંતના મનમાં વિચાર ઝબકી ગયો.

જો એ ડાયરી ખૂની પાસે હોય તો ખૂની પવનની ડાયરીમાં જે કોઈના નામનું લિસ્ટ છે એ લોકોને એક પછી એક મારી રહ્યો છે.

lll

‘સાહેબ, આપણે આ રાઘવજી પટેલની પણ તપાસ કરાવવી જોઈએ.’ કૉન્સ્ટેબલ શિંદેએ ધીમેકથી કહ્યું, ‘આપણને જેટલી ખબર છે એ બધી વાત તો આ મૅડમે કહી છે. બને કે રાઘવજીના ભૂતકાળની વાત આ બહેનને પણ ન ખબર હોય.’

‘હંમ...’

ઇન્સ્પેક્ટર સાવંતે તરત જ ઇન્ક્વાયરી માટે લંડનની સ્કૉટલૅન્ડ યાર્ડ પોલીસનો કૉન્ટૅક્ટ કર્યો અને સાંજ સુધીમાં રાઘવજી પટેલનું બૅકગ્રાઉન્ડ તેમની પાસે આવી ગયું. રાઘવજી પટેલના બૅકગ્રાઉન્ડ પછી ઇન્સ્પેક્ટર સાવંતને રીતસર પરસેવો છૂટી
ગયો હતો.

lll

એંસીના દશકમાં રાઘવજી પટેલ ઇન્ડિયન નેવીમાં સ્પેશ્યલ ફોર્સમાં હતા અને માર્કોસ કમાન્ડો પણ રહી ચૂક્યા છે! રિટાયરમેન્ટ પછી લંડન સ્થાયી થઈ તેમણે પોતાની સિક્યૉરિટી એજન્સી શરૂ કરી.

lll

‘એક ભૂતપૂર્વ કમાન્ડો, જેને ગેરીલા વૉરફેર અને ગળું દબાવીને મારવાની તાલીમ મળી હોય...’ ઇન્સ્પેક્ટર સાવંતની આંખોમાં હજી પણ તાજ્જુબ હતું, ‘શિંદે, તું જો કિશોર ભાનુશાલી અને ઇસ્માઇલના ગળા પર જે નિશાન મળ્યાં એ કોઈ નૉર્મલ મર્ડરરની છાપ નહોતી, પણ એક્સપર્ટની સાઇન હતી. એવો એક્સપર્ટ જે આ લેવલની ટ્રેઇનિંગ લઈને બેઠો છે. શિંદે, રાઘવજી જ મર્ડરર છે.’

‘સાહેબ, બધું સાચું પણ તેના પ્રૉબ્લેમનું શું?’ શિંદેએ વાજબી પ્રશ્ન કર્યો અને વાત પણ યાદ દેવડાવી, ‘રાઘવજીભાઈને ઑલ્ઝાઇમર્સ છે. લંડનની હૉસ્પિટલના રિપોર્ટ્સ આપણી પાસે આવી ગયા છે. એ રિપોર્ટ્સમાં ક્લિયર લખ્યું છે કે હવે તેની એંસી ટકા યાદશક્તિ ચાલી ગઈ છે. રાઘવજીભાઈને પોતાનું ઘર સુધ્ધાં યાદ નથી હોતું.’

‘એ પણ ચાન્સ છે કે રાઘવજી ઑલ્ઝાઇમર્સનું નાટક કરતો હોય...’ ઇન્સ્પેક્ટર સાવંતે શક છોડ્યો નહીં, ‘જો એવું નથી તો પછી મસલ મેમરી...’

‘મસલ મેમરી? એ શું છે...’

‘ક્યારેક એવું બને કે માણસ બધું ભૂલી જાય પણ તેની વર્ષોની તાલીમ તેના મન અને શરીરમાં જીવતી રહે.’ ઇન્સ્પેક્ટર સાવંતે કહ્યું, ‘રાઘવજીભાઈ સાથે એવું થયું હોઈ શકે છે શિંદે. જો પવનના મોતનો આઘાત તેમના મગજમાં ઘર કરી ગયો હોય તો
કદાચ તેમની અંદરનો કમાન્ડો જાગી ગયો હોય!’

lll

ગોરેગામની એક સસ્તી હોટેલના રૂમમાં અંધારું હતું.

રાઘવજીભાઈ પલંગ પર બેઠા હતા. તેમના હાથમાં પવનનો ફોટો હતો અને તે ફોટો પર પ્રેમથી હાથ ફેરવતા આંસુ સારતા હતા.

થોડી મિનિટોમાં જ રૂમનો દરવાજો ખૂલ્યો અને બ્લૅક શર્ટવાળો માણસ રૂમમાં દાખલ થયો.

‘કામ પતી ગયું. શિલ્પા દેસાઈ હવે ક્યારેય કોઈને નહીં છેતરે.’ બ્લૅક શર્ટવાળા માણસે ધીમેકથી કહ્યું, ‘આ ઇન્સ્પેક્ટર સાવંત તારી નજીક પહોંચી ગયો છે, એનાથી તારે બચવાનું છે.’

રાઘવજીએ નજર ઊંચી કરી, તેમની આંખોમાં ખાલીપો હતો.

‘પવન... પવન ક્યાં છે? તું કહેતો હતો કે શિલ્પાને મળીશું એટલે પવન મળી જશે. ક્યાં છે એ?’

બ્લૅક શર્ટવાળી વ્યક્તિના ચહેરા પર સ્માઇલ આવી ગયું.

‘પવન તારી અંદર છે, પણ પોલીસને લાગે છે કે આ બધાં મર્ડર તેં કર્યાં છે. મેં દરેક જગ્યાએ તારી સાઇન મૂકી છે. હવે જો તું પોલીસના હાથમાં આવી ગયો તો તું આખી જિંદગી જેલમાં અને હું... હું આઝાદ...’

રાઘવજીભાઈ ધ્રૂજવા લાગ્યા.

‘ના... ના, મેં... મેં કોઈને નથી માર્યા. હું તો બસ પવનને શોધતો હતો.’

‘એ બધું પછી નક્કી કરીએ.’ પેલા માણસે રાઘવજીભાઈનો હાથ પકડી તેને ઊભા કર્યા, ‘ચાલ, હવે આપણે છેલ્લી વ્યક્તિ પાસે જવાનું છે. તેની પાસે જેણે પવનના ડેથને હાર્ટ-અટૅક દેખાડ્યો.’

‘એ કોણ?’

‘ડૉક્ટર... ડૉક્ટર અવિનાશ શર્મા.’

lll

‘સર, પવનનું પોસ્ટમૉર્ટમ જેણે કર્યું હતું એ અવિનાશ શર્મા ચાર દિવસથી હૉસ્પિટલ ડ્યુટી પર આવતા નથી.’ કૉન્સ્ટેબલ શિંદેએ માહિતી આપી, ‘તેણે રજા પણ નથી લીધી. હૉસ્પિલનો સ્ટાફ ફોન કરે છે તો તે ફોન પણ નથી ઉપાડતા.’

‘તેના ઘરે જઈને તપાસ કરો.’

‘કરી લીધી સર... ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે ડૉક્ટર સાહેબ તેના લોનાવલાના બંગલા પર જઈને આરામ કરે છે.’ શિંદેએ વાત આગળ વધારી, ‘લોનાવલા બંગલાનો ફોન કોઈ ઉપાડતું નથી.’

‘ઓહ ફિશ...’ ઇન્સ્પેક્ટર સાવંત ઊભા થઈ ગયા, ‘શિંદે લોનાવલા જવું પડશે. જલદી આવ... જો મોડા પડ્યા તો ચોથું મર્ડર ફાઇનલ!’

અડધા કલાકમાં શિંદે સાથે સાવંત લોનાવલા હાઇવે પર હતા. રસ્તા પર મહારાષ્ટ્ર પોલીસની જીપ જે ઝડપથી ભાગતી હતી એટલી જ ઝડપે ઇન્સ્પેક્ટર સાવંતના મનમાં વિચારો ચાલતા હતા.

રાઘવજી પટેલ કમાન્ડો હતા પણ તેની સાથે જે માણસ દેખાય છે એ બ્લૅક શર્ટવાળો કોણ છે? શું એ રાઘવજીનો કોઈ ઓળખીતો છે અને તે બન્ને મળીને આ આખો પ્લાન પાર પાડે છે કે પછી પવનનો કોઈ મિત્ર છે જે રાઘવજી પટેલનો મિસયુઝ કરે છે?

lll

‘આ જ ઘર છે સાહેબ.’

જીપ ઊભી રહી અને સાવંત ઝડપભેર જીપમાંથી બહાર આવ્યા. તેમણે જોયું કે બંગલાનો મેઇન ગેટ ખુલ્લો હતો અને બંગલાના હૉલમાંથી ડૉક્ટરની બૂમો સંભળાતી હતી.

ઇન્સ્પેક્ટર સાવંત પિસ્ટલ સાથે અંદર આગળ વધ્યા.

હૉલનું દૃશ્ય જોઈને તે થીજી ગયા.

હૉલમાં ડૉક્ટર અવિનાશ શર્મા ખુરસી પર બાંધેલા હતા. તેમની સામે રાઘવજી પટેલ ઊભા હતા. રાઘવજીના હાથમાં એક સર્જિકલ બ્લેડ હતી, પણ રાઘવજીભાઈના ચહેરા પર આક્રોશ નહીં, મૂંઝવણ હતી.

‘સાહેબ, બચાવો મને! આ... આ માણસ મને મારી નાખશે!’

ડૉક્ટરે કાકલુદી કરી કે તરત સાવંતે ચેતવણી આપી.

‘રાઘવજીભાઈ! હથિયાર નીચે મૂકો!’

રાઘવજીએ સાવંત તરફ જોયું. તેમની આંખોમાં આંસુ હતાં.

‘સાહેબ, આ માણસે પવનને ખોટું ઇન્જેક્શન આપ્યું હતું. પવને મને સપનામાં આવીને કહ્યું પણ મને યાદ નથી આવતું કે મારે આ બ્લેડનું શું કરવાનું છે.’

સાવંત કંઈ કહે કે કરે એ પહેલાં બારીમાંથી પથ્થર આવ્યો અને લાઇટનો બલ્બ ફૂટ્યો. હૉલમાં અંધારું છવાઈ ગયું. સાવંતે ગોળીબાર કર્યો પણ નિશાન ચૂકી ગયા. જ્યારે હૉલમાં લાઇટ આવી ત્યારે ડૉક્ટર અવિનાશનું ગળું કપાયેલું હતું અને રાઘવજી પટેલ ત્યાં જ બેભાન હાલતમાં પડ્યા હતા. તેમના હાથમાં લોહીવાળી બ્લેડ હતી અને બાજુમાં અડધો બળેલો પાસપોર્ટ અને એ પાસપોર્ટમાં એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું ઃ

‘પપ્પા, કિશોર ભાનુશાલી મને જીવતો નહીં છોડે. પણ તમે ક્યારેય હથિયાર ન ઉપાડતા, સત્ય શોધજો.’

સાવંતને સ્પષ્ટપણે દેખાતું હતું કે જે દેખાય છે એ સત્ય નથી. રાઘવજી પટેલ ભલે પકડાયા, પણ અસલી શિકારી હજી બહાર છે જે રાઘવજીના પ્રેમ અને બીમારીનો ઉપયોગ કરે છે.

 

વધુ આવતી કાલે

columnists gujarati mid day exclusive Rashmin Shah