02 April, 2026 12:09 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘સાહેબ, આ ઓપન ઍન્ડ શટ કેસ છે. રાઘવજીભાઈના હાથમાં બ્લેડ છે જેનાથી ડૉક્ટરનું મર્ડર થયું છે. લાશ અહીં આપણી સામે છે...’ શિંદે ઑલમોસ્ટ ચિલ્લાયો હતો, ‘તમે જુઓ તો ખરા, ઍરપોર્ટથી અત્યાર સુધીના દરેક લોકેશન પર આ રાઘવજી હાજર હતો, હવે બીજાં શું પ્રૂફ જોઈએ?’
‘ઘણાં પ્રૂફ શિંદે.’ રાઘવજીની પલ્સ ચેક કરતાં ઇન્સ્પેક્ટર સાવંતે શિંદેની સામે જોયું, ‘આ માણસ બેભાન છે પણ તે બેભાન થયા નથી, તેમને બેભાન કરવામાં આવ્યા છે. આ જો...’
રાઘવજીની ગરદન પર એક જગ્યાએ આંગળી મૂકીને સાવંતે દેખાડ્યું અને શિંદેએ એ જગ્યાએ જોયું. એ જગ્યા પર ઘા હતો.
‘શિંદે, જો રાઘવજી મર્ડરર હોય તો તેના પર આ વાર કોણે કર્યો?’ સાવંત ઊભા થયા, ‘શિંદે, અહીં કોઈ ત્રીજું હાજર હતું અને મને લાગે છે ત્યાં સુધી ડૉક્ટરનું મર્ડર કરી, રાઘવજી પર હુમલો કરી એ માણસ ભાગી ગયો.’
‘ઓહ ગૉડ...’
કૉન્સ્ટેબલ શિંદે આખો બંગલો ફેંદી વળ્યો પણ ક્યાંય કોઈ દેખાયું નહીં. એટલી વારમાં ઇન્સ્પેક્ટર સાવંતે ઍમ્બ્યુલન્સ માટે ફોન કરી દીધો હતો.
દસ મિનિટમાં તો આખું લોનાવલા ધ્રૂજી ગયું.
લાશ અને રાઘવજીને
અલગ-અલગ ઍમ્બ્યુલન્સ વૅનમાં રવાના કરી આખો કાફલો મુંબઈ તરફ રવાના થયો.
lll
‘તમે સમજતા કેમ નથી? મારા પપ્પાએ કોઈનું મર્ડર કર્યું નથી. અરે, તે પોતાની જાતે ચાલી પણ શકતા નથી.’
રાઘવજીને મળવા જે. જે. હૉસ્પિટલે આવેલી બંસી છેલ્લી વીસ મિનિટથી એક જ વાત કરતી હતી. બંસીના ચહેરા પર ભય અને અવિશ્વાસની મિક્સ ફીલિંગ્સ હતી.
‘મેં મારી લાઇફમાં ક્યારેય તેમને કોઈને ટચ કરતા પણ જોયા નથી. તે, તે સાવ સીધા માણસ છે. જસ્ટ લાઇક ગૉડ...’ બંસીએ કહ્યું, ‘તમે કૉમન સેન્સ તો વાપરો. ઑલ્ઝાઇમર્સના પેશન્ટને કપડાં પહેરવાની ગતાગમ પણ ન રહે અને તમે કહો છો કે પપ્પાએ આ બધાં મર્ડરનો પ્લાન બનાવ્યો હતો. ઇમ્પૉસિબલ.’
‘એક્સક્યુઝ મી, મૅડમ...’ સાવંતે તેને શાંત પાડી, ‘તમને એ ખબર છે કે તમારા ફાધર-ઇન-લૉ માર્કોસ કમાન્ડો હતા.’
‘સો વૉટ?’
‘મૅડમ, યાદ રાખજો... માર્કોસ એક એવું ગ્રુપ છે જેમાં માણસે પોતાના મન પર સૌથી પહેલો કાબૂ મેળવવાનો હોય છે અને ટ્રેઇન્ડ કિલર માટે ઉંમર કે બીમારી માત્ર પોતાનું પ્રોટેક્શન હોઈ શકે અને તમારા ફાધર-ઇન-લૉએ એ જ કર્યું છે.’
‘હું હજી પણ કહું છું, એવું નથી.’ બંસીની આંખોમાં ધાર આવી ગઈ, ‘ચાલો માન્યું કે બધું મારા પપ્પાએ કર્યું છે તો મને એ કહો કે જો પપ્પા મર્ડરર હોય તો પેલો બ્લૅક શર્ટવાળો માણસ તમને CCTVમાં દેખાય છે તે કોણ છે?’
‘કેટલાક સવાલોના જવાબ સમય આવ્યે મળતા હોય છે.’ ઇન્સ્પેક્ટર સાવંત ઊભા થયા, ‘તમારા આ સવાલનો જવાબ પણ હું તમને આપીશ. બસ, એક દિવસ. ચોવીસ કલાક. ફક્ત ચોવીસ કલાક...’
મધરાતે રાઘવજીભાઈની
આંખો ખૂલી.
ઇન્સ્પેક્ટર સાવંત રૂમમાં તેમની બાજુમાં જ બેઠા હતા. રાઘવજીની આંખો ખૂલી ત્યારે એ આંખોમાં પેલી રોજ દેખાતી શૂન્યતા નહીં, પણ તીક્ષ્ણતા હતી.
રાઘવજીએ સાવંતની સામે જોયું.
‘તમે કોણ?’
‘હું ઇન્સ્પેક્ટર સાવંત. મારે તમને કેટલીક વાત પૂછવાની છે.’ ઇન્સ્પેક્ટર સાવંત સીધી મૂળ વાત પર આવી ગયા, ‘રાઘવજીભાઈ, તમે મુંબઈ શું કામ આવ્યા?’
‘હું... હું...’ રાઘવજીએ છત તરફ જોયું, ‘હું અમારાં કુળદેવીને ત્યાં જતો હતો. મને પવનનો ફોન હતો. તેણે કીધું કે મુંબઈમાં આપણે મળીશું. તમે જલદી આવજો, નહીં તો મને કોઈ મારી નાખશે. હું ઍરપોર્ટ ઊતર્યો, બંસી સામાન લેવા ગઈ અને મને પવન દેખાયો. તેણે બ્લૅક શર્ટ પહેર્યું હતું. પવને મને ઇશારો કર્યો અને હું તેની પાછળ ગયો.’
‘મિસ્ટર પટેલ, તમારી વાર્તા ઇન્ટરેસ્ટિંગ છે પણ તમે ભૂલી ગયા કે તમારો સન મરી ગયો છે, તમે જેની પાછળ ગયા એ પવન નહોતો.’
‘ના, એ પવન જ હતો! તે મને... મને ઘણીબધી જગ્યાએ લઈ ગયો. તેણે મને કીધું કે આ કિશોર ભાનુશાલી છે. આ માણસે મને માર્યો છે અને પછી... પછી મને કંઈ યાદ નથી. મને બસ, લોહી દેખાય છે અને પવનનો અવાજ સંભળાય છે.’
રાઘવજી પટેલ રડી પડ્યા.
પીઠ પાછળથી સાવંતના ખભા પર ડૉક્ટરનો હાથ આવ્યો એટલે ઇન્સ્પેક્ટર સાવંત ડૉક્ટરની સાથે સાઇડ પર આવ્યા.
‘મિસ્ટર સાવંત, મને લાગે છે કે આ રેટ્રોગ્રેડ ઍમ્નેશિયા અને ઑલ્ઝાઇમર્સનું વિચિત્ર કૉમ્બિનેશન છે. રાઘવજીભાઈને લાગે છે કે તે પવનના કહેવા પર આ બધું કરે છે...’
‘મને સમજાતું નથી.’
‘સિમ્પલ વર્ડ્સમાં કહું તો રાઘવજીભાઈ પોતે મર્ડર કરે છે કે પછી કોઈ તેમને હિપ્નોટાઇઝ કરીને તેમની પાસે મર્ડર કરાવે છે એ ચેક કરવાનું રહેશે.’
સિમ્પલ લાગતો મર્ડર કેસ હવે વધારે ગૂંચવાયો હતો.
lll
‘સર, આ વાંચો...’ લોનાવલાના બંગલામાંથી મળેલી પવનની ડાયરી શિંદેએ ઇન્સ્પેક્ટર સાવંત સામે લંબાવી, ‘આ ડાયરી કેવી રીતે ડૉક્ટરના ઘરમાં પહોંચી એ મોટો પ્રશ્ન છે.’
સાવંતે ડાયરીનાં પાનાં ખોલી વાંચવાનું શરૂ કર્યું. પાનાંઓ પલટાતાં ગયાં અને એ પલટાતાં પાનાંઓ ભયાનક સત્ય બહાર લાવ્યાં. એ પવનની ડાયરી હતી. પવને
ડાયરીમાં લખ્યું હતુંઃ
કિશોર ભાનુશાલી માત્ર હીરાનો વેપારી નથી, તે દેશદ્રોહી છે અને ઇન્ટરનૅશનલ લેવલ પર તે આતંકવાદીઓને ફન્ડિંગ પૂરું પાડે છે. ઇસ્માઇલ તેનો શાર્પશૂટર છે અને શિલ્પા દેસાઈ તેની જાસૂસ. મને લાગે છે કે મારા જ પરિવારનો કોઈ સભ્ય આ લોકો સાથે મળેલો છે. મારી ફૅમિલીમાં મને બંસી પર શંકા છે.
સાવંતના હાથ ધ્રૂજવા લાગ્યા. તેણે રૂમના એક ખૂણામાં બેઠેલી બંસી તરફ જોયું.
શું બંસી આ બધું જાણી જોઈને કરે છે? શું તે જ રાઘવજીને મુંબઈ લાવીને તેની પાસે આ મર્ડર પ્લાન કરાવે છે?
lll
ગુરુવારની સવારે
પોલીસ-સ્ટેશનમાં એક નવો
સાક્ષી હાજર થયો.
તે ઍરપોર્ટનો ટૅક્સી-ડ્રાઇવર હતો જેણે રાઘવજીને ઍરપોર્ટથી ટૅક્સીમાં બેસાડ્યા હતા.
‘સાહેબ, એ રાત્રે આ માણસ મારી ટૅક્સીમાં બેઠા. તેમની સાથે એક યંગ છોકરો હતો જે સતત અંગ્રેજીમાં વાત કરતો હતો.’ ડ્રાઇવરે કહ્યું, ‘એ છોકરાએ બ્લૅક કલરનું શર્ટ પહેર્યું હતું.’
‘કેવો દેખાતો હતો એ છોકરો?’
સાવંતના ચહેરા પર ઉત્સાહ આવી ગયો હતો.
‘એમ તો સાહેબ, મને કેમ ખબર પડે? પણ જો ફોટો દેખાડો તો...’
સાવંતે એક ફોટો આગળ ધર્યો.
‘આ જ, આ જ છોકરો હતો સાહેબ...’
સાવંત સ્તબ્ધ થઈ ગયા, તેણે પવન પટેલનો ફોટો દેખાડ્યો હતો. જો પવન મરી ગયો છે તો પવન જેવો દેખાતો એ માણસ કોણ છે? કે પછી શું પવન જીવતો છે? કે પવન ટ્વિન્સ છે, જેના વિશે કોઈને ખબર નથી?
lll
એ રાતે હૉસ્પિટલના CCTVમાં જે કંઈ દેખાયું એ વધારે શૉકિંગ હતું.
રાઘવજીભાઈ જે દવાના ડોઝ વચ્ચે ઑલમોસ્ટ બેભાન અને અશક્ત હતા તે અચાનક બેડ પરથી ઊભા થયા. તેમના ચહેરા પર રોનક હતી, કોઈ માંદગીનું નિશાન દેખાતું નહોતું. બેડ પર બેઠાં-બેઠાં જ રાઘવજીભાઈએ આજુબાજુમાં નજર કરી. બેડની બાજુમાં મેડિકલ ટ્રૉલી પર તેમની નજર સ્થિર થઈ અને તેમણે ટ્રૉલીમાંથી એક કાતર ઉઠાવી પોતાની ડ્રિપ હાથ પાસેથી કાપી નાખી.
ઇન્સ્પેક્ટર સાવંતને તેની પાસે જવાનું બહુ મન થયું પણ હવે તે શું કરે છે એ તેમને ચેક કરવું હતું એટલે તે કન્ટ્રોલ રૂમમાં બેસી રહ્યા.
રાઘવજીભાઈ રૂમમાંથી બહાર નીકળી લિફ્ટ પાસે ગયા. લિફ્ટ પાસે બેઠેલો સિક્યૉરિટી ગાર્ડ બાથરૂમ ગયો હતો એટલે તેમને કોઈએ રોક્યા નહીં. લિફ્ટમાં રાઘવજી સીધા હૉસ્પિટલના બેઝમેન્ટમાં આવ્યા. બેઝમેન્ટના CCTVનો કન્ટ્રોલ રૂમ બેઝમેન્ટમાં હતો એટલે નાછૂટકે સાવંતે દોડવું પડ્યું અને ચિત્તા જેવી ઝડપે તે પણ બેઝમેન્ટમાં પહોંચ્યા.
lll
બેઝમેન્ટમાં અંધકાર હતો અને એ અંધકાર વચ્ચે રાઘવજી કોઈની રાહ જોતા એક ખૂણામાં ઊભા હતા. ઇન્સ્પેક્ટર સાવંતે ધીમેકથી પોતાનાં શૂઝ કાઢી નાખ્યાં અને એક પિલર પાછળ છુપાઈને રાઘવજીભાઈને જોતો ઊભો રહી ગયો.
થોડી સેકન્ડો થઈ અને ત્યાં જ પેલો બ્લૅક શર્ટવાળો માણસ સામે આવ્યો.
‘કામ પૂરું થયું?’
પેલા માણસે પૂછ્યું અને રાઘવજી તેની નજીક ગયો.
એ પછી રાઘવજીના જે શબ્દો હતા એ સાવંતના કાનમાં વિસ્ફોટ કરનારા હતા.
‘હા બેટા. તેં જે લિસ્ટ આપ્યું હતું એ બધા ખતમ થઈ ગયા. પણ તેં મને કેમ માર્યો હતો લોનાવલામાં?’
‘એ તો પોલીસને નાટક બતાવવા માટે હતું પપ્પા. હવે આપણે લંડન જઈ શકીએ છીએ. બંસી પાસે ટિકિટ તૈયાર છે. તમારે મોડું નથી કરવાનું. ઇન્સ્પેક્ટર તમારા સુધી પહોંચવા માટે ઉતાવળો છે. મને લાગે છે કે એ અત્યારે પણ અહીં આવી ગયો છે.’
સાવંતનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં અને ધીમેકથી પેલો બ્લૅક શર્ટવાળાનો ચહેરો લાઇટમાં આવ્યો.
તે પવન પટેલ જ હતો!
પવન કે પછી પવન જેવો દેખાતો હમશકલ?
સમય આવી ગયો હતો સામે આવી જવાનો અને વીજળીની ઝડપ સાથે સાવંતે પોતાની કમરેથી પિસ્ટલ ખેંચી કાઢી.
‘હૅન્ડ્સ અપ...’
સાવંત કંઈ કહે કે સમજે એ પહેલાં અચાનક હૉસ્પિટલના બેઝમેન્ટમાં ધડાકો થયો અને આખા બેઝમેન્ટમાં ધુમાડો છવાઈ ગયો. ધુમાડાને કારણે સાવંત આગળનું કંઈ જોઈ નહોતા શકતા. ધુમાડો હટતાં અને આંખને દૃશ્ય દેખાતાં પાંચેક મિનિટનો સમય લાગ્યો.
સાવંતે જોયું તો ત્યાં કોઈ નહોતું.
જમીન પર પવનની ડાયરી પડી હતી, જેનું લાસ્ટ પેજ સાવંતે વાંચવાનું હજી બાકી હતું. સાવંતે ડાયરી હાથમાં લીધી. ડાયરીના છેલ્લા પાને લખ્યું હતું:
જો મને કંઈ થાય તો સમજજો કે મારા પપ્પા જ મને બચાવશે. તેમનો ઑલ્ઝાઇમર્સ તેમનું હથિયાર છે, નબળાઈ નહીં.
lll
સાવંતને સમજાઈ ગયું કે આ કોઈ પ્રોફેશનલ કિલરની રમત નહીં પણ બાપ અને દીકરાની જુગલબંધી છે અને કાં તો કોઈ રાઘવજીની બીમારીનો એવો ઉપયોગ છે જેની કલ્પના કરવી પણ અસંભવ છે.
રાઘવજી અને પવન બન્ને ગાયબ છે તો બંસી?
સાવંત દોડતો રૂમમાં આવ્યો, બંસી રૂમમાં નહોતી
ભાગતો સાવંત જે. જે. હૉસ્પિટલના મેઇન રોડ પર આવ્યો.
તેનો ફોન લાગી ગયો હતો.
‘શિંદે, લંડનની છેલ્લી ફ્લાઇટ રોકો! ફ્લાઇટ નીકળવી ન જોઈએ.’
મુંબઈની સડકો પર પોલીસની ગાડીઓ ચીસો પાડતી ઍરપોર્ટ તરફ ભાગવા માંડી. દરેક પોલીસ વૅનની એક જ મકસદ હતી,
બ્રિટિશ ઍરવેઝની ફ્લાઇટ BA-107ને રોકવાની...
(વધુ આવતી કાલે)