અભિનયસમ્રાટ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

22 July, 2021 08:20 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘તબ તક ધીરજ ધરો...’ અતાઉલ્લાથી દૂર સહી નાઝનીને પાઠ શીખવ્યો, ‘બાજી રમતાં હોઈએ ત્યારે પાઠ ભૂલે નહીં તે જ સાચો ખેલાડી.’

અભિનયસમ્રાટ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

‘નાઝનીન જૂઠ બોલે છે’ ફાતિમાબાનુએ ટલ્લા ફોડ્યા, ‘મારી રઝિયાને કેવી બૂરી ચીતરી દીધી. સારું છે રઝિયા અત્યારે હોંશમાં નથી, નહીંતર પીંખાઈ જાત.’
નાઝનીનના ધડાકાએ રઝિયાનાં મોટાં બહેન ફાતિમાઆપા તેમના 
ખાવિંદ નૂર મોહમ્મદ સાથે વળી દુબઈથી દોડી આવેલાં : અમારી રઝિયા કંઈ નોધારી નથી!
દરમ્યાન રઝિયાબાનુને હવેલીમાં શિફ્ટ કરાયાં, અહીં જ તેમની રૂમમાં ફુલટાઇમ નર્સનો બંદોબસ્ત કરીને જરૂરી મેડિકલ સવલતો અતીતે ઊભી કરી દીધેલી.
‘વડીલ, કાલ-પરમમાં નોટિસ આવશે, આપણે આપણું સ્ટૅન્ડ નક્કી કરી લેવું ઘટે.’ અતીતે કહ્યું, ‘મીડિયામાં નાઝનીનનું પલડું નમતું લાગે, કેમ કે આપણે હજી મીડિયા સમક્ષ ગયા નથી, કોઈ ઑફિશ્યલ સ્ટેટમેન્ટ પણ જાહેર કર્યું નથી. સર-મૅડમની શાખ, કૉન્ટેક્ટ્સ હજી આપણે વાપર્યાં જ નથી.’
બન્ને વડીલ સાંભળી રહ્યાં.
‘મેં ડૉક્ટરની સલાહ પણ લીધી. સરની ગેરહયાતીમાં આપણી પાસે એવું કંઈ જ નથી જે મેડિકલી પુરવાર કરી શકે કે અતાઉલ્લા સરનો જ દીકરો છે.’
અતીતના શબ્દોએ તાનિયામાં કશોક સળવળાટ સર્જાયો.
‘એ છે જ નહીં. બાઈનો ડોળો અમરની ૮૦૦ કરોડની મિલત પર છે. જાણે આ અતાઉલ્લા ખરેખર કોની ઔલાદ હશે...’
‘આ બધું પુરવાર કરવું અઘરું છે, રાધર એને માટે ખાસ્સો સમય જોઈશે, એટલે પણ આપણે આપણી સ્ટ્રૅટેજી નક્કી કરી લેવી ઘટે.’ અતીતનો સાદ ભીનો બન્યો, ‘અમે જાણીએ છીએ કે સર-મૅડમ વચ્ચે કેટલું પ્રબળ બૉન્ડિંગ હતું. મૃત્યુ પહેલાં સર મૅડમના નામે ખાસ પત્ર છોડી ગયા છે.’
‘પત્ર!’ અતીત ચમક્યો - ‘ક્યાંક એવું નથીને કે સર તેમના દીકરા વિશે જાણી ચૂક્યા હોય અને રઝિયાબાનુને એની ભલામણ અંતિમ પત્રમાં કરતા ગયા હોય...
‘તો તો આ પત્ર આપણે વાંચવો રહ્યો.’ ફાતિમાબાનુએ કહ્યું, ‘મારી આજ્ઞા છે, અતીત.’
lll
મેરી પ્યારી રઝિયા,
હિન્દીમાં લખેલો પત્ર અતીત 
વાંચવા માંડ્યો...
‘મારા જીવનની સૌથી ખૂબસૂરત ઘટના તારું હોવું છે. એ બદલ ખુદાનો શુક્રગુજાર કરી એક એવો ભેદ અહીં કરું છું જે ઇચ્છવા છતાં, કોશિશ કર્યા છતાં ક્યારેય કહેવાયો નહીં...
અને એ ભેદ એટલે નાઝનીન ખરેખર તો પાકિસ્તાનની જાસૂસ
 હોવાની સચ્ચાઈ!
‘હેં.’ પત્ર જેમ-જેમ વંચાતો ગયો એમ હૉલમાં મોજૂદ ચારેયનાં વદન પર હેરત છવાતી ગઈ. ‘સરના પાક પ્રવાસમાં નાઝનીનને પ્લેસ કરવાનું કાવતરું થયું, બદમાશ બાઈ દેશ અહિતનાં કામ કરતી રહી અને હવે જુઓ તો કેવી પાક બને છે! તેના દાવામાં હવે તો રતિભાર ભરોસો ન મુકાય, પણ નાઝનીન નીવડેલી જાસૂસ હોય તો તેની તૈયારી પણ પૂરતી હોવાની, તેને મહાત કરવી સરળ નહીં હોય!’
‘ધેર ઇઝ અવે...’ તાનિયાએ શ્વાસ ઘૂંટ્યો, ‘અતીત, તમે કહ્યુંને કે આપણી પાસે એવું કંઈ જ નથી જે મેડિકલી પુરવાર કરી શકે કે અતાઉલ્લા સરનો જ દીકરો છે, રાઇટ? પણ આપણે ધારીએ તો એવું પુરવાર કરી શકીએ છીએ કે અતાઉલ્લા સરનો દીકરો નથી!’
એક જ અર્થનાં બે વાક્યોનો ભેદ અતીતને સ્પર્શ્યો.
તાનિયાની યોજના સાંભળીને નૂરમોહમ્મદ-ફાતિમાબાનુ ડઘાયાં, અતીતને દ્વિધા ન રહી.
તેણે સીધો મુંબઈના પોલીસ-કમિશનરને ફોન જોડ્યો. મધુકર શ્રીવાસ્તવ સરના પ્રશંસક હતા અને એક-બે ફંક્શનમાં મળવાનું થયેલું એટલે અતીતને જાણતા પણ ખરા.
‘સર, વી નીડ યૉર હેલ્પ.’
lll
‘આપણે તો વાવાઝોડું આણી દીધું, પણ જ્યાંથી પડઘો ઊઠવો જોઈએ ત્યાં તો સાવ મૌન છે!’ અતાઉલ્લા નાઝનીનની સોડમાં ભરાયો, ‘બીજું તો ઠીક, તારી ઔલાદ તરીકે પેશ થયાનું બહુ વિયર્ડ લાગે છે... ક્યાંક કોઈ જાણી ગયું કે વાસ્તવમાં આપણી વચ્ચે મા-દીકરાના નહીં, સ્ત્રી-પુરુષના સંબંધ છે તો...’
અલબત્ત, કોઈને જાણ થવાની સંભાવના નહીંવત્ છે એની જાસૂસ તરીકે નાઝનીનને તો સમજ હોય જને. એ વિના આવું ડીંડવાણું થોડું હંકાય!
અમરકુમાર સાથેના તલાક પછી પોતે આઇએસઆઇ માટે નકામી ઠરી ગઈ. જીવનમાં પુરુષો આવતા-જતા રહ્યા, પણ કોઈ સંબંધ કાયમી બન્યો નહીં. આઠેક વર્ષ અગાઉ તેની લાઇફમાં અતાઉલ્લાનો પ્રવેશ થયો. નાનાં-મોટાં કામ કરી પેટિયું રળતો લોખંડી જુવાન ઘરના બીજા માળે ભાડેથી રહેવા લાગ્યો અને બહુ જલદી બન્ને વચ્ચે ‘કામ’ની ધરી રચાઈ ગઈ. વયભેદ છતાં પરસ્પરને સંતોષવાની ક્ષમતાને કારણે લગ્ન વિના સંબંધ કાયમી બની ગયો, અલબત્ત, સાવ ખાનગીમાં. બહાર કોઈને ગંધ પણ આવતી નહોતી કે માલિક-ભાડૂત વચ્ચે અંગત સંબંધ હોઈ શકે!
અમરકુમારની બીમારીના ખબર એવામાં આવ્યા. એને માટે ડંખ તો હતો જ, એવુંય થયું, આ માણસે ૮૦૦ કરોડની સંપત્તિ ભેગી કરી અને વારસ કોઈ નહીં!
આ...ઠ....સો... કરોડ! પહેલી વાર દિમાગમાં ઘંટી બજી - ‘અમારા તલાક ન થયા હોત તો આમાં અડધો હિસ્સો મારો હોત! ૪૦૦ કરોડ મારા તાબામાં હોય તો અતાઉલ્લાને લઈ આખી દુનિયા ફરી વળું, જિંદગીમાં કોઈ સુખની કમી નહીં હોય! પણ હવે એ કઈ રીતે શક્ય બને?
વારસ.
દિમાગમાં ટિકટિક થવા લાગ્યું. ‘તલાક પછી નેપથ્યમાં જતી રહેલી નાઝનીન સાથે શું થયું એ કોઈ જાણતું નથી... ધારો કે એ સમયે હું ગર્ભવતી હોવાનું જાહેર કરું તો!’
‘આ વાત ગળે ઉતારવા બે કામ કરવાં પડે, એક તો અમરકુમારને મળવાની ઇલ્તજા મૂકવી પડે, જે મંજૂર થવાની જ નથી, પણ મારા પક્ષે રેકૉર્ડમાં તો રહે, અને બીજું, અમરના દીકરાનો ધડાકો તેના ગુજર્યા બાદ કરવો જેથી ડીએનએ ટેસ્ટની નોબત જ ન આવે! મેડિકલી કશું પ્રૂવ ન થઈ શકે...’
પ્લાન ઘડાતો ગયો. અતાઉલ્લાને કહેતાં તે ડઘાયેલો. ૪૦૦ કરોડના આંકડાએ રાજી પણ થયો. વારસ તરીકે અતાઉલ્લા ફિટ થાય એમ હતો. ઉંમરને કારણે તો ખરું જ, અતાઉલ્લાની બીજી ખાસિયત એ કે તે અમરકુમારનો ફૅન હતો. તેની મિમિક્રી પણ આબાદ કરતો. તેને પિતાના વારસામાં ખપાવી શકાય! જાસૂસીના અનુભવથી બાકીનું સેટિંગ સહજ હતું.
‘આપણે ફોટોશૉપ કરવું નથી. બાળપણના તારા જ ફોટો લેવાના, એમાં હું ભલે નહીં હોઉં, જુવાનીમાં સાથે હોઈશું એ ફોટો જેન્યુઇન રહેશે... કહી દઈશું કે દીકરાને મેં દૂર રાખેલો, પણ પછી મારા ઘરે લઈ આવી, ભાડૂત બનાવીને રાખ્યો, સચ્ચાઈ તો તેણે ત્યારે જાણી - આની ગવાહી તો આપણા પાડોસીઓ પણ આપશે!’
‘બાજીમાં દમ હતો. અમરકુમારના મૃત્યુ પછી રઝિયાબાનુ કોમામાં જતાં માર્ગ સરળ બન્યો. મીડિયા દ્વારા જનતાની સહાનુભૂતિ અમે મેળવી લીધી છે... ફિલહાલ તો અમે તાજમાં ઊતર્યાં છીએ અને જાણીતા વકીલ વસીમ અલીને તગડી ફી ચૂકવી નોટિસ તૈયાર કરાવી છે - આ બધું ઇન્વેસ્ટમેન્ટ બહુ જલદી 
વસૂલાઈ જવાનું!’
‘તબ તક ધીરજ ધરો...’ અતાઉલ્લાથી દૂર સહી નાઝનીને પાઠ શીખવ્યો, ‘બાજી રમતાં હોઈએ ત્યારે પાઠ ભૂલે નહીં તે જ સાચો ખેલાડી.’
તેના શબ્દો સાથે સ્વરનો ડોરબેલ રણક્યો. અતાઉલ્લાએ ઠાવકાઈ ધારણ કરી લીધી, નાઝનીને સાડીનો છેડો સરખો કરતાં દરવાજો ખોલ્યો.
સામે યંગ કંપલને ભાળીને તેમની આંખ ઝીણી થઈ. ‘આ જુવાનને તો અમરના ફ્યુનરલની ટીવી-ક્લિપિંગ્સમાં જોયો છે...’
‘મારું નામ અતીત અને આ તાનિયા. અમે સરનાં કૅરટેકર્સ છીએ.’
‘સીધું કહોને અતીત કે જે ગરાસ તમે લૂંટવા આવ્યાં છો એમાં અમારો પણ હિસ્સો છે.’
તીખા તેવરવાળી છોકરી 
ડોમિનેટિંગ જણાઈ.
‘આ બધું શું છે?’ હવે અતાઉલ્લા કૂદ્યો.
‘અમે અંદર આવીએ?’ પૂછતાં અતીતને હળવો ધક્કો દઈ તાનિયા ભીતર દાખલ થઈ ગઈ, ‘તમે તો સાવ ઢીલા! ૪૦૦ કરોડની ડીલની વાત કંઈ દરવાજે ઊભાં રહીને થતી હશે?’
‘ડીલ? કેવી ડીલ?’ નાઝનીન સતર્ક બન્યાં, ‘જરૂર આમાં કશીક રમત છે. અમરનાં કૅરટેકર અમારી પાસે કેમ આવે?’
‘ડીલ, તમારા જૂઠને સચમાં બદલવાની.’ તાનિયાએ ટાઢકથી બૉમ્બ વીંઝ્‍‍યો. દરવાજો બંધ કરી અતીત તાનિયાની બાજુમાં ગોઠવાયો. ‘જરા ધીરે બોલ, તાની.’
‘વાહ, આ બન્ને મા-દીકરો બની ઢંઢેરો પીટતાં રહ્યાં એ ચાલ્યું. ને મને ચૂપ રહેવા કહો છો?’
‘આ તમે શું બોલો છો.’ નાઝનીનનું દિમાગ દોડવા લાગ્યું, ‘ઇઝ ધિસ ટ્રૅપ?
‘જો બાઈ, અમરકુમાર અમને કંઈ વહાલો નહોતો.’ તાનિયાએ ધડધડાટ કહ્યું, ‘એ તો વિશ્વાસ જીતવા દેખાડો કરવો પડે. આખરે એ ૮૦૦ કરોડનો માલિક! તેના ગયા પછી રઝિયાબાનુ શું એમ જ કોમામાં જતાં રહ્યાં?’
‘હેં.’ નાઝનીન-અતાઉલ્લાની 
નજર મળી - ‘મતલબ, આ લોકોએ રઝિયાને બેભાન કરી - એવી કે તે કોમામાં જતી રહી?’
‘પણ દીકરા સાથે ફૂટીને તમે અમારો ખેલ બગાડી નાખ્યો.’
‘વેલ, આમાં હું શું કરી શકું?’ નાઝનીને ખભા ઉલાળ્યા, ‘દીકરાને બાપનો હક મળે...’
તાનિયા એવું હસી કે નાઝનીનના કાનમાં ધાક પડી ગઈ.
‘કોનો દીકરો, કેવો બાપ!’ તેણે નાઝનીન સાથે નજર મેળવી, તેનો ચહેરો સખતાઈ ધારણ કરતો ગયો, ‘તમે જેનું બીજ પોષાયાનું કહો છો એ પુરુષ તમારા નિકાહ અગાઉનો પિતા બનવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો!’
‘હેં...’
‘તમને યાદ અપાવી દઉં.’ હવે અતીતે તેવર બદલ્યા, ‘તમારા નિકાહના થોડા સમય અગાઉ સ્વિટ્ઝરલૅન્ડમાં અમરકુમારને રોડ-ઍક્સિડન્ટ થયેલો... ક્રિટિકલ ઈજામાંથી તેઓ ઊગર્યા, પણ એ અકસ્માતમાં તેમના વારસની શક્યતા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. સ્ત્રીને સંતોષવા સક્ષમ, પણ પિતા બનવા અસમર્થ.’
‘ન હોય’ નાઝનીન આવેશમાં આવ્યાં, ‘તેમણે મને કદી કહ્યું નથી કે...’
‘એમ તો તમે પણ તેમને ક્યાં કહેલું કે તમે પાકિસ્તાનનાં જાસૂસ છો?’ અતીતની ખંધાઈ ખટકી, ‘આ રહ્યો તેમનો આખરી પત્ર અને આ રહ્યો અમરકુમારની અક્ષમતાનો સ્વિટ્ઝરલૅન્ડની હૉસ્પિટલનો રિપોર્ટ, અફકોર્સ બેઉ ઝેરોક્સ છે. ઓરિજિનલ સરની હવેલીમાં સલામત છે.’
રિપોર્ટ જોતાં જ નાઝનીનના પગ તળેથી જમીન સરકી ગઈ - ‘યા ખુદા, જે પુરુષ પિતા બની જ શકે એમ ન હોય તેનો દીકરો હોવાનો મારો દાવો કડડડભૂસ થતાં વાર કેટલી!’
‘ધારું તો હમણાં આ રિપોર્ટ મીડિયામાં આપીને ૮૦૦ કરોડ કબજે કરી શકું એમ છું...’
‘પણ પછી મેં બુદ્ધિ વાપરી કે આઇએસઆઇ સાથે રહેવામાં ૮૦૦ કરોડથી વધુ ફાયદો છે.’
તાનિયાના શબ્દોએ નાઝનીન માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. આ બેવકૂફો માને છે કે મને હજીય આઇએસઆઇનું પીઠબળ છે! એમાં કયો લાભ તેમને જણાયો એ એ લોકો જ જાણે, પણ અમારા માટે એક તક હજી છે.
‘તમે વિચારી જુઓ. ફિફ્ટી ફિફ્ટીની ઇચ્છા હોય તો આ નંબર પર ફોન કરજો. હું વકીલને લઈને આવી જઈશ.’
‘વકીલ?’ અતાઉલ્લાએ પૂછતાં તાનિયાએ કપાળ ઠોક્યું, ‘તમને આ ઓરિજિનલ નથી જોઈતી?’
‘જોઈએ છે’ નાઝનીન તેની અનિવાર્યતા સમજતાં હતાં, ‘રિપોર્ટ આ લોકો પાસે રહે તો તો અમે તેમની કઠપૂતળી બની જઈએ.’
‘આપણી વચ્ચે બાકાયદા કરાર થશે. અમે તમને ઓરિજિનલ પત્ર-રિપોર્ટ્સ આપીએ, સામે તમારે લખી આપવું પડશે કે તમારા ભાગમાંથી અડધી મિલકત તમે અમને આપશો. દલ્લો લઈ તમે ફરી જાઓ તો? આનો ડ્રાફ્ટ વકીલ કરે એ જ બહેતર. ડોન્ટ વરી, વકીલ તાનિયાનો ભાઈ જ છે, અમારો ત્રીજો પાર્ટનર.’ 
અતીત-તાનિયા નીકળ્યાં. નાઝનીન-અતાઉલ્લા વિચારમાં પડ્યાં, ‘હવેલીમાંથી કોઈ સાથે હોય તો અમારી સાઇડ મજબૂત બનશે, કબજો આસાન રહેશે. રઝિયાનું પત્તું પણ તેઓ કાપતાં હોય તો ફાયદો પણ ડબલને!’
કલાકને બદલે અડધા કલાકમાં જ તેમણે રિંગ આપી. અતીતે વાત પતાવીને થમ્બ દેખાડતાં તાનિયા અતીતને વળગી પડી, ‘ઇટ વર્ક્ડ!’
અમરકુમારની અક્ષમતાનો તાનિયાનો આઇડિયા રંગ લાવ્યો. ‘નાઝનીને આવું તો ધાર્યું પણ ન હોય. સ્વિટ્ઝરલૅન્ડની હૉસ્પિટલનું સર્ટિફિકેટ સર્જવું મોટી વાત નહોતી. ખાસ કરીને એ હૉસ્પિટલ હવે બંધ થઈ ચૂક્યાનું જાણ્યા પછી નાઝનીન ઇચ્છશે તો પણ તેને ટ્રેસ નહીં કરી શકે. આ ઍડ્વાન્ટેજ પર રિસ્ક લીધું અને શિકાર ફસાયો પણ ખરો! નાઝનીનનું જૂઠ ઉતરડાઈ ગયું!’
પોલીસ-કમિશનરે હાજરી પુરાવી, ‘તમે ઇન્સ્પેક્ટર ચૌધરીને વકીલ બનાવીને હોટેલ પહોંચો, હું સાજન-માજન લઈને આવું છું.’
-અને વકીલે બનાવેલા દસ્તાવેજ પર નાઝનીન સહી કરે છે ત્યારે ધડામના ધક્કા સાથે દરવાજો ખોલી પોલીસ આવી ચડી. પાછળ મીડિયાની ફ્લૅશલાઇટ ઝબકતાં નાઝનીન-અતાઉલ્લા હેબતાયાં - ‘ટ્રૅપ!’
‘આ છે નાઝનીનબાનુનું સચ.’ અતીતે તેણે સાઇન કરેલો દસ્તાવેજ કૅમેરા સામે ધર્યો, ‘આમાં તેમણે કબૂલ્યું છે કે અતાઉલ્લા તેમનો દીકરો નથી એવું પુરવાર કરતા પુરાવાના બદલામાં તેઓ અમને મિલકતનો અડધો ભાગ આપવા તૈયાર છે...’
નૅચરલી, અતીતે અમરકુમારની અક્ષમતાનો ઉલ્લેખ ટાળ્યો. ‘નાહક પણ ખોટી વાત શીદ ચલાવવી?’ 
‘તમે પત્રકારો ઊંડા ઊતરશો તો આ બન્નેનો અસલી સંબંધ પામી શકશો, મૅડમ આઇએસઆઇનાં ભૂતપૂર્વ જાસૂસ રહી ચૂક્યાં છે એના પણ પુરાવા મળી આવશે...’
‘હેં.’ પોતે કેમ આટલી અસાવધ રહી? નાઝનીનને જાત પર ગુસ્સો ચડે છે. તેની જૂઠી કહાણી, ખોટા ક્વોટ્સનો પરપોટો ફૂટી ગયો, પણ હવે શું?
ખોટા દાવા બદલ નાઝનીન-અતાઉલ્લાની અરેસ્ટ થઈ. એમાં થર્ડ ડિગ્રીની બીકે અતાઉલ્લાએ બધું કબૂલી લીધું. પાકિસ્તાને જાહેર કરવું પડ્યું કે અમે કોઈ રમત ક્યારેય રમ્યા નથી, આ મૅડમનો અંગત પ્લાન હોઈ શકે! નાઝનીન-અતાઉલ્લાના લિવ-ઇનના ખબરે તો ફિટકાર જ વરસ્યો. જેવાં જેનાં કરમ!
તેમના ચુકાદાના દિને રઝિયાબાનુને હોંશ આવ્યા એ પણ કુદરતનો કેવો ચુકાદો! પોતાની બેહોશીમાં જેકંઈ થઈ ગયું એનો હવાલો ફાતિમાદીદી પાસેથી મેળવતાં તેઓ અભિભૂત બન્યાં - અતીત-તાનિયા, તમે અમરના વિશ્વાસમાં ખરાં ઊતર્યાં! નાઝનીન સમક્ષ લાલચુપણાનો અભિનય કર્યો - અભિનયસમ્રાટને આનાથી વિશેષ અંજલિ બીજી કઈ હોઈ શકે?
અતીત-તાનિયા હવેલીના મુખ્ય હૉલમાં લટકતી અમરકુમારની તસવીરને નતમસ્તક બન્યાં.

સમાપ્ત

columnists Sameet Purvesh Shroff