15 December, 2025 02:45 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
મારા તે ચિત્તનો ચોર રે...
દૂર ક્યાંક ગુંજતા લતાના ગીતે તેના હોઠ મલકાવી દીધા. કોઈની સોહામણી સૂરત સાંભરી ગઈ: મારું ચિત્તડું તમે જ ચોર્યું છે, ડૉક્ટર અનુરાગ!
ગાલે શરમના શેરડા પડ્યા-ન
પડ્યા કે...
‘નર્સ અને ડૉક્ટરનો કોઈ મેળ
હોતો હશે!’
ટાંકણીની જેમ શબ્દો ભોંકાયા ને નર્સના સફેદ યુનિફૉર્મનાં બટન
ભીડતી તારિકા હળવો નિસાસો નાખી સંભારી રહી:
‘મારી તારિ તો બહુ હોશિયાર.’
નિર્મળામા એકની એક દીકરીનાં વખાણ કરતાં થાકતાં નહીં અને આમ જુઓ તો એમાં અતિશયોક્તિ ક્યાં હતી? દાદરની ચાલની નજીક આવેલી સરકારી સ્કૂલમાં તારિકાનો હંમેશાં પહેલો નંબર આવતો. અને કેવળ ભણતર નહીં, શાળાની વક્તૃત્વ સ્પર્ધા હોય કે મેંદી હરીફાઈ, તારિકા બધામાં ઊલટભેર ભાગ લે ને પ્રથમ ઇનામની ટ્રોફી તેના ફાળે જ ગઈ હોય!
ચાલીમાં આડોશીપાડોશી પણ કહેતા: દીકરી મોટી થઈને માબાપનો દી’ ફેરવવાની!
જોકે એ બને એ પહેલાં ટૂંકી બીમારીમાં પિતા દિનકરભાઈ પાછા થયા ને તેર વર્ષની વયે નોંધારા બનવાની અનુભૂતિએ તારિકાને રાતોરાત પરિપક્વ બનાવી દીધી. માની સંભાળમાં તે ઘરકામમાં ઘડાતી ગઈ, ડૉક્ટર બનવાનું સમણું સમેટી નર્સનું ભણી અઢારની ઉંમરે તો વરલીના નર્સિંગ હોમમાં નોકરીએ લાગી ગઈ; એમાં કોઈ કડવાશ નહીં, ફરિયાદ નહીં. પોતાનું કામ પૂરી લગનથી કરતી, અનુભવી ડૉક્ટર્સ પાસેથી સતત શીખતી રહેતી.
મા ક્યારેક દીકરી ડૉક્ટર ન બની શક્યાનો વસવસો દાખવે તો તેને આશ્વસ્ત કરતી: સેવાનો ધર્મ તો હું નર્સ તરીકે બજાવી જ શકું છું એ ઓછું છે, મા!
ખરેખર તો નર્સ તરીકેની તેની નિપુણતા ડૉક્ટર્સનું કામ અડધું કરી નાખતી. માયાળુ નર્સ પેશન્ટ્સને વહાલી લાગતી. બેત્રણ જગ્યાના અનુભવ લઈ તે બાવીસ વર્ષની વયે બાંદરાની વિખ્યાત કલાવતી હૉસ્પિટલમાં જોડાઈ ત્યારે કરીઅરમાં થાળે પડવા જેવું લાગ્યું. અહીં પગારધોરણ પણ ઉચ્ચતમ અને દરદીઓનું વૈવિધ્ય પણ અપાર. સામાન્યથી માંડી VVIP સુધીના પેશન્ટ્સની સારવાર માટે વિવિધ ફૅકલ્ટીના અત્યંત નિપુણ ડૉક્ટર્સનો સ્ટાફ એટલે શીખવાનું પણ ઘણું મળે. બહુ જલદી તારિકા નવા પરિસરમાં ગોઠવાઈ ગઈ. ડીન સર જેવા તો રેસિડન્ટ ડૉક્ટર્સને તેનો દાખલો પણ આપતા: દરદીની માવજતનો ગુણ તારિકા પાસેથી કેળવવા જેવો છે!
દીકરી પાસેથી આ બધું જાણી નિર્મળામા તેનાં ઓવારણાં લઈ અંતરની આરઝૂને વાચા આપતાં: મારી લાડો, સંજોગવશાત તું ભલે ડૉક્ટર ન થઈ શકી, તારાં લગ્ન માટે હું કોઈ ડૉક્ટર જુવાન જ શોધવાની!
તારિકાની લાયકાતમાં કહેવાપણું ક્યાં હતું? અપ્સરાનેય ઈર્ષા જગાવે એવું રૂપ, ગુણ-સંસ્કારથી ઓપતી કન્યા કામ ભલે નર્સનું કરે, તેની બુદ્ધિમતા ડૉક્ટરને આકર્ષી જાય એવી ખરી જને!
નિર્મળાબહેન હોંશભેર નાતીલાઓ સમક્ષ દીકરીની વાત મૂકતાં એમાં કોઈ વાંકદેખુ ઠપકાના ભાવે બોલી જતું: તારા સપનાને થોડા માપમાં રાખતાં શીખ, નિર્મળા! નર્સ ને ડૉક્ટરનો કંઈ મેળ હોતો હશે! એય પાછી માળામાં રહેનારી નર્સ!
ઝંખવાતી માને તારિકા હસાવી દેતી: એમ કોઈના કહેવાથી મેળનો ન મેળ થતો હશે? મારી માવડી, મને લગ્નની ઉતાવળ નથી...
આખરે પોતે પરણીને જતી રહે તો માનું કોણ! લગ્ન પછી મને માનો નિર્વાહ કરવા દે એવો સમજદાર પતિ મને જોઈએ, પછી તે ડૉક્ટર હોય કે ન હોય!
તારિકા આટલા પૂરતી સ્પષ્ટ હતી.
તેના દિલે પહેલી દસ્તક પાડી ડૉક્ટર અનુરાગે!
વરસ અગાઉ રેસિડન્ટ ડૉક્ટર તરીકે કલાવતીમાં જોડાયેલો અનુરાગ જેટલો સોહામણો હતો એટલો જ તબીબ તરીકે નિપુણ. સિનિયર્સની આમન્યા રાખે એટલી જ સહજતાથી જુનિયર્સને શીખવે. મેતરાણીને પણ માસીનું માન આપી બોલાવે ને કૉફી પીવા નર્સના ટેબલ પર આવી ચડે એમાં ફ્લર્ટિંગ નહીં, તેનો મિલનસાર સ્વભાવ જ પડઘાય. તેની સાથે કામ કરતી વેળા તારિકાની આવડત નિખરી ઉઠતી. ઘરે આવી અનુરાગ સરે આજે કયા પેશન્ટને કઈ સારવાર આપી કે રોગનું નિદાન કઈ રીતે કર્યું એનો વિસ્તૃત હેવાલ માને આપ્યા વિના રહેવાય નહીં.
જુહુ રહેતો અનુરાગ જુવાન છે, કુંવારો છે જાણી માનો જીવ બોલી ઊઠતો: તેને તારો પ્રસ્તાવ મોકલું?
સાંભળીને શરૂમાં તારિકા ભડકી જતી: શું મા, તુંય! કોઈનાં જરા હું વખાણ કરું એમાં પરણવાની વાત ક્યાં આવી! અનુરાગના પિતા વેપારી છે. મોટો કારોબાર છે. એ લોકો તેમના એકના એક દીકરા માટે તેમના સ્ટેટસની વહુ શોધશે મા, એમાં આપણે ફિટ નહીં બેસીએ, તું એ વિચારને જ ખંખેરી નાખ!
પણ છ મહિના અગાઉ અલીબાગની સહેલગાહ દિલને ટટોલવામાં નિમિત્ત બની ગઈ.
ખરેખર તો હૉસ્પિટલના ટ્રસ્ટીઓમાં અગ્રણી મકરંદભાઈના દીકરાના રિસેપ્શનનું ફંક્શન અલીબાગમાં હતું. કલાવતીના સ્ટાફ માટે તેમણે ખાસ બસ-બોટની વ્યવસ્થા કરી હતી, ડ્યુટીના રોટેશન મુજબ એમાં તારિકાનો નંબર લાગ્યો, અન્યોમાં એક અનુરાગ પણ હતો. હૉસ્પિટલના ગેટથી બસ ઊપડતાં જ અનુરાગે આગેવાની લઈ હસીમજાકથી વાતાવરણ ગમતીલું બનાવી દીધું. અંતાક્ષરી રમાડી એમાં તારિકા ખીલી.
આમેય આજે તેનું રૂપ નિખર્યું હતું. પ્રસંગને અનુરૂપ તેણે માના મરૂન સેલામાંથી કરાવેલું ગાઉન પહેર્યું હતું, હળવો મેકઅપ, મેળ ખાતી જ્વેલરી અને લાંબા કોરા વાળમાં રાતા ગુલાબનું ઝૂમખું!
એમ તો મરૂન શેરવાનીમાં અનુરાગ પણ અનહદ આકર્ષક લાગતો હતો. ક્યારેક તે સાવ નિકટ આવી તારિકાના સૂરમાં સૂર પુરાવતો ને તારિકાને ન સમજાય એવી ઝણઝણાટી ફેલાઈ જતી. પછી રાજેશ ખન્નાની સ્ટાઇલમાં મેરે સપનોં કી રાની કબ આએગી તૂ ગાતાં પોતાને નિહાળે ત્યારે આંખોથી ઈજન પાઠવતો હોય એવું લાગતું ને છુઈમુઈ થતી તારિકા પોતાના પર જ અકળાતી: આ આજે કેવાં સ્પંદન મારામાં અવતરી રહ્યાં છે!
અલીબાગની પાર્ટીમાં તે અનુરાગથી દૂર રહેવા મથી, પણ તે સામેથી તેને શોધતો આવે: તમે કેમ આજે ખોવાઈ જાઓ છો! બાકી તમે ગીતો સરસ ગાયાં. ઓલ્ડ સૉન્ગ્સ. લતાજીની યાદગાર ગઝલ તમને ગમતી જ હશે - આપકી નઝરોં ને સમઝા પ્યાર કે કાબિલ મુઝે...
તારિકાને થયું અનુરાગ સાથે રહ્યા તો સાચે જ મારા દિલની ધડકન ઠહેરી જશે!
આ જ કશ્મકશમાં રિટર્ન થતી વેળા બોટમાં ચડતી વખતે અંદરથી અનુરાગે હાથ લંબાવતાં તેને હાથ આપવા-ન આપવાની દુવિધામાં તારિકાનું ધ્યાન ન રહ્યું ને તે સંતુલન ગુમાવી પાણીમાં ખાબકી!
પાછળ જ અનુરાગ કૂદ્યો, અજાણ્યા પાણીમાં હવાતિયાં મારતી તારિકાને બલિષ્ઠ ભુજામાં જકડી ને તારિકા માટે હૈયું હારવા એ પળ પૂરતી હતી!
અત્યારે પણ તારિકાએ એ સાંભરી ફીકું સ્મિત રેલાવ્યું: આજે પણ અનુરાગના પાણીભીના મર્દાના દેહનો સ્પર્શ મને શરમથી પાણી-પાણી કરી જાય છે. ડ્યુટી પર તેમને જોતાં જ હું મહોરી ઊઠું છું ને તેમના નિકટ આવતા જ હૈયું એવું તો જોરથી ધડકવા લાગે કે બહાનું કાઢી હું દૂર સરકી જાઉં...
મારું વર્તન તેમને મૂંઝવે છે. બે દિવસ પહેલાં કૅન્ટીન આગળ ભેગા થઈ ગયા ત્યારે મને પૂછતા હતા: મારાથી કંઈ ભૂલ થઈ છે, તારિકા? તમે મને અવૉઇડ કરતાં હો એવું કેમ લાગે છે?
‘ના રે સર. મારે કોઈને શું કામ અવૉઇડ કરવા જોઈએ?’ સહેજ ભારે અવાજે કહી હું વળી સરકી આવેલી. તેમને કેવું લાગ્યું હશે!
કેમ કહેવું તેમને કે ભૂલ તમારાથી નહીં, મારાથી થઈ છે, અનુરાગ!
મારી હેસિયત બહારના ઇન્સાનને ચાહવાની ભૂલ.
હું નર્સ, તમે ડૉક્ટર. હું ગરીબ, તમે અમીર. આપણો મેળ જ કેમ બેસે!
અને આંખમાં ધસી આવેલાં આંસુને ભીતર જ ધરબી દેતી તારિકાના ચિત્તમાં શબ્દો પડઘાયા:
‘દરેક પુરુષ દિલીપ કુમાર અને દરેક સ્ત્રી મીનાકુમારી હોય છે – અભિનયમાં ઉસ્તાદ!’
લાજો આન્ટી સાચું જ કહેતાં હોય છે... પોતપોતાનાં કારણોસર આપણે સૌ આપણા મન પર આવરણ ચડાવી રાખીએ છીએ, લાગણીઓને ઢાંકી રાખીએ છીએ એ અભિનય નહીં તો બીજું શું!
જોકે લાજો આન્ટીનો સંદર્ભ જરા જુદો હતો. મનને અનુરાગની અસરમાંથી વાળવું હોય એમ તૈયાર થવામાં ઝડપ કરતી તારિકાએ વિચારવહેણ બદલ્યું:
પાછલાં થોડાં વરસોથી ચાલીની ભોંયતળિયાની રૂમમાં ભાડે રહેતાં લાજો આન્ટી ખુદ ક્યારેક અભિનેત્રી રહી ચૂક્યાં છે...
ખરેખર તો નર્સના યુનિફૉર્મમાં અવરજવર કરતી તારિકાને જોઈ તેમણે જ બોલચાલની પહેલ કરી હતી: બેન, મને શરીરે થોડું અસુખ રહે છે, જરા તપાસી દેને!
કોઈ પણ દરદીની સંભાળ માટે તારિકા હંમેશાં તત્પર રહેતી.
સાઠ-પાંસઠનાં જણાતાં લાજવંતીને કોઈ મોટી તકલીફ નહોતી, તેમની ફરિયાદના આધારે તારિકાએ અમુકતમુક પરેજી પાળવાની કહી આહારનો સુધારો સૂચવ્યો ને એનો ફાયદો જણાતાં લાજવંતી તેને આવતાં-જતાં ‘જય મંગલમૂર્તિ’ કહેવાનું ચૂકે નહીં, ક્યારેક શીરો કે ફરસાણ બનાવ્યું હોય તો ઘરે વાટકીવહેવાર કરે એમાં ધીરે-ધીરે આત્મીયતાની ગાંઠ બંધાઈ હતી. રજાના દિવસે તારિકાને ફુરસદ હોય ત્યારે બેઠક જમાવી પોતાની ગાથા ઉખેળે:
‘મૂળ હું રાજસ્થાનની રમણી. અમને રૂપની અછત ન હોય. આજથી ચાલીસ-પચાસ વરસ પહેલાંનો એ જમાનો. મારે ત્યારે ચડતી જવાની, આયનામાં ખુદને જોતી ને દર વખતે એવું જ લાગતું કે મારી આગળ તો હેમા માલિની પણ પાણી ભરે!’
૧૯૭૫-’૮૦ના એ સમયગાળામાં આખા હિન્દુસ્તાનની એક જ ડ્રીમ ગર્લ હતી, પોતાને એનાથીયે ચડિયાતી માનનારી લાજવંતીએ અઢારમું બેસતાં જ સિનેમા ગજવવાના અરમાને ગામ-ઘર છોડ્યાં...નૅચરલી, હિરોઇન બનવાની મંજૂરી ત્યારે ‘સારા ઘરની’ છોકરીઓને ક્યાં મળે એમ હતી? દીકરીનું મન જાણી ભડકેલાં મા-બાપ, ભાઈઓએ લાજો માટે મુરતિયા ખોળવા માંડ્યા.
‘પણ આ પંખી પિંજરે પુરાઈ રહે એવું ક્યાં હતું? લાગ જોઈ હું છટકી. હું જાણું છું કે તમારા માટે હું આ ઘડીથી મરી જવાની, મારા સપનાને જીવવાની આ જ કિંમત હોય તો એ ચૂકવવાની મારી તૈયારી છે; ખાલી હાથે ને ભરેલી હામે મારા સમણાની ઉડાન ભરું છું; એમાં નાસીપાસ થઈને તો આ ઉંબરે પાછી નહીં જ આવું – આ મતલબની ચિઠ્ઠી છોડી મેં મુંબઈની વાટ પકડી. ૧૯૮૨ની એ સાલ. મુંબઈ આવી મેં સ્ટુડિયોનાં ચક્કર કાપવા માંડ્યાં. એ જમાનો જુદો હતો. ભારતીય સિનેમાને હજી સંસ્કૃતિની સભાનતા હતી, કલાને પોંખનારા મેકર્સ ત્યારે હતા. અલબત્ત, જૂઠા વાયદાના સિંચનથી કળીને ફૂલ બનાવવા તત્પર ભ્રમર તો ત્યારે પણ હતા જ...’ લાજવંતીનો રણકો ઊપસતો, ‘પણ મેં જાતને લપસવા નહોતી દીધી. મેં ઘરનો ઉંબરો જરૂર ઓળંગ્યો, ગળથૂથીમાં મળેલા સંસ્કાર વલોટ્યા નહોતા.’
સાંભળીને અંજાઈ જવાતું.
‘તારિ...’ અત્યારે માના સાદે તારિકાએ અધૂરી યાત્રાએ વિચારમેળો સમેટી લીધો.
તૈયાર થઈ તે કામે જવા નીકળી. આજની ડ્યુટીમાં શું થવાનું છે એની ત્યારે તેને ક્યાં ખબર હતી?
lll
સિલિકૉન વૅલીના ઘરનો ફોન
બજી ઊઠ્યો.
આસ્તિકની આંખો ખૂલી ગઈ. પચાસના ઉંબરે ચશ્માં વિના વાંચવાની તકલીફ પડે છે તોય લૅન્ડલાઇનના ઇન્સ્ટ્રુમેન્ટ પર ઝબૂકતો નંબર પરખાઈ ગયો: આ તો મુંબઈના ઘરેથી ફોન! અહીંની અડધી રાતે? આવા કથોરા સમયે મૉમ-ડૅડ કદી કૉલ નથી કરતાં...
સહેજ ધ્રાસ્કાભેર તેણે રિસીવર ઉઠાવ્યું ને સામેથી માનો ધ્રૂજતો સાદ સંભળાયો, ‘કોણ, આસુ? થોડી વાર પહેલાં તારા ડૅડી બાથરૂમ જતાં ફસડાઈ પડ્યા... હી ઇઝ સિન્કિંગ. રઘુકાકા (કૅરટેકર)એ ઍમ્બ્યુલન્સ બોલાવી છે, દેવને કલાવતીમાં લઈ
જઈએ છીએ.’
અને જુહુના ઘરના આંગણામાં પ્રવેશતી ઍમ્બ્યુલન્સની સાયરનનો આવાજ અમેરિકામાં દીકરાની છાતી ચીરતો ગયો!
અને થોડી વારમાં ભારતીય ફિલ્મોના એક સમયના મૅચો મૅન તરીકે પંકાયેલા અભિનેતા દેવદત્તને લઈ ઍમ્બ્યુલન્સ હૉસ્પિટલ જવા નીકળી.
(ક્રમશ:)