અભિનેત્રી… યે દિલ તુમ બિન કહીં લગતા નહીં (પ્રકરણ ૪)

18 December, 2025 12:44 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

આસ્તિકના સ્વરમાં દૃઢતા હતી, ‘અમારે આવું રિસ્ક નથી લેવું, ડીન સર. વી આર ટેકિંગ હિમ હોમ. ત્યાં તમે કહેશો એ વ્યવસ્થા થઈ જશે. સાથે અનુરાગ-તારિકાને મોકલશો તો ઇટ વિલ બી અ ગ્રેટ હેલ્પ.’

ઇલસ્ટ્રેશન

‘હેય,’ તારિકા ખખડાટે ચોંકી. અવાજની દિશામાં જોતાં સહેજ ચમકી, ‘સાહિલ, તેં ગજવામાં શું મૂક્યું?’

બપોરની વેળા છે. દેવદત્તના સ્પેશ્યલ રૂમના કર્ટન ઢળેલા છે. વેન્ટિલેટર પર મૂકેલા દેવદત્તમાં ચેતનાનો અણસાર નથી. સામા પલંગે બિન્દિયાદેવી આડા પડખે થયાં છે. મૉનિટરનાં પૅરામીટર્સ નોંધતી તારિકા અવાજે ચમકી. જોયું તો એક હાથે વાઝ સંભાળતો વૉર્ડબૉય બીજા હાથે પૅન્ટના ગજવામાં કશુંક સરકાવતો હોય એવું લાગતાં તે પૂછી બેઠી, ‘તું યુરિનની કોથળી બદલવા આવ્યો એ પતાવી સીધા બહાર જવાને બદલે વાઝ તરફ કેમ...’

‘હેય, તું નર્સ છે, નર્સ રહે. પોલીસગીરી મત કર.’

તેની તીખાશે તંદ્રામાંથી ઝબકતાં બિન્દિયાદેવી પણ ચમક્યાં. એ જ વખતે અનુરાગ પ્રવેશ્યો. એવી જ તારિકા બોલી ઊઠી : અનુરાગ, જુઓ તો, સાહિલ ગજવામાં કશુંક લઈને નીકળતો હતો. અરે, આજે તો તેની ડ્યુટી પણ અહીં નથી.’

‘કંઈ નથી સાહેબ, સિસ્ટર અમસ્તાં CID બને છે...’

સાહિલ ગાલાવેલું હસ્યો. સામું સ્મિત ફરકાવી તેની નજીક આવતાં અનુરાગે અચાનક જ સાહિલના ડાબા-જમણા ગજવામાં સાથે હાથ નાખ્યા અને...

સ્પાય કૅમેરા!

બિન્દિયાદેવી હચમચી ગયાં.

lll

‘આજે તારિકા ન હોત, અનુરાગે બહાદુરી દાખવી ન હોત તો ડૅડીનો વિડિયો ફરતો થઈ ગયો હોત કે એક સમયના મૅચો મૅન દેવદત્તની કરુણ હાલત!’

આસ્તિકના સ્વરમાં દૃઢતા હતી, ‘અમારે આવું રિસ્ક નથી લેવું, ડીન સર. વી આર ટેકિંગ હિમ હોમ. ત્યાં તમે કહેશો એ વ્યવસ્થા થઈ જશે. સાથે અનુરાગ-તારિકાને મોકલશો તો ઇટ વિલ બી અ ગ્રેટ હેલ્પ.’

આજકાલ બહુ બને છે એમ સાહિલનો ઇરાદો સેલિબ્રિટીની બીમાર દશાનો વિડિયો મીડિયામાં આપી પૈસા કમાવાનો હતો, તેણે માફી માગતાં ખુદ બિન્દિયાદેવીએ એને વૉર્નિંગ આપી બક્ષવાની ભલામણ કરી એવો ઉદાર દેવદત્તનો પરિવાર છે.

‘ઠીક છે. વિલ ડૂ.’

lll

‘તારિ, દેવ...દેવદત્તને કેમ છે હવે?’

લાજવંતી હાંફતાં હતાં. દેવદત્તને વેન્ટિલેટર પર રખાયાનું જાણ્યું ત્યારથી તેમની સ્થિતિ ડામાડોળ હતી. આજે ઘણા દિવસે તારિકાને ઘરે આવેલી જોઈ તે એક શ્વાસમાં બબ્બે દાદર ચડીને આવ્યાં એની હાંફ હતી. 

‘અરે આન્ટી!’ બૅગમાં કપડાં ગોઠવતી તારિકાએ હળવા ઠપકાભેર કહ્યું, ‘થોડું ખમો. દિવસમાં દસ વાર તમે મને મેસેજ કરી ખબર પૂછતાં હો છો... એ જ જાણવા આમ દોડી આવ્યાં?’

પછી માહિતી આપી, ‘અપડેટ એ છે કે તેમને હવે ઘરે લઈ જઈએ છીએ.’ સ્પાય કૅમેરાની ઘટના કહી તારિકાએ ઉમેર્યું, ‘મારે પણ તેમની સાથે જવાનું છે એટલે સામાન લેવા પૂરતી જ આવી છું.’

‘જોડે ડૉક્ટર અનુરાગ પણ રહેશે.’ નિર્મળામા મલક્યાં, ‘બહુ ડાહ્યો છોકરો. એ જ તારિને લઈને આવ્યો.’ તેમણે હરખભેર ઉમેર્યું, ‘પહેલી વાર ઘરે આવેલો અનુરાગ મને પગે લાગ્યો, મારા ખબર પૂછ્યા. મેં કહ્યું કે તારિ તમારાં વખાણ બહુ કરે સાંભળી એવો પોરસાયો! ચાર મિનિટ રોકાયો એમાં તો મારું ઘર ભરાઈ ગયું!  મેં તો તેને કહી દીધું કે તારિ માટે મને તારા જેવો જ છોકરો જોઈએ! સાંભળીને તે જરા શરમાઈ પણ ગયેલો હં કે! એ તો તારિ મારા પર કતરાઈ એમાં બિચારો નીચે દોડી ગયો.’

‘મા, તારી આ ચાંપલાઈ બંધ કર.’ તારિકા ઊકળી ઊઠી.

ખરેખર તો દસ દિવસ અગાઉ ઍડ્‌મિટ થયેલા ફિલ્મસ્ટાર દેવદત્તની ડ્યુટીમાં સતત અનુરાગની સાથે રહેવાનું બનતું. ક્યારેક તે ખુરશી પર માથું ઢાળી સૂઈ ગયા હોય ત્યારે તેમને તાકી રહું અને અચાનક તે આંખો ખોલે ત્યારે મને જકડી લેતી તેમની નજરથી હૈયાના ભાવને છુપાડવા કેટલું મથવું પડે. 

‘યુ બોથ લવ ઈચ અધર?’

હજી ચાર દિવસ પહેલાં અનુરાગની ગેરહાજરીમાં બિન્દિયાદેવીએ પૂછી પાડેલું. થોડા દિવસના સહવાસમાં તેમની સાથે, તેમની ફૅમિલી સાથે આત્મીયતા કેળવાઈ હતી છતાં તેમની પૂછપરછે ચમકી જવાયેલું : મારો હૈયાભેદ એમ કોઈ ત્રીજી વ્યક્તિને તો પરખાય જ કેમ!

‘ના રે, એવું તો કાંઈ નથી.’ પોતે હસી નાખેલું. બિન્દિયાદેવી મર્માળુ મલકેલાં માત્ર. ઇચ્છા તો બહુ થયેલી કે તેમને પૂછું અનુરાગ મને ચાહે એવું તમે કેમ ધાર્યું!

ખરેખર એવું હોય તો કેટલું સારું!

આશમિનારો ચણવા માંડતા મનને મહાપરાણે કાબૂ કરતી એમાં આજે સ્પાય કૅમેરાની ઘટના પછી ફૅમિલીએ દેવદત્તને ઘરે શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. ડીન સરે અમને ડ્યુટી સોંપી એટલે દેવદત્તના જુહુના બંગલે જતાં પહેલાં સામાન લેવા ઘરે આવવાનું હતું એમાં અનુરાગ મને લેવાના થયા: તું સામાન પૅક કરી દે પછી મારા ઘરે થઈને સાથે જ દેવદત્તસરના ઘરે પહોંચીએ. ત્યાં સુધીમાં હૉસ્પિટલથી ઍમ્બ્યુલન્સ પણ પહોંચી જશે. મેં દલીલ પણ કરી કે તમને ઊંધો ચકરાવો થશે, પણ માને તો અનુરાગ શાના!

અને અનુરાગ ઘરે આવતાં માએ ફાવે એમ ભરડી માર્યું!   

અત્યારે તારિકાએ મા સમક્ષ ઊભરો ઠાલવ્યો, ‘પહેલી વાર ઘરે આવનારને કોણ આવું કહે? જાણે અનુરાગ શું ધારતા હશે મારા માટે!’

ઘડીભર મા-દીકરીને નિહાળી લાજવંતીએ પોતાની હાજરી પુરાવી: તારિ, પ્લીઝ, મને મળ્યા વિના જતી નહીં. તારું બહુ જરૂરી કામ છે.’

અને ઘરે આવી લાજવંતીએ કબાટ પરનો પટારો ઉતાર્યો.

lll

‘તારિ, તારા પર વિશ્વાસ રાખી મારું એક સંપેતરું તને સોંપું છું.’

લાજવંતીના અવાજમાં થડકો હતો. તારિકા ઘડીભર તેમના ચહેરા પર બાઝેલા પ્રસ્વેદને, ઘડીક નીચે ઉતારેલી અધખૂલી પેટીમાંથી ડોકાતી સાડીઓને જોઈ રહી. લાજો આન્ટી જેને સંપેતરું કહે છે એ આ ચેઇનવાળો બગલથેલો બૅગમાંથી જ નીકળ્યો છે અને એમાં શું છે એ જાણવા આમ જુઓ તો એની ચેઇન ખોલવા જેટલું કષ્ટ લેવાની જ જરૂર છે!

‘જેવું સોંપું છું એવું તારે બિન્દિયાદેવીને હવાલે કરવાનું છે.’

બિન્દિયાદેવીને! હવે તારિકા સાથે ઊભેલો અનુરાગ પણ ચોંક્યો.

‘અને એટલું જ કહેવાનું છે કે પોતાની ઓળખ પૂરતું આ મોકલનારીએ એક વારની મુલાકાતની અરજ કરી છે.’

હેં!

તારિકા-અનુરાગે સરખો આંચકો અનુભવ્યો : લાજો આન્ટી ક્યારેક દેવદત્ત જોડે ફિલ્મમાં કામ કરી ચૂક્યાં છે એટલાં પૂરતાં તેમની તબિયત માટે ચિંતિત હોય એવું અમે ધાર્યું, પણ હવે મામલો થોડો ભેદભર્યો લાગે છે.

‘આ વિશે કશું વિચારીશ કે મને ક્યારેય કંઈ પૂછીશ નહીં તારિ... તું જેને પ્રિય માનતી હોય એના તને સોગંદ!’

અનુરાગને અંતરાસ આવી. તારિકાએ લાજવંતીનો પહોંચો દબાવ્યો: ભલે આન્ટી, તમારો સંદેશ બિન્દિયાદેવી સુધી પહોંચી ગયો એમ માની લો.

અને બગલથેલો લઈ બેઉને જતાં જોઈ લાજવંતીની પાંપણના પડદા ભીના થયા : મારી ભેટથી તમને ભૂતકાળનું અનુસંધાન થયાનો ખટકો જાગે તો મને ક્ષમા કરજો બિન્દિયાદેવી, પણ દેવદત્તની હાલત ગંભીર હોવાનું જાણી હૈયું હાથ નથી રહેતું. બાકી મને તો આજે પણ મારા દેવની ચરણરજ સિવાય કશું નથી જોઈતું. બસ, એક વાર તેમને જોઈ લઉં, ચરણને મસ્તકે અડાડી હું આવી એવી નીકળી જઈશ... મારી આટલી અરજ સ્વીકારજો!

અને તેમની આંખો

વરસી પડી.

lll

‘તારિ, બે મિનિટ અહીં વેઇટ કર, હું હમણાં આવ્યો.’

ફ્લૅટના દરવાજે પોતાને ઊભી રાખી અનુરાગ અંદર જતો રહ્યો એ તારિકાને ખટક્યું : મને બહાર જ રાખવી હતી તો બારમા માળ સુધી લાવ્યા જ શું કામ? કારમાં જ બેસાડી રાખવી’તી...

‘તારો સામાન તૈયાર છે.’ અંદરથી મહિલાનો અવાજ આવ્યો એ અનુરાગનાં માતુશ્રી જ હોવાં જોઈએ... તારિકા અનિચ્છાએ સાંભળી રહી.

‘હવે બૅગ તૈયાર કરવાવાળી કોઈ લઈ આવ તો અમે પોતરા-પોતરીનું સુખ પામીએ.’

તારિકાએ હોઠ કરડ્યો. અંદર માતાજી તેમની ધૂનમાં બોલતાં હતાં, ‘ગમી તો ગઈ છે તને એક છોકરી. ઘરે તો દિવસરાત તેની માળા જપતો હોય છે, પણ તેને ખૂલીને કહેવાતું નથી...’

આટલું સાંભળતાં તો તારિકાની આંખોમાં પાણી છલકાયાં : અનુરાગ કોઈને ચાહે છે! અરેરે.  

‘તારાથી નહીં કહેવાતું હોય તો હું તારિકાનાં મમ્મીને મળી કહી દઉં કે નિર્મળાબહેન, તમારી નર્સ દીકરી જોડે સાથે કામ કરતાં મારો ડૉક્ટર દીકરો હૈયું હારી બેઠો છે ને તારિકા અમનેય પસંદ છે...’

ન હોય! તારિકા પૂતળા જેવી થઈ. અનુરાગ મને ચાહે છે! તેમના માવતરને હું પસંદ પણ છું!

‘દરવાજો ખુલ્લો છે, મા તુંય ગમેએમ ભરડ્યે ન રાખ.’

અનુરાગનો સ્વર પડઘાતાં તારિકાએ હોઠ કરડ્યો: લુચ્ચા. મને સંભળાવવા તમે મને દરવાજે ઊભી રાખી અને પાછા માને કાલા થાઓ છો! 

ઉતાવળે ત્યાંથી હટી તેણે લિફ્ટનું બટન દબાવ્યું.

લિફ્ટ આવી, તારિકા અંદર પ્રવેશી કે બૅગ લઈ અનુરાગ દોડી આવ્યો, ‘હેય તારિ...કા, અંદર મૉમ જે બોલતી હતી એ તેં સાંભળ્યું કે...’

તારિકાના ગાલે શરમના શેરડા ઊપસ્યા. અનુરાગ ઠાવકું મલક્યો,

‘તેં સાંભળ્યું હોય ને તારો જવાબ હા હોય તો...’

એ જ વખતે લિફ્ટનો દરવાજો બંધ થયો અને ભોંયતળિયે દરવાજો ખૂલે એ પહેલાં લિફ્ટ ફરી ઉપર-નીચે ગઈ, છેવટે દરવાજો ખૂલ્યો ત્યારે સહેજ હાંફતી તારિકા સાડીનો છેડો સરખો કરતી દેખાઈ: સાવ નફ્ફટ છો તમે!

‘જેવો છું એવો તારો છું.’

પ્રણયના એક તાલે ધડકવા લાગેલાં બે હૈયાં મધુરાં સમણાં સજાવવા લાગ્યાં એમાં કારની પાછળની સીટ પર મૂકેલું લાજવંતીનું સંપેતરું સાવ જ વિસરાઈ ગયું!

lll

‘મારાથી એક અપરાધ થયો છે, બિન્દી’

ઍમ્બ્યુલન્સમાં ઘરે પરત થતી વેળા પતિના પડખે બેઠેલાં બિન્દિયાદેવી સંભારી રહ્યાં:

લાજવંતી સાથે ગાળેલી રાતની ત્રીજા અઠવાડિયે દેવદત્તે કબૂલાત કરી હતી.

‘દે..વ!’ બિન્દિયા ચીખી ઊઠેલી, પણ આઘાતભર્યો એ પ્રત્યાઘાત પળ પૂરતો રહ્યો. દેવની કબૂલાતમાં અપરાધભાવ છે, પણ પત્નીને છેહ દીધાનો કપટભાવ નથી. એક્સ્ટ્રાના રોલ કરતી અભિનેત્રી સાથે રાત ગાળી ત્યારે કે આજે એની કબૂલાત થઈ રહી છે ત્યારે પણ દેવની નજરમાં, હૈયામાં, રોમેરોમમાં હું જ છું ને એ સત્ય મારા માટે પૂરતું છે.

‘અને લાજવંતીનું સત્ય?’ દેવદત્તના અવાજમાં થડકો હતો. બિન્દિયાએ હોઠ કરડ્યો.

દેવની વાતો પરથી એટલું તો સ્પષ્ટ છે કે લાજવંતી મામૂલી સ્ત્રી નથી. તે દેવને ચાહે છે એ સત્ય છે, તે દેવના હૈયામાં કે સંસારમાં જગ્યા નથી માગતી, કેવળ તેનાં ચરણોની રજ માથે ચડાવવા જેટલો અધિકાર માગનારી મામૂલી કેમ કહેવાય?

‘આનો ફેંસલો મેં તારા પર છોડ્યો છે, બિન્દી. અને એ લાજવંતીને પણ માન્ય હશે એ કહી દઉં.’

આમાં પતિનો વિશ્વાસ પડઘાતો હતો ને એ જ બિન્દિયાને જરાતરા ખૂંચતો પણ હતો: દેવની ચરણરજ લેવા જેટલો અધિકાર પણ હું કોઈને આપી શકું નહીં. પણ લાજવંતીને આવું કહેવામાં હું દેવની નજરમાં સંકુચિત ઠરી જાઉં એના કરતાં લાજવંતીમાં ખોટ શોધી કાઢું તો એને આગળ ધરી અણખટનો નિવેડો લાવી દઉં!

આવા જોમમાં તેણે લાજવંતીની ભાળ કઢાવી, પણ ખોટ હોય તો મળેને! તે દેવદત્તની ફિલ્મોમાં તો નથી જ ફરકતી અરે, એક જ સ્ટુડિયોમાં દેવનું શૂટ ચાલતું હોય તો તેની નજરે ચડવા સુધ્ધાંનો પ્રયાસ નથી કરતી એ નજરે જોયા-જાણ્યા પછી વધુ તાણવાનો અર્થ નહોતો.

અઠવાડિયા-દસ દિવસ પછીની એક બપોરે તે લાજવંતીની ખોલીએ જઈ ચડી.

લાજવંતી પણ ઉંબરે બિન્દિયાને જોઈને સહેજ ડઘાઈ. નૅચરલી, દેવદત્તની પત્નીને તે હવે તો પહેચાનતી હોય જ.

એક જ પુરુષને ચાહનારી બે સ્ત્રીઓ માટે સમય પળભર થંભી ગયો હતો.

અને અત્યારે કદાચ સમય સરકી રહ્યો છે.

ઍમ્બ્યુલન્સની સાઇરને ઝબકતાં બિન્દિયાદેવી નિશ્વાસ જ નાખી શક્યાં.

 

(આવતી કાલે સમાપ્ત)

columnists exclusive gujarati mid day Sameet Purvesh Shroff