19 December, 2025 12:16 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
‘જુઓ, આપણે ઘરે આવી ગયા દેવ!’
રાત્રિ વેળા છે. પતિના બેડ આગળ જ ફોલ્ડિંગ કોચ ગોઠવાવી ત્યાં
બેસતાં-સૂતાં બિન્દિયાદેવી અત્યારે દેવદત્તના માથે હાથ ફેરવી કહી રહ્યાં છે, ‘કોઈ ગમે એટલું કહે, હું તમારું વેન્ટિલેટર કાઢવા કદી સંમત થવાની નથી. અરે, વેન્ટિલેટર પર મુકાયેલા દરદીઓ વર્ષ-બે વર્ષેય સાજા થવાના કિસ્સા બન્યા છે અને મને માફી આપ્યા વિના તો તમે જઈ જ કેમ શકો!’
‘માફી!’ આસ્તિક બોલી ઊઠ્યો.
તેને જોયા વિના બિન્દિયાદેવી તો પતિની બંધ આંખો પર મીટ માંડી તેમની સાથે જ સંવાદ સાધી રહ્યાં, ‘હા, માફી. એક પાપ કર્યાની માફી, એ પાપ તમારાથી છુપાવ્યાની માફી.’
તેમણે ધ્રૂજતા હાથે દેવદત્તનો હાથ હાથમાં લીધો, ‘તમે બીમાર પડ્યા એ ઘડીથી હું પિંજાઉં છું, દેવ, આજે બધું કહી દેવું છે. તમે મારી કબૂલાત સાંભળો છો એમ માનીને કહું છું ત્યારે રૂમમાં આપણા બન્ને દીકરાઓ અને પુત્રવધૂઓ તો મોજૂદ છે જ અને સાથે તમારી કાળજીપૂર્વકની સારવારથી અમારા સૌના આત્મીય બની ગયેલાં અનુરાગ-તારિકાને પણ સાક્ષીભાવે હાજર રાખ્યાં છે.’
આમ કહેતાં બિન્દિયાદેવીના હૈયે કેવો ભાર હશે એ અનુરાગ-તારિકાને તો પરખાતું હતું.
‘તમે સૌ પણ સાંભળો.’ નજર પતિ પર ટેકવી બિન્દિયાદેવી કહેતાં ગયાં, ‘ભૂતકાળમાં મારાથી એક પાપ થયું છે. એક બીજી નારીના ગર્ભમાં રહેલા તમારા પિતાના બીજને ખેરવવાનું પાપ!’
હેં!
‘મા, પાપ તો ડૅડીએ કર્યું કહેવાય, પરસ્ત્રીને તમારો હક આપવાનું પાપ!’ મોટી વહુ બોલી ઊઠી.
‘ત્યારે તો તમે મારા દેવને જાણ્યો જ નહીં!’ સહેજે નજર હટાવ્યા વિના બિન્દિયાદેવીએ જવાબ વાળ્યો, ‘મારો દેવ સપનામાં પણ મારો હક બીજી સ્ત્રીને આપી ન શકે! એ તો કેવળ સંજોગોના શિકાર બન્યા...’
બિન્દિયાદેવીએ વાત માંડી. લાજવંતીના નામના ઉલ્લેખ વિના આખો ઘટનાક્રમ કહી પોતે તેને મળવા ગયાં એ વળાંક સુધી આવતાં સહેજ હાંફી જવાયું.
થોડો પોરો ખાવા રોકાયાં ત્યારે અનુરાગ-તારિકાના હોઠ સુધી આવી ગયું કે એ બીજી સ્ત્રીને અમે જાણીએ છીએ. અમે જોયેલી ‘મેરા ધરમ’ની હોટેલ ડાન્સરનો ઉલ્લેખ તેમની ઓળખ માટે પૂરતો છે!
ત્યાં બિન્દિયાદેવી કહેતાં સંભળાયાં : અને એક બપોરે હું તેની ખોલીએ પહોંચી...
બોલતી વેળા તેમની નજર સમક્ષ દૃશ્ય તરવરી રહ્યું.
lll
‘હું સીધી મુદ્દા પર આવીશ.’
લાજવંતીએ પાથરેલી ચટાઈ પર ગોઠવાઈ તેણે ધરેલા રોઝના શરબતની સિપ લઈ બિન્દિયાએ શરૂઆત કરી,
‘બીજું કોઈ હોત તો તારી નજર મારા વરની દોલત પર છે, એને સીડી બનાવી તું પ્રસિદ્ધિના શિખરે બિરાજવા માગે છે એવું ઘણું કંઈક કહી મેં પૈસાની થોકડી મોં પર ફેંકી હોત. પણ તારી સાથે આવું કરી હું તારાં મૂલ્યોનું, ચારિત્રનું અપમાન નહીં કરું.’
લાજવંતી બિન્દિયાના ઠસ્સાને, રણકાને અનુભવી શકી.
‘તમારી એક રાતનો ફેંસલો દેવે મારા પર છોડ્યો છે. એવી રાત જ્યારે દેવના ધ્યાનમાં તો હું જ હતી.’
બિન્દિયાના સ્વરમાં દેવ મારા સિવાય કોઈને ચાહી ન શકે એવો ભાવ હતો પણ એમાં ગુમાન નહોતું, પ્રણયની વાસ્તવિકતા દર્શાવવાનો પ્રયાસ માત્ર હતો. આવી રમણી જ દેવના હૈયે,
રોમે-રોમે કબજો જમાવી શકે, એની શી નવાઈ?
‘કોઈ પણ પત્ની સૌતનને આવકારે નહીં એ જાણવા છતાં પતિ જ્યારે પત્નીની વિવેકબુદ્ધિ પર ફેંસલો છોડતો હોય, અને એ પતિ દેવ હોય ત્યારે તેના વિશ્વાસમાં પાર ઊતરવું મારા માટે સૌતનના સ્વીકારથી અગત્યનું બની જાય છે.’
પીણું બાજુએ મૂકી બિન્દિયાએ સાથેનું પર્સ ઉઘાડ્યું.
‘સૌતનને આવકારવા જેટલી ઉદાર હું નથી એમ તને અન્યાય કરી હું પતિની નજરોમાંથી ઊતરવા નથી માગતી... એટલે ફેંસલાનો વિકલ્પ તને આપું છું.’
પર્સમાંથી કાગળિયાં કાઢી બિન્દિયાએ લાજવંતીને થમાવ્યાં, ‘આ રાખ.’
લાજવંતી પેપર્સ જોતાં જ ચમકી : એ ડિવૉર્સનાં કાગળિયાં હતાં!
‘તું ઇચ્છતી હોઈશ લાજવંતી તો એ એક રાતના બદલામાં દેવ આખી જિંદગી માટે કાયદાથી તારા થશે અને હું દેવથી કાયદેસર અલગ થઈ મારાં બાળકોને લઈ બીજે જતી રહીશ, આ મારું વચન છે!’
બિન્દિયાનું તેજ ઝળકી ઊઠ્યું. લાજવંતી ફીકું મલકી. બિન્દિયાનાં વાક્યમાં કાયદો શબ્દ મહત્ત્વનો હતો. તે કહેવા માગતી હતી કે કાયદાથી અમે ભલે અલગ થઈએ, હૈયાથી તો એક રહેવાનાં જ!
‘જિંદગીના કોઈ પણ તબક્કે તું દેવને વરવાના નિર્ણય પર આવે તો આ કાગળિયાં લઈને મારી પાસે આવી રહેજે, મારા વચનમાંથી ફરું તો હું મારા દેવની પ્રિયા નહીં!’
કહી તે જવા માટે ઊઠે છે કે...
‘એક મિનિટ,’ લાજવંતીએ તેને રોકી સામા કબાટમાં મૂકેલી ફાઇલ ધરી : જતાં પહેલાં આ જુઓ.
મેડિકલ ફાઇલ હાથમાં લેતાં બિન્દિયા કંપી : ના, હું ધારું એવું તો ન જ હોય!
પણ એવું જ નીકળ્યું. લૅબના રિપોર્ટ સાથેની સોનોગ્રાફીની સ્લાઇડ જોતાં ઘડીભર તમ્મર આવી ગયાં.
‘મારે તમારો સંસાર નથી ભાંગવો. દેવદત્તે ફેંસલો તમારા પર છોડ્યો છે એટલે તમારી પાસે જ તેમના બીજને અવતરવાની મંજૂરી માગું છું. મારા સંતાન માટે હું પિતાનું નામ નહીં માગું, વારસાઈનો હક નહીં જતાવું...’
‘એટલે મારા દેવનો અંશ અનૌરસ તરીકે ઊછરે એવું તું મારી પાસે માગે છે? તો સાંભળ.’ બિન્દિયા હાંફી ગઈ, ‘તું દેવની થવા માગે તો હું ડિવૉર્સ દઈ શકીશ, પણ પેટમાં ગર્ભ સાથે દેવની થવા માગે તો મારે મારા દીકરાઓ સાથે દરિયો પૂરવાનો જ રહેશે એ લખી રાખજે!’
હેં! આનો મતલબ...
‘હું એક વાર દેવને વહેંચી શકું લાજવંતી, તેનું બીજ પરસ્ત્રીના ગર્ભમાં ઊછરે એ બરદાસ્ત નહીં કરી શકું. દેવના સંતાનને મા કહેવાનો હક મારા સિવાય ક્યારેય કોઈ બીજી સ્ત્રીને નહીં મળે, મારા જીવતાં તો નહીં જ.’
બિન્દિયાના સ્વરમાં બોલ્યું કરી બતાવવાનો રણકો હતો, ‘તોય ફેંસલો તારા પર જ છોડું છું. તારા ગર્ભમાં જીવ પડે એ પહેલાં એનો નિકાલ ન કરી શકે તો અમારા જવાથી નોંધારા થનારા દેવદત્તને જાળવવા પહોંચી જજે.’
કહી તે સડસડાટ નીકળી ગઈ. લાજવંતી પેટ પર હાથ પસવારતી ક્યાંય સુધી ઊભી રહી.
પછી એક નિર્ણય લઈ લીધો.
lll
‘અને ત્રીજા દિવસે તેણે અબૉર્શન કરાવી લીધું...’
અત્યારે દેવદત્તનો હાથ હાથમાં લઈ બોલતાં બિન્દિયાદેવીનો અવાજ સહેજ કંપ્યો, ‘મને આટલી જાણ કરવાની સાથે ડિવૉર્સના કાગળ પરત કરી તે અમારાથી અલિપ્ત થઈ ગઈ. ન પોતાની કૂખ ઉજાડ્યાની ફરિયાદ, ન મારાં બાળકોને જીવનદાન આપ્યાનો અહેસાન. તેની આગળ હું ખુદને કેટલી વામણી લાગી! પણ પછી મેં પણ મન મનાવી લીધું: મેં તેને ચૉઇસ આપી હતી, જે થયું તેની મરજીથી થયું. દેવને મેં કહ્યું કે એ બાઈ અળગી જ રહેવા માગે છે... દેવને વિશેષ જાણવાની જિજ્ઞાસા પણ નહીં. તેના માટે એટલું પૂરતું કે મારી બિન્દીએ કર્યું છે એટલે પેલી સ્ત્રીને અન્યાય તો નહીં જ થયો હોય.’
સૌ એકચિત્તે સાંભળતા હતા.
‘પણ મારો આત્મા તો જાણતો હતો કે એ સ્ત્રી ગર્ભવતી હોવાનું જાણી હું ખળભળી ગઈ હતી, દેવ જાણે તો તેની જવાબદારી સ્વીકાર્યા વિના ન રહે એ વિચારે બહાવરી બની મેં તેને દરિયો પૂરવાનું કહ્યું એ નર્યો આવેશ તેના માટે તો ઇમોશનલ બ્લૅકમેલ જ પુરવાર થયો.. બાકી તે ગર્ભવતી ન હોત તોય અમારા છૂટાછેડા પછી દેવને પરણીને તે મા બની જ શકત એ શક્યતા તો હતી જને! પણ મારા આવેશે તેની વિચારશક્તિ કુંઠિત કરી દીધી. ભલે તેના ભ્રૂણમાં જીવ નહોતો પણ તેના નિકાલમાં હું નિમિત્ત બની અને દેવનો અંશ આ રીતે ખેરવ્યાનું સચ ક્યારેય દેવને કહી ન શકી એ પાપ મારાથી થયું.’
હાંફ ખાળી બિન્દિયાદેવીએ કડી સાંધી,
‘વીતતા વખત સાથે એ સ્ત્રી, એ ઘટના બધું નેપથ્યમાં જતું રહ્યું પણ નામશેષ ન થયું. કદાચ આત્માની જેમ એને પજવતો ડંખ પણ કદી મરતો નથી. દેવને પહેલી વાર આમ બીમાર અવસ્થામાં જોયા ને તેમની સાથેની જીવન ઝરમરમાં આ વળાંક ભોરિંગની જેમ ઊભો થઈ મને ભરડામાં લે છે. પ્રીતમાં પડદો ન હોય એવું દેવદત્તને શીખવનારી હું વર્ષો સુધી ભેદ પર પડદો પાડી રહી, દેવને ચાહનારી બે સ્ત્રીઓમાં કહેવા પૂરતી અભિનેત્રી પેલી સ્ત્રી હતી, પણ પાપને છુપાવી સવાઈ અભિનેત્રી હું પુરવાર થઈ.’
બિન્દિયાદેવીના બોલમાં ભારોભાર વસવસો હતો.
‘જાણું છું દેવ, મારું પાપ જાણીને પણ તમે મારાથી નારાજ નથી થવાના, મારાથી રુઠવાનું તમને આવડ્યું જ છે ક્યાં! પણ પાપ કરનારે પ્રાયશ્ચિત્ત પણ કરવાનું હોય દેવ, તમારી માંદગી નિમિત્તે, ભલે આટલાં વર્ષે મારો આત્મા જાગ્યો જ છે દેવ, તો તમારો હાથ પકડી કહું છું, હું એ સ્ત્રીની ભાળ કાઢીશ. તેણે તમને ચાહ્યા છે દેવ, આ ભવમાં તે બીજાની થઈ ન શકે. એક વાર એ મળે તો રુક્મિણી બની સત્યભામાને આવકારીશ. તેના માતૃત્વને મેં રહેંસી નખાવ્યું, પણ મારાં બે સંતાનો એ સ્ત્રીને મારાથી અદકેરો દરજ્જો આપી માના સ્થાને સ્થાપશે. આ તમારી બિન્દિયાનું વચન છે.’
અને રૂમમાં ઘટ્ટ થતી સ્તબ્ધતા વચ્ચે તારિકા બોલી ઊઠી : એ સ્ત્રીને અમે જાણીએ છીએ. તેમનું નામ લાજવંતી છેને?
હેં!
તારિકાએ બગલથેલો ધરી લાજો આન્ટીની અરજ મૂકી.
‘મારો પસ્તાવો ઈશ્વરે સ્વીકાર્યો ને લાજોની ભાળ મેળવી આપી.’ કંપતા હાથે બિન્દિયાદેવીએ થેલો ખોલ્યો. એમાં લાજવંતીની વર્ષો જૂની મેડિકલ ફાઇલ હતી.
તેમણે આસ્તિક તરફ જોયું ને ડાહ્યો દીકરો બોલી ઊઠ્યો : હું કાર કાઢું છું, મા.
lll
આ તે સ્વપ્ન કે સત્ય?
લાજવંતી માની ન શક્યાં.
ખરેખર તો તારિકા સાથે ફાઇલ મોકલાવ્યા પછી સાંજની રાત થઈ તોય કોઈ મેસેજ ન આવતાં જીવ ચૂંથાતો હતો: મેં તો ગર્ભપાતનીયે રંજિશ રાખી નથી, મારા પ્રેમને ભીતર છુપાવી આ આયખું જીવી છું તોય બિન્દિયાદેવી માટે આજે પણ હું હદપાર રહી?
પણ મોડી રાતે આંગણે કાર આવી એમાં તારિકા-અનુરાગ ભેગાં બિન્દિયાદેવીને ઊતરતાં જોઈ હચમચી જવાયેલું. તેમનો દીકરો ‘પ્રણામ, મા’ કહી પગે લાગ્યો ત્યારે જાણે પોતાના ગર્ભનો પિંડ પોકારતો હોય એવું લાગ્યું ને ક્યાંય સુધી લાજવંતી રડતાં જ રહેલાં.
‘તારી ગુનેગાર છું લાજો, સજા માગું છું.’ બિન્દિયાદેવીએ હાથ જોડતાં લાજવંતી તેમને વળગી પડ્યાં એમાં જ ઘણું કહેવાઈ-સમજાઈ ગયું.
પોતાનો પસ્તાવો વ્યક્ત કરી દેવને આપેલું વચન દોહરાવી બિન્દિયાદેવીએ લાજવંતીને દોર્યાં, ‘હવે ઘરે
ચાલો - તારા ઘરે, મારા-તારા દેવના ઘરે.’
અને લાજવંતીનાં પગલાંનો પ્રતાપ હોય કે બિન્દિયાદેવીના સાચા હૃદયનો પસ્તાવો ફળ્યો હોય કે પછી
અનુરાગ-તારિકાની ચાકરી રંગ લાવી હોય, દેવદત્તની હાલતમાં સતત સુધારો નોંધાયો અને ત્રીજા મહિને તેમની સંજ્ઞા પાછી ફરી પછી તો વેન્ટિલેટર પણ હટાવી લેવાયું.
ત્યાં સુધીમાં લાજવંતી તેમના સંસારમાં થાળે પડી ચૂકેલાં.
આ બદલાવ અને એની પાછળની ગાથા દેવદત્તે પણ સહજ ભાવે સ્વીકારી લીધી એ બીજા કોઈને કદાચ ચમત્કાર જેવું લાગે, બિન્દિયા-લાજો માટે એ નવાઈરૂપ નહોતું : દેવ તો છે જ આવા!
એ વખતે લાજવંતીને પૂછવાનું સૂઝ્યું હતું : પણ તારિ, તું શરૂમાં મારું સંપેતરું દેવાનું ભૂલી કેમ ગયેલી?
જવાબમાં તારિકાના ગાલે શેરડા પડ્યા.
આના બે મહિના પછી
અનુરાગ-તારિકાનાં લગ્ન લેવાયાં એમાં બીમારી પછી પહેલી વાર દેવદત્ત જાહેરમાં દેખાયા, એ પણ બે પત્નીઓ સાથે. એની ચર્ચા પણ ધીમે-ધીમે શમતી ગઈ.
દેવદત્તના ઘરે સૌ કુશળ-મંગળ છે અને અનુરાગને ત્યાં કિલ્લોલના ખબર છે. તેમનું સુખ હવે નજરાવાનું નહીં!
(સમાપ્ત)