18 May, 2026 02:29 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. ગામના ઘરે સવાર આમ જ ઊગતી, વરસોથી.... ભોંભાખળિયું થતાં સુધીમાં આંગણું વાળી મા રંગોળી પૂરી મીઠા ભજનની સૂરાવલિમાં ભળી જતી ઘરમંદિરની ઝાલર રણકાવતી હોય, પિતાજી અંગકસરત કરતા હોય અને દૂર ગાયોનું ધણ ધૂળ ઉડાડતું સીમમાં જતું હોય.
હવે પાકી સડકને કારણે ધૂળ નથી ઊડતી, સત્તાવનના ઉંબરે પહોંચેલા પિતાજી દંડને બદલે યોગ કરે છે, મા એકલા હાથે ઘરના કામકાજમાં પહોંચી નથી વળતી એટલો ફેર. બાકી બધું એમનું એમ છે.
‘બધું એમનું એમ નથી રાખવું, અમને એમાં એક પાત્રનો ઉમેરો જોઈએ છે...’ મા-બાપનો સહિયારો સાદ પડઘાયો : આ ઘર પણ હવે વહુનો સ્પર્શ ઝંખે છે!
વહુ!
આશ્રયના સોહામણા મુખ પર પ્રીતની સુરખી છવાઈ.
નજર નીચે નાખી તો તુલસીક્યારે તે દીવો મૂકતી દેખાઈ. સુહાગની લાલ સાડી, ગોરા હાથમાં કાચનાં કંકણ, ગળામાં મંગળસૂત્ર, સેંથીમાં સિંદૂર... તુલસીને જળ અર્પણ કરી તે આંખ મીંચીને પ્રાર્થના કરે છે : મા, મારા લાલની, મારા પતિની, મારા સંસારની રક્ષા કરજે.
ત્યાં દૂર ગાયના ભાંભરવાના અવાજે આશ્રયની સમાધિ તૂટી, કલ્પનાચિત્ર વિખરાઈ ગયું. હળવા નિ:શ્વાસભેર તેણે વિચાર-વહેણ બદલ્યું : મારી સોહાગણ, માબાપુની વહુ ક્યારની આવી ગઈ હોત જો ઊઘડતી જુવાનીમાં મને નારીનો કડવો અનુભવ ન થયો હોત!
તે વાગોળી રહ્યો:
નરહરિભાઈ-સ્વાતિબહેનના એકના એક દીકરા તરીકે આશ્રય ભારે લાડમાં ઊછર્યો એમ તેનું સંસ્કારપોત પણ ઊજળું રહ્યું. વલસાડથી અંતરિયાળ આવેલા મધુબન ગામના ખેડૂતપિતા પાસે કંઈકેટલાય વીઘા ખેતી હતી. નાનપણથી પિતા સાથે ટ્રૅક્ટરમાં બેસીને ખેતરે જતા આશ્રયનું ધ્યાન રમતને બદલે લહેરાતા મોલની સાપેક્ષમાં રંગ બદલતા આકાશને નીરખવામાં વધુ હોય. ઘરે આવીને એનું ચિતરામણ કરે. ધીરે-ધીરે એમાં હાથ બેસતો ગયો. સ્કૂલમાં ચિત્રકામ શીખવતા સાહેબે તેનું હીર પારખ્યું અને આશ્રયના શોખને કરીઅરની દિશા મળી. ટ્વેલ્થ પાસ કરીને તેણે વડોદરાની ચિત્રકળાની જાણીતી કૉલેજમાં પ્રવેશ લીધો ત્યાં સુધીમાં પીંછી-કૅન્વસની સોબત તેની રગોમાં વસી ચૂકી હતી. કૉલેજના અભ્યાસથી મૂળિયાં વધુ ઊંડાં ઊતર્યાં. કહેવાતી મૉડર્ન આર્ટમાં તેને રસ ન પડ્યો, બલ્કે વેકેશનમાં હિલ-સ્ટેશન જઈને અદ્ભુત કુદરતી દૃશ્યો કંડારતો. કૉલેજના ત્રીજા વર્ષમાં શિમલામાં સફરજનની ટોકરી ઊંચકેલી મજૂરણનું ચિત્ર નૅશનલ લેવલે પબ્લિશ થતાં કલાજગતમાં તેની નોંધ લેવાઈ. એકવીસની ઉંમરે ડિગ્રીની ફાઇનલ એક્ઝામ પહેલાં વડોદરામાં તેનાં ચિત્રોનું એક્ઝિબિશન થયું અને એમાં વેચાયેલાં ચિત્રો દ્વારા થયેલી ૧૦ લાખ રૂપિયાની આવકનો ચેક તેણે માતાના હાથે વલસાડની સખાવતી હૉસ્પિટલમાં દાનપેટે અપાવ્યો ત્યારે દીકરાની કલા અને સૂઝ પર માવતરની આંખો વરસી પડેલી.
‘આવાં રૂડાં ચિત્રો બનાવે છે તે કોઈ રૂપાળી છોકરી ગમી કે નહીં!’
રજાઓમાં બે-ચાર દિવસ પૂરતા ઘરે આવતા આશ્રયને સ્વાતિબહેન પીંછી પકડવા દેતા નહીં અને આશ્રય પણ માબાપને વળગીને રહેતો. તે ખેતરે જતો, રસોઈમાં નવા અખતરા કરતો અને ઘરમાં સુખ છલકાઈ જતું. રાતે આંગણામાં દીકરાના માથામાં તેલચંપી કરતી માના હૈયાની વાત હોઠે આવી જતી. આશ્રય થોડું શરમાતો. કૉલેજના કૅમ્પસમાં તે અતડો રહેતો એવું નહીં, પણ પોતાની કલામાં વ્યસ્ત રહેતો એટલે કોઈ ખાસ સર્કલ બન્યું નહીં. અંગત મિત્ર પણ નહીં. કામદેવ પણ ભોંયમાં સમાઈ જાય એવું મારા દીકરાનું રૂપ છે એવું કહેનારી મા સાચી હોય એમ છોકરીઓમાં પોતાનું આકર્ષણ આશ્રયને પરખાતું. એને હવા આપવાના સંસ્કાર નહોતા. પરિણામે અંતરની પાટી કોરી જ રહી. આંખોથી સીધી હૈયે ઊતરે એવી મૂરત પણ નજરે ક્યાં પડી?
-રૂપરૂપના અંબાર જેવી એક સૂરત તેને કાશ્મીરમાં ભટકાઈ... કૉલેજ પત્યાનાં બે-એક વર્ષ પછીની વાત. ચોવીસનો થયેલો આશ્રય દલ લેકના કિનારે રંગકામનું સ્ટૅન્ડ ગોઠવીને બર્ફીલા પહાડો અને રંગબેરંગી શિકારાને કૅન્વસ પર ઉતારી રહ્યો હતો કે...
હળવેથી કાશ્મીરી કન્યાનો વેશ પહેરેલી યુવતી પાળીએ બેસીને અનાયાસ તેના ચિત્રના પરિસરમાં આવી ગઈ. ઘડીભર તો આશ્રય જોતો જ રહી ગયો. કાશ્મીરના સ્વર્ગીય વાતાવરણમાં આ કઈ અપ્સરા ભૂલી પડી!
‘મિસ્ટર પેઇન્ટર, જલદીથી પીંછી ચલાવો, તમારા ચિત્રને આવા હુસ્નના દીદાર ભાગ્યથી મળ્યા છે!’
છટાદાર અંગ્રેજીમાં બોલતી યુવતીને સાંભળીને આશ્રયની પીંછી અટકી ગઈ.
‘વૉટ હૅપન્ડ!’
‘આ ચિત્રમાં કોઈ વાસ્તવિક કાશ્મીરી કન્યા દીપી ઊઠી હોત. યુ આર અર્બન.’
‘ઓ હલો!’ તે નજીક આવીને દલીલ કરવા લાગી : હું પૂરા કાશ્મીરી લિબાસમાં છું.
‘યા, પણ તમારા ઍટિટ્યુડમાં એ નિર્દોષતા, એ માસૂમિયત નથી.’
‘અને બ્યુટી? ધૅટ ડઝન્ટ મૅટર?’
આશ્રયે સ્મિત વેર્યું, ‘સૉરી.’
તેણે ચિત્રકામની સામગ્રી સમેટતાં તેનાં ભવાં તંગ થયાં : તમે મને ઇનકાર કરો છો? સરોવરની પાળે પીંછીકામ કરનારા મામૂલી સ્ટ્રીટ-પેઇન્ટરની આટલી મગરૂરી!
તેને જવાબ આપ્યા વિના આશ્રયે ચાલવા માંડ્યું.
આશ્રય શ્રીનગરની જે ફાઇવસ્ટાર હોટેલમાં રોકાયો હતો એની લાઉન્જમાં તે ડિનર ટાઇમે ફરી ભટકાઈ.
ત્યારે જાણ્યું કે તેનું નામ જસ્મિન છે અને મુંબઈમાં બ્યુટી-પ્રોડક્ટ્સનો કરોડોનો કારોબાર ચલાવે છે. વયમાં તેનાથી બે-ત્રણ વર્ષ મોટી જસ્મિન પણ આશ્રયની પહોંચે જરાતરા ડઘાઈ. પછી ખેલદિલીપૂર્વક હાથ મિલાવ્યા : સૉરી ઇફ આઇ મિસબિહેવ્ડ ઍટ લેક...
કહીને ડિનર સાથે લેવાનું નિમંત્રણ આપ્યું.
બે દિવસના સહવાસમાં જસ્મિનની ઍટિટ્યુડવાળી ઇમેજ પણ ભૂંસાતી ગઈ અને છૂટા પડવાની આગલી રાતે...
આશ્રયનો મોબાઇલ રણક્યો. સામે જસ્મિન હતી : મને અનઈઝીનેસ જેવું ફીલ થાય છે... કૅન યુ પ્લીઝ કમ ટુ માય રૂમ?
સેમ ફ્લોર પર તેની રૂમ હતી. આશ્રય દોડી ગયો. દરવાજો ખોલવા આવેલી જસ્મિન વીક લાગી. હાથ પકડીને તેને પલંગ પર દોરીને બેસાડે છે કે જસ્મિને ઝાટકો મારી તેને ખેંચી પલંગમાં પછાડી પોતે ઊભી થઈ ગઈ, ‘યુ સિલી પેઇન્ટર! ધારું તો ઇન્ડિયાના હાઇએસ્ટ પેઇડ આર્ટિસ્ટને તેડાવીને મારું ચિત્ર દોરાવી શકું એટલી ઓકાત છે મારી ને તેં મને ઇનકાર ફરમાવ્યો! યુ હૅવ ટુ પે ફૉર ધિસ!’
આશ્રય હજી પૂતળા જેવો હતો. નારીનું આ કેવું રૂપ!
‘શો મી યૉર સ્ટ્રિપ શો!’
ખુરસી ખેંચી પગ પર પગ ચડાવીને જસ્મિને મહારાણીની અદામાં આદેશ આપ્યો.
‘ઑર આઇ વિલ શાઉટ કે તેં મારી રૂમમાં ધસી આવીને મારા પર રેપની કોશિશ કરી...’ કહેતાં તેણે ગાઉનની સ્લીવ ફાડી.
આશ્રય ફાટી આંખે તેને નિહાળી રહ્યો.
જસ્મિને મોબાઇલમાં ડાન્સ સૉન્ગ મૂક્યું : સ્ટાર્ટ!
- અત્યારે પણ એ ઘટનાની યાદે આશ્રય સમસમી ગયો. ના, જસ્મિન એક ઘડી માટે ખુરસી પરથી હલી નહોતી કે મારા શરીરને સ્પર્શ સુધ્ધાં નહોતો કર્યો. બસ, ઠૂમકા મારતા મારા નિર્વસ્ત્ર થવાનું વેર માણી રહેલી.
શા માટે પોતે તેના બ્લૅકમેઇલિંગને વશ થઈ ગયો? કદાચ એમ વિચારીને કે ડંખીલી બાઈનો શું ભરોસો, ખરેખર બળાત્કારના પ્રયાસનો આરોપ મૂકીને પોલીસકેસ ઠોકી દેત તો મારાં માબાપને તો જીવતેજીવ મરવા જેવું થાત!
સ્ત્રી આવી પણ હોય?
ચિત્તમાં અભાવ ફેલાયો. ખરેખર તો પરસ્ત્રી સામે વસ્ત્રહીન થવાની ઘટનાએ તેના આત્માભિમાન પર ઘા કર્યો હતો. ત્રીજા કોઈનેય ક્યારેય નહીં કહેવાયેલી ક્ષણ તેની ભીતર એટલી ઊંડી ઊતરતી ગયેલી કે આશ્રય નહાતી વેળા કપડાં ઉતારતાં પણ કાંપી જતો. સુંવાળી કલ્પના કરી ખુદને બહેલાવવાની કોશિશ પણ નાકામ ઠરતી. અરે, ઍડલ્ટ મૂવી જોઈને પણ તેના બદનમાં કોઈ જ સળવળાટ સર્જાતો નહીં. ના, પોતે નપુંસક બની ગયો એમ નહીં; પણ જસ્મિનના વેર પછી સ્ત્રી માટેનાં એ સ્પંદનો, એ ઊર્મિ જ નથી રહ્યાં... કોઈના થવાની ઇચ્છા તો મરી જ પરવારી.
ખેર, ફરી ન જસ્મિન ક્યારેય દેખાઈ ને પોતે તો તેને જોઈને વંજો માપી લે એવી હાલત હતી. આ બધાની અસર તેનાં ચિત્રોમાં પડઘાવા લાગી. તેના પહાડો ઉદાસ લાગતા, ઝરણામાં અલ્લડતા નહોતી અને ભૂલેચૂકે કોઈ સ્ત્રી ચિત્રમાં હોય તો તેના હાવભાવ ડંખીલા રહેતા.
આશ્રયનો કલાકાર જીવ અકળાતો, ગૂંગળાતો. પોતે જ એ કૅન્વસ ફાડી નાખતો.
ભોળાં માબાપને આ બધું કહેવાનું ન હોય અને મારે તો તેમના માટે પણ ખુશહાલ રહીને જીવવાનું... બધી સ્ત્રીઓ જસ્મિન નથી હોતી એવું વિચારીને તે વળી પીંછી પકડતો, કોઈ પણ સ્ત્રીને ચિત્રમાં લેવાનું ટાળતો. કામ તેને વ્યસ્ત રાખતું ને એ જ બહાના હેઠળ ઘરે લગ્નની વાત ટાળી જતો.
‘અરે, કહું છું ઊભો રહે...’
માના સાદે આશ્રયે વિચારમેળો સમેટી લેવો પડ્યો. આંગણામાં ૪ વર્ષના રુદ્રને ધમાચકડી મચાવતો જોઈને મલકી જવાયું. પોતે માને આમ જ દોડાવતોને!
‘મને પકડ... દાદી, મને પકડ...’
સ્વાતિબહેને થોડી વાર તેને મજા માણવા દીધી, પછી તરાપ મારીને ઝડપી લીધો. પતિ પાસે ગોઠવાતા પગની આંટી મારીને રુદ્રને ખોળામાં જકડી રાખ્યો.
‘કહું છું, રુદ્રના આગમને ઘર કેવું કિલ્લોલ કરતું થઈ ગયું! પરાણે વહાલો લાગે એવો બાળગોપાળ છે. મને દાદી-દાદી કહીને ઘર ગજવે ત્યારે અંતરમાં હેતની સરવાણી ફૂટે છે. તેનામાં મને આસુની છબિ દેખાય છે.’
‘મને પણ એવું જ લાગે છે.’ નરહરિભાઈએ રુદ્રના માથે હાથ ફેરવ્યો, ‘આ છોકરાને આસુ સાથે જાણે પૂર્વજન્મનો કોઈ ઋણાનુબંધ હોય એવી અનુભૂતિ થાય છે.’
કદાચ એ ઋણાનુબંધ જ મને માથેરાન ખેંચી ગયો હશે... આશ્રયે વાગોળ્યું:
આશ્રય નિજાનંદ માટે પેઇન્ટિંગ કરતો, આર્ટ ગૅલરીમાં એ ઊંચા ભાવે વેચાતાં એમ જસ્મિનના બનાવ પછી બિઝી રહેવા ફ્રીલાન્સર તરીકે અસાઇનમેન્ટ્સ પણ લેતો થયો. ગયા વરસે કૉર્પોરેટ કંપની તરફથી તેમના વાર્ષિક કૅલેન્ડર માટે ૧૨ પેઇન્ટિંગ્સ બનાવી આપવાનો કૉન્ટ્રૅક્ટ થયો. લોકાલ માથેરાનનું રાખવાનું હતું એટલે રોકાવાનું પણ ત્યાં જ હોય.
કંપની તરફથી હોટેલના બે-ચાર ઑપ્શન્સ અપાયા. મોંઘી હોટેલનાં લોકેશન્સ પણ ફોટોજેનિક કહેવાય એવાં હતાં, પણ માથેરાનને નવી નજરથી ચીતરવું હોય તો જાણીતા વ્યુને બદલે નવો ઍન્ગલ પણ જોઈએ.
અને વ્યુ માટે માથેરાનમાં રખડપટ્ટી કરતા આશ્રયની નજરે ટેકરી પર આવેલું મકાન ચડ્યું. આજુબાજુ ગાઢ વનરાજી. બેઠા ઘાટના મકાનનું આંગણું રંગબેરંગી ધજાથી શણગારેલું હતું. ગેટ પર બોર્ડ હતું : રૂમ અવેલેબલ.
ઝાંપો ખોલીને આશ્રય આંગણામાં પગ મૂકે છે. મુખ્ય મકાનની ડાબી બાજુ આઉટહાઉસ જેવું નાનકડું મકાન છે. એના પાછલા હિસ્સામાંથી લાલ માટીવાળા સર્પીલા રસ્તા, પહાડો દેખાય છે. અહીંથી સૂર્યોદય અને પેલી બાજુથી સૂર્યાસ્ત જોવાનો લહાવો હશે! આખરે મને જોઈતું લોકેશન મળ્યું ખરું.
રૂમ લેવાની ઉતાવળમાં આશ્રય ઝડપથી મુખ્ય મકાન તરફ વધ્યો અને પગથિયું ચડે છે કે કોઈની સાથે
અથડાઈ પડ્યો.
તે આરતી હતી - મકાનની માલકણ, રુદ્રની મા, બિહારી બાબુની જુવાન વિધવા!
વિધવા.
આશ્રયે હોઠ કરડ્યો. નજર આભમાં ગઈ. ત્યાં આરતી ફિક્કું મલકતી લાગી : તું મને તારી સોહાગણ તરીકે કલ્પે છે આશ્રય, પણ હું વિધવા છું એ કેમ ભૂલી જાય છે!
આશ્રયે ગડમથલ અનુભવી : મને કેવળ રુદ્રની જ નહીં, તેની વિધવા માની પણ માયા બંધાઈ છે એ સત્ય માબાપને કેમ કહેવું!
lll
‘ઓહોહોહો... અધિક મહિના નિમિત્તે વલસાડની ન્યાતમાં ભાગવત કથાનો આવો મોટો ઓચ્છવ!’ મમતાબહેને ખબર આપનારા ગામના મોવડીને તાકીદ કરી : ૧૫ લાખનું ડોનેશન હમણાં જ નોંધી લો, પણ કથાના પહેલા દિવસની મહાઆરતીનો લાભ બીજા કોઈને જવો ન જોઈએ!
ન્યાતમાં વટ પાડી દેવાના અભરખામાં મસમોટું દાન આપનારાં મમતાબહેનને કથામાં શું થવાનું એની ક્યાં ખબર હતી?
(ક્રમશ:)