ઐયાશ (પ્રકરણ -2)

03 May, 2022 12:34 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘આઇ વન્ડર સર. મૅડમ આટલાં બ્યુટિફુલ છે; તમારી વચ્ચે આટલી અન્ડરસ્ટૅન્ડિંગ, આટલો પ્રેમ છે અને છતાં તમે વિદેશમાં ન જવા જેવી જગ્યાએ જાઓ છો!’

ઐયાશ

મધરાતે વડોદરાની લક્ઝુરિયસ હોટેલના સ્વીટની બાલ્કનીમાં ઊભા રહેલા અક્ષતે ચીરૂટ સળગાવી ઊંડો કશ લીધો. અછડતી નજર રૂમમાં નાખી. કામક્રીડાના ઘેનમાં સૂતેલી રિયાને નિહાળી હળવો નિઃશ્વાસ સરી ગયો.
ત્રણેક વર્ષ અગાઉ મા-પિતાજીની વિદાય બાદ લંડનમાં ઐયાશીનો પહેલો ઘૂંટ માણ્યા પછી પાછા ફરાવાનું નહોતું. કૃતિને સાચવી જાણતો, બિઝનેસ અને પોતાની ઇમેજમાં ગાબડું ન પડે એની તકેદારી તો હોય જ. વિદેશમાં જ માણી શકાતી મોજ વિશે અહીં તો કોઈને ક્યાં ખબર પડવાની!
એ ભ્રમ રિયાએ ભાંગ્યો. અઢી વર્ષ અગાઉ અક્ષતની પર્સનલ સેક્રેટરી તરીકે જોડાયેલી રિયા સાથે બહુ જલદી ટ્યુનિંગ જામી ગયેલું. તે કહેતી પણ,
‘મેં મારા પેરન્ટ્સની ગરીબી જોઈ છે... આઇ ડોન્ટ વૉન્ટેડ ધેટ લાઇફ! એટલે કોઈને હું બહુ ઓવર ઍમ્બિસિયસ, કરીઅર ઓરિયેન્ટેડ લાગતી હોઉં તો સૉરી. હું એવી જ છું.’
અક્ષતને ત્યારે તો આમાં નિખાલસપણું જ લાગેલું.
‘મારી મહેનતથી આજે હું આ પોઝિશન પર છું. હૅન્ડસમ પૅકેજ રળું છું, નવો ફ્લૅટ લીધો છે, મા-પિતાજીનો બુઢાપો સુધાર્યાનો મને ગર્વ છે.’
‘અને લગ્ન?’ અક્ષતથી પુછાઈ ગયેલું. ‘છવ્વીસની ઉંમરેય કન્યા કુંવારી રહે એ આપણા ગુજરાતીઓમાં હજીય થોડું ધ્રાસકારૂપ ગણાય છે ખરું.’
‘યા, પણ શું થાય, વહુને ખપતી સ્વતંત્રતા આપવા હજીય ગુજરાતી સાસુઓ તૈયાર નથી થતી.’ રિયા હસી પડતી.
બપોરનું લંચ ઑફિસની કૅન્ટીનમાં જ કરવાનો નિયમ અક્ષતે રાખેલો, કંપનીમાં શું ચાલી રહ્યું છે એના ખબર પણ મળતા રહે અને સ્ટાફને એવુંય લાગે કે બૉસ કેટલા હમ્બલ છે! પોતાની ઇમેજ અંગે અક્ષત હંમેશાં સચેત રહેતો. કંપનીનું સીએસઆર (કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી)નું કામ કૃતિ જોતી, એ નિમિત્તે બે-ચાર મહિને તેણે ઑફિસ આવવાનું થાય ત્યારે સ્ટાફ માટે કશુંક સ્પેશ્યલ બનાવીને લાવે.
‘શી ઇઝ માર્વેલસ કુક અને કેટલાં રૂપાળાં!’
રિયાની તારીફ સામે અક્ષત કેવળ મલકી લે.
‘આઇ વન્ડર સર. મૅડમ આટલાં બ્યુટિફુલ છે, તમારી વચ્ચે આટલી અન્ડરસ્ટૅન્ડિંગ, આટલો પ્રેમ છે અને છતાં તમે વિદેશમાં ન જવા જેવી જગ્યાએ જાઓ છો!’
આમ કહીને રિયાએ અક્ષતને ચોંકાવી દીધેલો. રિયાને ઑફિસમાં જોડાયે ત્યારે વરસેક થઈ ગયેલું. બન્ને એ દિવસે પુણે જવા નીકળેલાં. ત્યાં એક પાર્ટી સાથે શૉર્ટ ડિસ્ક્શન હતું. સવારે નીકળીને સાંજે પાછાં. અક્ષત સેલ્ફ ડ્રાઇવ પસંદ કરતો, રિયાને પિકઅપ કરી ઘાટના રસ્તે પહોંચ્યાં ત્યાં સુધીની જર્ની બહુ સ્મૂધ રહી. થોડી અલકમલકની વાતો પણ થઈ, પછી અચાનક રિયાએ બૉમ્બ ફોડવા જેવું કર્યું!
બીજું કોઈ હોત તો કારને અણધારી બ્રેક મારત, પણ અક્ષતે સ્ટિયરિંગ પણ ધ્રૂજવા ન દીધું, આંચકો છુપાવી હસ્યો.
‘વૉટ આર યુ ટૉકિંગ અબાઉટ!’
ત્યારે રિયાએ ફોડ પાડ્યો કે ‘પાછલી બે ટૂરનાં બિલ તમે આપો છો એમાં ન્યુડ પાર્ટીની ઇન્વાઇટ કાપલી પણ હતી!’
અક્ષતે હોઠ કરડ્યો. કોઈ પણ ટૂર પછી બૅન્કમાં ખર્ચો પાડવા અક્ષતે પણ બિલ ફાઇનૅન્સમાં જમા કરાવવાં પડતાં. સિસ્ટમમાં એન્ટ્રી પાડવા એ બિલ્સ સેક્રેટરી તરીકે ફરજ બજાવતી રિયાને આપી દેતો. ‘એમાં આ ગફલત ક્યાં થઈ ગઈ! ન્યુડ પાર્ટીનો પુરાવો કોણ રાખે! ગૉડ, એ જો કૃતિના હાથમાં ગઈ હોત તો...’
‘રિલૅક્સ.’ રિયાએ અક્ષતની જાંઘ પર હાથ પસવાર્યો, ‘તમે ધારો તો આવી એક પાર્ટી આપણે બન્ને આજે પુણેમાં માણી શકીએ.’
‘હેં.’ અક્ષતે ધ્યાનથી રિયાને નિહાળી. ‘ના, તેના મનમાં કપટ હોય એવું લાગ્યું તો નહીં.’
‘તમારાથી શું છુપાવવું અક્ષત!’ તેણે નામ પાછળનું ‘સર’ ઉડાડી દીધું, ‘હું છવ્વીસની થઈ. તમારી જેમ પરણી નથી, ને આવી પાર્ટીઝમાં જવાનું મને પરવડે નહીં.’
અક્ષતને ગડ બેઠી. આ બ્લૅકમેઇલિંગ નહોતું. બૉસની ફિતરત જાણીને સેક્રેટરીએ પોતાની તનભૂખ ભાંગવા વિનવણી કરી એવો જ અર્થ નીકળે.
‘હું જે કરું છું એ ફૉરેનમાં હોઉં ત્યારે.’ અક્ષતના આમ કહેવામાં અડધી તૈયારી તો હતી જ.
‘ડોન્ટ વરી ફૉર ધેટ. આપણે જુદી જ આઇડેન્ટિટીથી હોટેલમાં રહીશું.’
‘રિયાએ કેટલું વિચારી રાખ્યું છે!’ અક્ષતને હવે એ પાવધરી લાગી.
‘શૈયામાં પણ હું ઉર્વશી-મેનકાથી કમ પુરવાર નહીં થાઉં, તમે જોજોને!’
અક્ષતની સીટી સરી ગયેલી.
ઑફિસનું અડધી વેળનું કામ અડધા કલાકમાં નિપટાવીને બૉસ-સેક્રેટરી શહેરથી દૂર, છતાં આલીશાન ગણાય એવી હોટેલના સ્વીટમાં ઊતર્યાં.
‘હવે શેની વાટ જોવાની!’ અક્ષતનું દીર્ઘ ચુંબન લઈને રિયાએ સંકોચનું રહ્યુંસહ્યું આવરણ સરકાવી દીધું. અનુભવીની અદાથી અક્ષત માનુનીને પલંગ પર દોરી ગયો. તેના કરતબે રિયા હાંફી ઊઠી. એક પછી એક વસ્ત્રો સરકતાં ગયાં, તેની નિરાવૃત્ત કાયાનું કામણ અક્ષતની કીકીમાં અંજાઈ ગયું, તો અક્ષતના ઉઘાડે રિયાની છાતી ધડકી ગઈ.
‘અક્ષત, તમે પગમાં નજરનો કાળો દોરો બાંધ્યો છેને... ડોન્ટ યુ થિન્ક, એ દોરો તમારે ક્યાંક બીજે પણ વીંટાળવો જોઈએ!’
તેના ઇશારા પર ગરવાઈભર્યું મલકીને અક્ષતે તેને ભીંસી દીધી હતી.
 પછી તો મુંબઈની બહાર જવાનું થાય ત્યારે અક્ષત-રિયા મોજ માણવાની તક ઝડપી લેતાં. ચતુર રિયા શેડ્યુલ જ એવું ગોઠવતી કે અક્ષતનું આઉટિંગ વધી ગયું હતું.
અક્ષતને એનો વાંધો નહોતો. સો ફાર પોતાની ઇમેજ, પોતાનો સંસાર અકબંધ રહે! ‘રિયા મારી એશનું સીક્રેટ જાણે છે અને હું તેને શૈયાસુખમાં ઑબ્લાય જ કરું છું - ઇક્વેશન સેટલ્ડ. આનાથી વિશેષ રિયાને કશું અપેક્ષિત ન હોવું જોઈએ.’
અક્ષતની શરત કહો કે તકેદારીમાં રિયાની સંમતિ હતી. વરસેક તો બધું બરાબર ચાલ્યું, પણ છએક મહિના અગાઉ...
‘અક્ષુ, આયૅમ પ્રેગ્નન્ટ.’
દિલ્હીની હોટેલમાં રિયાએ ધડાકો કરતાં અક્ષત હેબતાયો. ‘પિલ લેવામાં રિયા કેમ ચૂકી? હવે?’
‘આમાં વિચારવાનું શું છે, ડાર્લિંગ?’ રિયાએ અક્ષતના ઉઘાડા ખભા પર હાથ ફેરવેલો, ‘તમારાં લગ્નને ૬ વર્ષ થયાં છતાં કૃતિને સંતાન નથી. એ ગ્રાઉન્ડ પર તેને તલાક દઈને મારી સાથે પરણી આપણા બાળકને ઑફિશ્યલી તમારું નામ આપી દો.’
‘હેં!’ અક્ષત ધારીને રિયાને નિહાળી રહ્યો. રિયાએ સ્કૅનર જેવી એ નજરથી નજર ફેરવી લેવી પડી. અક્ષતને સમજાઈ ગયું કે ‘પ્રેગ્નન્સી અજાણતાં નહોતી રહી. રિયાએ જાણીને પિલ નહોતી લીધી! સંતાનની આડમાં તે કૃતિનું પત્તું કાપીને સેક્રેટરીમાંથી એમ્પાયરની વહુ બનવા માગે છે!’
‘એવું હોય તો એમાં ખોટું શું છે?’ રિયાએ નફ્ફટની જેમ દલીલ કરેલી, ‘મને પણ મારું સુખ જોવાનો હક છે. ક્યાં સુધી પરણ્યા પુરુષ પાસેથી ઉછીનું સુખ લેતી રહીશ? અને આખરે કમી શું છે મારામાં! ડોન્ટ યુ લવ મી?’
‘લવ? રિયા, ઑફિસ બહારનો આપણો સંબંધ માત્ર ફિઝિકલ પ્લેઝર્સ માણવા પૂરતો છે. આમાં પ્રેમ ક્યાં આવ્યો?’
રિયાનાં અશ્રુ છલકાયાં. ‘ના, સહેજમાં ભાંગી પડે એવી આ સ્ત્રી નથી.’ અક્ષતે જાતને સચેત કરીઃ ‘રિયા હાડોહાડ મહત્ત્વાકાંક્ષી છે. આવી સ્ત્રી જ્યારે પોતાના ટાર્ગેટને પ્રણયનું નામ આપે ત્યારે વધુ જોખમી પુરવાર થતી હોય છે... રિયા તેની ચાલ ચાલી હોય તો હું પણ પાકો બિઝનેસમૅન છું, એમ ખોટનો સોદો કરતો હોઈશ! જોકે આવું કહીને રિયાને ઉશ્કેરવાની ન હોય. મારે સિફતથી કામ લેવું પડશે.’
‘રિયા, હું માનતો હતો કે તું બુદ્ધિમંત છે, પણ...’ અક્ષતે ધારેલું એમ રિયા ‘પણ’ના અધ્યાહારે ટટ્ટાર થઈ.
‘માર્કેટના હાલાત તારાથી છૂપા નથી. કેમિકલ સેક્ટર ડાઉન છે. એમાં મારા છૂટાછેડાના ખબરથી શૅરહોલ્ડર્સમાં એવો મેસેજ જવાનો કે જે પોતાની વાઇફને વફાદાર નથી, સેક્રેટરી સાથે લફરું કરે છે તે કંપની ચલાવવામાં શું સિરિયસ હોય! પરિણામે શૅરના ભાવ ગગડીને તળિયે.’
રિયાએ હોઠ કરડ્યો. ‘અક્ષતે થોડું વધારે પડતું કહ્યું, પણ ઓનરની પર્સનલ લાઇફની અસર કંપનીના શૅર્સ પર પડતી હોય છે ખરી. તો શું કરવું?’
‘થોડું ખમી જા. અત્યારે અબૉર્ટ કરાવી દે.’ અક્ષતે કોથળામાં પાંચશેરી ફટકારી હતી, ‘માર્કેટ થોડું સેટલ થાય એ પછી ફરી પ્રેગ્નન્ટ થઈને મારું નાક દબાવજે!’
અક્ષતને પોતાની મનસા પરખાતી હોવાની સમજ છતાં રિયાએ વણદેખ્યું કર્યું. ત્યારે તો તેણે અબૉર્ટ   કરાવી લીધું, પણ પછી... અબૉર્શનના ત્રીજા અઠવાડિયે રવિવારની બપોરે તેનો ફોન આવ્યો, ‘અક્ષત, હું     અમારા બિલ્ડિંગની અગાશી પર ઊભી છું... આઇ ફીલ સો હેલ્પલેસ. મેં મારું બાળક ગુમાવ્યું, તમે મારા ન થયા. થાય છે કે અહીંથી પડતું મૂકી દઉં!’
‘નો!’ અક્ષત ચીખી ઊઠેલો. કૃતિ ત્યારે બાજુમાં જ હતી.
‘શું થયું, અક્ષુ? તમે કેમ આમ ખસીને પસીને રેબઝેબ થઈ ગયા?’
‘મારો એક ફ્રેન્ડ મુસીબતમાં છે...’ તેને જેમતેમ સમજાવીને અક્ષત ભાગ્યો.
આટલી તાણ અક્ષતે કદી અનુભવી નહોતી. ‘રિયા આપઘાત કરે અને સુસાઇડ-નોટમાં અમારું લફરું લખીને મને કારણભૂત ઠેરવી ગઈ હોય તો શું-શું થઈ શકે એ વિચાર જ અસહ્ય હતો. આ એક જ પગલાથી મારી ઇમેજ, ધંધો, સંસાર બધું તૂટે એ કેમ સહન થાય? ભગવાન રિયાને સદ્બુદ્ધિ આપજે!’
મારતી કારે માટુંગા જતા અક્ષતે ધારેલું કે ‘રિયા દસમા માળની ટેરેસની પાળ પર ઊભી હશે અને નીચે ટોળામાં તેના પેરન્ટ્સ નહીં કૂદવા વિનવતા હશે...’
- પણ ના, રિયા તો તેના બિલ્ડિંગના ગેટ આગળ જ ઊભી હતી - જીવતીજાગતી, વન પીસ!  
‘મને હતું જ કે તમે મને મરવા નહીં દો.’ ઠસ્સાભેર ગાડીમાં બાજુની સીટ પર ગોઠવાઈને તેણે કહ્યું હતું, ‘મને જિવાડવી હોય તો કૃતિને ડિવૉર્સ દઈને મને કાયદેસર તમારી બનાવી દો.’
ફરી એ જ વાત! અક્ષત ધૂંધવાયેલો: ‘મતલબ, તું મરવાનું બોલી એ બધું નાટક હતું?’
‘આજ પૂરતું હા, નાટક હતું, પણ હું તમારી ન થઈ તો નાટક ક્યારે હકીકત બનશે એ કહેવાય નહીં!’
 રિયાના બોલમાં કરી બતાવવાની ખાતરી હતી. પછી તેનો સાદ રૂંધાયો, ‘હું ચાહવા લાગી છું તમને, એમાં મારો શું વાંક? નથી જોઈ શકતી તમને કૃતિ સાથે. ક્યાં મને અપનાવી લો, ક્યાં મરવા દો!’
અક્ષત એમ ભોળવાય એવો નહોતો. તેને રિયાનાં આંસુમાં બનાવટ લાગી, ગળગળા થવામાં અભિનય. ‘ખરેખર તો રિયા મને ચાહતી નથી, બસ, મિસિસ અક્ષત મહેતાનો ટૅગ મેળવી ફ્યુચર સિક્યૉર કરવા માગે છે... આત્મહત્યાના ભાવને હથિયાર બનાવીને તે પોતાનો ટાર્ગેટ અચીવ કરવા માગે છે! ઍમ્બિસિયસ વુમન! ઓહ, આ હું ક્યાં ફસાયો!’  
‘પણ હવે છુટાય એવું પણ ક્યાં છે! વીત્યા મહિનાઓમાં રિયા નહીં નહીં તોય ચાર વાર આપઘાતની ધમકી આપી ચૂકી છે. છેલ્લે તો સ્લીપિંગ પિલ્સ લઈ પણ લીધેલી. અલબત્ત, ચાર પિલ્સથી કશું થવાનું નહોતું. જેણે મરવું જ હોય તો ચાર પિલ્સે શું કામ અટકી જાય? આખી બાટલી જ ન ખાલી કરી નાખે! રિયા મરવા નથી માગતી એ તો પુરવાર થઈ ગયું. એમ મને પામવા ના, મિસિસ અક્ષતનું લેબલ મેળવવા જીવ પર આવી છે એટલું તો સમજાય જ છે!’
તેણે તો અલ્ટિમેટમ આપી દીધું છે ઃ ‘આવતા મહિને મારો બર્થ-ડે આવે એ પહેલાં હું ‘મિસ’માંથી ‘મિસિસ અક્ષત મહેતા’ બની જવા માગું છુ! એવું ન થયું તો મીડિયાને તેડાવીને ટેરેસ પરથી પડતું મૂકીશ!’
અક્ષતને અકળામણ થતી, ‘આપઘાતની ધમકીની આડમાં મને મજબૂર કરવા માગતી રિયા માટે અભાવ જ જન્મતો અને છતાં તેનાથી એમ જ છેડો ફડાય એમ પણ ક્યાં હતું?’
‘તો શું કરવું? કૃતિને ત્યજી દેવી? એ પણ કેમ બને!’
ભયંકર દ્વંદ્વ હતો. એવામાં પરમ દિવસે અખબારમાં એક દુર્ઘટના વિશે વાંચ્યું,  
‘અઢાર-ઓગણીસ વર્ષના મિત્રોના ગ્રુપમાં કોઈ એકનો બર્થ-ડે હતો. સેલિબ્રેશન માટે સૌ તેના ફાર્મહાઉસમાં ભેગા થયા હતા અને આજકાલના ટ્રેન્ડ પ્રમાણે મિત્રોએ બર્થ-ડે બૉય પર એગ્સ ફોડ્યા, કૅન્ડલ થમાવી, જેવો લોટ ફેંકે છે કે અગ્નિ ભડકતાં બર્થ-ડે બૉય સળગી ઊઠ્યો!’
‘બર્થ-ડે.’
‘અત્યારે’ અક્ષતની કીકીમાં ચમક ઊપસી.
રિયાના જન્મદિનને હજી વાર છે, પણ ત્રણ દિવસ પછી કૃતિનો બર્થ-ડે છે. ધારો કે આવું જ કંઈક તેના બર્થ-ડે સેલિબ્રેશનમાં બને તો...’
બસ, આ વિચાર પર સ્ફુરેલા પ્લાનના અમલમાં વધુ વાટ પણ ક્યાં જોવાની છે?    
 
વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff