04 May, 2022 04:38 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઐયાશ
‘મિસિસ અક્ષત મહેતા.’
હોટેલ સ્વીટના બાથટબમાં સરકતી રિયાએ આ નામ વાગોળ્યું, પછી સામા અરીસા પર સાબુના ફીણની છાલક મારી : ‘ફાઇનલી એ બનવાનું ખરું!’
‘ના, અક્ષતને પહેલી વાર પુણેમાં માણ્યો ત્યારે શરીરસુખ સિવાયની બીજી કોઈ જ અપેક્ષા યા ગણતરી નહોતી.’ રિયા વાગોળી રહી. અક્ષતની શરત કહો કે ચોખવટ રિયાને યાદ હતી - ‘ન તેની ઇમેજ ભાંગવી જોઈએ, ન સંસાર! માઇન્ડ ઇટ, અક્ષત તેમના મનમાં ધરબાઈ રહેલી એશ માણવાની વૃત્તિને કારણે નાઇટલાઇફ માણતા હોય છે, બાકી કૃતિથી તો તેઓ સંતુષ્ટ જ છે!’
‘હશે, મારે શું. તું તારે તારા સુખથી મતલબ રાખને, બાઈ!’
આ સમજથી વરસેક તો ગાડી સડસડાટ ચાલી, પણ છેવટે તો રિયાનો ઢાંચો જ આકાંક્ષાથી ઘડાયો હતો. પોતે સેલ્ફમેઇડ વુમન હોવાનો તેને ગર્વ હતો. છતાં મા ક્યારેક લગ્નનું દબાણ કરે ત્યારે અકળાઈ જવાતું.
‘માન્યું, તું તારા પગ પર ઊભી છે, પણ બહેન, સ્ત્રીને બીજી પણ જરૂરિયાતો હોય છે...’
મોઘમ કહેતી માને થોડું કહેવાય કે જરૂરિયાતવાળું સુખ મેં મારા બૉસને પલોટીને મેળવી લીધું છે!
કદાચ માને કહ્યું પણ હોત તો તે સામી દલીલ કરત કે સંબંધ વિનાના સુખનું આયુષ્ય કેટલું?’
માએ નહીં કરેલો સવાલ રિયાના ચિત્તમાં ઘૂમરી ખાવા લાગ્યો. ‘અમારા રિલેશનમાં કોઈ કમિટમેન્ટ નથી. ધારો કે કાલે અક્ષત મને પાણીચું પકડાવે તો કામસુખમાં પણ પૂર્ણવિરામ આવી જાયને! ચપટીક સુખ માટે બીજા કેટલા બૉસને હું પલોટતી રહીશ?’
‘એના કરતાં અક્ષતને જ શા માટે પોતાનો ન કરી લેવો!’
‘આના ફાયદા ગણવા પડે એમ નહોતા. મારે અક્ષત સાથે પરણવું હોય તો પહેલાં અક્ષતે કૃતિથી છૂટા થવું પડે અને એ માટે સધ્ધર કારણ જોઈએ.’
થોડું વિચારતાં રિયાને કારણ પણ મળી ગયું : ‘સંતાન! લગ્નનાં છ-સાત વરસેય કૃતિનો ખોળો ખાલી છે, વંશનો વારસ ન દઈ શકતી પત્નીને અક્ષત છૂટાછેડા આપી જ શકે... અલબત્ત, અક્ષતને કૃતિ પ્રત્યે કૂણી લાગણી છે એટલે મારા કહેવા માત્રથી એ નહીં બને, પણ ધારો કે હું અક્ષત થકી ગર્ભવતી હોવાનો ધડાકો કરીને લગ્નનો આગ્રહ રાખું તો અક્ષત પાસે ઇનકારનું કારણ નહીં હોય!’
એ દાવ જોકે ખાલી ગયો. અક્ષતે શૅરબજારનું બહાનું ઊપજાવીને ખરેખર તો પોતાને ફોસલાવી હોવાનું ધીરે-ધીરે રિયાના ધ્યાનમાં આવ્યું, કેમ કે ત્યાર પછી ગર્ભ ન રહે એની તકેદારી અક્ષતે રાખવા માંડી હતી!
પરંતુ એથી બાજી મૂકે એ બીજાં! રિયાએ ઘણા વિકલ્પ વિચારી જોયા, ‘અક્ષતની ફિલ્મ ઉતારીને બ્લૅકમેઇલ કરી શકાય, પણ મારે દેખીતી રીતે વૅમ્પ નથી બનવું. આખરે મારે જિંદગી તેની સાથે વિતાવવાની છે! એેને બદલે પુરુષને પોતાનો કરવા સ્ત્રીયાચારિત્ર અજમાવી લેવું છે. બહુ વિચારીને ખેલેલો ‘આત્મહત્યા’નો બીજો દાવ અકસીર નીવડ્યો. પોતે પિલ્સ લઈને અલ્ટિમેટમ પણ આપી દીધું છે અને મુંબઈથી નીકળતી વેળા જ અક્ષતે કહેલું કે વડોદરામાં કામ સાથે આગળનુ પ્લાનિંગ પણ ફાઇનલ કરી દેવાનું છે.’
‘ના, હું કૃતિને ડિવૉર્સ નહીં આપું; સંતાન ન થવાને કારણે હું કૃતિથી અલગ થવા માગું છું એ મારી ઇમેજને સૂટ નહીં કરે. એને બદલે સામેથી કૃતિ મને ડિવૉર્સ દઈ દે એવું કંઈક ગોઠવ્યું છે.’
‘એમ તો એમ! કાલનો આખો દિવસ મીટિંગ્સમાં વીત્યો, રાત કામક્રીડામાં વીતી, ઊઠતાં બપોર થઈ. વડોદરાથી નીકળતાં અગાઉ ફરી એક મીટિંગ છે. વચ્ચેના આ કલાકમાં અક્ષતની યોજના સમજી લેવી ઘટે!’
-અને સ્નાન સમેટીને ભીનું બદન કોરું કરતી રિયાને બ્રેક લાગી : ‘કૃતિ સામેથી છૂટાછેડા આપે એવું તે અક્ષત શું કરવાના હશે? જે વ્યક્તિ કૃતિ માટે કશુંક પ્લાન કરી શકે તે મારા માટે શું નહીં કરે! હું આપઘાતનો આશરો લઈને લગ્ન માટે તેમને ઇમોશનલ બ્લૅકમેઇલ કરી રહી હોવાનું અક્ષતને સમજાય છે એની મને પણ સમજ છે. અરે, હું તેને ચાહું છું એવું તે માનતો પણ નહીં હોય! તે કૃતિને ચાહે છે, મને ક્યાં પ્રેમ કરે જ છે? ક્યાંક કૃતિનું કહીને ખરેખર તે મારું પત્તું કાપવાની ફિરાકમાં તો નહીં હોયને!’
રિયાનું ગુમાન ઊછળ્યું ઃ ‘ના, ના, મને છંછેડવામાં મજા નથી એટલું તો તે પણ સમજતો હોયને! છતાં હું સાવધ તો રહીશ જ...’
બસ એક વાર મારા નામને અક્ષતનું નામ મળી જવું જોઈએ! પછી તમારી ઐયાશી પણ બંધ! હું કાંઈ બીજાં બૈરાંઓ જેવી નથી કે ધણીને પરમેશ્વર માનીને આંખ આડા કાન કરતી રહું!’
‘જોજોને, મિસિસ અક્ષત મહેતા બન્યા પછી પણ આપણા સંસારમાં ધાર્યું તો મારું જ થવાનું!’
lll
‘યા, થોડી વારમાં અમે મીટિંગ માટે નીકળવાનાં...’
‘ફાઇન. તમે આ કહેવા માટે બપોરની વેળા ફોન કર્યો?’ કૃતિના સ્વરમાં અચરજ હતું, પછી એમાં ગંભીરતા, ચિંતા પ્રવેશ્યાં - ‘અક્ષુ બધું બરાબર તો છેને?’
‘કેમ કહેવું કૃતિને કે કશું જ બરાબર નથી! કેટલો ભરોસો છે કૃતિને મારા પર. સેક્રેટરી સાથે નીકળ્યો છું છતાં તેને થડકો નથી. વિદેશમાં નાઇટ લાઇફ માણતો હોઈશ એનો તો અંદાજ સુધ્ધાં નહીં હોય. રિયાના દબાણથી મને સમજાય છે કે ઐયાશી માણવાની લાલસા આજે મને ક્યાં લઈ આવી!’
‘જાણું છું, મારા સ્ખલન કબૂલી લઉં તો પણ કૃતિ મારો માર્ગ મોકળો કરી આપે, પણ એશ જ્યારે મારા મનમાં તરસરૂપે હતી ત્યારે હું એનો ફોડ પાડી ન શક્યો, હવે તો કયા મોઢે કહું! અહં, હવે તો જે નક્કી ઠેરવ્યું છે એ જ કરવું રહ્યું... ધેટ ઇઝ વૉટ વી થ્રી ડિઝર્વ્સ. રિયા જેવી ઓરતને આવો જ જવાબ હોય. જાણું છું કૃતિને એનો આઘાત લાગવાનો, પારાવાર દુ:ખ પહોંચવાનું, પણ બીજો ઉપાય નથી.’
-આનો જ ભાર હૈયે હશે, એની અસરમાં પોતે કૃતિને ફોન જોડી બેઠો. ‘બાકી કામે નીકળ્યા પછી ક્યાં હું ટિપિકલ પતિની જેમ પત્ની સાથે વાતોનાં વડાં કરતો હોઉં છું? કૃતિને તો એનીય ફરિયાદ નહીં! જુઓને, અત્યારે પણ મારી પરેશાની કેવી પામી ગઈ!’
નિઃશ્વાસ ખાળી અક્ષતે રણકો ઉપસાવ્યો.
‘યા, બધું બરાબર છે. આ તો થયું કે પૂછી લઉં, વડોદરાથી ઍડ્વાન્સમાં બર્થ-ડે ગિફ્ટ લેતો આવું?’
‘બર્થ-ડે!’ કૃતિ સાચે જ આંચકો પામી ગઈ, ‘તમને મારો જન્મદિવસ યાદ રહ્યો!’
‘તેને કેમ કહેવું કે બર્થ-ડેના એક સમાચારે મને પ્રેર્યો, એમાં તારી વરસગાંઠ સાંભરી આવેલી. આ વર્ષે તો એવી ગિફ્ટ પ્લાન કરી છે કૃતિ કે તું જનમભર નહીં ભૂલે...’
એ જ વખતે સ્વીટના બાથરૂમનું લૉક ઘૂમવાનો અવાજ સંભળાયો એટલે અક્ષતે જવાબની રાહ જોયા વિના વાત પતાવી, ‘ચલ, બાય, મને બીજું કામ યાદ આવી ગયું...’
એ જ ઘડીએ બાથરૂમમાંથી નીકળેલી રિયાએ પૂછ્યું - ‘કોનો ફોન છે, ડાર્લિંગ?’
અક્ષતે ત્વરાથી કૉલ કટ કર્યો, પણ એ પહેલાં રિયાનો સ્વર સાંભળી ચૂકેલી કૃતિ સામા છેડે પૂતળા જેવી થઈ ગઈ!
lll
કૃતિ સ્તબ્ધ હતી, ‘મેં આ શું સાંભળ્યું? અક્ષત સ્વીટમાં હતા. તેમની રૂમમાં રિયાનો અવાજ, અક્ષતને ડાર્લિંગનું સંબોધન...’
આ પળ સુધી કૃતિને હતું કે ‘મારી જિંદગીમાં કશું જ ખાબડખૂબડ નથી. જીવનમાં ઇચ્છ્યા વિના, માગ્યા વિના જ બધું મળતું રહ્યું. મા-બાપે કોઈ અભાવ સાલવા જ ન દીધો. અક્ષત સરખો પતિ મળ્યો એ સદ્ભાગ્ય નહીં તો બીજું શું!’
કૃતિને અક્ષતના ગુણોએ વધુ આકર્ષી. તેને ચાહવાનું સહજ હતું. તેની વ્યાપારની વ્યસ્તતાને કૃતિ મન પર લેતી નહીં. ‘ઉદ્યમી પુરુષે તો પુરુષાર્થ કરવો જ જોઈએને.’
- અને આજે જાણ થાય છે કે બિઝનેસ-ટૂર તેમને માટે રિયા સાથેની ઐયાશીનું બહાનું છે!
‘રિયા!’ કૃતિના દિમાગમાં વળી ટિકટિક થવા માંડ્યું : ‘બાઈ સ્માર્ટ છે.’
કંપનીના સીએસઆર અંતર્ગત થતાં સેવાકાર્યોનો હવાલો પોતે સંભાળતી એટલે ઑફિસ જવાનું બનતું ખરું. અક્ષતની સેક્રેટરી તરીકે અપૉઇન્ટ થયેલી રિયા હોશિયાર લાગી હતી. ‘ત્યારે એવી કલ્પના પણ કેમ થાય કે તે અક્ષતને ખૂંચવી લે એવી હોશિયાર નીકળશે!’
‘ના, ના, હું વધુપડતું વિચારું છું... લગ્નજીવનમાં વફાદારીની મારી અપેક્ષા અક્ષતથી છૂપી નથી, અક્ષુએ એને તોડવાનું કારણ નથી...’
- ‘ના, એક કારણ છે : સંતાન!’
કૃતિ થથરી ગઈ. ‘લગ્નનાં આટલાં વરસેય મારો ખોળો ખાલી છે. બે વર્ષ અગાઉ મારા આગ્રહે આ સંદર્ભે અમે બેઉએ ટેસ્ટ કરાવેલી, બધું નૉર્મલ હતું એટલે બીજી કોઈ ટ્રીટમેન્ટ લેવાની જરૂર ન લાગી, પણ હવે થાય છે કે સંતાનની અધૂરપ તો અક્ષતને અન્ય સ્ત્રી તરફ નહીં ખેંચતી હોયને!’
- ‘ના, ના, અક્ષત જેવો આદર્શ પુરુષ ચલે એ સંભવ જ નથી. એમ સંતાન માટે હવે મોડું પણ કરવું નથી. આ વખતે અક્ષુને મેડિકલ ટ્રીટમેન્ટ માટે મનાવી લેવો છે... એ જ મારી બર્થ-ડે ગિફ્ટ!’
‘બાકી જેને મેં ચાહ્યો એમાં ખોટ સાંભળી જ ન શકે. શક્ય છે કે અક્ષત રૂમમાંથી બહાર નીકળ્યા હોય, હોટેલ-લૉબીમાં બીજી રૂમમાંથી નીકળેલી કોઈ બીજી સ્ત્રી કોઈ બીજા જ પુરુષને કહી રહી હોય...’
‘હાશ.’ આ આશ્વાસન જચી ગયું. ચહેરા પર લાલી પાછી ફરી. કપાળનો ચાંલ્લો ઝગમગી ઊઠ્યો.
lll
‘ધ્યાનથી સાંભળ.’
ડ્રેસિંગ-મિરર સામે ગોઠવાઈને હળવો મેકઅપ કરતી રિયાને અક્ષત કહેતો ગયો,
‘તને કદાચ ગયા અઠવાડિયાનો એક બનાવ યાદ હશે... અઢાર-ઓગણીસ વર્ષના મિત્રોના ગ્રુપમાં કોઈ એકનો બર્થ-ડે હતો. આજકાલના ટ્રેન્ડ પ્રમાણે મિત્રોએ બર્થ-ડે બૉય પર એગ્સ ફોડ્યા, કૅન્ડલ થમાવી, જેવો લોટ ફેંકે છે કે...
‘અગ્નિ ભડકતાં બર્થ-ડે બૉય સળગી ઊઠ્યો!’ રિયાએ વાક્ય પૂરું કરી ઉમેર્યું, ‘યા, મેં સાંભળેલું ખરું.’
‘બસ, તો આવું જ કંઈક બે દિવસ પછીની કૃતિની વરસગાંઠે થવાનું છે.’
આઇલાઇનર કરતી રિયાનો હાથ અડધે અટકી ગયો, ‘મતલબ?’
‘મતલબ એ જ કે આવા જ પ્રકારની ઘટના કૃતિ સાથે ઘટશે. તેની કેક પર વાઇનનું લેયર હશે, જે એક જ ચિનગારીથી સળગી ઊઠવાનો! કૃતિ જ્યારે કેકની કૅન્ડલ બુઝાવવા કેક પર ઝૂકશે ત્યાં જ હું હળવેકથી દીવાસળી ચાંપીશ અને અગ્નિ પ્રગટતાં કૃતિનો ચહેરો દાઝી જશે...’
આ દૃશ્યની કલ્પના રિયાને મગરૂર કરી ગઈ, ‘પણ કૃતિ દાઝવાથી શું થવાનું?’
‘સિમ્પલ, તે મારે લાયક નથી રહી એમ માનીને કૃતિ સામેથી મને છૂટાછેડા આપી દેશે!’
‘યા... કૃતિને જેટલી હું જાણું છું, આ સંભવ ખરું. સ્ત્રી પોતાની બદસૂરતી નથી સહી શકતી, કૃતિ જેવી સ્વમાની ઔરતને તો પતિની દયા પણ નહીં ખપે. તે સામેથી છૂટાછેડા માગશે એમાં સંશય નથી!’
રિયાના ઝગમગાટે અક્ષતના ચિત્તમાં પડઘો પડ્યો : ‘એ દહાડે જે થવાનું છે એ જોઈને તું ડઘાઈ જવાની રિયા!’
lll
‘જન્મદિન મુબારક!’
મધરાતે ૧૨ વાગ્યાના સુમારે અક્ષતે કૃતિને આલિંગન દઈને વિશ કર્યું, કૃતિની પાંપણ ભીંજાઈ. પરમ દહાડે અક્ષત વડોદરાથી મોડી રાતે પાછો આવ્યો ત્યાં સુધી કૃતિએ જાતને સમજાવી દીધેલી : ‘ટેલિફોન પર સંભળાયેલા એક વાક્યને કારણે મારો અક્ષુ પરનો વર્ષોનો ભરોસો તૂટી ન શકે. એમ હવે સંતાન બાબતે પણ મોડું નથી કરવું...’
‘વિચારેલું કે વર્ષગાંઠની સવારે રાબેતા મુજબ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન માટે જઈશું ત્યારે જ અક્ષતને વાત કરી મનાવી લઈશ... અને અક્ષત પણ ગઈ કાલે ને આજે એટલા વ્યસ્ત રહેલા કે નિરાંતનો અવકાશ જ નહોતો.’
‘મૅડમ, આ તો હજી શરૂઆત છે... સાંજે આપણી વિલામાં પાર્ટી રાખી છે. શમિયાણાથી માંડીને કેટરિંગ સુધીના ઑર્ડર્સ અપાઈ ગયા છે. સવાસો
જેટલા મહેમાનોને ઇન્વાઇટ પહોંચી ચૂક્યાં છે...’
‘હેં!’
‘સવારે મંદિરે, તારા પિયરે જઈશું, બપોરે પાર્લરવાળી આવશે. કાલે એવી તૈયાર થજે કૃતિ કે અપ્સરાને પણ ઈર્ષા થઈ આવે!’
કૃતિ અક્ષતને વળગી પડી ઃ ‘તમે તો તમે જ છો, અક્ષુ!’ પછી મનમાં ઉમેર્યું, ‘બસ, હવે અમારા સંસારમાં પા-પા પગલી માંડનારો આવી જાય પછી કોઈ અધૂરપ નહીં રહે!’
જન્મદિનની પાર્ટીમાં શું બનવાનું
છે એની કૃતિને ત્યારે ક્યાં ખબર
હતી?
આવતી કાલે સમાપ્ત